હવે એ જાણવું અગત્યનું બની ગયું છે કે સોશ્યલ મીડિયા પર કેટલું સોશ્યલ બનવું

Published: 14th January, 2021 11:43 IST | Manoj Joshi | Mumbai

મુદ્દો એ છે કે એ લોકો તમારો કયો અને કેવો ડેટા વાપરે એની ચીવટ હવેથી તમારે રાખવાની છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ સ્માર્ટલી કરવાનો આવી ગયો છે અને એમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

જે પ્રકારે વૉટસએપથી દુનિયા ભાગતી થઈ છે એ દર્શાવે છે કે સોશ્યલ મીડિયા પર હવે અમુક પ્રકારની સેલ્ફ ડિસિપ્લિન ઊભી કરી દેવાનો સમય આવી ગયો છે. વૉટસએપ આજે, હમણાં કહ્યું કે પોતે આ ડેટાનો પ્રોફેશનલી ઉપયોગ કરી શકે છે અને એ કરશે પણ ખરાં, પણ રખે એવું માનવું નહીં કે અન્ય સોશ્યલ મીડિયા ક્યાંય અને ક્યારેય તમારા ડેટાનો ઉપયોગ કરશે નહીં. ના, એવું બનવાનું નથી અને ભવિષ્યમાં એ પણ તમારા ડેટાનો ઉપયોગ કરે એવું બની શકે છે. વૉટસઅૅપે જાહેર કરેલી પૉલિસીને લીધે આજે એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે ટેલિગ્રામ નામની એક ચેટ-અૅપને તડાકો પડી ગયો અને એને ત્યાં બધાનો ધસારો શરૂ થઈ ગયો તો નવી આવેલી સિગ્નલ નામની એક અૅપ પર પણ અઢળક લોકોનો ધસારો શરૂ થઈ ગયો, પણ વારંવાર એક જ વાત કહેવાની કે એ અૅપ અત્યારે તમારો ડેટા યુઝ નહીં કરે, પણ ભવિષ્યમાં એને પણ તમારો ડેટા ઉપયોગ કરવાની મધલાળ મનમાં આવવાની જ છે અને ડિજિટલ વર્લ્ડમાં ડેટા જ શિરમોર રહેવાનો છે. જેની પાસે જેટલો મોટો ડેટા એટલી મોટી સદ્ધરતા.
મુદ્દો એ છે કે એ લોકો તમારો કયો અને કેવો ડેટા વાપરે એની ચીવટ હવેથી તમારે રાખવાની છે. સ્માર્ટ ફોનનો ઉપયોગ સ્માર્ટલી કરવાનો આવી ગયો છે અને એમાં ભૂલ ન થાય એનું ધ્યાન રાખવાનું છે. બને એટલો ઓછામાં ઓછા ફાઇનૅન્શિયલ કામોમાં તમારો સ્માર્ટ ફોન વપરાય એ જોવાનું છે તો સાથોસાથ એ પણ જોવાનું છે કે ઓછામાં ઓછી પર્સનલ વાતો સ્માર્ટ ફોન પર થાય. પર્સનલ કે પછી ઇન્ટિમેટ રીલેશનશિપથી તો સ્માર્ટ ફોનને દૂર જ રાખવાનો હોય પણ ધારો કે એમાં બેદરકારી દાખવતાં હતાં તો હવેથી એવી બેદરકારી દાખવવાની નથી. તમારી એ બેદરકારીનું બહુ ખરાબ પરિણામ તમારે ભોગવવાનું આવી શકે છે અને એ આવશે ત્યારે તમારી પાસે મોઢું સંતાડવાની પણ જગ્યા નહીં હોય માટે એ બાબતમાં પણ ચીવટ રાખવાની છે.
ઘરની આવશ્યકતા શું છે અને કેવી છે એ વાતને પણ હવે સોશ્યલ મીડિયાને દર્શાવવાની નથી. ગ્રોસરી જેવી કે પછી કપડાં જેવી રોજબરોજના જીવનમાં જોડાયેલી ચીજવસ્તુઓ પૂરતી તો હજુ પણ એક વખત છૂટ લઈ શકાય, પણ એનાથી આગળ બિલકુલ જવાનું નથી. ડાયમન્ડથી માંડીને ઓર્નામેન્ટ્સ જેવી મોંઘીદાટ ચીજવસ્તુઓ ખરીદવા કે વેચવા માટે સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવાનો નથી, એ ઉપયોગ મોંઘો પડી શકે છે અને એ પડ્યો પણ હોય એવા દાખલાઓ પણ જગતમાં અઢળક નોંધાયા છે. લોનની ઇન્ક્વાયરી પણ કરવાની નથી. ચારેક દિવસ પહેલાં જ આપણે લોન-સ્કૅમના નવા મોડ્યુઅલ વિશે વાત કરી એટલે એના પુનરાવર્તનમાં નથી જવું પણ તમારી લોન ઇન્ક્વાયરીનો દુરુપયોગ કેવી રીતે અને કેટલા લોકો કરી શકે એનો તમે અંદાજ લગાવી શકો છો તો બહેતર છે કે એવી ઇન્ક્વાયરીમાં પણ પડવું નહીં. બૅન્કની પર્સનલ ડિટેઇલ પણ મોબાઇલમાં સૅવ કરવાની નથી. એ ડિટેઇલ પણ લીક થયા પછી તમારા પર જોખમ ઊભું કરી શકે છે.
કહેવાનો ભાવાર્થ એટલો જ કે મોબાઇલ તમારા ઉપયોગ માટે છે, મોબાઇલ ફોન તમને વાપરતો થઈ જાય એવું બિલુકલ થવું ન જોઈએ. મોબાઇલ આધારિત રહેવાનું નથી અને મોબાઇલને તમારો ગેરલાભ લેવા દેવાનો નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK