Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > નક્કી થયું કે ખઝાના શરૂ કરીશું પણ ઉમદા હેતુ અકબંધ રહેશે

નક્કી થયું કે ખઝાના શરૂ કરીશું પણ ઉમદા હેતુ અકબંધ રહેશે

09 December, 2020 04:48 PM IST | Mumbai
Pankaj Udhas

નક્કી થયું કે ખઝાના શરૂ કરીશું પણ ઉમદા હેતુ અકબંધ રહેશે

પુરાની યાદેં: ‘ખઝાના’ ફરીથી શરૂ થયા પછીની એક ઝલક જેમાં (ડાબેથી) અનુરાધા પૌડવાલ, મિતાલી સિંહ, ભૂપિન્દર સિંહ, રેખા ભારદ્વાજ, સુરેશ વાડકર, પિનાઝ મસાણી અને હું દેખાઈએ છીએ.

પુરાની યાદેં: ‘ખઝાના’ ફરીથી શરૂ થયા પછીની એક ઝલક જેમાં (ડાબેથી) અનુરાધા પૌડવાલ, મિતાલી સિંહ, ભૂપિન્દર સિંહ, રેખા ભારદ્વાજ, સુરેશ વાડકર, પિનાઝ મસાણી અને હું દેખાઈએ છીએ.


૧૯૮૬માં ‘ખઝાના’નો અંત આવ્યો અને બધા પોતપોતાના કામે લાગી ગયા. બધાની સામે કરીઅર હતી અને બધાનાં કામ ખૂબ સારી રીતે ચાલતાં હતાં પણ મેં તમને અગાઉ કહ્યું એમ, અમે જે ‘ખઝાના’ના જે ખાસ પાર્ટ હતા, ‘ખઝાના’નો જે મહત્ત્વનો કહેવાય એવો હિસ્સો હતા એ ત્રણ એટલે કે હું, અનુપ જલોટા અને તલત અઝીઝ અમે ત્રણે મિત્રો હતા અને એ મિત્રતાને લીધે અમે નિયમિત મળતા રહેતા. કોઈ ને કોઈ જગ્યાએ મળતા રહીએ અને કાં તો પછી અગાઉથી નક્કી કરીને અમે ત્રણ મળીએ.

મને યાદ છે કે ૧૯૯૯-૨૦૦૦ની પાર્ટીમાં સોની ટીવીની એક પાર્ટી હતી. એ પાર્ટીમાં હું, અનુપ અને તલત મળ્યા, ગુજરાતીમાં કહીએ તો અમે ભટકાઈ ગયા. અમે ત્રણ વાતોએ ચડ્યા અને એમાંથી વાત નીકળી ‘ખઝાના’ની. મિત્રો, મને અહીં એક જૂની વાત પણ તમને બધાને યાદ દેવડાવવી છે. અગાઉ મેં એના વિશે તમને બધાને કહ્યું છે. અમારી સિન્ગિંગ લાઇનમાં અમને ત્રણને બધા અમર, અકબર, ઍન્થની કહે. અમને ત્રણને આ ઉપનામ પણ બીજા કોઈએ નહીં આપણા જાણીતા રાઇટર જાવેદ અખ્તરે આપ્યાં હતાં. સંગીતની દુનિયામાં અમે ત્રણ જણ તીકડી તરીકે પણ ઓળખાવા લાગ્યા હતા. તીકડી એટલે ત્રણ જણની જોડી. એક જ ક્ષેત્ર, એક જ સ્ટાઇલનું સિન્ગિંગ હોવા છતાં અમે ત્રણેય એકબીજાના જિગરી મિત્રો તરીકે દુનિયાને પણ ધીમે-ધીમે દેખાવા લાગ્યા. સોનીની આ જે પાર્ટીની હું વાત કહું છું એની અગાઉ પણ એક વખત અમે ત્રણ અનાયાસે દિલ્હીમાં મળી ગયા હતા.



બન્યું એમાં એવું હતું કે એક વખત દિલ્હીમાં મારો કાર્યક્રમ હતો. હું દિલ્હી પહોંચ્યો ત્યારે ખબર પડી કે એ જ સાંજે અનુપ જલોટાનો પણ કાર્યક્રમ છે. થોડી વાર પછી તલતનો ફોન આવ્યો એટલે એ પણ ખબર પડી કે એનો પણ પ્રોગ્રામ છે અને એ પણ દિલ્હીમાં જ છે. હું તાજમાં ઊતર્યો હતો. ફોન પર જ બધાએ નક્કી કર્યું કે પ્રોગ્રામ પૂરો કરીને બધાએ તાજ પહોંચવાનું. નક્કી કર્યા મુજબ બધા રાત સુધીમાં તાજમાં પહોંચી ગયા અને પછી અમારા ગપાટા શરૂ થયા. વાત-વાતમાં હૉમોર્નિયમ નીકળ્યું અને ગાવાનું શરૂ થયું. પહેલાં તલતે પોતાની નવી ધૂનો અને ગઝલો સંભળાવી તો પછી અનુપભાઈએ હાથમાં હાર્મોનિયમ લીધું, પછી તો પછી મેં પણ હાથ અજમાવ્યો અને એમ કરતાં સવાર પડી ગઈ. ત્રણ જણ એવા એકબીજાના મોટામાં મોટા પ્રતિસ્પર્ધી અને એ પછી પણ અમારામાંથી કોઈને એવો અહેસાસ પણ નહીં કે અમે બધા શું કરીએ છીએ અને શું કામ કરીએ છીએ. ખૂબ મજા કરી. એકબીજાનું ગાવાનું માણીને ખૂબ આનંદ લીધો. એ જ દિવસે અમે વાત-વાતમાં નક્કી કર્યું કે આપણી વચ્ચે અન્ડરસ્ટૅન્ડિંગ છે, આટલો પ્રેમ છે, આવી યારી છે તો સાથે મળીને કંઈક કરીએ. વાત અહીં પૂરી થઈ ગઈ અને અચાનક મ્યુઝિક ઇન્ડિયાના ‘ખઝાના’ના દિવસોની વાતોએ વળગી ગયા અને તલત અને અનુપે એક અવાજે કહ્યું કે હમેં ઐસા કુછ કરના ચાહિએ.


એ સમયે વાત થઈ અને પછી તો પાછા બધા પોતપોતાના કામે લાગી ગયા અને આવી નિરાંત અમને ફરી મળી જેની વાત કરું છું એ સોનીની પાર્ટીમાં. ત્રણે વાતોમાં ચડ્યા અને એ વાતોમાં વાત અચાનક જ નીકળી ફરી અમારા ‘ખઝાના’ની, ત્રણેએ એક જ સૂરમાં કહ્યું કે ‘ખઝાના’માં જે મજા આવતી એ બહુ યાદ આવે છે. તાજમાં દિલ્હીમાં પણ આ જ વાત થઈ હતી અને એ જ વાત ફરી પાર્ટીમાં થઈ. ‘ખઝાના’ના આરંભથી અંત સુધીમાં અમે બધા એનો ખૂબ આનંદ લેતા. પ્રૅક્ટિસ હોય કે પછી રિયાઝ હોય, ટ્રાવેલિંગ હોય કે પછી શોના દિવસનું ટેન્શન હોય અમે બધા સાથે મળીને જે ધમાલ કરતા, જે મસ્તી થતી અને ગઝલ ગાવાનો જે આનંદ આવતો એ ખરેખર અદ્ભુત હતો. હવે એ આનંદ નથી મળતો. હવે એ ધમાલ, મસ્તી કે ખુશી નથી મળતી. અમે ત્રણેત્રણ ‘ખઝાના’ને બહુ મિસ કરતા હતા. વાત-વાતમાં મેં સહજ રીતે, બહુ જ સરળતા સાથે બન્નેને કહ્યું કે આપણે ફરીથી ‘ખઝાના’ શરૂ કરીએ તો કેવું રહે? અનુપે તરત જ જવાબ વાળ્યો અને કહ્યું કે ઠીક છે, તું જો કહેતો હોય તો આપણે કરીએ પણ એમાં લીડ તું લે, અમે તમારી સાથે છીએ.

મેં તરત જ તલતની સામે જોયું તો તલત પણ કહે, હા, તું લીડ લે અને આપણે સાથે આગળ વધીએ. અમને કોઈ વાંધો નથી.


પાર્ટી પૂરી કરીને સૌ પોતપોતાના ઘરે ગયા. હું પણ ઘરે આવ્યો અને રાત્રે એ જ વિચારો સાથે પથારીમાં ગયો અને ‘ખઝાના’ કેવી રીતે શરૂ થઈ શકે એ વિચાર સાથે જ સૂતો. મનમાં ચાલતા આ જ વિચાર સાથે બીજી સવારે હું જાગ્યો.

મેં વિચાર્યું કે ‘ખઝાના’નું જે ફૉર્મેટ હતું એમાં એના બે હિસ્સા હતા. એક તો ‘ખઝાના’ તાજ હોટેલમાં કરતા અને બીજું કે એ સમયે ‘ખઝાના’ આપણે ફિઝિકલી ચૅલેન્જ્ડ બચ્ચા માટે કરેલો. કહેવાનો ભાવાર્થ એ જ કે ‘ખઝાના’ ફરીથી આવે ત્યારે પણ કોઈ એવા જ ઉમદા હેતુથી એ જ થવો જોઈએ. મેં હવે એ દિશામાં વિચારવાનું શરૂ કર્યું અને એ તરત જ મારી આંખ સામે આવ્યું કે હું ૧૯૮૨થી એટલે કે અંદાજે ત્રીસક વર્ષથી મુંબઈસ્થિત કૅન્સર પેશન્ટ એઇડ અસોસિએશન સાથે જોડાયેલો છું અને સમય જતાં એ સંસ્થાનો પૅટ્રન પણ બન્યો છું. આ સંસ્થા કૅન્સરના પેશન્ટ માટે અદ્ભુત કામ કરી રહી છે. આવી જ બીજી એક સંસ્થા છે જે થૅલેસેમિયાના બચ્ચાની સારવાર અને એની જાગૃતિ માટે વિશ્વમાં કામ કરી રહી છે અને એ સંસ્થા મેં ૧૯૮૭માં જૉઇન કરી એટલે કે એને પણ ખાસ્સો સમય થઈ ગયો. આ સંસ્થાનું નામ પેરન્ટ્સ અસોસિએશન થૅલેસેમિક યુનિટ ટ્રસ્ટ, જેને અમે શૉર્ટમાં બધા PATUT (પટુટ) કહીએ છીએ. આગળ જતાં આ સંસ્થાના ચૅરમૅન તરીકે પણ મને ઇલેક્ટ કરવામાં આવ્યો અને છેલ્લાં કેટલાંક વર્ષોથી હું આ સંસ્થાના પ્રેસિડન્ટ તરીકેની જવાબદારી નિભાવી રહ્યો છું. થૅલેસેમિક પેશન્ટને બચાવવા માટે મારો ઘણો સમય ફાળવ્યો છે અને મને એક વાતનો આનંદ છે કે આ સંસ્થા દ્વારા ઘણાં સારાં કામો થયાં છે જેની ચર્ચા આપણે ભવિષ્યમાં પણ કરીશું. અત્યારે આપણા મૂળ વિષય પર એટલે કે ‘ખઝાના’ના નવા જન્મ પર આવીએ.

મને એમ જ વિચાર આવ્યો કે આપણે જો ‘ખઝાના’ ફરી શરૂ કરીએ તો આ બે સંસ્થા માટે કરીએ જેથી આ સંસ્થાને આર્થિક રાહત મળે અને એ તેમના ઉમદા કામને વધારે સારી રીતે આગળ વધારી શકે. ઈશ્વરની દયાથી ૧૯૮૧થી ૨૦૦૦ના સમયગાળામાં અમે ત્રણે ખૂબ નામ, પ્રસિદ્ધિ અને અને પૈસા કમાયા હતા. મેં વાત તલત અને અનુપને કરી, બન્ને તરત જ સહમત થયા અને નક્કી કર્યું કે આપણે મકસદ ઉમદા છે કે આ બે સંસ્થાની મદદ કરીએ અને આ ઉમદા હેતુને ધ્યાનમાં રાખીને આપણે આ પ્રોગ્રામમાંથી કોઈ જાતના નામ-ફેમ કે પૈસાની ઇચ્છા નહીં રાખીએ.

એક મત પર આવ્યા પછી મને બીજો વિચાર આવ્યો કે ૧૯૮૧ની સાલમાં હું સાવ નવોસવો નિશાળિયો કહેવાય એવો કલાકાર. ખૂબ બધાં સપનાં લઈને, મહેચ્છા લઈને હું ‘ખઝાના’નાં પ્લૅટફૉર્મ પર બેઠેલો. મને થયું કે નવજવાનિયા જે ગઝલની દુનિયામાં, સંગીતની દુનિયામાં કંઈક કરવા ઇચ્છતા હોય તો તેમના માટે એક પ્લૅટફૉર્મ ક્રીએટ કરીએ જેના થકી તે પોતાની કલા દુનિયાને બતાવી શકે. બધાને ખબર છે કે મુંબઈ એક એવી જગ્યા છે જ્યાં રેકગ્નિશન મળે તો આખી દુનિયામાં તમને સ્થાન મળે છે, દુનિયા આખી તમને સ્વીકારે છે. બધા આ વિચાર સાથે પણ સહમત થયા અને નક્કી થયું કે ‘ખઝાના’માં આપણે નવા ચાર કલાકારોને રજૂ કરવા. પહેલાં ‘ખઝાના’ ત્રણ દિવસ માટે થતો હતો પણ હવે એ શક્ય નહોતું, સમય આખો બદલાઈ ગયો હતો. હવે લોકો ધીરજથી સતત ત્રણ દિવસ બેસી શકે એવી શક્યતા નહોતી લાગતી એટલે નક્કી કર્યું કે ત્રણને બદલે આપણે બે દિવસનો પ્રોગ્રામ કરીએ. સૌ સહમત પણ હજી અનેક મોટા પ્રશ્ન ઊભા હતા.

‘ખઝાના’ કરીએ ક્યાં, કેવી રીતે કરીએ અને કયા સમયે કરીએ?

આટલો મોટો કાર્યક્રમ કરવા માટે અમારી પૈસા હતા નહીં અને કાર્યક્રમમાંથી તો આર્થિક ઉપાર્જનની વાત હતી નહીં એટલે અમારી નવી સ્ટ્રગલ શરૂ થઈ, જેની વાતો આપણે કરીશું આવતા બુધવારે.

(આ લેખોમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)

Whatsapp-channel Whatsapp-channel

09 December, 2020 04:48 PM IST | Mumbai | Pankaj Udhas

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK