Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > ભારતના અંતરિક્ષ સંશોધનની સોનેરી સદી

ભારતના અંતરિક્ષ સંશોધનની સોનેરી સદી

16 September, 2012 10:30 AM IST |

ભારતના અંતરિક્ષ સંશોધનની સોનેરી સદી

ભારતના અંતરિક્ષ સંશોધનની સોનેરી સદી







(જગદીશચંદ્ર ભટ્ટ)

૨૦૧૨ની ૯ સપ્ટેમ્બરનો દિવસ સમગ્ર ભારત માટે અને ખાસ કરીને દેશની અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો) માટે સુવર્ણ અક્ષરે લખાશે. ખુશીનો પ્રસંગ એ હતો કે ઇસરોએ આ યાદગાર દિવસે એના અવકાશમથક શ્રી હરિકોટા પરથી ૧૦૦મું મિશન સંપૂર્ણ સફળતાપૂર્વક પાર પાડ્યું. ઇસરોએ એના પોલર સૅટેલાઇટ લૉન્ચ-વેહિકલ ણૂ૨૧ (પીએસએલવી ણૂ૨૧)ની મદદથી ફ્રાન્સની ઑબ્ઝર્વેશન સૅટેલાઇટ સ્પૉટ-૬ અને જપાનની માઇક્રો સૅટેલાઇટ પ્રોઇટેરસ એમ બે સૅટેલાઇટ સફળતાપૂર્વક આકાશમાં તરતી મૂકીને એકસોમું મિશન પાર પાડવાની ખરેખર એક ઐતિહાસિક સફળતા મેળવી છે.

 આ યાદગાર પ્રસંગે પ્રાઇમ મિનિસ્ટર ડૉ. મનમોહન સિંહ ઉપસ્થિત રહ્યા હતા. ૧૯૭૫ની ૧૯ એપ્રિલે ઇસરોએ જૂના સોવિયેટ સંઘના કાપુસ્તિન યાર અવકાશમથક પરથી ણૂ૧ ઇન્ટરકૉસ્મોસ નામના લૉન્ચ-વેહિકલ દ્વારા ભારતની પ્રથમ સૅટેલાઇટ (કૃત્રિમ ઉપગ્રહ) આર્યભટ્ટ તરતી મૂકીને અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે પાપા પગલી માંડી હતી. એટલે કે આર્યભટ્ટના લૉન્ચિંગમાં ઇસરોએ જૂના સોવિયેટ સંઘની મદદ લીધી હતી. જોકે ઇસરોએ ૧૯૭૫થી ૨૦૧૨નાં ફક્ત ૩૭ વર્ષની અંતરિક્ષયાત્રા દરમ્યાન કુલ ૧૦૦ મિશન સફળતાપૂર્વક પાર પાડીને સાયન્સ ઍન્ડ ટેક્નૉલૉજીના ક્ષેત્રે પોતે સંપૂર્ણ સ્વાવલંબી છે એનો સમગ્ર વિશ્વને મજબૂત સંદેશો આપ્યો છે. ઇસરો અને એની સાથે સંકળાયેલી સંસ્થાઓના સાયન્ટિસ્ટો અને એન્જિનિયરોને જેટલાં અભિનંદન આપીએ એટલાં ઓછાં છે.

આમ તો અમેરિકાની નાસા, સોવિયેટ રશિયાની રાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને જપાનની ઇસાસ અને નાસદા વગેરે અંતરિક્ષ સંશોધન સંસ્થાઓએ પણ એમની ઘણી સૅટેલાઇટ્સ તરતી મૂકી છે; પરંતુ ભારતના ઇસરોએ એની મોટા ભાગની સૅટેલાઇટનો ઉપયોગ શાંતિ અને માનવકલ્યાણના ઉમદા હેતુસર કયોર્ હોવાથી એના આ ૧૦૦મા મિશનની સફળતા ખરેખર અનોખી સાબિત થઈ છે. એટલે જ આ તબક્કે આપણે ઇસરોની ઊજળી સફળતાનાં સોપાન વિશે રસપ્રદ માહિતી જાણીએ.

ઇસરોની સ્થાપના ક્યારે થઈ?

ઇસરોની સ્થાપના ૧૯૬૯ની ૧૫ ઑગસ્ટે થઈ હતી. ઇસરોની તમામ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમોનું મુખ્ય સેન્ટર બૅન્ગલોર છે. ભારતમાં અવકાશ સંશોધનની શરૂઆત કરવાનો ખરો યશ દેશના મહાન ભૌતિકશાસ્ત્રી ડૉ. હોમી જહાંગીર ભાભા, આલા દરજ્જાના ખગોળ-ભૌતિકશાસ્ત્રી ડૉ. વિક્રમ સારાભાઈને જાય છે. જોકે હોમી ભાભા અને વિક્રમ સારાભાઈ સાથે ડૉ. ઉપેન્દ્ર દેસાઈ નામના જબરા પ્રતિભાશાળી વિજ્ઞાનીનું યોગદાન પણ બહુ મૂલ્યવાન રહ્યું છે. આમ ભારતના અવકાશ સંશોધન ક્ષેત્રનો પાયો ત્રણ ગુજરાતી-પારસી સાયન્ટિસ્ટોએ નાખ્યો છે. આમ તો ૧૯૬૯ અગાઉ ૧૯૪૫થી દેશમાં અંતરિક્ષ સંશોધન ક્ષેત્રની શરૂઆત આયોજનબદ્ધ રીતે થઈ હતી. હોમી ભાભાએ ૧૯૪૫માં મુંબઈમાં તાતા ઇãન્સ્ટટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચ (ટીઆઇએફઆર) અને વિક્રમ સારાભાઈએ ૧૯૪૭માં અમદાવાદમાં ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (પીઆરએલ)ની સ્થાપના કરીને વિવિધ પ્રયોગો શરૂ કર્યા હતા. જોકે સમય જતાં અંતરિક્ષ સંશોધનની બધી જ સંસ્થાઓનું નિયંત્રણ કરતી એક મુખ્ય સંસ્થા ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઑર્ગેનાઇઝેશન (ઇસરો)ની સ્થાપના થઈ અને વિક્રમ સારાભાઈ ઇસરોના પ્રથમ ચૅરમૅન બન્યા.

ઇસરોના હેતુઓ કયા-કયા છે?

ઇસરોનો મુખ્ય અને મહત્વનો હેતુ દેશમાં અવકાશ સંશોધનની સ્વદેશી ટેક્નૉલૉજી વિકસાવવાનો અને રાષ્ટ્રનાં વિવિધ વિકાસકાયોર્માં એ ટેક્નૉલૉજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો છે. ઇસરોના આ જ ઉમદા હેતુને આજે ઝળહળતી સફળતા મળી છે. દેશમાં ફક્ત સાડાત્રણ દાયકામાં સંદેશવ્યવહારની ઉત્તમ ફૅસિલિટી શક્ય બની છે. દેશનાં

નાનાં-નાનાં ગામડાંઓમાં વસતા લોકો આજે ટેલિવિઝનના મજેદાર કાર્યક્રમોનો ભરપૂર આનંદ માણે છે. દુનિયાભરના ન્યુઝથી બરાબર વાકેફ રહે છે. વળી હવામાનના સમાચારથી લાખો ખેડૂતોને અને માછીમારોને ઉપયોગી માર્ગદર્શન મળે છે. તો વળી દેશના ભૂગર્ભમાં ક્યાં-ક્યાં જુદાં-જુદાં ખનીજોના અને જળના ભંડાર છે એની સચોટ અને ફોટોગ્રાફિક માહિતી મળે છે જેથી રાષ્ટ્ર વધુ સમૃદ્ધ બન્યું છે. કહેવાનો અર્થ એ છે કે ઇસરોએ અધ્ધર આકાશમાં તરતી મૂકેલી વિવિધ પ્રકારની સૅટેલાઇટ્સ દેશની આટલીબધી સેવા કરે છે. એટલે જ વિક્રમ સારાભાઈને ભારતીય અંતરિક્ષ સંશોધન ક્ષેત્રના જનક કહેવાય છે.

ઇસરોની સફળતાનાં વિવિધ સોપાન

ઇસરોની સહયોગી સંસ્થા ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરી (પીઆરએલ-અમદાવાદ)ની સ્થાપનામાં પાયાનું યોગદાન આપનારા, અમેરિકાની નાસામાં છેક ૧૯૫૯માં જોડાનારા પ્રથમ ભારતીય સાયન્ટિસ્ટ અને ૪૦ કરતાં વધુ વર્ષ સુધી નાસાના વિવિધ પ્રોજેક્ટ્સમાં સિનિયર સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવનારા ડૉ. ઉપેન્દ્ર દેસાઈએ મૅરિલૅન્ડ (વૉશિંગ્ટન-અમેરિકા)થી ટેલિફોનિક ઇન્ટરવ્યુમાં ઇસરોના ૧૦૦મા મિશનની સફળતા વિશે ખુશી વ્યક્ત કરી હતી. ઉપેન્દ્ર દેસાઈ તેમનાં જૂનાં સંસ્મરણો યાદ કરતાં Sunday સરતાજને એક્સક્લુઝિવ ઇન્ફર્મેશન આપતાં કહે છે, ‘આમ તો ઇસરોની સ્થાપના અગાઉ ૧૯૬૩માં કેરળના તિરુવનંતપુરમ ડિસ્ટિÿક્ટના નાનકડા થુમ્બા નામના સ્થળેથી પૃથ્વીના નજીકના ઍટમોસ્ફિયરના સંશોધન માટે વિવિધ ટેક્નૉલૉજીનાં સાઉન્ડિંગ રૉકેટ્સ છોડવાના ઘણા સફળ પ્રયોગો થયા હતા. ભારતનું પ્રથમ સાઉન્ડિંગ રૉકેટ નાઇકી અપાચે થુમ્બા પરથી ૧૯૬૩ની ૧૨ નવેમ્બરે ફાયર થયું હતું. બે હિસ્સાના નાઇકી અપાચેના સ્પેરપાટ્ર્સ ખરેખર અમેરિકામાં બનીને ભારતમાં આવ્યા હતા. ત્યાર બાદ અમે એ બધા હિસ્સાનું જોડાણ થુમ્બાના એક નાનકડા ચર્ચમાં કર્યું હતું. નાઇકી અપાચે આખું તૈયાર થયા બાદ એને એક બળદગાડામાં નાખીને થુમ્બાના રૉકેટમથકે લઈ જવામાં આવ્યું હતું.’

નાઇકી અપાચેની જોરદાર સફળતાને પગલે ભારતે સંપૂર્ણ સ્વદેશી બનાવટનાં સાઉન્ડિંગ રૉકેટ rh75 સહિત વિવિધ પ્રકારનાં ૨૨૦૦ જેટલાં સાઉન્ડિંગ રોકેટ્સ ફાયર કરીને પૃથ્વીના નજીકના વાતાવરણનો મહત્વનો અભ્યાસ કયોર્ હતો. આમ ભારતના અંતરિક્ષ સંશોધન પ્રોગ્રામની ખરી શરૂઆત થુમ્બાનાં સાઉન્ડિંગ રૉકેટ્સના પ્રયોગોથી થઈ હતી.




યુનિવર્સિટીઓમાં સંશોધનકાર્ય થવું જરૂરી

ડૉ. ઉપેન્દ્ર દેસાઈ બહુ મહત્વનું સૂચન કરતાં કહે છે, ‘ભારતની યુનિવર્સિટીઓમાં ઍસ્ટ્રોનૉમી, ફિઝિક્સ, મેડિસિન સહિત સાયન્સની વિવિધ ફૅકલ્ટીઝમાં રિસર્ચ-વર્ક થવું જરૂરી છે. આજે અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇઝરાયલ અને ઑસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓમાં બહુ ઉપયોગી કહી શકાય એવું સંશોધનકાર્ય થઈ રહ્યું છે. પરિણામે આ બધા દેશના સાયન્ટિસ્ટો વર્લ્ડ લેવલનું રિસર્ચ કરી શકે છે અને તેમના દેશનું નામ રોશન થાય છે. ભારતની યુનિવર્સિટીઓમાં પણ રિસર્ચ-વર્ક થાય તો એનો લાભ છેવટે તો આપણા જ સ્ટુડન્ટ્સને થશે અને તેમની પ્રતિભા ખીલશે.’

શ્રી હરિકોટામાં બન્યું સેન્ટર

થુમ્બાના રૉકેટ સેન્ટરને સફળતા મળી એટલે સંદેશવ્યવહાર, ખનીજ સંપત્તિ, ટેલિવિઝન, હવામાનની આગાહી અને કુદરતી આફતોના સમયની કામગીરી જેવાં ક્ષેત્રોમાં પણ દેશનો વિકાસ થાય એમ ડૉ. વિક્રમ સારાભાઈ ઇચ્છતા હતા. જોકે આ પ્રકારની સુવિધા અને વિકાસ માટે કૃત્રિમ ઉપગ્રહો આકાશમાં તરતા મૂકવા પડે અને એ સૅટેલાઇટમાં જરૂરી ઉપકરણો પણ મૂકવાં પડે. વળી આવી સૅટેલાઇટ તરતી મૂકવા માટે તોતિંગ લૉન્ચ-વેહિકલ્સ અને અવકાશમથકનો પણ વિકાસ કરવો પડે. આ બધાં પાસાંને નજરમાં રાખીને ડૉ. વિક્રમ સારાભાઈએ ૧૯૭૧માં સમગ્ર દેશનો પ્રવાસ કયોર્. છેવટે કેરળ રાજ્યના તિરુવનંતપુરમ જિલ્લાના શ્રી હરિકોટા ટાપુની અવકાશમથક માટે પસંદગી થઈ. શ્રી હરિકોટા ટાપુ નજીક માનવવસ્તી નથી, લીલાંછમ જંગલો છે. ત્રણે દિશાએથી પાણીથી ઘેરાયેલો હોવા છતાં ટાપુનો એક હિસ્સો એટલે કે નાનકડી પટ્ટી ભૂમિ સાથે જોડાયેલી છે. આવી વિશિષ્ટ ભૌગોલિક અનુકૂળતાથી અવકાશમથક સાથે વાહનવ્યવહાર સરળતાથી થઈ શકશે એ મહત્વની સુવિધા ધ્યાનમાં રાખીને ડૉ. વિક્રમ સારાભાઈએ શ્રી હરિકોટા ટાપુ પર અવકાશમથક બનાવવાનો અંતિમ નિર્ણય કયોર્.

શ્રી હરિકોટા ટાપુનો સાગરકાંઠો ૪૪ કિલોમીટર લાંબો અને સાત કિલોમીટર પહોળો છે. વળી પૃથ્વીના વિષુવવૃત્તથી ૧૩.૬ ડિગ્રીએ સૅટેલાઇટને આકાશમાં તરતી મૂકવામાં ભૌગોલિક રીતે શ્રી હરિકોટા ટાપુ બહુ જ ઉપયોગી બની રહે છે. હાલ શ્રી હરિકોટા અવકાશમથક પરનાં ફસ્ર્ટ અને સેકન્ડ એમ બે લૉન્ચ-પૅડ પરથી આપણી અને ફૉરેનની સૅટેલાઇટ્સ તરતી મૂકવામાં આવે છે.

ઇસરોનાં વિવિધ લૉન્ચ-વેહિકલ્સ

ઇસરોએ સમય અને જરૂરિયાતને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારનાં લૉન્ચ-વેહિકલ્સ એટલે કે રૉકેટ્સ પણ ઘરઆંગણે જ એટલે કે તિરુવનંતપુરમ નજીકના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરમાં વિકસાવ્યાં. જોકે ઇસરોએ દેશની સૌપ્રથમ સૅટેલાઇટ આર્યભટ્ટ ૧૯૭૫ની ૧૯ એપ્રિલે જૂના સોવિયેટ સંઘના કાપુસ્તિન યાર નામના અવકાશમથક પરથી ણૂ૧ ઇન્ટરકૉસ્મોસ નામના રૉકેટની મદદથી આકાશમાં સફળતાપૂર્વક તરતી મૂકી હતી. આમ છતાં સમય જતાં ૧૯૮૦માં ઇસરોએ પોતાના કુશળ એન્જિનિયરો અને વિજ્ઞાનીઓની મદદથી દેશનું પ્રથમ અને સંપૂર્ણ સ્વદેશી બનાવટનું સૅટેલાઇટ લૉન્ચ-વેહિકલ (એસએલવી) બનાવ્યું. ત્યાર બાદ ૧૯૮૭-’૮૮માં ઇસરોએ ઑગ્મેન્ટેડ સૅટેલાઇટ લૉન્ચ-વેહિકલ (એએસએલવી), ૧૯૯૪માં વધુ સારું અને ઉપયોગી ટેક્નૉલૉજીવાળું પોલર સૅટેલાઇટ લૉન્ચ-વેહિકલ (પીએસએલવી) અને ૨૦૦૧માં જીઓસિન્ક્રોનસ સૅટેલાઇટ લૉન્ચ-વેહિકલ (જીએસએલવી) એમ વિવિધ પ્રકારનાં લૉન્ચ-વેહિકલ્સ બનાવીને પ્રયોગાત્મક સૅટેલાઇટ્સ તરતી મૂકીને રાષ્ટ્રને અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે મજબૂત બનાવ્યું અને દેશને અનેક આધુનિક સુવિધા પણ આપી. 

નિષ્ણાત સાયન્ટિસ્ટો શું કહે છે?

અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લૅબોરેટરીના સિનિયર વિજ્ઞાની સૈયદ આફતાબ હૈદર Sunday સરતાજને કહે છે, ‘ઇસરોની આ સેન્ચુરી માટે સહુને અભિનંદન. ઘણાં વરસોની મહેનતનું આ સુંદર અને સફળ પરિણામ છે. ખાસ કરીને ભારત આજે અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે સંપૂર્ણ સ્વદેશી ટેક્નૉલૉજી ધરાવે છે એ બાબત ગૌરવરૂપ છે. ઉપરાંત ઇસરો હવે તો વિદેશની સૅટેલાઇટ્સ તરતી મૂકીને ઘણી મોટી કમાણી પણ કરે છે, એટલે કે નાના દેશો હવે ભારતની મદદ મેળવે છે.’

તાતા ઇãન્સ્ટટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચના સિનિયર સાયન્ટિસ્ટ અને ભાસ્કર ૧ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા રવિ માનચંદા Sunday સરતાજને કહે છે, ‘મારી ૪૫ વર્ષની કારકર્દિી સામે જ ઇસરોએ ૧૦૦મું મિશન પાર પાડ્યું એથી મને બહુ ખુશી છે. આજે એક સૅટેલાઇટ બનાવવામાં પાંચથી દસ વર્ષની મહેનત હોય છે અને આપણા દેશને ઘણી આધુનિક સુવિધા મળે છે ત્યારે ઇસરોની આ સિદ્ધિ ખરેખર અદ્ભુત છે.’

ભારતની પ્રથમ સૅટેલાઇટ આર્યભટ્ટ

ભારતે પોતાનો પ્રથમ કૃત્રિમ ઉપગ્રહ આર્યભટ્ટ ૧૯૭૫ની ૧૯ એપ્રિલે સફળતાપૂર્વક તરતો મૂકીને અંતરિક્ષ સંશોધન ક્ષેત્રે નવી અને પડકારરૂપ કામગીરી શરૂ કરી. જોકે આર્યભટ્ટ સૅટેલાઇટ જૂના સોવિયેટ સંઘના કાપુસ્તિન યાર અવકાશમથક પરથી  ઇન્ટરકૉસ્મોસ નામના લૉન્ચ-વેહિકલની મદદથી તરતી મૂકવામાં આવી હતી. ઈસવી સન ૪૭૬માં જન્મેલા ભારતના મહાન ખગોળ-ગણિતશાસ્ત્રી આર્યભટ્ટની સ્મૃતિમાં દેશની પ્રથમ સૅટેલાઇટનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું હતું. આર્યભટ્ટનો પ્રયોગ અંતરિક્ષ ક્ષેત્રે પાપા પગલીરૂપ હતો. આમ છતાં ભારત માટે ગૌરવરૂપ પણ હતો; કારણ કે આપણો દેશ અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને યુરોપિયન સ્પેસ એજન્સી જેવી અંતરિક્ષ સંશોધન ક્લબમાં જોડાયો હતો.

આર્યભટ્ટ સૅટેલાઇટને અધ્ધર આકાશમાં ૩૯૮થી ૪૦૦ કિલોમીટરે અને ૫૦.૭ ડિગ્રીએ સફળતાપૂર્વક તરતી મૂકવામાં આવી હતી. નાના કદની અને પ્રાયોગિક આર્યભટ્ટનું વજન ૩૬૦ કિલો હતું. આર્યભટ્ટનો હેતુ એક્સ-રે ઍસ્ટ્રોનૉમી, ઍરોનૉમી અને સોલર ફિઝિક્સનો સંશોધનાત્મક અભ્યાસ કરવાનો હતો. આર્યભટ્ટ સૅટેલાઇટ એની ભ્રમણકક્ષામાં ગોઠવાઈ ગઈ ત્યાર બાદ ૯૬ મિનિટમાં પૃથ્વીની એક પ્રદક્ષિણા કરતી હતી. જોકે કમનસીબે ફક્ત ચાર દિવસ બાદ આર્યભટ્ટને એની સૌર પૅનલ્સ દ્વારા જરૂરી સૌરઊર્જા (૪૬ વૉટ્સ) નહીં મળવાથી એની કામગીરીમાં મોટો અવરોધ સર્જાયો હતો. છેવટે આર્યભટ્ટ નિãષ્ક્રય ગઈ હતી.

ઇસરોના વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને સફળતા

* આર્યભટ્ટના પ્રયોગને સફળતા મળી એટલે ઇસરોએ ૧૯૭૯ની ૭ જૂને ભાસ્કર ૧ નામની બીજી સૅટેલાઇટ જૂના સોવિયેટ સંઘના વૉલ્ગોગ્રૅડ અવકાશમથક પરથી ણૂ૧ ઇન્ટરકૉસ્મોસ નામના

લૉન્ચ-વેહિકલની મદદથી સફળતાપૂર્વક તરતી મૂકી હતી. ભાસ્કરનો હેતુ દેશની ભૂગર્ભ સંપત્તિ વિશે સચોટ માહિતી મેળવવાનો હતો. એટલે કે સોનું, લોખંડ, તાંબું, કોલસો, યુરેનિયમ અને મૅન્ગેનીઝ જેવું બહુમૂલ્ય ખનિજ દેશના કયા રાજ્યમાં ક્યાં-ક્યાં છે તથા કઈ-કઈ જગ્યાએ જળસંપત્તિના ભંડારો છે એની ઉપયોગી માહિતી પ્રાપ્ત કરવાનો હતો. આવી માહિતી માટે ભાસ્કર ૧માં આધુનિક ટેક્નૉલૉજીના ટેલિવિઝન કૅમેરા સહિત થ્રી-બૅન્ડ માઇક્રોવેવ રેડિયોમીટર જેવાં ઉપકણો ગોઠવવામાં આવ્યાં હતાં. ભાસ્કર ૧નું વજન ૪૪૨ કિલો હતું. ભાસ્કર ૧ની કામગીરી એક વર્ષની હતી એ મુજબ એ ૧૯૯૮માં પૃથ્વીના વાતાવરણમાં નિãષ્ક્રય થઈ ગઈ હતી.

* ઇસરોએ ૧૯૭૯માં સંપૂર્ણ સ્વદેશી ટેક્નૉલૉજી ધરાવતી સૅટેલાઇટ રોહિણી બનાવીને મોટી સફળતા હાંસલ કરી

* ૧૯૮૧માં એરિયન પૅસેન્જર પે લોડ એક્સપરિમેન્ટ (ઍપલ)થી સંદેશવ્યવહારની સુવિધા શરૂ થઈ

* ૧૯૮૨માં ઇન્સેટ 1A દ્વારા હવામાનની આગાહીની સુવિધા શરૂ થઈ

* ૧૯૮૮માં પહેલી ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સૅટેલાઇટ (આઇઆરએસ)થી ભૂગર્ભ સંપત્તિની માહિતી મળી

* ૧૯૯૫માં ઇન્સેટ 2C દ્વારા દેશભરમાં મોબાઇલ સર્વિસનો લાભ શરૂ થયો

* ૧૯૯૯માં ઇન્સેટ 2E દ્વારા હવામાનની આગાહીની સુવિધા શરૂ થઈ

* ૨૦૦૨માં સંપૂર્ણ સ્વદેશી ટેક્નૉલૉજીવાળી કલ્પના ૧ સૅટેલાઇટથી હવામાનની આધુનિક સુવિધા શરૂ થઈ. આ સૅટેલાઇટનું નામ ભારતીય મૂળની અમેરિકન અવકાશયાત્રી કલ્પના ચાવલાની સ્મૃતિમાં કલ્પના રાખવામાં આવ્યું છે

* ૨૦૦૪માં દેશની પ્રથમ એજ્યુકેશન સૅટેલાઇટ એજ્યુ સેટનો વિશિષ્ટપ્રયોગ થયો

* ૨૦૦૫માં ઇન્સેટ 4A દ્વારા ડાયરેક્ટ ટુ હોમ ટેલિવિઝન સુવિધા શરૂ થઈ

* ૨૦૦૭માં સ્પેસ કૅપ્સુલ રિકવરી એક્સપરિમેન્ટનો વિશિષ્ટ અખતરો થયો

* ૨૦૦૮માં ભારતની કાટોર્ સૅટ 2A અને આઇએમએસ ૧ સહિત વિદેશની કુલ ૧૦ સૅટેલાઇટ્સ એક જ સાથે તરતી મૂકવાનો વર્લ્ડ-રેકૉર્ડ કર્યો

* ૨૦૦૮માં ચન્દ્રયાનનો અદ્ભુત અને સફળ પ્રયોગ અમેરિકા, બ્રિટન, સ્વીડન અને બલ્ગેરિયા સાથે મળીને કયોર્ અને ચન્દ્ર પર જળના અંશો છે એવી પહેલી જ વખત મજબૂત સાબિતી મેળવી

* ૨૦૦૯માં આતંકવાદવિરોધી ગતિવિધિ પર નિયંત્રણ મેળવવા રિસૅટ ૨નો પ્રયોગ કર્યો

* ૨૦૦૯માં દેશના સમુદ્રકિનારા પર બાજનજર રાખવા ઓશન સૅટ ૨ તરતી મૂકી

* ૨૦૧૧માં ફ્રાન્સ સાથે મળીને મેઘા ટ્રૉપિક્સનો અત્યાધુનિક પ્રયોગ કર્યો જેની મદદથી હવામાનની આગાહી વધુ સફળતાથી થઈ શકશે

* ૨૦૧૨માં કૃષિસંશોધન અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ માટે રિસૅટ ૧નો પ્રયોગ કર્યો

* ભવિષ્યની યોજનાઓમાં ચન્દ્રયાન ૨ અને માર્સ મિશન (મંગળ ગ્રહના વાતાવરણના સંશોધનાત્મક અભ્યાસ)નો સમાવેશ થાય છે

* ભારતે એટલે કે ઇસરોએ અત્યાર સુધીમાં કુલ ૬૨ સૅટેલાઇટ્સ અને ૩૭ લૉન્ચ-વેહિકલ્સના સફળ પ્રયોગ કર્યા છે


Whatsapp-channel Whatsapp-channel

16 September, 2012 10:30 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK