Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગુજરાતીઓની અધૂરી ઓળખ ભૂંસવાની જવાબદારી આપણી છે

ગુજરાતીઓની અધૂરી ઓળખ ભૂંસવાની જવાબદારી આપણી છે

09 February, 2021 02:20 PM IST | Mumbai
Taru Kajaria

ગુજરાતીઓની અધૂરી ઓળખ ભૂંસવાની જવાબદારી આપણી છે

ગુજરાતીઓની અધૂરી ઓળખ ભૂંસવાની જવાબદારી આપણી છે

ગુજરાતીઓની અધૂરી ઓળખ ભૂંસવાની જવાબદારી આપણી છે


‘ઓહ! તમે ગુજરાતી છો?’
‘હા.’
‘આ યુવાન સીએ અમારા ઑર્ગેનાઇઝેશનમાં ફાઇનૅન્સ ડિવિઝનમાં છે.’
એક ફિલ્મના સેટ પર મળેલા એ યુવાનના સાથીએ તેની ઓળખાણ આપી અને એ સાંભળતાં જ દસ-બાર બિનગુજરાતી વ્યાવસાયિકોના એ જૂથમાંથી ટપોટપ કમેન્ટ્સ વરસવા લાગી, ‘અરે હાસ્તો વળી, ગુજરાતી હોય પછી પૂછવાનું જ શું? બિઝનેસ અને ફાઇનૅન્સ.’ ‘નાણાંનું નામ પડે ત્યાં ગુજરાતી જ હોય.’ ‘ગુજરાતીની ઓળખ એટલે રૂપિયા-પૈસા અને બીજી થેપલાં-ફાફડા.’ ‘હિસાબમાં તો ગુજરાતીઓને કોઈ ન પહોંચે. ભારે પાક્કા હોં!’ ‘હા...રે. દરેક પ્રોજેક્ટ ચુસ્તીથી કન્ટ્રોલ કરે. અને અમારે બધાએ સૌથી પહેલાં તો આ સાહેબને જ પકડવા પડે.’ પેલી સાથીએ ટાપસી પુરાવી.
પહેલી જ વાર તે જૂથના લોકોને મળતી હતી અને તેઓ અંદરોઅંદર જ વાત કરતાં હોઈને વચ્ચે બોલવાનું મને યોગ્ય નહીં લાગ્યું અને જે યુવાન સીએના સંદર્ભે આ ચર્ચા શરૂ થયેલી તેને કદાચ પોતાની વ્યાવસાયિક સજ્જતામાં પોતાનું ગુજરાતીપણું ઉમેરો કરતું હોવાનો પોરસ પણ અનુભવાયો હોઈ શકે. પરંતુ દેખીતી સામાન્ય જણાતી આ બધી કમેન્ટ્સ શું વાસ્તવમાં પણ એવી નિર્દોષ હોઈ શકે? ખરું કહું તો એક ગુજરાતી તરીકે એ બધી ટિપ્પણીઓ સાંભળતાં હું કોઈ ગર્વ નહોતી અનુભવી રહી. અનેકાનેક ગરવા અને ગરથવિહોણા ગુજરાતીઓની છબી મારા માનસપટ પર ઝળકી રહી હતી જેમનું પ્રદાન માત્ર ગુજરાત કે દેશમાં જ નહીં, દુનિયામાં પણ ગૌરવથી યાદ કરાય છે. અગિયારમી સદીમાં થઈ ગયેલા મહાન કવિ, ગણિતજ્ઞ, વૈયાકરણી, દાર્શનિક, ઇતિહાસવિદ અને પૉલિમૅથ (અર્થાત્ અનેક વિષયોમાં પાંડિત્ય ધરાવનાર) આપણા જૈન સંત હેમચંદ્રાચાર્ય વિશે તેમને ક્યાંથી ખ્યાલ હોય? પંદરમી સદીમાં રચાયેલા આપણા એક પદને એકવીસમી સદીમાં (૨૦૧૮માં) દુનિયાના સવાસો જેટલા દેશોના ગાયક કલાકારોએ ગાયું હતું એ યાદ છેને? એ ગાતી વખતે એના શબ્દોની અખિલાઈ અને સદ્ભાવનાં સ્પંદનો એકેએક કલાકારે ઝીલ્યાં હતાં. એ સદાબહાર ભજનના રચયિતા સંત કવિ નરસિંહ મહેતા પણ ગુજરાતી હતા. બ્રિટિશ સલ્તનતના વર્ચસમાંથી અહિંસક ક્રાન્તિના શસ્ત્ર દ્વારા દેશને આઝાદ કરવાની હાકલ કરનાર ગાંધી પણ ગુજરાતી હતા અને ૧૯૪૭માં સાડાપાંચસોથી વધુ રજવાડાંના રાજવીઓને ભારતમાં સામેલ થવા સમજાવી આઝાદ ભારતની અખંડિતતા અકબંધ રાખવા મથેલા એકલવીર સરદાર પણ ગુજરાતી જ હતા. ચાલો, માન્યું એટલી બધી જૂની અને દૂરની વાતો ક્યાંથી યાદ હોય? પણ આ વીસમી સદીની વાત તો તાજી જ હોયને? હજી પાંચ દાયકા પહેલાં જ આ ધરતી પરથી વિદાય થયેલા ભારતના અવકાશ કાર્યક્રમના જનક તરીકે ઓળખાયેલા વિદ્વાન વિજ્ઞાની વિક્રમ સારાભાઈ પણ ગુજરાતી હતા. અને બીજાં તો અઢળક ગુજરાતીઓનાં ઉદાહરણો છે જેમણે નાણાં કે નફાની પરવા કર્યા વગર પોતાના પૅશન પાછળ પાગલ થઈને સતત આપતાં રહીને પોતાની શરતે જિંદગી જીવી છે અને એવડા એની જિંદગી સમાજને રળિયાત કરી ગઈ છે. પરંતુ બિનગુજરાતી માહોલમાં બિનગુજરાતીઓને જ્યારે પણ ગુજરાતીઓ યાદ આવે છે ત્યારે તેમની જુબાન પર માત્ર ‘પક્કા બિઝનેસમૅન’ કે ‘બનિયા ગુજરાતીઓ’નાં નામ જ આવે છે!
બિઝનેસની કુનેહ હોવી એ ચોક્કસ એક આવડત છે, આશીર્વાદ છે અને બધાને કંઈ એ નસીબ નથી હોતી. અને એ કાબેલિયતનું વરદાન જો કોઈ કમ્યુનિટીને મળેલું હોય તો એ ચોક્કસ વધાવવા જેવું છે, પરંતુ એ વરદાન હેઠળ તેમની અન્ય તમામ લાક્ષણિકતાઓ અને સિદ્ધિઓને ગુમનામ કરી દેવાય તો એ અન્યાય છે. આજે જ્યાં જઈએ ત્યાં ગુજરાતીઓ માટે ‘થેપલાં, ઢોકળાં, ખાખરા’ જેવાં ઉપનામો પ્રયોજાય કે તેમની ઓળખ વ્યાપારી કે બનિયા સુધી સીમિત કરી દેવાય એ યોગ્ય નથી. ટોચના ઉદ્યોગપતિઓ ગુજરાતી પ્રજાએ આપ્યા છે તો આલા દરજ્જાના સર્જક, કલાકાર, સાહિત્યકાર, વિજ્ઞાની, સંગીતજ્ઞ, નર્તક, મુત્સદ્દી, સમાજસેવક કે રાષ્ટ્રભક્ત નેતાઓ પણ નિપજાવ્યા છે. પરંતુ વ્યાપક સ્તરે તો ઉપર કહ્યું એવી વ્યાપારી કુનેહને જ ગુજરાતીઓ સાથે સાંકળી દેવાઈ છે. અને ગુજરાતીઓનું બ્રૅન્ડિંગ થઈ ગયું છે.
આ બ્રૅન્ડિંગ માટે કોઈને દોષ આપીને આપણી ખુદની જવાબદારીમાંથી છટકી શકાય એમ નથી. ગુજરાતીઓ વિશે આવી આંશિક સચ્ચાઈ ધરાવતી કમેન્ટ થાય છે ત્યારે ભાગ્યે જ આપણામાંનું કોઈક એની સામે વિરોધ કે નારાજગીનો સૂર વ્યક્ત કરે છે. ક્યારેક અજાણ્યાઓ વચ્ચે થતી વાતમાં વચ્ચે કેમ બોલાય એવો સંકોચ આપણને કંઈ પણ બોલતાં અટકાવી દે છે તો ક્યારેક આપણી આવી બાબતો પ્રત્યેની ઉદાસીનતા આપણને કોઈ પણ સ્ટૅન્ડ લેતાં અટકાવે છે. પણ આ બન્ને પરિસ્થિતિઓને સ્વીકારી લીધા બાદ પણ ગુજરાતીઓ વિશેની આ માન્યતા બદલી શકવાની શક્યતા છે. હા, મને લાગે છે કે ગુજરાતીઓની ઉપર વર્ણવી એ અને એ સિવાયની પણ અઢળક ટૅલન્ટને યોગ્ય રીતે પ્રોજેક્ટ કરવામાં આપણે ગુજરાતીઓ ઊણા ઊતર્યા છીએ. આજના સોશ્યલ મીડિયાના બહોળા વ્યાપના જમાનામાં એ કામ ઝડપથી થઈ શકે. ગુજરાતીઓની સંપત્તિના આંકડાની જે રીતે જાહેરાતો થાય છે એ જ રીતે વિદ્વાન કે પ્રતિભાવંત ગુજરાતીઓનાં સંઘર્ષો અને સિદ્ધિઓને પ્રસિદ્ધિ નથી મળતી. ગુજરાતની કલા, ખુમારી, ઉદારતા કે બલિદાનની વાતો દુનિયા સુધી પહોંચાડવાની ફરજ આપણી નથી? આજ સુધી એ કામ થવું જોઈએ એટલી અને એવી રીતે નથી થયું અને એના જ કારણે ગુજરાતીઓની એક મર્યાદિત ઓળખ દુનિયાની નજરમાં સ્થાપિત થઈ છે. આજે સોશ્યલ મીડિયા જ્યારે સૌના ટેરવે સુલભ બની ગયું છે ત્યારે આપણે ધારીએ તો વિશ્વના ફલક પર ગર્વથી એ હકીકત રજૂ કરી શકીએ કે ગુજરાતીઓ પર માત્ર લક્ષ્મીની કૃપા જ નથી વરસી, સરસ્વતીએ પણ તેમના પર અસીમ હેત વરસાવ્યું છે. ગુજરાતીઓ દ્વારા ખેડાયેલાં સાહિત્ય, સંગીત, કળા, વિજ્ઞાન, અધ્યાત્મ, સામાજિક ઉત્થાન અને સેવાનાં ક્ષેત્રો અગણિત પાસાદાર પ્રસંગો અને વ્યક્તિત્વોથી ઝળહળે છે. એ બધા વિશે શક્ય એટલી જાણકારી ગુજરાતી ઉપરાંત અન્યભાષી મીડિયામાં પણ વહેતી કરી શકાય તો ગુજરાતીઓની વર્તમાન અધૂરી અને ઊણી ઓળખને ભૂંસી શકાય.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

09 February, 2021 02:20 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK