મુંબઈ આંશિક લૉકડાઉન માટે, 50/50 ફૉર્મ્યુલા પણ શું એનો અમલ શક્ય?

Published: Mar 19, 2020, 08:18 IST | Mumbai Correspondent | Mumbai

સરકારી કર્મચારીઓને એક દિવસ છોડીને કામ પર બોલાવવાની પદ્ધતિથી રોજ ૫૦ ટકા કર્મચારી ઓછા કરવાની સાથે રેલવે, બેસ્ટની બસો, એસટી બસો, ખાનગી બસો, મેટ્રો વગેરે સાર્વજનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ૫૦ ટકા પ્રવાસીઓ જ મુસાફરી કરી શકે એવી રીતે ચલાવવાની સૂચના અપાઇ.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

મહારાષ્ટ્ર અને દેશભરમાં કોરોનાના દરદીઓની સંખ્યા સતત વધી રહી છે ત્યારે આ ચેપી વાઇરસનો સામનો કરવો અને રોગચાળાને આગળ વધતો અટકાવવાનું ખૂબ જરૂરી છે. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આ બાબતે ગઈ કાલે બોલાવેલી મહત્વની બેઠકમાં મુંબઈને આંશિક રીતે લૉકડાઉન કરવાનો નિર્ણય લીધો હતો. સરકારી કર્મચારીઓને એક દિવસ છોડીને કામ પર બોલાવવાની પદ્ધતિથી રોજ ૫૦ ટકા કર્મચારી ઓછા કરવાની સાથે રેલવે, બેસ્ટની બસો, એસટી બસો, ખાનગી બસો, મેટ્રો વગેરે સાર્વજનિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમને ૫૦ ટકા પ્રવાસીઓ જ મુસાફરી કરી શકે એવી રીતે ચલાવવાની સૂચના આપવામાં આવી હતી. આ સિવાય એક જગ્યાએ વધારે લોકો એકત્રિત ન થાય અને એકબીજાના સંસર્ગમાં ન આવે એ માટે બેસ્ટની બસોમાં પ્રવાસીઓને ઉભા નહીં રહેવા દેવાય તથા મુસાફરોને એકબીજાથી અડીને ન બેસે એવી સૂચના અપાઈ છે. જોકે આવું કરવાનું બહુ મુશ્કેલ લાગે છે અને કેટલેક હદે તો શક્ય નથી લાગતું. પ્રશ્ન એ છે કે જાહેર પરિવહન સેવામાં કોઈને કઈ રીતે ન ટ્રાવેલ કરવાની ફરજ પાડી શકાય કે કોઈને એવું કહી શકાય કે હાલ ટ્રેનના ડબામાં ૫૦ ટકા લોકો ઑલરેડી છે એટલે હવે આના પછીની ટ્રેન પકડજો. આથી જ આનો અમલ મુશ્કેલ લાગે છે.

દુકાનોના સમય નક્કી કરાશે
ઓછામાં ઓછા લોકો સંસર્ગમાં આવે એ માટે મુંબઈની દુકાનોના સમયમાં એવી રીતે ફેરફાર કરાશે કે અમુક અંતરે કેટલીક દુકાનો સવારે તો કેટલીક બપોરે ખૂલે. બજારના તમામ ગિરદીના સ્થળે અને રસ્તામાં એકાત્રે અથવા સમયમાં ફેરફાર કરાશે.

જરૂરી વસ્તુઓની ઉપલબ્ધતા
દવાખાના, મેડિકલ કૉલેજ વગેરે સ્થળોએ તમામ વસ્તુઓ ઉપલબ્ધ રહે એના પર નજર રાખવાનો નિર્દેશ મુખ્ય પ્રધાને આપ્યો છે. કોરોનાના દરદીઓ માટે જરૂરી એટલા આઈસોલેશન રૂમોની વ્યવસ્થા કરાઈ છે. જરૂરી તબીબી ઉપકરણો, વેન્ટિલેટર, માસ્ક તેમ જ તબીબી કર્મચારીઓ માટે વ્યક્તિગત સુરક્ષાના સાધનો, દવાઓ વગેરે ઉપલબ્ધ રખાશે. જે નાગરિકોને ઘરે એકાંત સ્થળે રહેવાનું કહેવાયું છે તેમને પોતાની સાથે બીજાઓને કાળજી લેવી. ઘરની બહાર જવું નહીં. આવી વ્યક્તિઓ પર સરકારની નજર હોવાની સાથે તેમના હાથ પર હોમ કવૉરન્ટીનનો સિક્કો મારેલો હોવાથી તે બહાર ફરતી જોવા મળે તો તેને બળજબરીથી હૉસ્પિટમાં દાખલ કરાશે.

જીવન જરૂરી વસ્તુઓનો સંગ્રહ ન કરો
લોકોએ જીવન જરૂરી વસ્તુ, અનાજ-કરિયાણું દવાઓનો સંગ્રહ કરવાની જરૂર નથી. રાજ્યમાં આ વસ્તુઓની સપ્લાય ચાલું રહેશે એટલે ડરવાની જરાય જરૂર નથી. વિકટ પરિસ્થિતિનો લાભ લઈને કોઈ વેપારી સંગ્રહ કરતા હશે અથવા દવા અને માસ્ક મનફાવે એવી કિંમત લગાવશે તો તેમના પર કડક કાર્યવાહી કરવાની સૂચના પણ આ બેઠકમાં અપાઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK