Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પરિસ્થિતિથી થોડા ઉપર ઊઠી જવું

પરિસ્થિતિથી થોડા ઉપર ઊઠી જવું

24 January, 2021 08:14 AM IST | Mumbai
Kana Bantwa

પરિસ્થિતિથી થોડા ઉપર ઊઠી જવું

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


જ્યારે તોફાન આવે છે ત્યારે અન્ય પક્ષીઓ હાંફળાંફાંફળાં થઈ જાય છે, પણ ગરુડ જરાય ચિંતિત થતું નથી. પહાડીની ટોચ પર બેઠેલું ગરુડ પોતાની વિશાળ પાંખો ફેલાવે છે, હવા પર સવાર થાય છે અને વરસાદી તોફાનથી પણ ઉપર, જ્યાં વાતાવરણ શાંત હોય છે એ ઊંચાઈએ પહોંચી જાય છે. મેઘગર્જના અને અતિવૃષ્ટિ ધરતીને ધમરોળી નાખે છે. પશુ-પક્ષીઓ, વૃક્ષો, માનવીઓનો સોથ વાળ્યા પછી તોફાન શાંત થાય ત્યારે ગરુડ નીચે આવે છે. તોફાનની એને જરાય અસર થતી નથી, કારણ કે તે થોડું વધુ ઉપર જતું રહે છે. ગરુડ આમ પણ ઘણી વધુ ઊંચાઈએ ઊડનાર પક્ષી છે, પણ વરસાદી ચક્રવાત વખતે એ થોડું વધુ ઊંચે ઊડે છે અને તોફાન શાંત થાય ત્યાં સુધી પોતાની ઊંચાઈ જાળવી રાખે છે.

બન્ને બાબતો મહત્ત્વની છે; થોડું વધુ ઊંચે ચડવું અને ઊંચાઈ જાળવી રાખવી. થોડું વધુ ઊંચે રહેવું મુશ્કેલ નથી, પણ ઊંચાઈ જાળવી રાખવી મુશ્કેલ છે. માણસની સમસ્યા જ એ છે કે તે ઊંચાઈ જાળવી રાખી શકતો નથી. તે બહુ જલદી નીચે ઊતરી જાય છે. બહુ જ ક્ષુલ્લક કારણ તેને પોતાની ઊંચાઈથી નીચેની પાયરીએ ઉતારી દઈ શકે છે. સામાન્ય સંજોગોમાં સારપ જાળવી રાખવી, મન પર કાબૂ રાખવો, ગુસ્સાને નિયંત્રણમાં રાખવો, ઉત્તેજિત ન થવું, શાંતિ રાખવી એ બધું બહુ સરળ છે, પણ અસામાન્ય સંજોગોમાં સારપને અક્ષુણ્ણ રાખવી, મનને નિયંત્રિત રાખવું, અશાંત ન થવું, સ્થિર રહેવું એ ચૅલેન્જ છે. તમામ પૉઝિટિવિટી સામાન્ય સંજોગોમાં જ અસ્તિત્વમાં હોય છે. સંજોગો જરા પણ સામાન્ય થયા કે સારી બાબતો ઓગળવા માંડે છે અને અંદરનું પશુ દેખાવા માંડે છે. ઉપરનો ઢોળ ધોવાઈ જાય છે અને અંદરની ભયંકરતા ખુલ્લી થવા માંડે છે. સંસ્કારોનો રંગ ઊતરી જાય છે અને અંદરનો અસંસ્કારી રાક્ષસ ત્રાડ નાખે છે. મોટા ભાગના મનુષ્યને સારાપણું, સદ્‍વર્તન, સંસ્કારીપણું, સદ્ભાવ, સદ્‍વર્તાવ વગેરે ધરાર શીખવવામાં આવેલી બાબતો છે. પરિસ્થિતિ બદલાવાની સાથે જે બદલાઈ જાય છે તેને પશુમાંથી માણસ બનાવવા માટે કડક તાલીમ અપાઈ છે એમ સમજવું. જે પોતે સારો છે તે પરિવર્તિત થતો નથી. અસામાન્ય સંજોગોમાં પણ તે પોતાનું સત્ત્વ જાળવી રાખે છે. આપણે આવા માણસને સ્થિર કહીએ છીએ. આ સ્થિરતા બહુ વિરલ ચીજ છે, બધામાં હોતી નથી. સ્થિરતાના આધારે માણસને ત્રણ વિભાગમાં વહેંચી શકાય. સામાન્ય સ્થિતિમાં સ્થિર, ગમે તે સ્થિતિમાં સ્થિર અને સામાન્ય સ્થિતિમાં પણ અસ્થિર. એવા પણ માણસો હોય છે જે સામાન્ય સ્થિતિમાં પણ સ્થિર રહી શકતા નથી. તેઓ સતત ડામાડોળ રહે છે અને પોતાની આસપાસના સંપૂર્ણ વાતાવરણને હાલકડોલક રાખે છે. સામાન્ય સ્થિતિમાં અસ્થિર રહેનાર માણસને લાગે છે કે પરિસ્થિતિ સતત બદલાતી રહે છે, પડકારો અને જોખમો સતત આવતાં રહે છે. હકીકત એ હોય છે કે આવી વ્યક્તિઓને સાવ નગણ્ય બાબતો પણ હચમચાવી મુકે છે. ક્ષુલ્લક બાબતોથી તે વિક્ષિપ્ત થઈ જાય છે. બેબાકળા બની જાય છે. નજીવી ઘટના તેને વિચલિત કરી મૂકે છે. નાની બાબતોને તે મહત આફત તરીકે જુએ છે અને ઝઝૂમવાનું માંડી વાળે છે.



સંજોગો અસામાન્ય થાય ત્યારે સ્થિરતા ગુમાવતા લોકોની સંખ્યા કદાચ સૌથી વધુ હોય છે. તેઓ પોતાની આસપાસનું વાતાવરણ બાંધી રાખીને બેઠા હોય છે. જરા જેટલી પણ અસલામતી ન આવી જાય એ માટે પૂરતો બંદોબસ્ત રાખે છે. ભવિષ્યની વ્યવસ્થા રાખે છે. કમ્ફર્ટ ઝોન નામનો કિલ્લો ચણી રાખે છે તેઓ. આ કિલ્લામાંથી બહાર નીકળતાં તેઓ ડરે છે એટલે સ્વયંભૂ કેદ ભોગવતા રહે છે. જો તેના સુરક્ષાચક્રને કોઈ ભેદે તો તેઓ ફફડી જાય છે. તેના કિલ્લાના કાંગરામાંથી એક-બે ઇંટ ખરે તો પણ તે ભયભીત થઈ જાય છે. તેઓ ઇચ્છતા રહે છે કે સંજોગો હંમેશાં સમાન જ રહે, સદાય એકધારા રહે. પણ વાસ્તવિક જીવનમાં એવું થવું સંભવ નથી. ગમે એટલી વ્યવસ્થા કરવામાં આવે તો પણ પરિસ્થિતિ પલટાય છે. ત્રીજા પ્રકારના લોકો અસામાન્ય સંજોગોમાં પણ સ્થિરતા જાળવી રાખે છે અને સફળ થાય છે.


એક રાજા હતો. રાજા હોય એટલે કાચા કાનનો હોવાની સંભાવના હોય જ. આપણો રાજા પણ શાણો છતાં કાચા કાનનો હતો. રાજાનો પ્રધાન હોશિયાર અને ઠરેલ માણસ. પ્રધાનના હિતશત્રુઓએ રાજાની ચડામણી કરી કે પ્રધાન ભ્રષ્ટ છે અને રાજ્યની તિજોરીને બદલે પોતાનું ઘર ભરે છે. રાજાએ સૈનિકોને બોલાવીને હુકમ કર્યો કે પ્રધાનના ઘરે જઈને કહી દો કે આવતી કાલ સુધીમાં દેશ છોડીને જતા રહેવું, નહીંતર ફાંસીએ લટકાવી દેવામાં આવશે. સૈનિકો પહોંચ્યા ત્યારે પ્રધાનના ઘરે પૌત્રના જન્મદિવસનો ઉત્સવ શરૂ થઈ રહ્યો હતો. ઢોલ-શરણાઈઓ વાગવા માંડી હતી, મહેમાનો આવી પહોંચ્યા હતા, નૃત્ય સમારંભ અને ભોજન સમારંભની તૈયારીઓ થઈ ગઈ હતી. રાજાનો હુકમ પ્રધાનને મોટા અવાજે કહી સંભળાવવામાં આવ્યો. વાતાવરણમાં સોપો પડી ગયો, પણ પ્રધાને ઉત્સવ ચાલુ રાખવાનું કહ્યું. નાચગાન થયાં, ભવ્ય ભોજન સમારંભ પણ યોજાયો. રાજાએ જ્યારે જાણ્યું કે દેશ છોડવાના આદેશ છતાં પ્રધાન વિચલિત ન થયો એટલે તેણે પ્રધાનને બોલાવ્યો અને પૂછ્યું કે તમે આવું કેમ કર્યું? પ્રધાને ઉત્તર આપ્યો,  ‘આપનો આદેશ થયો એટલે દેશ છોડવાનો જ છે. આવતી કાલે દેશ છોડવાનો હોય એ માટે આજનો સમય શા માટે ખરાબ કરવો? મેં ઉત્સવ રદ કર્યો હોત તો પણ પરિસ્થિતિમાં કોઈ ફરક પડવાનો નહોતો. ઊલટું ચિંતા અને વ્યથા જ વધવાની હતી. રાજાને સમજાયું કે આટલા ઠરેલ, સ્થિર પ્રધાનને ગુમાવવો પોસાય નહીં, તેણે પ્રધાનની સજા રદ કરી. પ્રધાન જો વિચલિત થઈ ગયો હોત, હાંફળોફાંફળો થઈ ગયો હોત, દોડાદોડ કરવા માંડ્યો હોત તો તેનો દેશનિકાલ નિશ્ચિત જ હતો, પણ તેની સ્થિરતાએ તેને બચાવી લીધો.

પરિસ્થિતિ જ્યારે વણસે ત્યારે નીચે ઊતરી જવાને બદલે થોડા ઉપર ચડો. થોડા અપ થાઓ. ખરાબ સ્થિતિમાં નીચે ઊતરી જવું એ તો સામાન્ય છે, પણ એ વખતે સમતા જાળવીને પોતાની ઊંચાઈ થોડી વધારી લેશો તો તમને એવું ઘણું જોવા મળશે જે તમને તોફાનમાં દેખાતું નહોતું. ગરુડ જ્યારે વાદળોથી ઉપર જાય છે ત્યારે એને સંપૂર્ણ પરિસ્થિતિ એકદમ ચોખ્ખી દેખાય છે. જ્યારે તમે પરિસ્થિતિથી ઉપર ઊઠીને જુઓ ત્યારે તમને બધું જ સ્પષ્ટ દેખાય છે અને તમે વધુ પરિપક્વ, વધુ સારા, વધુ ફાયદાવાળા નિર્ણય લઈ શકો છો. તમે તોફાનની અંદર હો ત્યારે તમે કશું જોઈ શકતા નથી. તમારી દૃષ્ટિ બાધિત થઈ ગઈ હોય છે, ધૂંધળી થઈ ગઈ હોય છે. ત્યારે તમે તોફાનને લીધે આમતેમ ફંગોળાતા હો છો, તમારી પ્રાયોરિટી બચવાની હોય છે ત્યારે તમે કશું મોટું કે અલગ વિચારી શકતા નથી, પણ જ્યારે તમે એનાથી થોડા ઉપર જતા રહો છો ત્યારે તમને તેની થપાટો અસ્થિર કરતી નથી. તમે પાંખ ફેલાવીને ગ્લાયડિંગ કરતા ઇગલની જેમ સ્વસ્થ, સ્થિર રહીને સ્થિતિનું આકલન કરી શકો છો.


મુદ્દો અહીં એ છે કે થોડું ઉપર ઊઠવું કઈ રીતે? જ્યારે તમે ઘેરાયેલા હો, તોફાન તમને પછાડી દે એમ હોય ત્યારે તો જે છે એ સ્થિતિ જાળવી રાખવી પણ મુશ્કેલ હોય છે, ઉપર જવાનો તો સવાલ જ કેમ પેદા થાય? અહીં જ ચાવી છે. અહીં જ રસ્તો છે. આપણે પરિસ્થિતિથી ડરીને વધુ પડતું વિચારવા માંડીએ છીએ અને એને લીધે પોતાની તાકાતનો પૂર્ણ ઉપયોગ કરતા નથી. જ્યારે સંપૂર્ણ ક્ષમતા વાપરવાનો સમય હોય છે ત્યારે જ આપણે સંકોચાઈ જઈએ છીએ. આપણી પાંખો સંકોરી લઈએ છીએ. બહુ થોડો પ્રયત્ન જરૂરી છે થોડા વધુ ઉપર જવા માટે. તમે જે મહેનત કરો છો એના કરતાં થોડી વધુ મહેનત કરવાની છે. જરા જેટલો વધુ પ્રયાસ કરશો તો થોડા વધુ ઉપર જવાનું જરા પણ અઘરું નથી. તોફાનમાં ઘેરાયેલા રહેશો તો વરસાદ અને પવનની થપાટો તમને એટલું નુકસાન કરશે કે તમે પોતાનું વાસ્તવિક સ્થાન પણ ગુમાવી દેશો. એ નુકસાન બહુ જ મોટું હશે. પરિસ્થિતિની વચ્ચે રહીને પાયમાલી ભોગવવી એ સૌથી ખરાબ નિર્ણય છે. ખરાબ પરિસ્થિતિમાં હાથ બાંધીને બેઠા રહેવાથી પણ નુકસાન તો થવાનું જ છે. એટલે જ્યારે સંજોગો ખરાબ થાય ત્યારે એમાંથી નીકળવા માટે ઊંચે કૂદકો મારવો એવું નથી કે હુ ખરાબ પરિસ્થિતિમાં જ આવું કરવું જોઈએ. દરેક સ્થિતિ જે વિપરીત હોય, ચૅલેન્જિંગ હોય એમાં ઘેરાયેલા રહેવાને બદલે એની ઉપર રહેવું. તમને આદત પડી જશે સ્થિતિની ઉપર રહેવાની ત્યારે નિયંત્રણ તમારા હાથમાં હશે, પરિસ્થિતિના નહીં.

Whatsapp-channel Whatsapp-channel

24 January, 2021 08:14 AM IST | Mumbai | Kana Bantwa

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK