Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જે ડી કૉલિંગઃનવી સરકાર, છેલ્લા શબ્દો

જે ડી કૉલિંગઃનવી સરકાર, છેલ્લા શબ્દો

17 May, 2019 01:19 PM IST | મુંબઈ

જે ડી કૉલિંગઃનવી સરકાર, છેલ્લા શબ્દો

જે ડી કૉલિંગઃનવી સરકાર, છેલ્લા શબ્દો


આ લેખ એક ઐતિહાસિક લેખ બની શકે છે.

આ લેખમાં હું એવું કંઈક લખું, કહું અને એવું જ બને તો આપણે બધા ઇતિહાસના સહભાગી બની શકીએ, પણ આપણે એવું નથી કરવું. આપણે ઇતિહાસ અને ભૂગોળ કરતાં નાગરિકશાjા પર વધુ ધ્યાન આપીએ. આ દેશના નાગરિકોનું ભવિષ્ય એટલે કે આપણા બધાનું ભવિષ્ય આવતા ગુરુવારથી બદલાવાનું છે અને શુક્રવારે આપણને આપણા બદલાનારા ભાવિ વડા પ્રધાન વિશે ખબર હશે. જો પરિણામ એકતરફી હશે તો કદાચ શુક્રવારે આ કૉલમમાં તેમની વાતો પણ કરીશું અને નહીં હોય તો...



નહીં હોય તો પણ વધારે ચિંતા કરવાની જરૂર નથી. આપણો દેશ તો ભગવાન ભરોસે ચાલી શકે એવો છે જ. બધા બોલે છે કે આ દેશ ભગવાન ભરોસે જ ચાલે છે, ધર્મને નામે. આવું કહીને હું કોઈને એટલે કે કોઈને જ ટોણો નથી મારી રહ્યો, પણ હકીકત તરફ ધ્યાન દોરવાની કોશિશ કરી રહ્યો છું. આપણી આ જ પ્રકૃતિ છે. બાળકના જન્મથી લઈને, ‘હે ભગવાન મા અને સંતાન બન્નેની તબિયતનું ધ્યાન રાખજે’, ‘હે ભગવાન, સારી સ્કૂલમાં ઍડ્મિશન અપાવજે’, પરીક્ષા વખતે પણ ‘હે ભગવાન સારા માર્કથી પાસ થાય એનું ધ્યાન રાખજો’ અને પછી નોકરી કે આગળ જતાં છોકરો કે છોકરી મળે ત્યાં સુધી દરેક વાતમાં ભગવાનનનું નામ લઈને કામ કરતા હોઈએ છીએ. સાચું કહેજો, તમારામાંથી ભગવાનનું નામ લઈને કેટલાએ વોટ કર્યો, કેટલાએ ભગવાનને કહ્યું કે હે ભગવાન, હું જેને વોટ આપું તેને જિતાડી દેજે?
મોટા ભાગના લોકોનો જવાબ ના હશે, કારણ કે આપણને મનથી, લાગણીથી એવું છે જ નહીં કે આપણા મેમ્બર ઓફ પાર્લમેન્ટ કે વડા પ્રધાન આપણું ભવિષ્ય સુધારી શકે છે અને આ જ કારણે તો આ દેશના સરેરાશ ૩૫થી ૪૦ ટકા લોકો વોટ આપવા ગયા જ નથી. જે સાચું કે સારું નથી, નથી અને નથી જ. આપણે જ આપણા દેશના અને સારા ભવિષ્યના ઘડવૈયા બની શકીએ જો આપણે દર વખતે વોટિંગને સ્કૂલથી નોકરી કે ભાવિ જીવનસાથી જેટલું મહkવ આપીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે હે ભગવાન, સારા અને સાચા માણસને જ દેશનું સુકાન સોંપજે. બહુ જરૂરી છે કે ભારત જેવા વિવિધતા ભરેલા ૧૩૫ કરોડની વસ્તીવાળા દેશમાં એક સક્ષમ અને કુશળ નેતા હોય અને આ દેશ પાસે સ્ટેબલ સરકાર હોય. વાત આગળ વધારતાં પહેલાં એક નાનકડી સ્પષ્ટતા કરી દઉં કે આ કોઈ રાજનૈતિક આર્ટિકલ નથી જ નથી. જો એવો ઇરાદો હોત કે મારે તમને મારા વિચારોથી ઇન્ફ્લુઅન્સ કરવા તો હું આ આર્ટિકલ મુંબઈમાં વોટિંગ થયું એ પહેલાં લખ્યો હોત. ના, જરા પણ એવો વિચાર નથી અને મારી એવી કોઈ ભાવના પણ નથી. મારી દૃષ્ટિએ આ એક પારિવારિક આર્ટિકલ છે અને દરેક પરિવાર માટે જરૂરી કહેવાય એવો આર્ટિકલ છે. સારી સરકાર સારી રીતે દેશ ચલાવે તો આપણાં સંતાનોને ઊજળી તક મળે અને તેમનું ભવિષ્ય ઊજળું બને એની વાત છે. આ આપણા સૌની જવાબદારી છે. દેશને સારી સરકાર મળે એ પણ આપણી જવાબદારી છે અને દેશને સારા વડા પ્રધાન મળે એ જોવાની જવાબદારી પણ આપણી છે.
મારાં ૮૨ વર્ષનાં બાના બન્ને હાથમાં પ્લાસ્ટર છે. મારા બાપુજીને ૯૩મું વર્ષ ચાલે છે અને વ્હીલચૅર પર છે. આ અવસ્થા વચ્ચે પણ તેઓ બન્ને વોટ કરવા ગયાં હતાં. આ જહેમત તેમણે પોતાને માટે નહીં, પણ પોતાના પૌત્ર કિશન માટે લીધી હતી. આ જહેમત તેમણે પૌત્રી મિસરી અને કેસર માટે ઉઠાવી હતી. આ જે આપણે જહેમત લીધી હતી એનું પરિણામ હવે સૌકોઈની સામે આવશે અને આવતા અઠવાડિયાથી આપણા ભવિષ્યમાં એક ધીમો બદલાવ લાવશે, જે આવનારાં પાંચ વર્ષમાં આપણી જિંદગી ધીમે-ધીમે પણ મક્કમતા સાથે બદલતી રહેશે. આવતા શુક્રવારે આપણા વડા પ્રધાન નક્કી થઈ જશે અને એનો ચમકારો સૌથી પહેલાં સ્ટૉકમાર્કેટથી દેખાશે. હા, આપણા શૅર્સની વૅલ્યુ પર એની સીધી અને મક્કમ અસર દેખાશે. શૅર્સના ભાવો કદાચ ઉપર જશે અને જો ધાર્યું પરિણામ નહીં આવે તો નીચે જશે. જે લોકો વડા પ્રધાનના નામે અને પૉલિટિકલ પાર્ટી પર સટ્ટો રમ્યા હશે તેમની મિલકતમાં પણ બદલાવ આવશે. ક્રિકેટની રમતની જેમ રાજનીતિમાં પણ બેટિંગ આવતું હોય છે. મને એક બહુ લાંબો મેસેજ આવ્યો હતો, એમાં કયા નેતાને, કઈ પાર્ટીને કેટલી સીટ મળશે, એના ગઠબંધનમાં શું થશે એ ભાવ સહિત લખ્યું હતું. આવા મેસેજ તમને પણ આવ્યા હશે. આપણને મેસેજ આવે ત્યારે આપણે એવું ધારીએ આ બધું ખોટું હોય છે, પણ ના, એવું નથી. આવું બેટિંગ રમાતું હોય છે. આ વખતે તો બહુ જાણીતા એક સ્ટૉકબ્રોકરનું નામ પણ એમાં ઇન્વૉલ્વ હોવાની વાત બધા કરે છે. જે હોય એ, હું તો હંમેશા કહેતો આવ્યો છું કે પરસેવાની કમાણી સિવાયની એક પણ કમાણીની કોઈ કિંમત નથી એટલે ક્યારેય આ સટ્ટા કે જુગારના રસ્તે ચડવું નહીં.


મૂળ વાત પર આવીએ.

ગુરુ-શુક્રવારે આ દેશના વડા પ્રધાન તરીકે જેમનું પણ નામ જાહેર થશે તેમણે ખૂબ બધા સંબંધો બગાડ્યા છે અને ભવિષ્યમાં પણ તેમણે બગાડવા પડશે. અનેક પાર્ટીઓમાં મેં અતિ ઉગ્ર કહેવાય એવી દલીલો જોઈ-સાંભળી છે. વડા પ્રધાન તરીકે આ સારો અને વડા પ્રધાન તરીકે ફલાણી વ્યક્તિ સારી કે પછી રાજ કરવામાં આ પાર્ટી સારી કે પછી ફલાણી પાર્ટી સારી. આવી વાતોમાં લોકો પોતે અંગત રીતે ઝઘડી પડતા હોય છે. આવી ચર્ચામાં વૉટ્સઍપ-ગ્રુપમાંથી નીકળી જતા કે પછી કાઢી નાખવામાં આવતા લોકોને પણ જોયા છે. આપણે આ પૉલિટિક્સ કે પછી ઇલેક્શનને આટલું સિરિયસલી કેમ લઈએ છીએ એ વિશે તમે ક્યારેય વિચાર્યું છે ખરું?


કારણ કે આપણી બદલાતી જિંદગીનો આ બહુ મોટો ટર્નિંગ પૉઇન્ટ છે. આટલાં વર્ષોમાં ક્યારેય એવું નથી બન્યું કે નૉન-કૉન્ગ્રેસ સરકારના કોઈ નેતા ૧૦ વર્ષ સુધી વડા પ્રધાન રહ્યા હોય. આ વખતે એવી શક્યતા દેખાઈ રહી છે, જે સારી શક્યતાઓ છે. એક ઈમાનદાર, વ્યવહારકુશળ, નિ:સ્વાર્થ અને સક્ષમ નેતા દેશના અને દેશવાસીઓના ભવિષ્યને કેવી રીતે બદલી શકે છે એ જોવું હોય તો આપણે બહુ દૂર જવાની જરૂર નથી, પાડોશી પાકિસ્તાનને જ જોઈ લેવાનો છે. પાકિસ્તાન આજે સંપૂર્ણપણે દેવાંમાં ડૂબેલો છે, નોકરી અને વિકાસના અભાવે પાકિસ્તાનના યુવાનો ગુનાખોરી તરફ વળ્યા છે. કામ નહીં હોય, આજીવિકા નહીં હોય તો દેશવાસી ખોટા રસ્તે વળશે અને એ કામ જરા પણ અઘરું નથી, આવી ગુનાખોરી ક્યાંથી ક્યાં લઈ જાય છે એ આપણે સૌ જાણીએ છીએ. તમે જુઓ, આપણો પાડોશી દેશ પાકિસ્તાન ચીનની ભીંસમાં છે અને આપણે પાકિસ્તાનના અઝહરના ચુકાદામાં ચીનીઓને પણ હવે નમાવ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે આ બહુ મોટી સિદ્ધિ છે અને આપણને

એવા નેતાની જ જરૂર છે જે વિશ્વઆખાને કુશળતાથી સંભાળીને ભારતને જોઈએ એવું રિઝલ્ટ લાવી શકે.

આપણું ભવિષ્ય આપણા હાથમાં છે. વોટ આપતી વખતે ઈશ્વરનું નામ ન લીધું હોય તો હવે રિઝલ્ટના દિવસે લઈ લેજો, કારણ કે આ બદલાવનો સમય છે. એક પક્ષે માયાવતી, અખિલેશ, રાહુલ, મમતા જેવાં નેતાઓ છે તો બીજી બાજુ નરેન્દ્ર મોદી, અમિત શાહ, અરુણ જેટલી છે. આપણો દેશ હવે કઈ બાજુએ જઈ રહ્યો છે એ આપણે જોવાનું રહ્યું, પણ હા, જેમ પરીક્ષામાં જતાં પહેલાં સ્વજનને આપણે ‘બેસ્ટ ઑફ લક’ કહીને આપણે આપણું લક શૅર કરતા હોઈએ છીએ એમ તમે ઇચ્છતા હો એ નેતાઓને તમારું લક આપજો, બહુ લૂંટાઈ નહીં જાય તમારું.

આ પણ વાંચોઃ કુછ સહમા સા સહદેવ

મારું તો બહુ સ્પષ્ટ છે. ભેળસેળવાળી સરકાર નથી જોઈતી અને દેશનાં હિતોને માટે લેવાતા નર્ણિય માટે બીજા ચાર નેતાઓનું હિત જોવાય એ પણ મને નથી જોઈતું. ક્લીન અને ક્લિયર એક નેતા, એક લીડર મને જોઈએ છે અને હું મારાં બધાં ગુડ-લક તેમને સુપરત કરુંં છુ. આવતા ગુરુવારે પરિણામ દેશની ફેવરમાં હોય અને આપણે એક ‘સરસ નેતા - સરસ સરકાર’ના શાસન નીચે આવીએ અને આવતાં પાંચ વર્ષ આપણું ભવિષ્ય ઊજળું હોય એવી ઇચ્છા સાથે આજે વિરામ લઉં છું. મળીશું આવતા શુક્રવારે, દેશના નવા ભવિષ્ય સાથે.
જય હિન્દ.

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2019 01:19 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK