માણસની આવી માનસિકતાનો કોઈ ઇલાજ ખરો?

Published: May 18, 2020, 20:43 IST | Falguni Jadia Bhatt | Mumbai Desk

સોશ્યલ સાયન્સ : હવે બધા એ બ્રેકથી પણ કંટાળ્યા છે અને બધાની બહાર જવાની ચટપટી વધી રહી છે જ્યારે કે હવે જ તો સંયમ જાળવી રાખવાનો ખરો સમય આવ્યો છે

તસવીર: સુરેશ કરકેરા
તસવીર: સુરેશ કરકેરા

વરસોથી માણસજાત પોતાની હાડમારીભરી જિંદગીમાંથી પોતપોતાની મરજી મુજબનો બ્રેક માગતી આવી હતી. કોરોના વાઇરસના બહાને ભગવાને એ બધાને જે માગ્યું એ બધું જ આપ્યું. હવે બધા એ બ્રેકથી પણ કંટાળ્યા છે અને બધાની બહાર જવાની ચટપટી વધી રહી છે જ્યારે કે હવે જ તો સંયમ જાળવી રાખવાનો ખરો સમય આવ્યો છે

થોડા દિવસ પહેલાં વૉટ્સઍપ પર એક બહુ સરસ ફોટો આવ્યો હતો. એ ફોટોના હેડિંગમાં લખ્યું હતું, ભગવાને આ બધાની વાત સાંભળી બધાને તથાસ્તુ કહી દીધું હોય એવું લાગે છે. ત્યાર બાદ નીચે એક બાળકના મુખે કહેવાયું હતું કે મારે સ્કૂલે નહીં જવાનું અને આખો દિવસ રમવાનું સૌભાગ્ય આપો. એક ગૃહિણીના મુખે કહેવાયું હતું કે મારા પતિ અને બાળકો આખો દિવસ મારી સાથે રહે અને ઘરકામમાં પણ હાથ બટાવે એવું કંઈક કરો પ્રભુ. એક પતિએ કહ્યું હતું કે આ ટ્રાફિકમાં રોજ જવાનું એના કરતાં ઘરેથી ઑફિસનું કામ કરી શકું એવું કરી આપો. વિદ્યાર્થીએ માગ્યું હતું કે પરીક્ષા જ ન હોય એવું કંઈક કરો. વૃદ્ધ મા-બાપે માગ્યું કે અમે ઇચ્છીએ કે આખો દિવસ બહાર રહીને બિઝી રહે એના બદલે અમારાં પૌત્રો, પૌત્રીઓ, પુત્ર, પુત્રવધૂ અમારી સાથે થોડો વધારે ટાઇમ કાઢે. કર્મચારીનું માગવું હતું કે ઑફિસે બહુ કામ રહે છે. બ્રેક આપો પ્રભુ. તો બિઝનેસમૅનની ફરિયાદ હતી કે મારી પોતાની જિંદગી માટે સમય નથી. મારેય રિલૅક્સ નહીં થવું હોય? આ બધાની સામે પૃથ્વી, આકાશ અને જળે ફરિયાદ નોંધાવતાં હોય એમ કહ્યું, પ્રભુ, થોડાક દી આ પૉલ્યુશન બંધ કરાવો જેથી અમને પણ અમારી ઓરિજિનાલિટી શું છે એ ખબર પડે. અને છેલ્લે પ્રભુએ આ બધાની પ્રાર્થના સાંભળી તથાસ્તુ કહેતાં પહેલાં પોતાના મનની વાત કરતાં કહ્યું, હા વત્સો, અમનેય થોડો ઘોંઘાટ ઓછો હોય, ખાલી પૂજારી ભલે સવારસાંજ પૂજા કરે એવી થોડી શાંતિનો અનુભવ હવે જોઈએ છે. તો લો તમને બધાને તથાસ્તુ. 

આપણે બધા છેલ્લા બે મહિનાથી અને કેટલાક તો એનાથી પણ વધુ સમયથી આ તથાસ્તુનો આનંદ લઈ રહ્યા છે. છતાં માણસ જેનું નામ, તેને જરાય ધરવ થતો જ નથી. છેલ્લાં કેટલાંય વર્ષોથી આપણે બધા જાણે-અજાણે ઈશ્વર પાસે કંઈક આ પ્રકારની પ્રાર્થના કરી રહ્યા હતા અને હવે જ્યારે તેણે આ પ્રાર્થના સ્વીકારી લીધી છે ત્યારે તેનો આભાર માગવાને સ્થાને આપણે બધા હવે આમ ઘરે બેસવાનો કંટાળો આવે છે, આના કરતાં તો પહેલાંનું જીવન જ સારું હતું એવી ફરિયાદો કરવા માંડ્યા છીએ. બહાર જવા મળતું હતું, કામ કરવા મળતું હતું, સ્કૂલો અને ઑફિસો ચાલુ હતી, બજારો અને મૉલ્સ ચાલુ હતા ત્યારની જિંદગીને મિસ કરવા માંડ્યા છીએ.
માણસ જેનું નામ, તે સ્વભાવે આવો વિચિત્ર કેમ હોય છે? તેને કાયમ અંગ્રેજીમાં ગ્રાસ ઇઝ ઑલવેઝ ગ્રીનર ઑન અધર્સ સાઇડ એવું જ કેમ લાગે છે? જ્યારે કામ હતું ત્યારે આરામ માગતો હતો અને હવે જ્યારે આરામ છે ત્યારે કામ માગે છે? ક્યાંક તેના મગજના વાયરિંગમાં જ કંઈક લોચો તો નથીને? ખરેખર તો તેના મગજના વાયરિંગ કરતાં તેની વિચારશૈલીમાં ગરબડ વધુ લાગે છે.
આપણે માનીએ કે ન માનીએ, ભગવાન કહો તો ભગવાન અને કુદરત કહો તો કુદરત; આપણને ગમે તેટલું આપે પરંતુ અંદરથી આપણે કાયમ ગરીબ જ રહીએ છીએ. તેથી આપણી રાવ-ફરિયાદો ક્યારેય પૂરી થતી જ નથી, કારણ કે આપણને અંદરખાને સતત કંઈક ને કંઈક ખૂટતું હોય એવું લાગ્યા કરે છે. કોઈને પૈસા ઓછા લાગે છે, કોઈને ઘર અને ગાડી નાનાં લાગે છે, કોઈને પગાર ઓછો લાગે છે વગેરે-વગેરે. મનોવિજ્ઞાનના મતે મનુષ્યની આ માનસિકતા પાછળ તેની ઈર્ષ્યાળુ અને લાલચુ વૃત્તિ જવાબદાર છે. તેથી તે સતત પોતાની પાસે છે એને બીજાની સાથે સરખાવ્યા કરે છે અને પછી બળ્યા કરી ફરિયાદ કર્યા કરે છે.
અહીં એક વાર્તા યાદ આવે છે. એક છોકરો છે. ખૂબ જ ડાહ્યો, મહેનતુ અને માતાપિતાનું ધ્યાન રાખનારો. માતાપિતા પણ તેનાથી ખૂબ સંતુષ્ટ છે અને રોજેરોજ ઈશ્વરનો પાડ માને છે કે તેમણે તેમને આટલો સારો અને સંસ્કારી પુત્ર આપ્યો. પરંતુ અંદરખાને એ છોકરો ખૂબ વ્યથિત છે. તેને પોતાનો ચહેરો નથી ગમતો. તેને એવું લાગે છે કે ભગવાને તેને બધું જ આપ્યું, પરંતુ સુંદરતા ન આપી. તેથી તે દુ:ખી રહ્યા કરે છે.
એક દિવસ તે કામ કરી પોતાના નિત્યક્રમ મુજબ બસમાં બેસી ઘરે પાછો આવી રહ્યો હોય છે. બસમાં તેની નજર તેની સામેની બેઠકમાં બેઠેલા એક યુવક તરફ જાય છે. એ યુવક ખૂબ જ હૅન્ડસમ છે. તેને જોઈ આ છોકરાની અંદર રહેલી લઘુતાગ્રંથિ ફરી પાછી જાગૃત થઈ જાય છે અને તે આખા રસ્તે પેલા યુવકની સુંદરતાથી ઈર્ષ્યા અનુભવ્યા કરે છે. આખરે એ યુવકનું સ્ટૉપ આવી જાય છે અને તે પોતાની બેઠક પરથી ઊઠી ખોડંગાતા પગે દરવાજા તરફ જાય છે. એ ક્ષણે છોકરાની નજર તેના પગ પર પડે છે અને તેને અહેસાસ થાય છે કે વાસ્તવમાં પેલા યુવકનો એક પગ બીજા કરતાં ટૂંકો છે. એ ઘડીએ તેને સમજાય છે કે ઈશ્વરે ખરેખર કોઈને બધું જ શ્રેષ્ઠતમઆપ્યું નથી. બધામાં કોઈ ને કોઈ કસર તો બાકી રહી જ ગઈ છે. તેથી સમજદારી તો પોતાને જે મળ્યું છે એમાં જ ખુશ રહેવામાં રહેલી છે.
આ પરિસ્થિતિને જોવાનો એક નજરિયો છે છતાં એમાં પણ ક્યાંક ને ક્યાંક પોતાના અસંતોષને દબાવી દેવાની વાત છે. તેથી એ પૂરેપૂરો સ્વીકાર્ય તો નથી જ. એનાથી વધુ સારો નજરિયો પોતાને જે મળ્યું છે એને બહેતર બનાવવામાં રહ્યો છે. ઘાસ પણ લીલું ત્યાં જ ઊગે છે જ્યાં એને પૂરતાં હવા, પાણી અને ઉજાસ મળે છે, જ્યાં એની માવજત કરવામાં આવે છે, જ્યાં એની જાળવણી માટે મહેનત કરવામાં આવે છે. યોગ્ય મહેનતથી બંજર જમીનમાં સુંદર મજાનાં પુષ્પો ઉગાડ્યાના કે પછી જમીનને ફળદ્રુપ બનાવી મબલક પાક ઉગાડ્યાના અનેક કિસ્સા આપણે સતત જોતા-સાંભળતા આવ્યા છીએ. તો પછી નકામી રાવ-ફરિયાદ કરી જે મળ્યું છે એના આનંદને છીનવી લેવાનો કે પછી પોતાના તથા ઈશ્વરના સમયને બગાડવાનો શો અર્થ? એના કરતાં જે મળ્યું છે એને યોગ્ય મહેનતથી વધુ સારું બનાવવાનો પ્રયત્ન કરવો વધુ ઉત્તમ નથી?
આમ સતત ઘરે બેસવાનો કંટાળો કદાચ આવી શકે, પરંતુ એનો અર્થ એવો પણ તો નથીને કે કંઈક લેવાના બહાને બજારમાં આંટો મારવા નીકળી પડો? ગામમાં પોતાના ઘરે પહોંચવું છે તેથી સોશ્યલ ડિસ્ટન્સિંગના મૃત્યુંજય મંત્રને ભુલાવી રેલવે તથા બસ-સ્ટેશન પર ગિરદી કરી મૂકો? કે પછી શરાબની દુકાનોની બહાર સેંકડોની સંખ્યામાં ઊમટી પડો?
આટઆટલું કર્યા છતાં કોરોના વાઇરસના કિસ્સા દેશમાં રોજિંદા દરે હનુમાન કૂદકાની ગતિએ વધી રહ્યા છે. એ જ દર્શાવે છે કે આપણી ખરી પરીક્ષા તો હવે શરૂ થઈ છે. પહેલાં જ્યાં દિવસના દસ-વીસ કેસ વધતા હતા એ આટલું લાંબું લૉકડાઉન પાળવા છતાં હવે રોજના હજારોની સંખ્યામાં વધી રહ્યા છે. એનો અર્થ એ થયો કે હજી આ લૉકડાઉન પૂરું કરવાનો સમય આવ્યો નથી બલકે એ વધારવું પડશે અને આપણે હજી વધારે દિવસો આપણાં ઘરોમાં કેદ રહેવું પડશે. શરૂઆતમાં બધાએ હરખભેર આ લૉકડાઉનને પોતાની હાડમારીભરી જિંદગીમાંથી છુટકારા તરીકે વધાવી લીધું હતું, પરંતુ હવે બધા થાક્યા છે. હવે બધાના શરીર અને મન પર એનો થાક ચડ્યો છે. તેમ છતાં આ સમય ભાન ભુલાવવાનો નથી બલકે આપણી ધીરજની અંતિમ કસોટી આપવાનો છે, કારણ કે હવે જ સાવચેતીની સૌથી વધારે જરૂર છે. એટલે બહેતર તો એ જ છે કે આપણે બધા જ્યાં છીએ ત્યાં જ રહીએ અને ત્યાં રહીને આ ઐતિહાસિક સમયને કેવી રીતે જીવનભર માટે યાદગાર બનાવી શકાય એનો વિચાર કરી એ માટે યોગ્ય પ્રયત્ન કરીએ. વહેલા મોડા માનવજાત આ વાઇરસ પર જીત મેળવી જ લેશે, પરંતુ ત્યાં સુધી અને કદાચ ત્યાર પછી પણ જાત પર સંયમ રાખવાની જવાબદારી તો આપણે સૌએ જ નિભાવવી પડશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK