બાળકને બોલવું નહીં; પણ ક્યાં, ક્યારે, કેટલું અને કેવું બોલવું એની સમજ આપવી જરૂરી છે

Published: Jan 25, 2020, 16:38 IST | Sanjay Raval | Mumbai

નક્કી તમારે કરવાનું છે કે તમે બાળકને ખજૂરીના વૃક્ષની જેમ આકાર આપીને ઉછેરવા માગો છો કે પછી બાવળની જેમ જ્યાં જાય ત્યાં જવા દેવા માગો છો?

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

પેરન્ટ્સને હંમેશાં પોતાનાં સંતાનોની અચીવમેન્ટ્સ કહેવી-દેખાડવી ગમે છે. સંતાનો માટે બાળક હંમેશાં બાળક જ રહેવાનું. તમે જુઓ કે સંતાન મોટું થઈ જાય એ પછી પણ પેરન્ટ્સ એના પર ગર્વ લેવાનું કામ કરતા રહે છે. દીકરો ૪૦ વર્ષનો થઈ ગયો હોય તો પણ પિતા તેના દીકરાની અચીવમેન્ટ્સ વર્ણવવાનો આનંદ લેતા હોય છે. દીકરો બૅન્કમાં મૅનેજર છે, દીકરાએ હમણાં જ બે નવા પ્લૉટ લીધા, દીકરાને પ્રમોશન મળ્યું. આ અને આ પ્રકારનાં સ્ટેટમેન્ટ્સ હંમેશાં ચાલતાં રહે છે. દરેક પેરન્ટ્સને આ ગમતું જ હોય છે. બાળક નાનું હોય ત્યારે તો બાળકનાં તોફાન પણ પેરન્ટ્સ ગર્વથી કહેતાં હોય છે.

મારો દીકરો તો બહુ તોફાની, કાલે જ તેણે બારીનો ગ્લાસ ફોડી નાખ્યો. આખો મોબાઇલ ખોલી નાખે. મારી દીકરી તો એકદમ હાજરજવાબી. કંઈક કહો તો તરત જ જવાબ આપી દે. આ અને આવાં સ્ટેટમેન્ટ્સ તમે પણ પુષ્કળ સાંભળ્યાં હશે અને જો તમે પેરન્ટ્સ હશો તો તમે પણ આ આ અને આ પ્રકારનાં સ્ટેટમેન્ટ્સ કરતાં હશો. બને કે તમને આટલું વાંચીને વિચાર આવે કે આજે શું કામ આ વિષય પર વાત શરૂ થઈ છે. આ વિષય એ જ આપણો આજનો ટૉપિક છે, આજનો ચર્ચાનો મુદ્દો છે.

હમણાં એક સેમિનાર પછી મારે એક સ્નેહીના ઘરે જવાનું થયું. ઘરે પહોંચ્યા એટલે તેમણે મારું બધા સાથે ઇન્ટ્રોડક્શન કરાવ્યું અને પછી ઉપરનો આખો ઘટનાક્રમ જે વર્ણવ્યો એ મુજબની વાતો શરૂ થઈ. બાળક ખરેખર હાજરજવાબી હતું. એ બાળકનું હાજરજવાબીપણું જોઈને મને બીજાં બાળકો પણ યાદ આવી ગયાં. મોટા ભાગનાં આજનાં બાળકો છે એને શરૂઆતની થોડી મિનિટો સુધી શરમ કે ખચકાટ રહે છે, પણ પછી એ તરત જ પોતાનું હાજરજવાબીપણું દેખાડી દે છે. અહીં એક વાતની સ્પષ્ટતા આવશ્યક છે. બાળકોનું હાજરજવાબીપણું દરેક અવસ્થા અને દરેક તબક્કામાં અનિવાર્ય નથી. બાળકને જવાબ આપવાનું શીખવવું જોઈએ એ સાચું, પણ જવાબ આપવાની સાથોસાથ બાળકને એ પણ શીખવવાની જરૂર છે કે ક્યાં, ક્યારે, કેટલું અને કેવું બોલવું.

બાળકને લાડકોડ આપવાની તીવ્રતા વચ્ચે આપણે આ અગત્યની વાત શીખવતાં ભૂલી જઈએ છીએ. બધું તેના હાથમાં સોંપી દઈએ છીએ અને આખી દુનિયા તેની પાસે ખુલ્લી મૂકી દઈએ છીએ. એવી અપેક્ષા સાથે કે તે બધું શીખી લે, પણ મારું કહેવું છે કે આ બહુ ખોટી અપેક્ષા છે. જ્યારે આંખ સામે બધું પડ્યું હોય ત્યારે એમાંથી શું લેવું અને શું ન લેવું એની સમજણ આપવી એ આપણી ફરજ છે. તમારી ફરજ છે કે તમે એ જુઓ કે બાળક એ શીખે જેની તેને આવશ્યકતા છે. વડીલ સામે જવાબ આપી દેતું બાળક એ સમયે કાલુઘેલું લાગે, પણ તેની એ મીઠી વાણીને પ્રાધાન્ય આપવાને બદલે બહેતર છે કે એ જુઓ કે જો તે આ વાતને તેનો સ્વભાવ બનાવી દેશે તો ૧૫ વર્ષ પછી તમને તેનો આ સ્વભાવ ગમવાનો છે કે નહીં? જો ન ગમવાનું હોય તો આજથી જ અટકાવી દો અને જો એ ગમવાનું હોય તો તમે તમારા બાળકના ભવ‌િષ્યની ઘોર તમારા હાથે જ ખોદવાની શરૂ કરી દીધું છે એવું માની લો. યાદ રાખજો કે પ્રાથમિક શિક્ષણ સ્કૂલ આપે છે, પણ પ્રાથમિક સંસ્કાર આપવાની જવાબદારી પરિવારની અને પેરન્ટ્સની છે. આ પ્રાથમિક સંસ્કારથી બાળકનું ઘડતર થવાનું છે અને એ ઘડતરનો સમય અત્યારે જ છે. જે દિશામાં નથી જવાનું એની તેને આજે ખબર નહીં હોય તો બાળક મોટું થઈને એ દિશામાં હક સાથે ચાલશે અને એ સમયે તમે તેને રોકવા જશો તો એ બાળક ચોક્કસ રીતે અપસેટ થશે. બને કે તમારી સાથે તેનો સંઘર્ષ પણ થાય અને જો એવું બન્યું તો એવી પરિસ્થિતિ ઊભી થશે કે તમારી સાથે તેને ઘર્ષણ થશે. જો એ ઘર્ષણ ન જોઈતું હોય તો આજે જ જાગી જવું જરૂરી છે અને જો એ પછી પણ તમે ન સમજવા માગતા હો તો સમજી લેજો કે આવતા સમયનો જનરેશન ગૅપ ઊભો કરવાનું તમે શરૂ કરી દીધું છે.

આ અગાઉ મેં અનેક સેમિનારમાં કહ્યું છે અને આજે ફરી કહું છું કે આપણે છેલ્લી જનરેશન છીએ જે સાંભળવાની આદત ધરાવે છે. માત્ર સાંભળવાની બાબતમાં જ નહીં, પૂછવાની બાબતમાં પણ આપણે છેલ્લી જનરેશન છીએ. આના પછીની જે જનરેશન હશે એ સાંભળવામાં કે પૂછવામાં માનતી નહીં હોય. જો એવું બનવાનું હોય તો ઍટ લીસ્ટ આપણે એ વાતનું ધ્યાન રાખીએ જ્યાં પણ સાચું અને સારું સમજાવવાનું, કહેવાનું અને દર્શાવવાનું છે એ દર્શાવતા રહીએ. તમે જુઓ કે નવી જનરેશનનાં બાળકો પાસે રમવા માટે હવે રોબો આવી ગયા છે. આ રોબો જ દર્શાવે છે કે હવે એક બાળકને રમવા માટે બીજા બાળકની આવશ્યકતા રહેવી ન જોઈએ. માણસને માણસથી દૂર કરવાનું કામ ટેક્નૉલૉજી સારી રીતે કરવા લાગી છે ત્યારે એ પ્રક્રિયામાં આપણે ભાગીદાર ન બનીએ અને વાજબી રીતે, વાજબી જગ્યાએ માર્ગદર્શનની નીતિ ખુલ્લી રાખીએ.

આજે આપવામાં આવતા લાડ જો આવતી કાલની ખરાબ આદત હોય તો એ લાડ ખોટા છે. કહેતાં શીખવું પડશે કે આ બાબતમાં કે પછી આ ટેક્નૉલૉજી માટે તમે નાના છો અને તમારે એનો ઉપયોગ કરવાની જરૂર નથી. મોબાઇલ અને ટીવીથી દૂર રાખવાને બદલે આજની મમ્મીઓ જમાડતી વખતે સામે ચાલીને બાળકને મોબાઇલ હાથમાં આપી દે છે અને કાં તો ટીવી ચાલુ કરી આપે છે. દિશા જ ખોટી પકડી છે, રસ્તો જ ખોટો છે. અહીં જ સુધારાની જરૂરિયાત છે. તમે પોતે જ બાળકને ખાડાની દિશામાં દોરવી જવાની પ્રક્રિયા કરો છો અને પછી એને માટે ફરિયાદ કરો છો. ગેરવાજબી છે આ વાત. તમને મોટા થવામાં મોબાઇલની જરૂર પડી હતી ખરી? જવાબ આપો તમારી જાતને, તમને જમતી વખતે આ પ્રકારે ટીવીની આવશ્યકતા હતી કે નહીં? જવાબ આપો જાતને, શું તમને આગળ આવવા માટે હાજરજવાબી બનવા માટે ટેક્નૉલૉજીના સહારે બચપણ પસાર કરવું પડ્યું હતું?

ના, આ બધા સવાલનો જવાબ એક જ છે, ‘ના.’

જો તમને એવું લાગતું હોય કે તમે એ બધા વિના પણ તમારી આજ ઊભી કરી શક્યા છો તો પછી એ આજ જ તમારા બાળકની કિસ્મતમાં તમારે લખવાની હોય. દેખાદેખીને આવકારવાની જરૂર નથી. તમારી આ દેખાદેખી બીજા કોઈને નહીં, પણ એ તમને જ હેરાન કરવાનું કામ કરશે અને એ હેરાનગતિ વિશે તમે કોઈ પાસે કશું બોલી નહીં શકતા હો.

મને યાદ નથી કે મેં ક્યારેય મારા પિતાજીને એવું કહ્યું હોય કે તમને આ નહીં આવડે કે પછી એવું નહોતું કહ્યું કે તમને આ નહીં સમજાય, તમારું આ કામ નથી. આવું જ તમારી લાઇફમાં પણ બન્યું હશે. બહુ ક્લિયર જવાબ છે એનો. એ એક જ વ્ય‌ક્તિ હતી આપણા જીવનમાં જેમને બધી ખબર પડતી, બધું આવડતું. નવી પેઢી માટે હવે એવું નથી રહ્યું. પપ્પાનો ભય હોવો જોઈએ એ આપણે શીખ્યા. મમ્મીની બીક રહેવી જોઈએ એવું દીકરીઓ શીખી, પણ એવું હવે નથી અને આ જે નથી એની પાછળ જવાબદાર ક્યાંક ને ક્યાંક પેરન્ટ્સ જ છે. બીક મનમાં ન રહેવી જોઈએ એવું માનનારા પેરન્ટ્સની દિશા અયોગ્ય છે એવું તો હું નહીં કહું, પણ એટલું ચોક્કસ કહીશ કે એવું કરીને આ પેરન્ટ્સ બાળકોને સ્વચ્છંદી બનાવવાની દિશામાં દોરી જાય છે.

જો બાળકને સ્વચ્છંદી ન બનાવવાં હોય તો બાળકને રોકવાં પડશે, તેના પર બીક રહેવી જોઈએ. એવું માનવાની જરૂર નથી કે બીક ખરાબ છે. આઠમા માળેથી આપણે છલાંગ નથી લગાવતા, કારણ કે મોતની બીક છે અને આવી જ બીક જીવનની સાચી દિશામાં પકડી રાખે છે. જો સાચું પેરન્ટ‌િંગ પામવું હોય તો જ્યાં જરૂર છે ત્યાં બીક દેખાડવી આવશ્યક છે. બીક હશે તો માન અકબંધ રહેશે, ડર હશે તો સ્વા‌િભ‌માન જળવાયેલું રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK