Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > જરૂરી નથી કે આજે સોનું જ ખરીદવું

જરૂરી નથી કે આજે સોનું જ ખરીદવું

13 November, 2020 04:37 PM IST | Mumbai
J D Majethia

જરૂરી નથી કે આજે સોનું જ ખરીદવું

 પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હા, લોકવાયકા મુજબ આજના દિવસે કોઈ પણ મેટલ ખરીદીને અવસર સાચવી શકાય છે, પણ સોનું ખરીદવા જાઓ અને એ આજે મોંઘું લાગે તો યાદ રાખજો કે આવતી ધનતેરસે તમને તમે જ બુદ્ધિશાળી પણ લાગશો. આપ સૌને દિવાળીના પર્વની શુભેચ્છા સાથે આજના આર્ટિકલની શરૂઆત કરું છું. 

દિવાળીના કેટલા બધા અર્થ છે. શાબ્દિક, સગવડિયા અને ઇચ્છિત, સમયાંતરે બદલાતા. દીવાથી દિવાળીની શરૂઆત થાય અને અને શાળાની રજાથી એનો આરંભ થાય. ઑફિસમાં વેકેશન, ફૅમિલી હૉલિડે, દેશમાં ઉત્સવની ઉજવણી, ફટાકડા, મિત્રો, મીઠાઈ અને મારી ગયા અંકની કવિતામાં લખેલું બધેબધું. આ મહામારીને લીધે જ દિવાળીમાં ઘણુંબધું બદલાયું એવું નથી. વર્ષોથી આ પ્રક્રિયા ચાલતી આવે છે અને ધીમે-ધીમે પણ મોટા પાયે બધું બદલાયું છે. યાદ રાખજો કે બદલાવ જ એક કૉન્સ્ટન્ટ છે. આપણે જ આપણી અને આસપાસની દુનિયામાં સતત બદલાવ લાવતા હોઈએ છીએ, જાણતાં-અજાણતાં, ઇચ્છતાં-અનિચ્છતાં ઘણુંબધું બદલાઈ જતું હોય છે. આ બદલાવ પર કોઈક વાર આપણે આખો આર્ટિકલ કરીશું પણ આજે વાત કરવાની છે દિવાળીના દિવસોની.



diwali
નાસ્તા બનાવ્યા, ઘૂઘરા, ચોરાફળી અને ચેવડો. આ વખતે અધિક માસને લીધે દિવાળી થોડી મોડી આવી એટલે સહેજ ઠંડક વર્તાય છે, મુંબઈમાં નહીં તો ગુજરાતમાં અને બીજાં રાજ્યોમાં તો વર્તાય જ છે એટલે અડદિયા પણ બનવાનું શરૂ થઈ ગયું હશે અને મૂળમાં બન્યું હોય કે ન બન્યું હોય, પણ પોતાનો મૂડ બદલજો અને દિવાળીની મજા કરજો. તહેવારોમાં આજે ધનતેરસ છે અને આમ તો આ વર્ષે કૅલેન્ડરમાં ધનતેરસ, રૂપ ચૌદસ, દિવાળી અને ઘણુંબધું ભેગું છે તો અલગ-અલગ લોકોનાં પંચાંગ મુજબ પણ ચેન્જ છે. તમે જે ફૉલો કરતા હો, જે માનતા હો એ તમારો દિવસ જોઈ લેજો. આ બધી વાતમાં મને બહુ ખબર ન પડે એટલે મારે તો મારા ભાઈઓ અને ભાભીઓને ફોન કરવા પડે કે આજે આપણે કયો ઉત્સવ છે અને એ મુજબ હું આગળ વધુ. આમ હું તો ઈમાનદાર માણસ છું એટલે તમને બધાને કહી દઉં કે મને ભાન ન પડે, પણ તમને આ બધું પૂનમ, તેરસ, કાળી ચૌદસ, બેસતું વર્ષ આ બધું શુ કામ છે અને એની પાછળની લોકવાયકા શું છે એની ખબર હશે, પણ મને આ આર્ટિકલ લખતાં થયું કે લાવને હું પણ શોધું અને મને એક સરસમજાની વાર્તા મળી. આ ધનતેરસના દિવસે આપણે સોનું કેમ ખરીદતા હોઈએ છીએ?
મારી પત્ની દરેક વખતે કહે કે આપણે સોનું લઈએ અને હું દર વખતે કહું, શું કામ? ધનતેરસના દિવસે સોનું સૌથી વધારે મોંઘું હોય. લગભગ બધા પતિદેવોનો આ જ જવાબ હશે, સિવાય અમુકનો જેને કદાચ મને જે વાર્તા આજે ખબર પડી એની પહેલેથી ખબર હશે અને એવા પણ છે જેને પોતપોતાની માન્યતા મુજબ સોનું લેવું હશે અને એ ભેગું કરવું હશે. ગયા વર્ષે ધનતેરસે સોનું લીધું હોય ત્યારે એ ભલે મોંઘું લાગ્યું હોય, પણ આજે એ સસ્તું લાગતું હશે તો મારે તમને કહેવું છે કે લેવાનું ફક્ત સોનું જ નથી, વાયકા એવી છે કે તમે કોઈ પણ મેટલ લઈ શકો. આ સોના-ચાંદીની શરૂઆત ક્યાંથી થઈ એની વાત કરું.
હિમા નામનો એક રાજા હતો. રાજાને કોઈકે કહ્યું કે તારો પુત્ર લગ્નના ચોથા દિવસે મૃત્યુ પામશે. એક હિંમતવાળી છોકરીએ કહ્યું કે હું લગ્ન કરીશ અને તેણે રાજાના દીકરા સાથે લગ્ન કર્યાં અને ચોથા દિવસે ઘરની બહાર તેણે ખૂબબધા દીવા લગાડ્યા અને આંગણામાં સોના-ચાંદીના સિક્કા પાથરી દીધા. મૃત્યુના દેવતા યમરાજ સર્પ બનીને આવ્યા, પણ દીવડા અને દીવડાનું જે રિફ્લેક્શન પેલા સિક્કા પર પડતું હતું એનાથી તેમની આંખો અંજાઈ ગઈ અને તેઓ જીવ લીધા વગર પાછા જતા રહ્યા. આમ તેણે પોતાના પતિનો જીવ બચાવ્યો અને ત્યારથી લોકવાયકા શરૂ થઈ ગઈ કે મેટલ બહુ મહત્ત્વનું છે અને એ તમારા માટે બહુ શુભ છે.
ધીમે-ધીમે લોકો પોતાની રીતે મેટલને ઘરમાં વસાવવા માંડ્યા અને એને શુભ માનીને લોકોએ ધનતેરસના દિવસે સોનું લેવાનું શરૂ કર્યું. એ પ્રથા આજના સમયે પણ ફૉલો થતી આવી છે. પોતાની શક્તિ મુજબ સોનું લેવાનું અને ન લઈ શકો તો ચાંદી, તાંબું, સ્ટીલ પણ લઈ શકો અને ન લઈ શકો તો પણ કોઈ વાંધો નથી. મને પણ યાદ નથી કે મેં ધનતેરસને કેન્દ્રમાં રાખીને ક્યારેય મેટલ કે સોનું લીધું હોય. બાકી સોનું લેવાનું તો સારું જ છે. ભૂતકાળમાં પત્નીની વાત માની લીધી હોત તો આજે સારું એવું હોત. મેં નથી માની, તમે તમારું જોઈ લેજો.
કાળી ચૌદસને અમે વૈષ્ણવો રૂપ ચૌદસ કહીએ. અમારો ઉત્સવ હોય તેરસ પછીનો આ દિવસ. ઘણા માને છે કે આ દિવસે ઘરમાંથી કકળાટ કાઢવાનો હોય. જે લોકો માનતા હોય તેમની વાત છે. નાનપણમાં મેં જોયું છે કે ચાર રસ્તે વડાં મૂકે, આગળ-પાછળ પૂરા માન સાથે કંઈક છાંટે. તમે જો માનતા હો તો એવી જગ્યાએ જઈને મૂકજો, હજી લોકો ફૉલો કરતા હોય છે કે એનાથી ઘરનો કકળાટ જશે. આમ પણ સારા દિવસોમાં ઘણુંબધું થતું હોય. લોકો ઘરમાં જ હોય. આ ઘરમાં તો લૉકડાઉનથી છીએ, પણ આ પ્રસંગે ઘરમાં હોઈએ અને નાનું ઘર હોય, વધારે લોકો હોય તો કકળાટ થવાનો, ઘર્ષણ થવાનો. ઘરની સાફસફાઈ બાકી હોય, થાક્યા હોય, મિષ્ટાન્ન બનાવવાનું હોય, સ્ત્રીઓ પર ઑલરેડી કામનો બોજ હોય, ફટાકડા અને બીજું શૉપિંગ થયું હોય એટલે પુરુષોનાં ખિસ્સાં અને કમાતી સ્ત્રીઓ પર પણ ભાર હોય અને આ બધાને લીધે મન પર પણ ભાર હોય, સાથે ઉત્સવનો મૂડ હોય એટલે બધાને એમ જ હોય કે બધી ખુશીઓ લઈ લેવી એમાં ક્યાંક કંઈક ઓછું પડે તો કકળાટ થઈ જાય તો જઈને વડાં મૂકીને એ કકળાટને કાઢી નાખવાનો અને નહીં તો મનમાં એ વડાં મૂકી દેજો કે ચાર-પાંચ દિવસ થોડું ચલાવી લઈશ, પણ કકળાટ નહીં થવા દઉં.
આ દિવાળીનું કોઈ રેઝોલ્યુશન લેવું હોય તો આ લેજો કે આ વખતે હું એકબીજાનું ચલાવી લઈશ, પણ ઘરમાં કકળાટ નહીં થવા દઉં. એ જ બેસ્ટ રસ્તો છે સેલિબ્રેટ કરવાનો.


Whatsapp-channel Whatsapp-channel

13 November, 2020 04:37 PM IST | Mumbai | J D Majethia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK