Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું આજના સમયમાં ૧૦૦ ટકા સ્વદેશી બનવું શક્ય છે?

શું આજના સમયમાં ૧૦૦ ટકા સ્વદેશી બનવું શક્ય છે?

17 May, 2020 06:14 PM IST | Mumbai Desk
Rashmin Shah | rashmin.shah@mid-day.com

શું આજના સમયમાં ૧૦૦ ટકા સ્વદેશી બનવું શક્ય છે?

મનોજ જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા, કેતકી દવે, કમલેશ મોતા

મનોજ જોશી, સિદ્ધાર્થ રાંદેરિયા, કેતકી દવે, કમલેશ મોતા


નરેન્દ્ર મોદીએ આત્મનિર્ભરતાની હાકલ કરી ત્યારથી સ્વદેશી પ્રોડક્ટ જ વાપરો અને વિદેશી ચીજોનો બહિષ્કાર કરો એવી વાતોથી સોશ્યલ મીડિયા ઊભરાઈ રહ્યું છે. યસ, આત્મનિર્ભર બનવા માટે સ્થાનિક ઉત્પાદનોની કદર કરતાં શીખવી ખૂબ જરૂરી છે, ભારતીય ઉત્પાદનો આપણી ઇકોનૉમીને પણ ઊંચી લાવશે અને દેશનો પૈસો દેશમાં રહેશે. જોકે હાલની પરિસ્થિતિમાં સ્વદેશી કેટલું વાજબી? સ્વદેશી બનવું પ્રૅક્ટિકલી શક્ય છે કે નહીં? ‘મિડ-ડે’એ આ મુદ્દે જાણીતી ગુજરાતી સેલિબ્રિટી સાથે વાત કરી અને તેમના વિચારો જાણ્યા. જુઓ શું માનવું છે તેમનું...

સ્વદેશી એટલે વિદેશીનો વિરોધ એવું બિલકુલ નથી : મનોજ જોષી (ઍૅક્ટર અને ડિરેક્ટર)



સ્વદેશી હોવું એ વિચારધારા છે અને ‌આ વિચારધારા હવે આપણે ડેવલપ કરવાની છે. હું ઍગ્રી કરું છું કે સંપૂર્ણ સ્વદેશી થવું એ કદાચ અશક્ય છે અને અશક્ય ન હોય તો અઘરું તો છે જ છે, પણ જો તમે સજાગ રહો તો સ્વદેશીપણું અપનાવવું અઘરું નથી. સ્વદેશીપણું માત્ર વાત બનીને રહી ન જાય એનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે. બીજું કશું નથી કરવાનું, માત્ર દરેક ચીજવસ્તુમાં સ્થાનિક ઑપ્શન્સ શોધવાનું છે. જો શોધીએ તો એ ઑપ્શન મળી પણ જાય. કોલ્ડ ડ્રિન્ક્સના ઍપ્શનમાં તમારી પાસે લીંબુપાણી છે, ગોળનું પાણી કે શરબત છે અને આ ઑપ્શન હેલ્થ માટે ખૂબ લાભદાયી પણ છે. ઍસિડના ઘૂંટડા ભરીને શરીરને હેરાન કરવા કરતાં સ્વદેશી બનવામાં જો લાભ થતો હોય તો એમાં કશું ખોટું નથી. નૂડલ્સ અને બર્ગરને બદલે જો ઘરનો નાસ્તો વપરાશમાં આવી જતો હોય અને એ પણ સ્વદેશી બનવાનો આનંદ આપતું હોય તો એમાં કશું ખોટું નથી.
મારી દૃષ્‍ટિએ સ્વદેશી બનવાની શરૂઆત સૌથી પહેલાં ઘરથી કરવી જોઈશે. ઘરમાં જે ચીજવસ્તુઓનો વપરાશ છે એ ચીજવસ્તુઓના વપરાશમાં આપણે સ્વદેશી થઈશું તો રોજગાર નાના માણસ સુધી પહોંચશે અને રોજગાર જો નીચેના સ્તર સુધી પહોંચશે તો માત્ર સ્વદેશી જ નહીં બનીએ, પણ આત્મનિર્ભર પણ થઈશું. નરેન્દ્ર મોદીએ જે વાત કહી છે એ વાતમાં આત્મનિર્ભરતાની વાત છે. બીજા પર આધારિત નહીં રહેવાનો આડકતરો સંદેશ છે. તેમણે કોઈ દેશના નામનો ઉલ્લેખ નથી કર્યો, પણ એ વણકહ્યા શબ્દોમાં સ્પષ્ટતા સાથે સમજાઈ રહ્યું છે કે આપણો દેશ ચાઇના આધારિત બની ગયો હતો. ચાઇના પર આધાર રાખવા માંડ્યા એને લીધે એવી પરિસ્થિતિ આવી ગઈ હતી કે કોવિડ-19ના સંક્રમણની શરૂઆતમાં આપણી પાસે કોઈ બેઝિક સુવિધા નહોતી અને એ સુવિધા મગાવી શકાય એમ પણ નહોતી રહી. જરા વિચાર કરો સાહેબ કે ૧૪૦ કરોડના આ દેશમાં જો દરરોજ બે લાખ સ્પેસિફિક માસ્ક અને પીપીઈ કિટ બનતી હોય અને એ વાત વડા પ્રધાન પોતાના સ્પીચમાં કહી રહ્યા હોય તો આપણે એ વાતથી રાજી થવું જોઈએ કે અફસોસ કરવો જોઈએ?
સ્વદેશી થવું એટલે વિદેશી ચીજવસ્તુઓનો વિરોધ કરવો એવું બિલકુલ નથી, પણ માસ્ક ન હોય તો ગમછા કે રૂમાલથી મોઢું ઢાંકી લેવું એનું નામ સ્વદેશી. ગમછાથી મોઢું ઢાંકવામાં સંકોચ રાખીને મોઢું ખુલ્લું રાખવામાં જે શરમ છે એ શરમનો વિરોધ એટલે સ્વદેશીપણું. ટાટા તમારી કંપની છે. આ જ ટાટાએ બે ઇન્ટરનૅશનલ કાર-બ્રૅન્ડ જૅગ્વાર અને લૅન્ડરોવર ટેકઓવર કરી એટલે શું એ કાર ખરીદવાનો આગ્રહ કરવા માંડવાનો? જરા વિચારો કે સ્વદેશી બનવાના વિચારને ખોટી રીતે જોવામાં આવે તો પરિસ્થિતિ શું થઈ જાય. આજે તમે વિદેશની ચીજવસ્તુઓનો વિરોધ કરો છો, આવતી કાલે તમારી ચીજવસ્તુઓનો વિરોધ કરનારા દેશો ફાટી નીકળશે. આઇફોન કે સૅમસંગ તમારી બ્રૅન્ડ નથી, પણ એ તમારી લાઇફમાં બરાબર જોડાઈ ગઈ છે એટલે અમુક અંશે એવું શક્ય નથી બનવાનું કે તમે સંપૂર્ણપણે ભારતીય ઉત્પાદન જ ઉપયોગમાં લો. કબૂલ અને એમાં કશું ખોટું પણ નથી, બસ, એક કામ કરો. કોઈ પણ ચીજ ખરીદતાં પહેલાં એનો સ્વદેશી ઑપ્શન ચેક કરી લો. ૧૦માંથી ૭ કે ૮ ચીજનો તમને સ્વદેશી ઑપ્શન મળી જશે અને એ પણ સારો ઑપ્શન હશે.



જરા વિચારો કે સ્વદેશી બનવાના વિચારને ખોટી રીતે જોવામાં આવે તો પરિસ્થિતિ શું થઈ જાય. આજે તમે વિદેશની ચીજવસ્તુઓનો વિરોધ કરો છો, આવતી કાલે તમારી ચીજવસ્તુઓનો વિરોધ કરનારા દેશો ફાટી નીકળશે. આઇફોન કે સૅમસંગ તમારી બ્રૅન્ડ નથી, પણ એ તમારી લાઇફમાં બરાબર જોડાઈ ગઈ છે એટલે અમુક અંશે એવું શક્ય નથી બનવાનું કે તમે સંપૂર્ણપણે ભારતીય ઉત્પાદન જ ઉપયોગમાં લો.


વાત સ્વદેશીપણાની નહીં, આત્મનિર્ભરતાની છે : સિદ્ધાર્થ રાંદેરિયા (ઍૅક્ટર, ડિરેક્ટર અને પ્રોડ્યુસર)


જુઓ, સાવ સાચી વાત કહું તમને, સંપૂર્ણ સ્વદેશી બનવું એ આજના આ સમયમાં શક્ય જ નથી. આપણે ત્યાં જે કોઈ પણ વસ્તુઓ કે પછી એને બનાવનારી ફૅક્ટરીઓ કે યુનિટ છે એ પૈકીમાંથી ૯૦ ટકા વસ્તુ કે ફૅક્ટરીમાં કોઈ ને કોઈ ચીજ કે પાર્ટ વિદેશી છે. વેફર બનાવવાનાં મશીનથી માંડીને એના પૅકેજિંગનાં મશીન કે પછી સાબુ અને બિસ્કિટ બનાવતાં મશીન કે પછી એની સાથે જોડાયેલી બ્રૅન્ડ. કોઈ ને કોઈ ચીજ તો વિદેશની છે જ છે એટલે એવું તો શક્ય જ નથી કે તમે બધું ભારતીય જ વાપરો. દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતે જ દેશ-વિદેશમાં ફરીને ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન્ડિયામાં આવે એને માટે સતત પ્રયત્ન કરતા રહે છે એટલે એ રીતે પણ સંપૂર્ણ સ્વદેશી બનવાનું તો અશક્ય જ છે. આત્મનિર્ભર કે સ્વદેશીપણાનો એક સંદેશ એ છે કે તમે ઇમ્પોર્ટ કરવાને બદલે મૅક્સિમમ એક્સપોર્ટ થાય એ વાત પર ધ્યાન આપો. ઍટ લીસ્ટ આપણે એ સ્ટેજ પર પહોંચીએ કે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટનાં લેવલ સરખાં લાવીએ. જેટલું હૂંડિયામણ આપણે ફૉરેન મોકલીએ છીએ એટલું જ હૂંડિયામણ આપણે ફૉરેનથી પાછું પણ લાવીએ છીએ.
દુનિયા આજે એક ગ્લોબલ માર્કેટ બની ગઈ છે, એવા સમયે જો તમે તમારા ઘરના દરવાજા આજે બંધ કરી દો તો એ ન ચાલે. જો તમે એવું કરો તો તમે એકલા પડી જાઓ અને તમારે એને માટે હેરાનગતિ પણ સહન કરવી પડે. એક વાત સૌકોઈએ સમજવાની જરૂર છે કે કોઈ પણ દેશમાં રિસર્ચ થાય કે પછી નવી ટેક્નૉલૉજી શોધવામાં આવી હોય તો એનો ઉપયોગ દુનિયાઆખી કરતી હોય છે. મોબાઇલથી લઈને રૉકેટ અને સૅટેલાઇટમાં પણ આ વાત લાગુ પડે છે. આ બધાં સંશોધન કંઈ કોઈ એક દેશે નથી કર્યાં. હેલિકૉપ્ટર બનાવ્યું અમેરિકાએ, પણ આજે જગતનો એક પણ દેશ એવો બાકી નથી રહ્યો જે એનો ઉપયોગ ન કરતો હોય. કહેવાનો ભાવાર્થ એ કે શોધનો ઉપયોગ હંમેશાં સર્વાંગી સ્તર માટે જ થતો હોય છે. આજના સમયમાં હવે તમે નવેસરથી બધું રિસર્ચ કરો અને એ સંશોધન માત્ર તમારા દેશ પૂરતું જ સીમિત રાખો એ પણ શક્ય નથી. સેફ્ટી પિનથી લઈને પિયાનો સુધીની વસ્તુમાં કે પછી એની મેકિંગની પ્રોસેસમાં કોઈ ને કોઈ જગ્યાએ વિદેશી વસ્તુનો ઉપયોગ થયો જ છે એવા સમયે હું આ બધાને અવગણવાનું કામ કેવી રીતે કરી શકું. તમે મને કહો કે આવતી કાલથી તમે ખાદી પહેરો તો હું નથી પહેરવાનો અને હું પહેરું પણ શું કામ? આપણા જ દેશમાં બનતી અને ઇન્ટરનૅશનલ બ્રૅન્ડને ટક્કર મારતી ક્વૉલિટી પ્રોડક્ટ મારી પાસે હોય તો હું શું કામ એનો વપરાશ ન કરું? હા, તમે મને ઑપ્શન આપો કે આપણા દેશમાં બનતી વસ્તુઓ મને સોંઘી પડશે અને એની ગુણવત્તા મારે જોઈએ છે એ સ્તરની જ હશે તો મને એ પ્રોડક્ટ વાપરવામાં વાંધો નથી.
મારી આ વાત કહેવાની સાથોસાથ કહીશ કે હું સ્વદેશી જ છું અને હું સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરું છું, પણ એવો આગ્રહ નથી રાખતો કે હું માત્ર ને માત્ર સ્વદેશી વસ્તુઓનો જ ઉપયોગ કરીશ. જ્યાં વૅલ્યુ ફૉર મનીની વાત છે, ક્વૉલિટી છે ત્યાં હું સ્વદેશીનો આગ્રહ શા માટે રાખું? મારા બનતા પ્રયત્ન હશે કે જે ઉત્પાદનો મારા દેશનાં છે અને એ ખરીદવાથી ફાયદો મારા દેશની તિજોરીને થવાનો છે તો મારું પ્રાધાન્ય એ પ્રોડક્ટ રહેશે, પણ મારો એવો કોઈ દુરાગ્રહ નથી કે હું માત્ર ભારતીય ઉત્પાદનો જ વાપરીશ. નરેન્દ્ર મોદીએ પણ એ જ કહ્યું છે, ‘વોકલ ફૉર લોકલ.’
વાત સંપૂર્ણ સ્વદેશી બનવાની નથી, વાત આત્મનિર્ભર બનવાની છે. આપણી આસપાસ જે લોકલ પ્રોડક્ટ થકી ભારતને સીધો લાભ થાય છે એને વધુ ને વધુ લોકો સુધી પહોંચાડવાની અને એનો વપરાશ વધારવાની વાત છે. એફએમસીજી આઇટમોનો સૌથી વધારે ઉપયોગ આપણે કરીએ છીએ. આ પ્રોડક્ટ આપણી કંપનીઓ દ્વારા શ્રેષ્ઠ ક્વૉલિટી સાથે બને છે તો એનો ઉપયોગ કરીએ અને એનો વપરાશ વધારીએ. એના પર સૌકોઈએ ધ્યાન આપવાનું છે અને હું પણ આપવાનો જ છું.

જ્યાં વૅલ્યુ ફૉર મનીની વાત છે, ક્વૉલિટી છે ત્યાં હું સ્વદેશીનો આગ્રહ શા માટે રાખું? મારા બનતા પ્રયત્ન હશે કે જે ઉત્પાદનો મારા દેશનાં છે અને એ ખરીદવાથી ફાયદો મારા દેશની તિજોરીને થવાનો છે તો મારું પ્રાધાન્ય એ પ્રોડક્ટ રહેશે, પણ મારો એવો કોઈ દુરાગ્રહ નથી કે હું માત્ર ભારતીય ઉત્પાદનો જ વાપરીશ.

સ્વદેશી આગ્રહ હોઈ શકે, દુરાગ્રહ નહીં : કેતકી દવે (ઍૅક્ટ્રેસ)

આત્મનિર્ભરતાની વાત આવી છે ત્યારે હું કહીશ કે મને તો ક્યારેય સંપૂર્ણ સ્વદેશી બનવામાં કોઈ વાંધો જ નહોતો. ઇન ફૅક્ટ, હું તો પહેલેથી જ ભારતીય ચીજવસ્તુઓનો વપરાશ કરવાની આદત ધરાવું છે. મારી મોટા ભાગની પ્રોડક્ટ ટાટા કંપનીની જ હોય છે. આજે જો બ્રૅન્ડેડ કપડાં લેવાનાં હોય અને મારું બજેટ બહુ મોટું હોય તો પણ મારી પહેલી પસંદગી એ ક્લોથને બદલે પહેલાં આપણી ભારતીય સાડી જ હોય અને હું પહેલાં તો સીધી એ શૉપમાં જ જાઉં. સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવો એ અલ્ટિમેટલી આપણા જ હિતમાં છે. આવી પ્રોડક્ટથી જેકોઈ રેવન્યુ થશે એ રેવન્યુ આપણા દેશમાં રહેશે. સ્વદેશી ચીજવસ્તુથી રેવન્યુની સાથોસાથ રોજગારી પણ મળશે એટલે કે એ બનાવવાથી માંડીને આવક સુધીની આખી યાત્રા આપણા જ દેશમાં રહે છે, પણ હા, મારે એક વાત કહેવી છે તમને કે સ્વદેશીનો આગ્રહ હોવો જોઈએ, દુરાગ્રહ ન હોવો જોઈએ, કમ્પલ્ઝન ન હોવું જોઈએ. જેમ કે મારી ટૂથપેસ્ટ ‘દંતકાંતિ’ છે. આ સિવાયની પણ ઘણી ટૂથપેસ્ટ એવી છે જે ભારતમાં જ બને છે અને સ્વદેશી છે, પણ મારો એવો કોઈ આગ્રહ ન હોવો જોઈએ કે મારી ફૅમિલીમાં પણ બધા હું વાપરું છું એ જ ટૂથપેસ્ટ વાપરે.
ગ્લોબલાઇઝેશનને કારણે દુનિયા બહુ નાની થઈ ગઈ છે. દેશભરની ચીજવસ્તુઓ આપણે ત્યાં બને છે. આઇફોનથી માંડીને ઇન્ટરનૅશનલ કલોધિંગ બ્રૅન્ડ, શૂઝ બ્રૅન્ડ, કાર જેવી અઢળક ચીજવસ્તુઓ આપણે ત્યાં બને છે. અરે, ગૂગલ અને ફેસબુક પોતાના સૉફ્ટરવેર પર કામ પણ ઇન્ડિયામાં અને ઇન્ડિયન પાસે કરાવે છે. તેમને માટે ઑફિસ પણ ભારતમાં રાખવામાં આવી છે. એ ઑફિસમાં કામ કરનારાઓ ભારતીય છે અને રોજગાર પણ ભારતીયોને મળે છે, પણ એનો અર્થ એવો નથી કે એ આપણી ઇન્ડિયન બ્રૅન્ડ બની ગઈ છે. ના, આ બધી બ્રૅન્ડની જે રેવન્યુ અને પ્રૉફિટ છે એ બધી ફૉરેનના દેશમાં જાય છે. હું કહીશ કે વાત જ્યારે લક્ઝરીની આવે ત્યારે આપણે થોડી બાંધછોડ કરતાં શીખવી જોઈશે અને ફૉરેનના નામનો મોહ છોડવો પડશે. બહુ સારી અને ક્વૉલિટી પ્રોડક્ટ ગણી શકાય એવી પ્રોડક્ટ આપણે ત્યાં છે જ, પણ એની જાણકારી આપણી પાસે હોવી જોઈએ. આ જાણકારી મેળવશો તો તમને ખબર પડશે કે રોજબરોજની ઘણી ચીજો એવી છે જે છે ફૉરેનની, પણ આપણી એ બ્રૅન્ડ એટલા સ્તરે આપણી લાઇફ સાથે જોડાઈ ગઈ છે કે આપણે માટે ઇન્ડિયન બની ગઈ છે. આપણે હવે ભારતીય પ્રોડક્ટ કઈ છે અને કઈ પ્રોડક્ટ મલ્ટિનૅશનલ પ્રોડક્ટ છે એના વિશે સમજણ લાવવાની જરૂર છે. એવી પ્રોડક્ટ વાપરો જેનો એકેક રૂપિયો ભારતીય પાસે રહેવાનો હોય અને જેની રેવન્યુ પણ આપણા જ દેશમાં રહેવાની હોય. જો એક વખત જોવાનું શરૂ કરશો તો તમને પણ ખબર પડશે કે દિવસમાં મૅક્સિમમ જે પ્રોડક્ટ વાપરીએ છીએ એમાંથી અમુક શૉપથી લઈને અમુક બિસ્કિટ્સ અને અમુક કોલ્ડ ડ્રિન્ક્સ સુધ્ધાં ભારતીય કંપનીની નથી. ફૅશન-બ્રૅન્ડનું પણ એવું જ છે. એની રેવન્યુ પણ બીજા દેશમાં જઈ રહી છે. નિયમ બનાવો કે મૅક્સિમમ પ્રોડક્ટ ભારતીય વાપરીશું. ભારતમાં બનતી પ્રોડક્ટ વાપરવાનો લાભ શું છે એ તમને હવે ખબર છે, પણ આ જ વાતની સાથે મારે એ પણ કહેવું છે કે સંપૂર્ણપણે સ્વદેશી વસ્તુઓ વાપરવી શક્ય નથી એટલે મૅક્સિમમ ચીજનો ઉપયોગ કરો અને શક્ય હોય ત્યાં સુધી એવી ચીજ તો ખાસ વાપરો જેનો રોજબરોજમાં નિયમિત ઉપયોગ થાય.

સ્વદેશી ચીજવસ્તુથી રેવન્યુની સાથોસાથ રોજગારી પણ મળશે એટલે કે એ બનાવવાથી માંડીને આવક સુધીની આખી યાત્રા આપણા જ દેશમાં રહે છે, પણ હા, મારે એક વાત કહેવી છે તમને કે સ્વદેશીનો આગ્રહ હોવો જોઈએ, દુરાગ્રહ ન હોવો જોઈએ, કમ્પલ્ઝન ન હોવું જોઈએ.

મોંઘું લેવું છે તો ફૉરેનની આઇટમ લો એ શીખવ્યું કોણે? : કમલેશ મોતા (ઍૅક્ટર અને ડિરેક્ટર)

નાટક લખવાની શરૂઆત થાય ત્યારે રેફરન્સ માટે ઘણી વાર ફૉરેન ફિલ્મ કે બીજાં નાટકનાં નામો આપવામાં આવે. તમે કંઈપણ નૉવેલ્ટી લઈને આવો, પણ અડ્યા વગર જ એમ કહો કે ના યાર, આમાં મજા નહીં આવે. ભલા માણસ, પહેલાં હાથમાં તો લો, વાંચો તો ખરા, પણ ના, એવું કરવું જ નથી. એને બદલે જો તમે તમારી કૃતિને ઇન્ટરનૅશનલ રાઇટર કે ફિલ્મના નામ સાથે જોડીને કહેશો તો તરત જ જવાબ મળે, બહુ સરસ.
આપણે વાત કરી મારી લાઇનની, પણ આ માત્ર અમારે ત્યાં છે એવું નથી. આ બધી લાઇનમાં છે. આપણા વેપારીઓએ એવી એક માન‌સિકતા ઊભી કરી દીધી છે કે મોંઘું લેવાના છો કે બ્રૅન્ડેડ લેવાના છો તો પછી એ ફૉરેનનું જ લેવાનું. આપણી બ્રૅન્ડ કંઈ થોડી કહેવાય એવું જ આપણા મનમાં ઠસાવી દેવામાં આવ્યું છે. એ સમયયે કોઈએ આ માનસિકતા ચેન્જ કરવાનું કે પછી બ્રૅન્ડની વૅલ્યુ જનરેટ કરવાનું કામ કર્યું નહીં અને હવે આપણે કહીએ છીએ કે સ્વદેશી ચીજ વાપરો અને સ્વદેશી બનો. મને નથી લાગતું કે કોઈ આ વાતને એવી સિરિયસનેસ સાથે લે.
હા, પ્રયત્ન બહુ સારો છે, પણ વર્ષોથી જે વાત માળખાગત રીતે આપણી અંદર ઘુસાડી દેવામાં આવી છે એને બહાર કાઢવામાં જ વર્ષો પસાર થઈ જવાનાં છે. બીજી પ્રોડક્ટ વેચવા માટે આપણે આપણા જ માલની, આપણી જ પ્રોડક્ટની વૅલ્યુ ઘટાડી નાખી અને વર્ષોથી આ જ ચાલતું હોવાથી હવે એની વૅલ્યુ પણ ડિક્લેઇનના છેલ્લા લેવલ પર આવી ગઈ છે, પણ હું કહીશ કે મારા દેશનો વેપારી જ જો મારા સ્વદેશી માલની કિંમત ઘટાડતો હોય તો પછી હું કેવી રીતે અપેક્ષા રાખું કે બધા સ્વદેશી બને અને એનું પાલન પણ કરે. આજે આવી ભયાનક મહામારી વચ્ચે ચારે બાજુથી દાન આવી રહ્યું છે, નાનામાં નાની વ્યક્તિ પણ પોતાનાથી બનતી મદદ કરે છે ત્યારે મેં કોઈ એવી મલ્ટિનૅશનલ કે ઇન્ટરનૅશનલ કંપનીનાં નામો નથી સાંભળ્યાં જે આ દેશમાં અબજોનો બિઝનેસ કરતી હોય અને એણે આ સમયે મોટી રકમ દાન કરી હોય. આ જ દેખાડે છે કે કદાચ આપણે અમુક વસ્તુના આદિ થઈ ગયા છીએ પણ તેમને તો માત્ર આપણા ખિસ્સામાં પડેલાં નાણાંમાં જ રસ છે, જરૂરિયાતના સમયે એ કંપની આપણી બાજુમાં ઊભી રહેવા રાજી નથી.
મારે ત્યાં ઘરનો બધો સમાન મૉલમાંથી નથી આવતો. સ્વદેશીપણાનું કહેવાય એની પહેલેથી જ મારે ત્યાં આ જ નિયમ છે. અમારો જે કરિયાણાવાળો છે ત્યાંથી જ માલ આવે. આ માલમાં પણ કોઈ ચોક્કસ માગ નહીં. આ જ ટૂથપેસ્ટ આપો કે પછી આ જ બ્રૅન્ડની વસ્તુ આપો એવું નહોતું. તેમને જે યોગ્ય લાગે એ જ તેમણે મોકલવાનું, પણ હા, હવે એમાં પ્રેફરન્સ સેટ કરવાનો સમય આવી ગયો છે. અત્યાર સુધી હું કોલગેટ વાપરતો, પછી મેં મેસ્વાક વાપરવાની શરૂ કરી, પણ એ સમયે મારા મનમાં સ્વદેશીની કોઈ વાત નહોતી, પણ હવે આ વાત આવી ગઈ છે એટલે હું ધ્યાન રાખીશ અને અપેક્ષા કરીએ કે બધા ધ્યાન રાખશે કે સ્વદેશી આઇટમ હોય.
બીજી પણ એક આદત છે આપણી. આપણી પાસે નવું કંઈ પણ આવે આપણે બીજા જ દિવસે એની ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કૉપી બનાવીને માર્કેટમાં ફરતી કરી દઈશું. ઓરિજિનલની કે પછી ઓરિજિનલ બનાવવા માટે જે મહેનત પડી છે એની વૅલ્યુ જ નથી આપણને. કૉપી કરો અને પૈસા કમાઓ. આપણે સ્વદેશી બનવાની સાથોસાથ આ માનસિકતામાં પણ ચેન્જ લાવવાની જરૂર છે. આપણી આવી છાપ પણ ક્યાંક ને ક્યાંક કસ્ટમરને પૂર્ણ સ્વદેશી બનાવતાં રોકે છે. પૂર્ણ સ્વદેશીની વાત આવે છે ત્યારે હું કહીશ કે સંપૂર્ણ સ્વદેશી થવું શક્ય નથી, સંપૂર્ણ સ્વદેશી થવું હોય તો એને માટે વેપારીથી લઈને સરકાર સુધીના સૌકોઈએ એક દેખીતો ચેન્જ લાવવો પડશે. આજે હું કપડાં ખરીદવા જાઉં અને મને મન થાય કે હું ખાદી ખરીદું, પણ ખાદી પણ એટલી મોંઘી છે કે બજેટના વિચાર સાથે જ અટકી જવાનું મન થાય.
સરકારે આ દિશામાં કામ કરવું જોઈએ. મને ઇન્ટરનૅશનલ બ્રૅન્ડ નથી જોઈતી અને હું એ ખરીદવા પણ નથી માગતો, પણ જો એની સામે મારા બજેટનો વિચાર સરકાર કરતી હોય તો. આ ઉપરાંત સરકારે એ પણ પ્રયાસ કરવો જોઈએ કે સંપૂર્ણ સ્વદેશી થવું હોય તો શું સ્વદેશી છે અને એ ચીજ કઈ છે. આ જાહેરાતની સાથે સ્વદેશી આઇટમ પર પ્રાઇસ બૅરિયર મૂકવામાં આવે તો પણ લોકો એના તરફ ધ્યાન આપશે. આજે તો એવી પરિસ્થિતિ છે કે જેવી જાહેરાત થાય કે હળદરથી ઇમ્યુનિટી વધે એટલે એનો ઉપયોગ કરો કે સૂંઠ છે એ કોવિડ-19 સામે રક્ષણાત્મક બને છે તો બીજા જ દિવસે હળદર અને સૂંઠના ભાવ આસમાને પહોંચી જાય છે. સરકાર આ દિશામાં કામ કરશે તો એનો લાભ કસ્ટમરને થશે અને કસ્ટમર પોતાનું સ્વદેશીપણું દૃઢપણે પાળી શકશે.
સ્વદેશી બનવું એ અલ્ટિમેટલી તો બહુ લાંબી રેસ છે. આપણે ધીરે-ધીરે લોકોને શીખવવું પડશે અને શીખવીશું તો જ આ સ્વદેશી ચળવળ કોઈ ચોક્કસ પરિણામ લાવશે. લોકો સમજતા થશે તો જ એનો ફાયદો દેશને, સરકારને અને જનતાને થશે. લોકો સ્વદેશી વસ્તુઓ વાપરતા થાય એ માટે એક રૂપરેખા બનાવવી જોઈએ અને એ રૂપરેખા હશે તો જ લોકો સુધી ક્લૅરિટી આવશે.

આપણી પાસે નવું કંઈ પણ આવે આપણે બીજા જ દિવસે એની ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ કૉપી બનાવીને માર્કેટમાં ફરતી કરી દઈશું. ઓરિજિનલની કે પછી ઓરિજિનલ બનાવવા માટે જે મહેનત પડી છે એની વૅલ્યુ જ નથી આપણને. કૉપી કરો અને પૈસા કમાઓ. આપણે સ્વદેશી બનવાની સાથોસાથ આ માનસિકતામાં પણ ચેન્જ લાવવાની જરૂર છે. આપણી આવી છાપ પણ ક્યાંક ને ક્યાંક કસ્ટમરને પૂર્ણ સ્વદેશી બનાવતાં રોકે છે. પૂર્ણ સ્વદેશીની વાત આવે છે ત્યારે હું કહીશ કે સંપૂર્ણ સ્વદેશી થવું શક્ય નથી, સંપૂર્ણ સ્વદેશી થવું હોય તો એને માટે વેપારીથી લઈને સરકાર સુધીના સૌકોઈએ એક દેખીતો ચેન્જ લાવવો પડશે.

Whatsapp-channel Whatsapp-channel

17 May, 2020 06:14 PM IST | Mumbai Desk | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK