Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મુંબઈકરોનો ઝુકાવ શું કામ વધી રહ્યો છે સૌર ઊર્જા તરફ?

મુંબઈકરોનો ઝુકાવ શું કામ વધી રહ્યો છે સૌર ઊર્જા તરફ?

14 December, 2019 12:56 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

મુંબઈકરોનો ઝુકાવ શું કામ વધી રહ્યો છે સૌર ઊર્જા તરફ?

સોલાર

સોલાર


લગભગ ૩૦૦ દિવસનો સારો તડકો મળતો હોવાથી અહીં સોલર પ્લાન્ટ માટેનું વાતાવરણ અનુકૂળ છે. વધી રહેલાં હાઇરાઇઝ બિલ્ડિંગને કારણે પણ સીધો તાપ શક્ય છે. ઘણી મુંબઈની સોસાયટીઓએ સોલર પ્લાન્ટને કારણે પોતાનું હજારોનું વીજળીનું બિલ શૂન્ય પર લાવી દીધાના અહેવાલો તમે વાંચ્યા જ હશે. આજે વર્લ્ડ એનર્જી કન્ઝર્વેશન દિવસ છે ત્યારે મુંબઈમાં સોલર એનર્જીની દુનિયા કેટલી ફૂલીફાલી છે એના પર નજર નાખીએ

વાશીમાં રહેતી ફિઝિયોથેરપિસ્ટ અને પિલાટેઝ ટ્રેઇનર રીમા લુઇસે પોતાના ડ્યુપ્લેક્સ ઘરમાં ૨૦૧૦માં સોલર હીટર લગાવ્યું અને ઘરના બાથરૂમ, કિચનમાં આ સોલર હીટરનું જ પાણી આવે છે જેથી નહાવામાં, રસોઈ બનાવવામાં, શાકભાજી ધોવામાં આ જ પાણીનો ઉપયોગ એ લોકો કરે છે. ચાર વર્ષ પહેલાં આ પરિવારે સોલર પૅનલ્સ પણ લગાવી. આજે તેમનું આખું ઘર સોલર એનર્જીથી ઉત્પન્ન થતી વીજળી પર જ ચાલે છે. સોલર પૅનલ્સ નહોતી ત્યાં સુધી તેમનું મહિનાનું બિલ લગભગ દસેક હજાર સુધીનું આવતું હતું જે હવે વધુમાં વધુ હજાર રૂપિયા આવે છે. મોટા ભાગે તો તેમણે ફિક્સ ૩૦૦ રૂપિયાનો ચાર્જ જ આપવો પડતો હોય છે. રિન્યુએબલ એનર્જી સોલ્યુશનની દિશામાં આગળ વધતા આ પરિવારે પોતાની પેટ્રોલ પર ચાલતી ગાડી વેચીને ઇલેક્ટ્રિક કાર લઈ લીધી. કારને ચાર્જ કરવા માટેનું ચાર્જિંગ યુનિટ પોતાના પાર્કિંગમાં લગાવી દીધું અને ચાર્જિંગ માટે જોઈતી એનર્જી તેમને સોલર પૅનલમાંથી મળે છે. પહેલાં દર મહિને પેટ્રોલના તેઓ લગભગ નવેક હજાર રૂપિયા ખર્ચતા હતા જે હવે ઝીરો થઈ ગયા છે, કારણ કે તેમની પાસે પોતાનું ચાર્જિંગ યુનિટ છે. ઘરમાં થતો પ્લાસ્ટિક કચરો તેઓ એનજીઓને આપી દે છે જે તેમના ઘરેથી લોકો કલેક્ટ કરી લે છે અને રીસાઇક્લિંગ પ્રોડક્ટમાં એનો ઉપયોગ થાય છે. ઘરમાં થતો ભીનો કચરામાંથી તે જાતે જ ખાતર બનાવે છે. કમ્પોસ્ટિંગ પ્લાન્ટ પણ તેમણે રાખ્યો છે. ટેરેસ પર આ જ ખાતરમાંથી તેમણે કાકડી, પપૈયા, ફુદીનો, કોળું જેવી શાકભાજી પણ ઉગાડવાની શરૂ કરી છે. સૌથી મજાની વાત એટલે કે મમ્મી, ઑન્ટ્રપ્રનર અને હાઉસવાઇફ એમ મલ્ટ‌િપલ રોલ ભજવતી રીમાને દિવસની પંદરથી વીસ મિનિટનો સમય આ ઝીરો વેસ્ટ લાઇફ-સ્ટાઇલ માટે આપવો પડે છે. ઇકો-ફ્રેન્ડ્લી બનવું હોય તો ઘણો સમય આપવો પડે એ વાતનો પણ વાશીની આ મહિલાએ છેદ ઉડાડ્યો છે અને આજે રીમા અને તેનો પરિવાર ઝીરો વેસ્ટ લાઇફ-સ્ટાઇલ ઓછા ખર્ચામાં સરસ રીતે જીવી રહ્યાં છે. 



મુંબઈમાં રીમા જેવા લોકોની સંખ્યા વધી રહી છે. માત્ર પ્રાઇવેટ પ્રૉપર્ટી જ નહીં પણ કમ્યુનિટી લેવલ પર પણ મુંબઈની ઘણી સોસાયટીઓ દ્વારા હવે કુદરતી સૌર ઊર્જાનો ઉપયોગ કરવાનું પ્રમાણ વધ્યું છે. આજે વર્લ્ડ એનર્જી કન્ઝર્વેશન ડે છે ત્યારે મુંબઈમાં બિજલી બચાઓ અભિયાનનો વ્યાપ કેટલો અને કેવો થયો છે અને કઈ રીતે લોકો વીજળી બચાવવા માટે વ્યક્તિગત ધોરણે અને સામૂહિક ધોરણે પ્રયાસો કરી રહ્યા છે એ વિષય પર ચર્ચા કરીએ. 


solar

પ્રસાર વધ્યો છે


અત્યારે આપણા ઘરે જે વીજળી આવે છે એ થર્મલ પ્લાન્ટમાં કોલસા, તેલ અને ગૅસના ઉપયોગથી બનતી વીજ છે જેના ઉત્પાદનમાં ભરપૂર પ્રમાણમાં કાર્બનનું વાતાવરણમાં ઉત્સર્જન થાય છે. એને બદલે સોલર ઊર્જા પર્યાવરણ માટે સંપૂર્ણ નિરુપદ્રવી છે. બીજું, શરૂઆતમાં થતું ઇન્વેસ્ટમેન્ટ અમુક વર્ષોમાં પાછું મળી જાય અને બાકીનાં વર્ષોમાં એ સાફ મફત મળે છે. મુંબઈમાં લગભગ ૩૦૦ દિવસ તડકો હોય છે અને એટલે જ અહીં સોલર એનર્જીનો જોઈએ એટલો લાભ લેવો શક્ય છે. મુંબઈની આઇઆઇટીના વિદ્યાર્થીઓએ કરેલા એક સર્વે મુજબ મુંબઈગરાઓ રોજનો ૩૫૦૦ મેગાવૉટ વીજળીનો વપરાશ કરે છે અને મુંબઈમાં બધાં જ રૂફટૉપ પર જો સોલર પૅનલ લગાવી દેવાય તો ૧૯૦૦ મેગાવૉટ તૈયાર થઈ શકે છે. એટલે કે આપણી ૫૦ ટકા કરતાં વધુ ડિમાન્ડ નિઃશુલ્ક અને કોઈ જ પ્રદૂષણ ન કરનારી સોલર ઊર્જામાંથી મેળવી શકાય છે. વિચાર કરો કે ટ્રેડિશનલ રીતે ઉત્પન્ન થતી ૫૦ ટકા વીજળીને કારણે ફેલાતું પ્રદુષણ તો અટકી જાય! કદાચ આ ગંભીરતા મુંબઈમાં હવે ઘણા લોકો સમજતા થયા છે અને એટલે જ આજે મુંબઈની હોસ્પિટલોથી લઈને સરકારી ઇમારતો, એસએનડીટી જેવી શૈક્ષણિક સંસ્થાઓ, સ્કુલો, હોટલો, મંદિરો, મસ્જિદો (મુંબઈની પાંચ મોટી મસ્જિદમાં સોલર પ્લાન્ટ લાગી ચૂક્યા છે.), રેલવે પ્લૅટફૉર્મના છાપરાઓ સુધ્ધાં સોલર પ્લાન્ટની પૅનલોથી આચ્છાદિત થઈ ગયા છે. થોડાક સમયમાં લોકલ ટ્રેનના છાપરા પર પણ સોલર પૅનલ્સ લગાડવાનો પ્લાન પાઇપલાઇનમાં છે.

લોકોના અનુભવો

જે સમયે સોલર ઊર્જાની વાત આજ જેટલી પૉપ્યુલર નહોતી થઈ એ સમયે પોતાના જુહુ પર આવેલા બંગલોમાં સોલર પૅનલ્સ અને પવનચક્કીથી વીજળીનો ઉપયોગ શરૂ કરનારા હરેન્દ્ર શાહ કહે છે, ‘૨૦૦૮માં મેં મારા દોલત બંગલોમાં સોલર પૅનલ લગાવી હતી. એ વખતે સરકાર ૫૦ ટકા સબ્સિડી આપતી હતી એટલે લગભગ અઢી લાખનો ખર્ચ થયો હતો. ત્યારથી લઈને આજ સુધી કોઈ કમ્પ્લેઇન્ટ નથી આવી. એ સમય કરતાં આજે તો જોકે ટેક્નૉલૉજી પણ ઘણી ડેવલપ થઈ ગઈ છે. અમે પોતે પણ લાઇટિંગ અને એનર્જી સેવિંગની પ્રોડક્ટ બનાવતા હતા એટલે આ ટેક્નૉલૉજીથી પણ વાકેફ હતા. ૧૦૦૦ લીટરના વૉટર હીટરને કારણે લાઇટ બિલમાં ઘણો ફરક પડે છે. અમે એનર્જી સેવિંગ માટે એલઈડી લાઇટ ઉપરાંત ઓછી એનર્જી કન્ઝ્યુમ કરતી ઇલેક્ટ્રિક પ્રોડક્ટ પણ વસાવી છે.’

માત્ર વ્યક્તિગત રીતે જ નહીં પણ સોસાયટી ધોરણે પણ સોલર ઘણું કિફાયતી પડે છે એની પુષ્ટિ આપતા અઢળક કિસ્સાઓ તમે અખબારોમાં વાંચ્યા હશે. ઘાટકોપરની રાજી કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીનું સોલર પ્લાન્ટ લાગ્યા પછી સો ટકા વીજળીનું બિલ હવે નથી આવતું. સોસાયટીના કમિટી મેમ્બર દિવ્યેન શાહ કહે છે, ‘૨૦૧૪ના ઑક્ટોબર મહિનામાં અમે અમારી સોસાયટીની ટેરેસ પર ૨૨૦૦ સ્ક્વેર ફુટના હિસ્સામાં ૨૨ ‌કિલોવૉટની ૬૮ પૅનલ ઇન્સ્ટૉલ કરી હતી. ૧૧ માળના બિલ્ડિંગમાં દરેક માળે લૉબીમાં, પ‌ાર્કિંગ એરિયામાં, સોસાયટી કૅમ્પસમાં, પાણીની મોટર માટે અને લિફ્ટમાં વપરાતી વીજળીનું ૩૦ હજારનું બિલ આવતું; જે ધીમે-ધીમે ઘટતું ગયું અને હવે તો ૬૦૦ રૂપિયાનો મીટરનો ફિક્સ ચાર્જ જ આપવો પડે છે. નસીબજોગે અમારી સોસાયટીમાં આ કાર્ય કરવાનું હતું ત્યારે કોઈ વિરોધ નહોતો થયો. વાત પર્યાવરણની છે અને ભવિષ્યમાં પૈસા પણ બચવાના હોય તો કોને વાંધો હોય?’

દરેક જણ સોલર પ્લાન્ટ લગાવી શકે એ જરૂરી પણ નથી. બોરીવલી (વેસ્ટ)માં આવેલી અને ૨૦૦૭માં જમીનદોસ્ત થઈ ગયેલી લક્ષ્મીછાયા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં છેલ્લાં ત્રણ વર્ષથી સોલર પ્લાન્ટથી વીજ ઉત્પાદનનું કામ થઈ રહ્યું છે. સોસાયટીના સેક્રેટરી રાકેશ મા‌લવિયા કહે છે, ‘અમારી સોસાયટીના પોડિયમમાં પહેલાં ૨૦ કિલોવૉટનો સોલર પ્લાન્ટ ઇન્સ્ટૉલ કર્યો હતો. એમાં એટલું સારું રિઝલ્ટ મળ્યું કે પાછળથી અમે બાર કિલોવૉટનું એક્સપાન્શન કર્યું. ટોટલ ૧૯-૨૦ લાખનો ખર્ચ થયો, પરંતુ પહેલાં ૮૦-૯૦ હજાર બિલ આવતું હતું એ હવે ત્રીસેક હજાર આવે છે. આવતાં ત્રણ વર્ષમાં બધો ખર્ચ નીકળી જશે.’

૯૬ મેમ્બર્સની આ સોસાયટીમાં સોલર પ્લાન્ટ લગાવવાના પ્રસ્તાવ પર બે ઍન્યુઅલ જનરલ મીટિંગમાં સોસાયટીના સભ્યો સાથે ચર્ચા થઈ અને એ પછી સર્વ સહમતીથી નિર્ણય લેવાયો. ઘણી વાર શરૂઆતમાં મોટો અમાઉન્ટ જાણીને લોકો કન્વ‌િન્સ ન પણ થાય. કાંદિવલીની ઝરોખા કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના એક્સ-ચૅરમેન ધનેશ ઠક્કર કહે છે, ‘અમારે ત્યાં દોઢ વર્ષ પહેલાં હું ચૅરમૅન હતો ત્યારે સોલર પ્લાન્ટ બેસાડ્યો છે. ચોવીસ લાખનો ખર્ચ આવ્યો. જોકે સબ્સિડીને કારણે અમારે સાડાસોળ લાખ જ આપવા પડ્યા. શરૂઆતમાં સોસાયટીના સભ્ય તૈયાર નહોતા ત્યારે તેમની સમક્ષ હોમવર્ક કર્યા પછી અમે એક પર્યાય મૂક્યો હતો. આજે કેટલીક એવી કંપનીઓ છે જે આપણી પાસેથી ટેરેસ રેન્ટ પર લઈ લે અને સોલર પૅનલ લગાવે. બધો ખર્ચ એ લોકો ભોગવે અને માર્કેટ કરતાં ઓછા ભાવમાં આપણને પર યુનિટ આપે. ધારો કે અદાણીમાં ૧૧ રૂપિયા લેવાતા હોય તો આપણે તેમને છ રૂપિયા આપવાના. એ પછી બાકીના વધારાના યુનિટની વીજળીનું તેઓ શું કરે એ તેમણે નક્કી કરવાનું. જોકે વધુ ઊંડાણથી સમજાવ્યા પછી સભ્યો માની ગયા. દોઢ વર્ષમાં વીજળીનું બિલ ઘટ્યું છે. હું દરેક સોસાયટીને કહીશ કે આ કામ કરવા જેવું છે. પર્યાવરણ પ્રત્યેની અને આપણી આવનારી પેઢી પ્રત્યેની આપણી આ ફરજ પણ છે.’

એવી રીતે બોરીવલી (ઈસ્ટ)માં આવેલી ૨૫૬ ફ્લૅટ ધરાવતી ભૂમિ ગ્રીન આર્કેડ સોસાયટીના ત્રણ ટાવર મળીને ૨૫૬ ફ્લૅટ્સ છે. આ સોસાયટીએ ૨૫૬ સોલર પૅનલ મળીને ૭૪ કિલોવૉટ પાવરનો પ્લાન્ટ ઇન્સ્ટૉલ કર્યો છે, જેને કારણે સોસાયટીની સોએ સો ટકા એનર્જીની જરૂરિયાત હવે પૂરી થઈ જાય છે. સોલર પ્લાન્ટ પર જ હવે આ સોસાયટીનાં સીસીટીવી કૅમેરા, લિફ્ટ, પાણીના પમ્પ અને ફાયર અલાર્મ ચાલે છે.

ઘાટકોપરના જમનાદાસ ટાવરમાં પણ સોલર સિસ્ટમ ઇન્સ્ટૉલ કરવામાં આવી છે. સોસાયટીના ટ્રેઝરર ડૉ. મહેશ નાયક કહે છે, ‘મારી દૃષ્ટિએ આ ખર્ચ છે જ નહીં પણ ઇન્વેસ્ટમેન્ટ છે, કારણ કે જે પૈસા તમે રોકો છો એ તો ચારથી છ વર્ષમાં રિટર્ન આવી જાય છે અને પછી તો તમારા માટે વીજળી મફત થઈ જાય છે. પહેલાં અમારે ૨૮ હજાર બિલ આવતું હતું, આજે ત્રણથી ચાર હજાર આવે છે. સાડાઆઠ લાખનો ખર્ચ થયો છે જે ચાર વર્ષમાં રિકવર થઈ જશે.’

કરવું શું?

તમારી સોસાયટીમાં સોલર પ્લાન્ટ લાગી શકે છે કે નહીં એનો એક સર્વે તમારે સૌથી પહેલાં કરાવવાનો હોય છે. સોલર પ્લાન્ટ ઇન્સ્ટૉલેશનનું કામ કરતા હરેન ત્રિવેદી કહે છે, ‘સૌથી પહેલાં તો અમે જે સોસાયટીને સોલર પ્લાન્ટ લગાવવો છે તેમનું બિલ માગીએ. ગૂગલ મૅપથી તેમનું લોકેશન ટ્રૅક કરીએ અને પ્લાન્ટ માટે તેમનું લોકેશન બરાબર છે કે નહીં એની તપાસ થાય. સોલર પ્લાન્ટ માટે લોકેશન મહત્ત્વનું છે. બિલ્ડિંગ જો પહોળાઈમાં સાઉથ ફેસિંગ હોય અને લંબાઈમાં ઈસ્ટ-વેસ્ટ હોય તો એ બેસ્ટ લોકેશન ગણાય. બીજું, આજુબાજુના કોઈ બિલ્ડિંગનો શૅડો ન આવવો જોઈએ. જેમ કે પાર્લામાં જૉગર્સ પાર્કમાં અમે સોલર પ્લાન્ટ લગાવ્યો છે તો એમાં દિવસના અમુક સમયે ત્યાંના એક પામ ટ્રીનો શૅડો પડે છે. જોકે એ માત્ર પંદર-વીસ મિનિટ માટે એટલે એને અવગણી શકાય, પરંતુ એના કરતાં વધુ હોય તો એ સોલર એનર્જી જનરેટ કરવામાં આડે આવી શકે. મુખ્ય બાબત એ છે કે તમારી ટેરેસ પર પૂરતા પ્રમાણમાં તડકો પડવો જોઈએ.’

સિલિકૉનની પ્લેટ્સ અને સોલર પ્લાન્ટમાંથી બનતી એનર્જીને એસીમાંથી ડીસી કરન્ટમાં કન્વર્ટ કરવાના ઇન્વર્ટર સાથે એક કિલોવૉટ સોલર પ્લાન્ટ ઇન્સ્ટૉલ કરવાનો લગભગ ૪૫ હજારથી ૬૦ હજાર સુધીનો ખર્ચ આવતો હોય છે એમ જણાવીને સોલર પ્લાન્ટના કન્સલ્ટન્ટ જિતેન્દ્ર શાહ કહે છે, ‘જોકે જેટલા વધુ વૉટ એટલો ખર્ચ ઓછો. એક વૉટમાં લગભગ ચારથી પાંચ યુનિટ વીજળી ઉત્પન્ન થતી હોય છે.  મહારાષ્ટ્ર સરકારે એપ્રિલ એન્ડથી સબ્સિડી આપવાનું બંધ કરી દીધું છે. એનું કારણ એ છે કે પહેલાં સોલર પ્લાન્ટ મોંઘા હતા અને લોકોમાં અવેરનેસ ઓછી હતી. ત્યારે સબ્સિડીની જરૂર હતી. આજે ઍડ્વાન્સ્ડ ટેક્નૉલૉજી પછી પણ સોલર પ્લાન્ટની કૉસ્ટ દુનિયાના અન્ય દેશો કરતાં આપણે ત્યાં ખૂબ ઓછી છે. બીજું, લગભગ પચીસ વર્ષની આવરદા સાથેના અલ્ટ્રા-મૉડર્ન ઍડ્વાન્સમેન્ટ યુક્ત પ્લાન્ટ આવી ગયા છે. લોકો ઝડપથી પોતાના પૈસા રિકવર કરી શકે એ નિશ્ચિત થઈ ગયું છે એટલે હવે સબ્સિડીની જરૂરિયાત પણ રહી નથી.’

તમને ખબર છે?

મિનિસ્ટ્રી ઑફ ન્યુ ઍન્ડ રિન્યુએબલ એનર્જીના અંતર્ગત સોલર રૂફટૉપ કાર્બન કૅલ્ક્યુલેટર અનુસાર (74kWP) સોલર સિસ્ટમને કારણે દસ વર્ષમાં ૨૨૭૬ ટન કાર્બન વાતાવરણમાં રિલીઝ થતો અટકે. આટલો કાર્બન હવામાં જતો અટકાવવો એ ૩૬૪૧ મોટાં ઘટાદાર સાગનાં વૃક્ષો ઉગાડવા બરાબર ગણાય. 

Whatsapp-channel Whatsapp-channel

14 December, 2019 12:56 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK