એક વર્ષમાં જ ઈસરો જણાવી દેશે કે ચંદ્ર પર ક્યાં કેટલું પાણી છે

Published: Jul 22, 2020, 18:06 IST | Gujarati Mid-day Online Correspondent | New Delhi

ચંદ્રનો 60% ધ્રુવીય વિસ્તાર તપાસી ચુક્યું છે ચંદ્રયાન-2: કે.સિવન

ઈસરોના ચેરમેન ડૉક્ટર કે.સિવન (ફાઈલ તસવીર)
ઈસરોના ચેરમેન ડૉક્ટર કે.સિવન (ફાઈલ તસવીર)

22 જૂલાઈ 2019ના રોજ ભારતીયોને કાને જો કોઈ બે શબ્દો સૌથી વધુ પડયાં હોય તો તે છે, 'ચંદ્રયાન-2નું લોન્ચિંગ' અને 'વિક્રમ લેન્ડરનું ક્રેશ'. આજે 'ચંદ્રયાન-2નું લોન્ચિંગ'ને એક વર્ષ પૂર્ણ થયું છે. હવે ચંદ્રયાન-2ના ઓર્બિટરે ચંદ્રના 60% ધ્રુવીય વિસ્તારને કવર કરી લીધો છે. તેના આધારે મળેલી માહિતી પ્રમાણે આગામી એક વર્ષમાં ભારત એ અંદાજ લગાડવાની સ્થિતિમાં આવી જશે કે ચંદ્ર પર કેટલું અને પાણી છે અને ક્યાં છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓગેનાઈઝેશન (ઈસરો)ના ચેરમેન ડૉક્ટર કે.સિવને એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં આ વતા જણાવી હતી.

ડૉક્ટર કે.સિવને ચંદ્રયાન-2 અને ઓર્બિટર વિશે વાત કરતાં કહ્યું હતું કે, પહેલી વખત ચંદ્રયાન-2માં ડુઅલ ફ્રીક્વેન્સિંગ બેન્ડ પોલરિમેટ્રિક રડાર મોકલવામાં આવ્યું હતું. જેને લીધે સપાટીથી ચાર મીટર ઊંડાઈથી માહિતી મેળવી શકાય છે. દુનિયામાં અત્યાર સુધી કોઈએ આવું કર્યું નથી. તેના આધારે મળતા ડેટા દ્વારા આપણે એક વર્ષમાં એ અંદાજ લગાડવામાં સફળ થઈ જશું કે ચંદ્ર પર ક્યાં અને કેટલું પાણી છે. ઈસરોની બહાર દેશના ઓછામાં ઓછા 40 વિશ્વવિદ્યાલય તથા સંસ્થાનોના 60થી વધુ ભારતીય વિજ્ઞાનીઓ આ કામ કરી રહ્યા છે. જ્યારે ઓર્બિટર હાલ ઘણા વર્ષો સુધી પરિક્રમા કરશે. તેમાં લગાડવામાં આવેલા આઠ ઉપકરણ સારુ પ્રદર્શન કરી રહ્યાં છે. મિનરલ મેપિંગ, ચંદ્રની સપાટીના એલીવેશન મોડલનું કામ ચાલી રહ્યું છે. એક્સરે સ્પેક્ટ્રોમીટરે એલ્યુમિનિયમ તથા કેલ્શિયમના સ્પષ્ટ સ્પેક્ટ્રલ સિગ્નેચર મોકલ્યા છે. થોડા પ્રમાણમાં આયન, મેગ્નેશિયમ, સોડિયમ, ટાઈટેનિયમ, સિલિકોનના પણ સંકેત મળ્યા છે. પરંતુ મિનરલ કેટલા પ્રમાણમાં છે એ ચોક્કસ થતા સમય લાગશે.

ગગનયાન પ્રોજેક્ટ વિશે માહિતી આપતા સિવને કહ્યું હતું કે, ગગનયાન આપણી પ્રાથમિકતા છે. તેની ડિઝાઈનનું કામ પુરુ થયું અને લૉકડાઉન થઈ ગયું જેને લીધે અમારી એક્ટિવિટી ધીમી થઈ ગઈ. અમે બધુ ફરીથી ચાલુ થાય તેની રાહ જોઈ રહ્યા છીએ. ફર્સ્ટ અનમેન્ડ ફ્લાઈટ પહેલા અમારે એન્જિન ટેસ્ટ સહિત ઘણા પરીક્ષણ કરવાના હતા. પણ એક પણ કામ ન થઈ શક્યું, એટલા માટે આ વર્ષે ડિસેમ્બરમાં નક્કી કરવામાં આવેલી પહેલી અનમેન્ડ ફ્લાઈટ સ્થગિત કરી દેવાઈ છે. હાલ આશા છે કે અમે ગગનયાનના ઓગસ્ટ 2022 પહેલા ફાઈનલ ફ્લાઈટના લક્ષ્યને હાંસિલ કરી શકીશું.

કોરોના વાયરસની અસર દરેક ક્ષેત્ર પર પડી છે અને તેમાંથી ઈસરોની કામગીરી પણ બાકાત નથી. ઈસરોમાં હાલ કઈ રીતે કામકાજ ચાલી રહ્યું છે તે વિશે સિવને કહ્યું હતું કે, માર્ચમાં જીસેટ-1નું લોન્ચિંગ રદ થયા પછી તેના સેટેલાઈટ અને રોકેટ બન્નેને સેફ મોડમાં રાખવામાં આવ્યા છે. વધુ ત્રણ સેટેલાઈટ લોન્ચિંગ માટે તૈયાર છે. પરંતુ હાલ લોન્ચિંગ શક્ય નથી. તેને માટે લોકોએ તિરુવનંતપુરમ અને બેંગલુરુથી શ્રીહરિકોટા આવવું પડે છે. હાર્ડવેર પણ વિવિધ ભાગોમાંથી લાવાવમાં આવે છે. ઉદ્યોગો બંધ છે, રોકેટ-સેટેલાઈટના પાર્ટ્સ પણ નથી. ઈસરોને જે નવું ફેર્બ્રિકેશન જોઈએ છે, તેમાં સમય લાગી જશે, એટલા માટે એ ખબર નથી કે સ્થિતિ સામાન્ય ક્યારે થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK