ગુજરાતમાં લૉકડાઉનમાંથી મંદિરોનો છુટકારો?

Published: May 30, 2020, 07:40 IST | Shailesh Nayak | Mumbai

શક્તિપીઠ અંબાજીમાં દર્શનને લઈને માઈભક્તો માટે લગાવાઈ રહ્યાં છે સ્ટિકર્સ, બનાવી રહ્યાં છે સોશ્યલ ડિસ્ટન્સિંગનાં સર્કલ

અંબાજી મંદિર ગુજરાત
અંબાજી મંદિર ગુજરાત

ભાવિકોના આસ્થાના ધામ એવાં ગુજરાતનાં સુપ્રસિદ્ધ મંદિરો કોરોનાને કારણે લૉકડાઉનમાં લૉક થયાં છે ત્યારે મંગલમંદિરો પરથી લૉકડાઉન હટે અને માઈભક્તો તેમના ઈસ્ટદેવનાં દર્શન મંદિરમાં જઈને કરી શકે એવા સંકેત મળી રહ્યા છે. વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં માઈભક્તોને આવકારવા માટેની તૈયારીઓ ગઈ કાલથી શરૂ થઈ છે. મંદિર પરિસરમાં ‘અહીં ઊભા રહો’નાં સ્ટિકર્સ લગાવવાની અને સોશ્યલ ડિસ્ટન્સિંગ માટે સર્કલ બનાવવાની કામગીરી શરૂ કરાઈ છે, એટલું જ નહીં, અંબાજી મંદિરમાં ૨૦–૨૦ માઈભક્તો દર્શન કરવા જઈ શકે એવું આયોજન વિચારાઈ રહ્યું છે.

ફરી મંદિર ખૂલવાની દિશામાં અંબાજી મંદિરમાં શરૂ થયેલી તૈયારીઓના મુદ્દે યાત્રાધામ અંબાજી મંદિરના વહીવટદાર એસ. જે. ચાવડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકાર દ્વારા જે સૂચના અમને મળશે એ રીતે અમે આગળ વધીશું. જો મંદિર ખોલવાની સૂચના મળે તો એની તૈયારી અમે કરી રહ્યા છીએ. મંદિરમાં સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય એની તૈયારી કરી રહ્યા છીએ. ભાવિકો માટે અમે સૂચના, બૅનર, પોસ્ટર લગાવીશું. અમારા માટે સૌથી મહત્ત્વની વાત મંદિરમાં ગિરદી ન થાય એ છે. માસ્ક ફરજિયાત બનશે અને આગામી એકબે દિવસમાં આ માટે નિર્ણય કરીશું.’
અંબાજી મંદિરના મુખ્ય પ્રવેશદ્વાર પરથી લઈને છેક અંબાજી મંદિર સુધી, પ્રસાદ ઘર તેમ જ સમગ્ર મંદિર-પરિસર ઉપરાંત પગરખા-કેન્દ્ર, લગેજ-રૂમ સહિતના વિસ્તારમાં ભાવિકોને ઊભા રહેવા માટે સોશ્યલ ડિસ્ટન્સિંગનાં સર્કલ કરવામાં આવી રહ્યાં છે. અંબાજી મંદિરમાં અંદર જવા માટે રૅલિંગ છે એમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ જળવાય એ માટે સર્કલ દોરવામાં આવી રહ્યાં છે અને સૅનિટાઇઝરનાં સ્ટૅન્ડ ઊભાં કરવામાં આવી રહ્યાં છે.
ખાસ વાત એ છે કે જો મંદિર ફરીથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે તો માઈભક્તોની ભારે ગિરદી થાય એ સ્વાભાવિક છે ત્યારે મંદિરમાં દર્શન માટે માત્ર ૨૦–૨૦ માઈભક્તો જ અંદર જઈ શકે એ રીતની વ્યવસ્થા ગોઠવવા માટે અંબાજી મંદિરે કવાયત હાથ ધરી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK