વિરામ અને વિકાર : હૈદરાબાદમાં વિકૃતિ દેખાડનારાઓને સજા આપીને દેશમાં દાખલો બેસાડવાની આવશ્યકતા

Published: Dec 02, 2019, 11:23 IST | Manoj Joshi | Mumbai

મેરે દિલમે આજ ક્યા હૈઃ બળાત્કારીઓને જ્યારે શનિવારે પકડાયા ત્યારે આરોપીઓ પર કબજો લેવા માટે હૈદરાબાદ પોલીસ સ્ટેશનની બહાર ભીડ ઊમટી પડી હતી. એક જ માગણી હતી કે ‘એ આરોપીઓને સોંપી દેવામાં આવે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

આપણે સ્વાસ્થ્યને લગતી વાતો કરતા હતા, પણ એ વાતોમાં એક દિવસનો વિરામ લઈને આગળ વધીએ. જરૂરી છે, વધુ આવશ્યક છે એવું કહું તો પણ કંઈ ખોટું નથી. હૈદરાબાદ. નિઝામના આ શહેરમાં એક ઘટના એવી બની જે વાંચતાં અને ટીવી પર જોતાં શરીરનું એકેએક રૂંવાડું કાંપી ગયું. ડૉક્ટર સ્તરની વ્યક્તિ પર બળાત્કાર કરી એ બળાત્કાર પછી તેની હત્યા કરવી અને હત્યા પછી એ લાશને બાળી નાખવી. માનવીય મૂલ્યોની હત્યા સમાન આ ઘટના છે. આ ઘટના સાથે સંકળાયેલા જેકોઈ લોકો છે તેમની અરેસ્ટ થઈ ગઈ છે અને તેમને બાર દિવસના રિમાન્ડ પણ આપી દેવામાં આવ્યા છે, પણ એ રિમાન્ડ જેટલા સમયમાં તો આ કેસનું જજમેન્ટ આવવું જોઈતું હતું. ૧૦૦ આરોપી ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ. તમારા દેશના સંવિધાનમાં આ જોગવાઈ છે, પણ એ જોગવાઈ કેવા સમયમાં અને કેવા સંજોગોમાં થઈ હતી એ પણ વિચારવાની જરૂર છે.
એ ૫૦નો દાયકો હતો. એ સમયે ગુનાઓ આ પ્રકારે નહોતા થતા, વિકૃતિઓ પણ આવી નહોતી અને વિકૃતિઓ જન્માવે એવું કશું મટીરિયલ પણ નહોતું, પણ આજનું વાતાવરણ જુદું છે. સોશ્યલ મીડિયાથી માંડીને ડિજિટલ પ્લૅટફૉર્મ પર એવું-એવું સાહિત્ય આવી ગયું છે જે એકધારી વિકૃતિ વધારવાનું કામ કરી રહી છે. જો આવતા સમયમાં હજી પણ કાયદાના રસ્તાને વધારે આકરો ન બનાવ્યો તો એવું બનવાનું છે કે વિકૃતિઓ રસ્તા પર નગ્ન નાચ કરશે અને આપણી બહેન-દીકરીઓને ઘરની બહાર નીકળવાનું અઘરું બની જશે.
બળાત્કારીઓ જ્યારે શનિવારે પકડાયા ત્યારે આરોપીઓ પર કબજો લેવા માટે હૈદરાબાદ પોલીસ સ્ટેશનની બહાર ભીડ ઊમટી પડી હતી. એક જ માગણી હતી કે ‘એ આરોપીઓને સોંપી દેવામાં આવે.’ પણ પોલીસ એવું કરી શકી નહીં. ભીડને હટાવવા માટે આરોપી પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને એ પછી પોલીસ-સ્ટેશનમાં જ કોર્ટ બોલાવવામાં આવી. આ શું સૂચવે છે, શું દેખાડે છે? જરા વિચારો, પૂછો જરા તમારા અંતરાત્માને.
સમય આવી ગયો છે કે આવું હીન કૃત્ય કરનારાઓને તાત્કાલિક સજા મળે. ફેંસલો ઑન ધ સ્પૉટ આવે અને આવા વિકૃત આરોપીઓને એ જ ઘડીએ લટકાવી દેવામાં આવે. બહુ વાજબી છે એ રીત, બહુ જરૂરી છે એવો ચુકાદો. આ જ માગણી છે દેશભરની, આ જ ડિમાન્ડ છે આ દેશની. જો તમે નહીં ઇચ્છો તો એક દિવસ એવો આવી જશે કે પ્રજા ઉશ્કેરાઈને પગલાં ભરશે. હું તો કહીશ કે એ પણ ખોટું નહીં કહેવાય. તમે પ્રજાની ધીરજની સતત પરીક્ષા કરી રહ્યા છો. એક તરફ ‘બેટી બચાવો’ની માગણી થઈ રહી છે અને બીજી તરફ બેટીઓ સાથે આવી વિકૃત હરકતો થઈ રહી છે. હૈદરાબાદ તો શું, દેશમાં ક્યાંય પણ આવી ઘટના ન ઘટે એને માટે જાગ્રત થવાનું છે અને આ જાગૃતિનું પહેલું પગલું છે સજા. આકરામાં આકરી સજા આપવાની નીતિ અપનાવવાનો સમય આવી ગયો છે. જો હવે નહીં જાગીએ તો પ્રજા જાગશે અને પ્રજા જાગશે તો પ્રશાસન માટે બહુ મુશ્કેલી ઊભી થઈ જશે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK