Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > તુમ મેરે સાથ હો યે સચ તો નહીં હૈ લેકિન...

તુમ મેરે સાથ હો યે સચ તો નહીં હૈ લેકિન...

02 November, 2020 10:37 PM IST | Mumbai
Pravin Solanki | pravin.solanki@mid-day.com

તુમ મેરે સાથ હો યે સચ તો નહીં હૈ લેકિન...

કિરણભાઇ સંપટ

કિરણભાઇ સંપટ


રોજ-રોજ મારા મન અને શરીરનો ક્ષય થતો જાય છે. રોજ-રોજ મારા દિલના ધબકારા ઓછા થતા જાય છે. લાગણીઓ થીજી ગઈ છે અને ભાવનાઓનો અનુવાદ થઈ નથી શકતો. આનંદના કોઈ સમાચાર દિલ બહેલાવી નથી શકતા કે આઘાતની કોઈ ખબર દુખી નથી કરી શકતી. બધું વ્યર્થ લાગે છે, પણ કાંઈ ત્યાગી નથી શકતો. જીવવાનો ભાર લાગે છે અને સાથોસાથ મરી જવાનો ડર પણ લાગે છે. કોઈ સ્પષ્ટ દિશા નથી, કોઈ સ્પષ્ટ વિચાર નથી. જાણે હું ખાખરાની ખિસકોલી થઈ ગયો છું. કોઈ સાકરનો સ્વાદ મને નથી આવતો.
અમારા કલાજગત પર પંચક નહીં, શતક બેઠું હોય એવો બિહામણો ભાસ થાય છે. એક પછી એક નિકટતમ વ્યક્તિના દિવંગત થયાના સમાચાર અકળાવી મૂકે છે. તેમનાં નામ કૉન્ટૅક્ટ -લિસ્ટમાંથી ડિલીટ કરવા પડશે એ વિચારે ધ્રૂજી ઊઠું છું. ‘સ્મરણ કરવું એય છે એક લ્હાણું’ એ કલાપીની પંક્તિ મને આશ્વાસન નથી આપી શકતી.

mahesh-naresh
મહેશ-નરેશની બેલડી જીવનભર સાથે રહી અને સાથે જ અંનતયાત્રાએ સિધાવ્યા. બન્ને ભાઈઓ સાથે નિકટના સંબંધો તો ખરા જ, પરંતુ હિતુ-મોના સાથે પણ એટલા જ સારા સંબંધ (નરેશભાઈનાં પુત્ર-પુત્રવધૂ) હજી ગયા વર્ષે જ મારા એક પ્રસંગમાં નરેશભાઈની ખૂબ જ નાદુરસ્ત તબિયત હોવા છતાં ખાસ હાજરી આપી હતી. આવી લાગણી કેમ ભુલાય? કોને અને શું આશ્વાસન આપું? ‘દો હંસોં કા જોડા બિછડ ગયો રે, ગજબ ભયો રામા જુલમ ભયો રે...’
હજી મહેશ-નરેશના સમાચારની શાહી સુકાઈ નથી ત્યાં કિરણભાઈ સંપટના સમાચાર આવ્યા!
કિરણભાઈ સાથેના મારા ગાઢ સંબંધોને કારણે જ નહીં, પરંતુ એક ઉત્તમ પ્રોડ્યુસર કેવો હોય એ દર્શાવવા હું લખવા મજબૂર થયો છું. બાકી આપણાં અંગત સંસ્મરણોને સાર્વજનિક બનાવવાનું મને ક્યારેય યોગ્ય નથી લાગ્યું.
કોઈ મને પૂછે કે તમે રંગભૂમિના લગભગ તમામ પ્રોડ્યુસર સાથે કામ કર્યું તો તમને સૌથી વધારે સારા કોણ લાગ્યા? મારો જવાબ છે કે સારા તો બધા જ છે, પણ સૌથી વધારે કામ કરવાની મજા મને કિરણ સંપટ સાથે આવી. જી, હા! આ શોકસભામાં ઉચ્ચારાતા પરંપરાગત શબ્દો નથી, ખરા હૃદયથી કહું છું કે મને સૌથી વધારે મજા તેમની સાથે આવી હતી. શું કામ? એક નહીં, અસંખ્ય કારણો છે.
કિરણ સંપટ નાટકના નવેનવ રસના જાણકાર હતા. પ્રોડ્યુસર હતા, સંગીતજ્ઞ હતા, સાહિત્યરસિક હતા, જુદી-જુદી ભાષાઓનાં નાટકો વાંચતા અને જોતા. નાટક વિશે તેમને આગવી સૂઝ હતી. આવી સૂઝ ઘણા બધા પ્રોડ્યુસર પાસે છે જ, પરંતુ દિગ્દર્શક, લેખક, કલાકારો-કસબીઓ પાસેથી પોતાને ગમતું કામ કઢાવવાની કલા તેમની પાસે અનન્ય હતી.
‘ખેલૈયા’ નામની નાટ્યસંસ્થા તેમણે વર્ષો સુધી ચલાવી. પ્રસ્તુત સંસ્થાના નેજા હેઠળ અસંખ્ય સફળ નાટકો તેમણે આપ્યાં. પ્રવીણ જોષી, શૈલેશ દવે સહિત વિવિધ દિગ્દર્શકો સાથે તેમણે કામ કર્યું, પરંતુ ઉંમર અને તબિયતને કારણે રંગભૂમિ પરથી નિવૃત્ત થયાના છેલ્લા એક દાયકા સુધી હું અને સિદ્ધાર્થ રાંદેરિયા તેમની સાથે સંકળાયેલા રહ્યા.
૨૦૦૦થી ૨૦૧૦-’૧૧ સુધી કિરણ સંપટ, સિદ્ધાર્થ રાંદેરિયા અને પ્રવીણ સોલંકીની ત્રિપુટી ખૂબ જ પ્રચલિત હતી, કલાપીની ‘હૃદય ત્રિપુટી’ની જેમ. આ વર્ષો દરમ્યાન અમે અમારી દુનિયા તમારી દુનિયા, ભાઈ, રંગ છે રાજા, શ્રીમાન વિરુદ્ધ શ્રીમતી, સાચા બોલા જૂઠાલાલ, તું જ મારી મોસમ, વાત બહાર જાય નહીં, સાતમી દીકરીનું સાતમું સંતાન, પ્રેમનો પબ્લિક ઇશ્યુ, ખાનદાન વગેરે નાટકો આપ્યાં. લેખક પ્રવીણ સોલંકી, દિગ્દર્શક સિદ્ધાર્થ રાંદેરિયા અને પ્રોડ્યુસર કિરણ સંપટ. ૧૦ વર્ષમાં ૧૦-૧૨ નાટકો એટલા માટે કે અમારું દરેક નાટક લગભગ એકાદ વર્ષ તો ચાલતું જ.
અમારી લાઇનની એક ખાસિયત છે; કામ સાથે કામ, કામ પૂરતું કામ. કામ પતી જાય એટલે વ્યક્તિ સાથેનું વર્તન બદલાઈ જાય. બહુ સહજ રીતે, સરળ રીતે. એમાં કોઈ ડંખ નહીં, કોઈ કડવાશ નહીં. હોય ફક્ત વ્યવહારુ અભિગમ. કિરણભાઈમાં એ વ્યવહારુ અભિગમ નહોતો. કામ હોય કે ન હોય, સંબંધો બધાની સાથે અતૂટ રાખ્યા.
‘ખેલૈયા’ નાટક કરે એટલે નાટક સાથે કોઈ બાંધછોડ નહીં. રજૂઆત પૂર્વે નાટકનાં તમામ પાસાં માટે લેખક-દિગ્દર્શક સાથે ચર્ચા થાય. ન ખર્ચાની મર્યાદા બંધાય, ન સમયની. અગાઉથી થિયેટરની તારીખ બુક છે એટલે ગમે તેમ નાટક રજૂ કરી નાખવાની ઉતાવળ તેમણે ક્યારેય કરી નથી. આને માટે થતી આર્થિક નુકસાનીને તેઓ ઇન્વેસ્ટમેન્ટ માનતા.
હવે વાત કરું અમારી ત્રિપુટીની. કિરણભાઈ રિહર્સલમાં રોજ અમારી સાથે હોય જ. રિહર્સલ પત્યા બાદ અમારી મીટિંગ હોટેલમાં અચૂક થાય જ. થયેલા સીનની ચર્ચા થાય, આગળ કેમ વધવું એનો નકશો દોરાય, પ્રસ્તુત નાટકને લગતું કોઈ સાહિત્ય, પુસ્તક કે ડીવીડી જોઈતી હોય તો કિરણભાઈ કોઈ પણ ભોગે ઉપલબ્ધ કરાવે.
કોઈએ મને ‘ખેલૈયા’ માટે ભજવવા એક અંગ્રેજી નાટક સજેસ્ટ કર્યું. મેં મુંબઈમાં એ નાટક મેળવવાના પ્રયત્ન કર્યા. ન મળ્યું. કિરણભાઈએ દિલ્હી અને કલકત્તા તપાસ કરી, ન મળ્યું. છેવટે અમેરિકાથી એ પુસ્તક-નાટક મેળવ્યું. એ જુદી વાત છે કે એ નાટક વાંચ્યા પછી અમને ગમ્યું નહીં અને કર્યું નહીં, પણ કિરણભાઈને એનો અફસોસ નહીં.
‘તું જ મારી મોસમ’ વખતે સિદ્ધાર્થની ઇચ્છા (નાટકની જરૂરિયાત પણ) હતી કે સ્ટેજ પર પિયાનો હોય. સ્વાભાવિક છે કે પિયાનાનું કદ આપણા સ્ટેજ માટે અનુકૂળ થાય જ નહીં. મેં કહ્યું કે હું લખાણમાં મૅનેજ કરી લઈશ કે પિયાનો પાર્શ્વભૂમિમાં વાગે છે, સિદ્ધાર્થને એ મંજૂર નહોતું. આખરે કિરણભાઈએ કારીગરો પાસે નાના કદનો, એક ડમી પિયાનો બનાવડાવીને પ્રશ્નનું નિરાકરણ કર્યું.
અમારા એક રહસ્યનો પદાફાર્શ કરું છું. ગ્રૅન્ડ રિહર્સલમાં અમારાં નાટકો મોટા ભાગે ત્રણ-સવા ત્રણ કલાકનાં જ થાય. સિદ્ધાર્થને વચમાં લાગે કે એક લવ-સીન જોઈએ, એક સીન બાપ-દીકરાના સંઘર્ષનો વધારીએ વગેરે વગેરે. કિરણભાઈ મને કહે કે તમે લખો, પછીથી આપણને નાટક કાપવાની જરૂર તો પડે જ છે, એ સમયે યોગ્ય ન લાગે તો આપણે એ કપાવી નાખીશું.
અને એવું ઘણી વાર થયું આ તેમની
કોઠાસૂઝ હતી.
‘વાત બહાર જાય ના’ નાટકના ગ્રૅન્ડરિહર્સલ વખતે મને અને કિરણભાઈને લાગ્યું કે કંઈક કશુંક ખૂટે છે, બરાબર જામતું નથી. કિરણભાઈએ સિદ્ધાર્થને કુનેહપૂર્વક સમજાવ્યો અને સિદ્ધાર્થે પણ ખેલદિલી દાખવીને શો રદ કર્યો, એક અઠવાડિયું પાછળ લઈ ગયા. ‘સાચાબોલા જૂઠાલાલ’ સમયે આવું જ કંઈ બન્યાનું સ્મરણ છે. પછીથી બન્ને નાટકો હિટ થયાં. આવી હતી તેમની હિંમત-દીર્ઘદૃષ્ટિ.
મુંબઈમાં અમારા નાટકનો શુભારંભ થઈ ગયા પછી ગુજરાતના શુભારંભ વખતે પણ મને સાથે રાખે જ.
એક મરાઠી નાટકના રાઇટ્સ મેળવવામાં ખૂબ જ મુશ્કેલી હતી. બીજા પ્રસિદ્ધ નિર્માતાઓ પણ એના હકક મેળવવા માગતા હતા, પણ કિરણભાઈ જેનું નામ! મરાઠી નાટકની મુખ્ય અભિનેત્રી ગુજરાતી નાટકમાં પણ મુખ્ય ભૂમિકા કરશે એવું વચન આપીને નાટકના હકો હસ્તગત કરી લઈ મરાઠી અભિનેત્રી સાથે રિહર્સલ શરૂ કરી દીધાં, પરંતુ કમનસીબે અભિનેત્રીની તબિયત બગડી અને અમારે ગુજરાતી અભિનેત્રી લેવી પડી, પણ વાત કિરણભાઈ (‘અંદાજે બયાં ઓર’)ની છે.
પ્રવીણ જોષી ફક્ત આઇએનટીનાં નાટકો જ કરતા, પણ કિરણભાઈની કુનેહને કારણે જ ‘ખેલૈયા’નું નાટક કરવા તૈયાર થયા.
છેલ્લે :
મારા, કિરણભાઈ અને સિદ્ધાર્થ વચ્ચે એટલીબધી આત્મીયતા થઈ ગઈ હતી એનું કારણ એક જ હતું કે અમે એકબીજાના ગુણો-અવગુણો સહજ રીતે જાણ્યા હતા અને નિભાવ્યા હતા. કેટલાય મતભેદો છતાં ક્યારેય મનભેદ થયો નહીં, કર્યો નહીં. એ અમારા સંબંધોનું સોનેરી પ્રકરણ છે.
કિરણભાઈ મૃદુભાષી હતા, મિતભાષી હતા. તેઓ વ્યક્તિ નહીં, સંસ્થા હતા. તેમના જવાથી ગુજરાતી રંગભૂમિને ખોટ પડી છે એવું વાક્ય લખું તો ખોટું નથી જ, પણ એટલું સાચું જરૂર છે કે એક અવકાશ સર્જાયો છે.



 


 

સમાપન
કિરણભાઈ માટેની સાર્થક પંક્તિઓ...
હું છંદ વગરનો માણસ છું
હું રંગ વગરનો માણસ છું
કેદ કરી લેજો મને હૈયામાં
હું દંભ વગરનો માણસ છું
ઊડી નહીં શકું તમારા વિના
હું પંખ વગરનો માણસ છું
નિરાંતે રહી શકો છો મારામાં
હું ડંખ વગરનો માણસ છું
હાર-જીતનો સવાલ જ ક્યાં છે?
હું જંગ વગરનો માણસ છું.


કિરણભાઈ સંપટ

Whatsapp-channel Whatsapp-channel

02 November, 2020 10:37 PM IST | Mumbai | Pravin Solanki

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK