Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પાસવર્ડ વગરનું ઇન્ટરનેટ વિશ્વ શું ખરેખર શક્ય છે?

પાસવર્ડ વગરનું ઇન્ટરનેટ વિશ્વ શું ખરેખર શક્ય છે?

01 December, 2019 03:52 PM IST | Mumbai
Parakh Bhatt

પાસવર્ડ વગરનું ઇન્ટરનેટ વિશ્વ શું ખરેખર શક્ય છે?

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, નેટ બૅન્કિંગ સહિતનાં તમામ આર્થિક ટ્રાન્ઝૅક્શન અને ટેલિવિઝન, લૅપટૉપ, ડેસ્કટૉપ, મોબાઇલ, ટૅબ્લૅટ સહિતનાં પ્રત્યેક ઇલેક્ટૉનિક ઉપકરણોના ઉપયોગ માટે દાયકાઓથી પાસવર્ડ્સ દ્વારા બહુ જ અગત્યની ભૂમિકા ભજવવામાં આવી છે. થોડુંક ઊંડાણપૂર્વકનું મનોમંથન કરતાં ખ્યાલ આવશે કે સાવ નાની ઉંમરથી જ આપણે પાસવર્ડના ગૂંચળા વચ્ચે જીવતા વિશ્વમાં શ્વાસ લઈ રહ્યા છીએ, પરંતુ ભવિષ્ય હવે પોતાનું પડખું બદલીને એક નવા દોરમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે. આ નવા વિશ્વમાં પાસવર્ડ પ્રોટેક્શનની બાદબાકી થઈ જવા પાછળની વાસ્તવિકતા શું છે?

ડેટા-બ્રીચિંગ અને પાસવર્ડ-હૅકિંગની વિકરાળ સમસ્યાઓ આજના સમયમાં મોઢું ફાડીને ઊભી રહી ગઈ છે, ત્યારે ટેક્નૉલૉજિકલ સિક્યૉરિટી આપતા ખેરખાંઓ માટે પોતાના યુઝર્સની ઑનલાઇન સુરક્ષા સૌથી મહત્ત્વની ચિંતા બની છે. એન્ક્રિપ્શન-ડિક્રિપ્શન અને પાસવર્ડ-પ્રોટેક્શન વધુ ને વધુ મજબૂત થઈ રહ્યા છે. આમ છતાં, કમ્પ્યુટર્સ-હૅકર્સ દિવસે ને દિવસે વધારે હાઇ-ટેક બનીને દરેક ફાયર-વૉલનો તોડ શોધી કાઢે છે. પરિણામસ્વરૂપ, ઇન્ટરનેટ વિશ્વ હવે આવા બધા થૂંકના સાંધાથી કંટાળી ગયું છે. તેઓ કંઈક એવા પ્રકારનું કાયમી સૉલ્યુશન શોધવા માગે છે, જેમાં પાસવર્ડની જ કોઈ ઝંઝટ ન રહે! ન રહેગા બાંસ, ન બજેગી બાંસુરી.



આ વિચારના મૂળમાંથી પેદા થઈ ઝીરો-નૉલેજ પ્રૂફ સિસ્ટમ! જેને MIT (માસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નૉલૉજી)ના ત્રણ સંશોધકો - શફી ગોલ્ડવેસ્સર, સિલ્વિયો મિકાલી અને ચાર્લ્સ મેકઓફ - દ્વારા ૧૯૮૫ની સાલમાં રજૂ કરવામાં આવેલા એક રીસર્ચ પેપર (ધ નૉલેજ કૉમ્પ્લેક્સિટી ઑફ ઇન્ટરેક્ટિવ પ્રૂફ સિસ્ટમ)માં સમજાવવામાં આવી. એક એવા પ્રકારનું આધુનિક તંત્ર, જેમાં એક યુઝર બીજા યુઝરને પોતાની અંગત માહિતીઓ શૅર કર્યા વગર પણ તેનું રહસ્ય વહેંચી શકે અને એ પણ પાસવર્ડ પ્રોટેક્શન વગર! આખી વાત જરાક પેચિદી છે એટલે આને સમજવા માટે એક-બે ઉદાહરણોને ધ્યાનમાં લઈએ.


ધારો કે મારી પાસે તદ્દન એકસરખી દેખાતી બે ઢીંગલીઓ છે. સર્કસના જાદુગરની માફક એ બન્ને ઢીંગલીઓને હું મારા હાથની પાછળ લઈ જઈને એને એકબીજા સાથે બદલી નાખું છું. સામે બેઠેલા મિત્રને મારા તરફથી હવે એક પ્રશ્ન પૂછવામાં આવે છે, આ બન્ને ઢીંગલીઓની અદલાબદલી થઈ છે કે નહીં? હવે મુદ્દો એ છે કે જો ઢીંગલીઓ બિલકુલ એકસમાન દેખાવ અને કદ-કાઠી ધરાવતી હશે તો મારા મિત્રનો જવાબ ‘હા’ આવે એવી સંભાવના ૫૦ પ્રતિશત છે, પરંતુ ધારો કે આ પ્રક્રિયા ૨૦ વખત દોહરાવવામાં આવે છે, ત્યારે શું થશે? દર વખતે હું ઢીંગલીની અદલાબદલી કરું પણ અને ન પણ કરું! હવે એ દરેક વખતે મારા મિત્રનો જવાબ સાચો પડે એવી સંભાવના સાવ ઓછી થઈ જાય છે. એમ કહોને કે દસ લાખમાંથી એકાદ તુક્કો લાગી શકે!

ઝીરો નૉલેજ પ્રૂફ ઍપ્લિકેશન ત્રણ મૂળભૂત સિદ્ધાંતો પર કામ કરે છે : કમ્પ્લિટનેસ (સંપૂર્ણતા), સાઉન્ડનેસ (મજબૂતાઈ) અને પ્રાઇવસી (ગુપ્તતા)! કમ્પ્લિટનેસનો અર્થ છે, અગર સિસ્ટમ દ્વારા અપાતું ઇનપુટ સાચું હશે તો ઝીરો નૉલેજ પ્રૂફ બાદનું આઉટપુટ હંમેશાં સાચું જ હોવાનું! સાઉન્ડનેસનો અર્થ છે, અગર ઇનપુટ ખોટું હશે તો ઝીરો નૉલેજ પ્રૂફ સિસ્ટમને છેતરીને એમાંથી આઉટપુટ મેળવવું અશક્ય છે! અને પ્રાઇવસીનો મતલબ છે કે તમે આપેલો ઇનપુટ અન્ય કોઈ ત્રીજી પાર્ટી (થર્ડ પર્સન) દ્વારા હાંસિલ કરવું અથવા ચોરવું શક્ય નથી. એની ગુપ્તતા પર સંપૂર્ણપણે તમારો જ અધિકાર છે.


બેલ્જિયમ, ફ્રાન્સ અને યુએસના સંશોધકોએ ઝીરો નૉલેજ પ્રૂફ સિસ્ટમની સરળ સમજૂતી માટે એક ખાસ ઉદાહરણ તૈયાર કર્યું છે. નાનપણમાં તમે અલીબાબા અને ચાલીસ ચોરની વાર્તા તો સાંભળી જ હશે? હવે એ અરેબિયન કથાને આપણે આ વિષયવસ્તુના સંદર્ભમાં સમજવાનો પ્રયત્ન કરીએ.

પૌરાણિક સમયના એક શહેર બગદાદની આ વાત છે. બગદાદના બજારમાંથી ઘરવખરી ખરીદીને અલીબાબા પોતાના ઘરે પરત ફરી રહ્યો હતો. અચાનક પાછળથી એક ચોરે આવીને તેનું પર્સ ચોરી લીધું અને દોટ મૂકી. એકાદ કિલોમીટર દોડ્યા પછી પેલો ચોર એક અંધારી ગુફામાં પ્રવેશી ગયો. અલીબાબા પણ તેની પાછળ-પાછળ ગુફામાં પહોંચ્યો. ત્યાં જઈને જુએ છે તો સામે બે ફાંટા પડેલા છે. એક રસ્તો ડાબી બાજુ જાય છે અને બીજો જમણી બાજુ! ચોર કઈ દિશામાં ગયો હશે, કોને ખબર? અલીબાબાએ તુક્કો લગાવ્યો. તે ડાબી બાજુના રસ્તે ગયો અને થોડુંક દોડ્યો હશે ત્યાં સામે મસમોટી કાળીડિબાંગ દીવાલ ભટકાઈ. આગળ જવાનો બીજો કોઈ રસ્તો હવે દેખાતો નહોતો. હાર ન માનવાની કોશિશરૂપે તેણે ગુફાની બીજી બાજુ એટલે કે જમણી બાજુના રસ્તે જઈને પણ તપાસ કરી. ત્યાં પણ તેને કશું જ હાથ ન લાગ્યું. તે નિરાશ થઈને પાછો ફર્યો.

બીજા દિવસે ફરીથી એ જ ક્રમ થયો. અલીબાબા આ વખતે જમણી બાજુ દોડ્યો, પણ ચોરને પકડવામાં નાકામિયાબ રહ્યો. રોજ ચોર આવે, ગુફામાં ઘુસે અને અલીબાબા પાછળ પડે. ચાળીસમા દિવસે અલીબાબાએ દિવસ ઊગે એ પહેલાં ગુફામાં જઈને ત્યાં રાહ જોવાનું નક્કી કર્યું. ગુફાના એક પથ્થર અને કોથળાઓના ઢગની પાછળ છુપાઈને બેસી ગયો. સાંજે ગુફાનું અંધારું વધારે કાળુડિબાંગ લાગવા માંડ્યુ. એ જ વખતે તેણે કોઈકની માનવ-આકૃતિ જોઈ. ચાલીસમો ચોર જમણી બાજુના રસ્તાના છેવાડે આવીને ઊભો રહી ગયો. બન્ને હાથ હવામાં ઉછાળી તેણે ‘ખૂલ જા સિમ સિમ’નો મંત્રોચ્ચાર શરૂ કર્યો.

ત્રણ વખત ‘ખૂલ જા સિમ સિમ’ બોલતાંની સાથે જ ચોરની સામેની દીવાલ હળવેકથી સરકી. એક માણસ જઈ શકે એટલી જગ્યા એમાં થઈ ચૂકી હતી. હવે અલીબાબાને પાછલા દિવસોમાં પોતાની સાથે વીતેલી ઘટનાનો તાગ મળ્યો.

એ દિવસ પછી અલીબાબાએ એ મંત્ર પર ખાસ્સી મહેનત કરી અને એનો સંપૂર્ણ તાળો મેળવી લીધો. પોતાની કરામતથી તેણે આખો મંત્ર જ બદલી નાખ્યો, જેથી હવે પછી તેના સિવાય બીજી કોઈ વ્યક્તિ એ ગુફા ન ખોલી શકે. પોતે બનાવેલા નવા મંત્ર (પાસવર્ડ) વિશેની જાણકારી આપતા કેટલાક સંકેતો તેણે એક ગુપ્ત મેન્યૂસ્ક્રિપ્ટમાં લખ્યા, જે સહેલાઈથી ઉકેલી શકવા શક્ય નહોતા.

આ આખી વાતને લોકવાયકા માનીને લોકોએ પોતાના મગજમાંથી કાઢી નાખી. આજે એ ગુફા અમેરિકાના બોસ્ટનમાં હોવાની વાત પુરાતત્ત્વશાસ્ત્રીઓના ધ્યાનમાં આવી. પુષ્કળ પરિશ્રમ બાદ તેમણે એ ગુફા સુધી પહોંચવાનો રસ્તો તૈયાર કર્યો, પરંતુ એને ખોલવી કેવી રીતે? છેવટે માઇક અલી નામની એક વ્યક્તિએ પોતાને અલીબાબાનો વંશજ ગણાવ્યો. તેની પાસે પોતાના પૂર્વજ અલીબાબાનો આપેલો સાંકેતિક કાગળ મૌજૂદ હતો, પરંતુ તેણે ગુફા ખોલવાનો મંત્ર જાહેર જનતા વચ્ચે વહેંચવાનું મુનાસિબ ન માનતાં ફક્ત પોતાના પૂરતો સીમિત રાખવાનો નિર્ણય કયો.

મીડિયા સુધી આ વાત પહોંચી. માઇક અલી વાસ્તવમાં અલીબાબાનો વંશજ છે કે નહીં એ અંગેના વાદવિવાદો ચાલ્યા. માઇક અલીએ નક્કી કર્યું કે રહસ્યનો ખુલાસો કર્યા વગર પોતે એ વાત સાબિત કરશે કે અલીબાબાનો ફક્ત એક જ વંશજ છે! રિપોર્ટર્સ અને ટીવી જર્નલિસ્ટે સર્વપ્રથમ ગુફામાં જઈને આખી ફૂટેજ રેકૉર્ડ કરી લીધી. ડાબી અને જમણી બાજુના રસ્તાના વીડિયો ક્લિપિંગ્સ તેમણે પોતાના કૅમેરામાં શૂટ કર્યા. ત્યાર બાદ માઇક અલીએ તેમને ગુફાની બહાર રહેવાનું સૂચન કરી પોતે એકલા અંદર જવાની રજૂઆત તેમના સમક્ષ કરી.

માઇક અલી ડાબી બાજુના રસ્તેથી અંદર પ્રવેશ્યો અને જમણી બાજુના રસ્તેથી બહાર નીકળ્યો! આવું લગભગ ઘણી વખત બન્યું. મીડિયાએ આ આખી ઘટનાને કૅમેરાના કચકડે કેદ કરી. તેમને એ વાતનો ભરોસો બેસી ગયો કે માઇક અલી પાસે અંદરની ગુફાને મંત્રોચ્ચાર વડે ખોલવાની આવડત છે અને તે અલીબાબાનો એકમાત્ર વંશજ છે. 

પોતાનું રહસ્ય કોઈ સાથે વહેંચ્યા વગર પણ માઇક અલી મીડિયા સમક્ષ પોતાની વાતને સત્ય પુરવાર કરી શક્યો. હવે આ જોઈને પ્રતિસ્પર્ધી ન્યુઝ-ચૅનલના મનમાં ઇર્ષા જાગી. તેમને થયું કે અમે પણ આવું કંઈક પુરવાર કરી બતાવીએ. માઇક અલી જેવા દેખાતા એક માણસને લઈને આખી ટીમ ગુફા પાસે પહોંચી, પરંતુ અસલી માઇક અલી સિવાય ગુફાના ડેડ-એન્ડ (છેવાડાના ભાગ)ને ખોલવાનો મંત્ર બીજા કોઈ પાસે નહોતો.

પરિણામસ્વરૂપ, ન્યુઝ ચૅનલે નક્કી કર્યું કે આપણે આખા વિડિયોને અલગ-અલગ પાર્ટમાં શૂટ કરીને બાદમાં ઍડિટ કરી દઈશું. નકલી માઇક અલીને તેમણે પહેલા ગુફાના ડાબા રસ્તા પર મોકલ્યો એટલો વિડિયો શૂટ કરીને તેમણે એ વ્યક્તિને ગુફાના જમણા ભાગમાંથી બહાર આવવાનો આદેશ આપ્યો જેથી અસલી માઇક અલીની માફક આ નકલી માણસનો દાવો પણ સત્ય સાબિત થઈ શકે. આખી ફુટેજને ઍડિટ કર્યા બાદ ચૅનલ પર પ્રસારિત કરવામાં આવી.

બન્ને ચૅનલો લડતી-ઝઘડતી કોર્ટ સુધી પહોંચી. કોનો વિડિયો સાચો, એ પુરવાર કરવાની મથામણ ચાલી, પરંતુ બન્ને ટેપ એકસરખી જ લાગતી હતી. બન્ને ચૅનલો એવું પુરવાર કરી શકવા સક્ષમ નહોતી કે પોતાની ફુટેજમાં દેખાડવામાં આવેલો માઇક અલી અસલી છે અને તેની પાસે જ મંત્ર છે! આ કારણોસર કોર્ટ કશા જ નિર્ણય પર ન પહોંચી શકી. બન્ને વિડિયોમાં માઇક અલીને ડાબી બાજુના રસ્તેથી પ્રવેશ કરાવીને જમણી બાજુના રસ્તેથી બહાર આવતો દેખાડવામાં આવ્યો હતો.

માઇક અલીનો અંગત હેતુ સફળ થયો. તે એવું સાબિત કરવા માગતો હતો કે રહસ્યનો ખુલાસો કર્યા વગર પણ પોતાની સચ્ચાઈ પુરવાર કરી શકવી શક્ય છે.

હવે આ આખી વાર્તાને લેખની શરૂઆત સાથે જોડી દો! ઝીરો નૉલેજ પ્રૂફ સિસ્ટમ સમજવા માટે ગિલ્સ બ્રાસર્ડ નામના સંશોધકે આ સમજૂતી વિકસાવી છે, જે કોઈ પણ નાના બાળકને પણ આસાનીથી પચી જાય. કોઈ પ્રકારના પાસવર્ડ પ્રોટેક્શન વગર પણ યુઝર પોતાનું રહસ્ય બીજી વ્યક્તિ સાથે વહેંચી શકે એ ઘટનાની આ સાબિતી છે! ઝીરો નૉલેજ પ્રૂફ સિસ્ટમને આજકાલના સંશોધકો ક્ષતિરહિત તંત્ર તરીકે જોઈ રહ્યા છે, પરંતુ ભવિષ્યના ગર્ભમાં શું છુપાયેલું છે એ વિશે હકીકતમાં કોઈને ખબર નથી. પાસવર્ડ કે પીન વગરની એ ઇન્ટરનેટ દુનિયા કેવી હશે અને એમાં કેવા નવા ખતરાઓ ઊભા થશે એ તો સમય જ જણાવશે.

પાસવર્ડ-હૅકિંગનો ભૂતકાળ સદીઓ જૂનો છે. ઇલેક્ટ્રૉનિક ઉપકરણ અથવા સૉફ્ટવેરને શ્રેષ્ઠતમ ડિજિટલ સુરક્ષા પૂરી પાડતી ટેક્નૉ-કંપનીઓ પણ આપણા પાસવર્ડને શત-પ્રતિશત પ્રોટેક્ટ કરવાની ગૅરન્ટી નથી આપતી. પ્રત્યેક દાયકામાં પાસવર્ડ-હૅકિંગ થકી વિપુલ સંખ્યામાં યુઝર્સનો પર્સનલ ડેટા ચોરી થયાની ફરિયાદો ઊઠી છે, પરંતુ ઝીરો નૉલેજ પ્રૂફ સિસ્ટમનો જાદુ હવે દુનિયાભરના દેશોમાં વિસ્તરી રહ્યો છે. ટેક્નૉલૉજી વર્લ્ડમાં પા-પા પગલી ભરતી આ નવી કરામત આખરે કેવા ચમત્કાર સર્જશે?

Whatsapp-channel Whatsapp-channel

01 December, 2019 03:52 PM IST | Mumbai | Parakh Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK