Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તેનામાં તો બુદ્ધિ જ નથી

તેનામાં તો બુદ્ધિ જ નથી

04 October, 2019 03:17 PM IST | મુંબઈ
સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

તેનામાં તો બુદ્ધિ જ નથી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


સાચેસાચું કહેજો, દિવસમાં કેટલી વખત વાઇફને ઉતારી પાડો છો? કેટલી વખત તેને ગમાર ગણો છો અને કેટલી વખત તેને મૂર્ખીમાં ખપાવો છો?

દુનિયાનો આ દસ્તુર છે અને આ દસ્તુરને લીધે જ મોટા ભાગની અર્ધાંગનાઓના માથા પર ડફોળ અને મૂર્ખનું સ્ટિકર લાગ્યું છે, પણ એક હકીકત દરેક પુરુષ ભૂલી ગયો છે કે તેની બૈરીમાં બુદ્ધિ નથી એટલે જ તેમનો ઘરસંસાર આજ સુધી ચાલ્યો છે. તે ડફોળ છે એટલે જ આજ દિવસ સુધી ઘરના તમામ વ્યવહારો સચવાયેલા રહ્યા છે. વાઇફ મૂર્ખ છે. સાચું જ છે અને તેની એ મૂર્ખામીને લીધે જ તમારી બહેનો, તમારા ભાઈઓ અને તમારાં માબાપ માટે તે જોતરાયેલી રહી છે. તે ઘનચક્કર છે. સાચું જ છે તમે આપેલું આ સ્ટિકર, પણ તે ઘનચક્કર છે એટલે જ તમારા છોકરાઓ મોટા થઈ ગયા અને તમને એની ખબર પણ પડી નહીં. હકીકત સ્વીકારવાની ક્ષમતા નથી એટલે તમે સ્વીકારી નથી શકતા કે તમારાથી વધારે વ્યવહારપણું તેનામાં છે અને એ વ્યવહારુપણાને લીધે જ તમારો સંસાર કંસાર જેવો મધમીઠો રહ્યો છે. તેને વૉટ્સઍપ વાપરતાં નથી આવડતું અને એની તમને શરમ છે, પણ જરા વિચારો, તે વૉટ્સઍપ વાપરતાં શીખી જાય તો તમારાં કેટલાં છાનગપતિયાં તે પકડી પાડે? તે લૅપટૉપ વાપરતી નથી, મેઇલ ઍડ્રેસ તેણે ક્યારેય રાખ્યું નથી; પણ જરા વિચારો, એક વખત જો તે મેઇલ કરતી થઈ ગઈ તો તમારું જ પુરુષાતન જોખમાશે અને એની તમને પોતાને ખબર છે. લૅપટૉપમાં કાયમ લૉગ ઇન રહેતી તમારી મેઇલ જો તે એક વખત વાંચતી થઈ તો તમે અંધેરી કે પાર્લાની કઈ હૉસ્પિટલમાં પહોંચી જશો એનો અણસાર એક વખત તમે જ કાઢી લેજો. યાદ રાખજો, ભલે કહેવાતું કે જીવનસંસાર ચલાવવા માટે બન્ને પૈડાં સરખાં હોવાં જોઈએ. પણ ના, વાસ્તવિક જીવનમાં એવું નથી. હકીકત એ જ છે કે એક પૈડાએ ઇચ્છા-અનિચ્છાએ પણ બીજાની સાથે ચાલવાનું હોય છે અને એ ચાલવા માટે તેણે કોઈ જાતની બુદ્ધિ વાપરવાની નથી હોતી.



જરા વિચારો, એક પૈડું ઉત્તરમાં જવાની તૈયારી કરતું હોય ત્યારે બીજાને દક્ષિણ ભારતનાં દર્શનનું મન થાય તો શું થાય? જરા વિચારો, એકને મુંબઈ જવું હોય ત્યારે બીજા પૈડાને રાજસ્થાનની ભૂમિનો અવાજ સંભળાય અને એ રાજસ્થાનની દિશામાં ભાગવા માટે તલપાપડ થઈ જાય તો શું થાય? પૈડાં સમાન નહીં, પણ પૈડાંની વિચારધારા સમાન હોવી જોઈએ અને સમાન વિચારધારા માટે એકનું ડફોળ હોવું આવશ્યક છે. આ જ કારણે ડફોળ બનવાની વણમાગી જવાબદારી મોટા ભાગની વાઇફ સ્વીકારી લે છે. નાનપણ ક્યારેય જોયું ન હોય, માણ્યું ન હોય અને એ પછી પણ બાળકોને મોટાં કરવાની વિકટ જવાબદારી જે ઉપાડી શકે એ શું મૉડર્નાઇઝેશનને અપનાવી ન શકે? જે બાળકોને સ્માર્ટ બનાવી શકે તે પોતે એક સ્માર્ટફોનમાં પારંગત ન બની શકે? જે સહજપણે અને સરળતા સાથે આખા ઘરને ચલાવી શકે તે શું એક લૅપટૉપને ચલાવતાં ન શીખી શકે? ના, શીખી શકે અને એમાં માસ્ટરી પણ લઈ શકે, પણ વાઇફને પણ ખબર છે કે એ ન શીખવામાં જ ભલાઈ છે. તેને સમજાય છે કે જે સમયે તે પોતાનું બુદ્ધિચાર્તુય દેખાડશે એ સમયે તેનામાં રહેલી મહેચ્છા જાગશે અને જે સમયે એ મહેચ્છા જાગશે એ સમયે મનમાં દ્વંદ્વ શરૂ થશે અને દ્વંદ્વ કંસાર રહેલા સંસારને અસાર બનાવી દેશે. પૈડું પોતાની દિશા માગશે, પોતાની મંઝિલ શોધશે અને એ શોધવાની પ્રક્રિયા જો ચાલુ થશે તો જીવનભર સાથે રહેવાનો જે કોલ આપ્યો છે એ તૂટશે.


નથી તૂટવા દેવો એ કોલ અને એટલે સ્વીકાર્ય છે મૂર્ખામીનું લાગેલું સ્ટિકર, એટલે સ્વીકાર્ય છે ડફોળ તરીકે પ્રસ્થાપિત કરવામાં આવેલી પોતાની પ્રતિમા. યાદ રાખજો, જે સમયે વાઇફ એ પ્રતિમા તોડી નાખશે એ સમયે જીવનમાં ટૉર્નેડો આવી જશે અને એ ઝંઝાવાત સ્વીકારી નહીં શકો એ સ્તર પરનો હશે. પતિદેવને એની કલ્પના નથી અને એ કલ્પના કરવાનું કામ પણ વાઇફે પોતાના શિરે રાખ્યું છે. તેને ખબર છે કે એ પછી સંતુલન નહીં રહે, બધું વજન નૌકાની એક સાઇડ પર આવી જશે અને નાવ ઊંધા માથે નદીમાં ખાબકશે. નથી ખાબકવા દેવી એ નાવ. એ ઇચ્છા તેની ભલે રહી, પણ જવાબદારી બન્નેની છે. નાવ ડૂબે નહીં એનો પ્રયાસ ભલે વાઇફનો રહ્યો, પણ એનો જશ બન્ને પક્ષને મળવાનો છે અને જશ સામે જ વિરોધ છે.

આ પણ વાંચો : પૉઝિટિવ ઍટિટ્યુડ : સાથી હાથ બઢાના, એક અકેલા થક જાએગા, મિલ કર બોજ ઉઠાના...


જેને તમે આખી જિંદગી ડફોળ, મૂર્ખ માનો છો તેનું એ રૂપ સાચું ભલે રહ્યું, પણ સચ્ચાઈ તો એ જ છે કે એ રૂપની દિશામાં ચાલવાનું કામ તો વાઇફે પોતે જ કર્યું છે. એક જ હેતુ સાથે કે મારો માનસિક વિકાસ જો આ સંબંધને મુરઝાવી દેતો હોય તો મને એ વિકાસ મંજૂર નથી. સાયન્સ કહે છે કે બાળકના જન્મ સમયે થનારી પીડા ઍક્સિડન્ટ સમયે એકસાથે થતાં ૧૪ ફ્રૅક્ચર બરાબરની હોય છે. જે વાઇફ એ પીડા સહન કરવાની ક્ષમતા ધરાવે છે એ વાઇફ તમારાં આ સ્ટિકરોનો ભાર સહન નથી કરી શકતી અને એટલે જ તેને એમાંથી મુક્તિ આપો અને સ્વીકારો કે તેની મૂર્ખામીને કારણે જ તમારો સંસાર અહીં સુધી પહોંચ્યો છે. કબૂલ કરો કે જો તે ડફોળ ન હોત તો આજના જીવનના આ સ્તર સુધી તમે ન પહોંચી શક્યા હોત. રાતે દસ-બાર અને બે વાગ્યે ઘરમાં આવનારા પતિદેવને શાક ગરમ કરી આપનારી વાઇફને પણ ખબર છે કે પતિદેવને બે હાથ છે અને બુદ્ધિનો ભંડાર પણ અખૂટ છે. ગરમ ખાવું હશે તો પણ તે કરી જ શકે છે, પણ ના, એવું ધારવાને બદલે તે જાત બાળવાનું પસંદ કરે છે. બંધ કરો તેને ઊતરતી ગણવાનું. ખાસ કરીને વાઇફને ઊતરતી ગણવાનું. ઊતરતાં રહેવાનો એ સ્તર તેણે જાતે પસંદ કર્યો છે અને એને જ લીધે તમે ચડિયાતા બન્યા છો. તેને ખબર જ છે કે તે મૂર્ખ છે અને એટલે તે આજે પણ તમારી સાથે એક છત નીચે છે.

કોઈ જાતની ફરિયાદ વિના.

Whatsapp-channel Whatsapp-channel

04 October, 2019 03:17 PM IST | મુંબઈ | સોશ્યલ સાયન્સ - રશ્મિન શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK