Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > એકસો અપરાધી ભલે છૂટી જાય, પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ!

એકસો અપરાધી ભલે છૂટી જાય, પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ!

22 October, 2020 09:08 PM IST | Mumbai
Jayesh Chitalia

એકસો અપરાધી ભલે છૂટી જાય, પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઈએ!

 ખરેખર તો બળાત્કારીઓને એવી સજા થવી જોઈએ કે અન્ય કોઈપણ વ્યકિત બળાત્કારનો વિચાર કરતા પણ ગભરાવો જોઈએ. 

ખરેખર તો બળાત્કારીઓને એવી સજા થવી જોઈએ કે અન્ય કોઈપણ વ્યકિત બળાત્કારનો વિચાર કરતા પણ ગભરાવો જોઈએ. 


એકસો અપરાધી ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ એ પ્રથા બદલી નાખવાનો સમય આવી ગયો છે એવું તમને-આપણને નથી લાગતું? કેમ નથી લાગતું? અને લાગે છે તો આપણે કેમ આ અવાજને- આ વાતને જોરદાર-બુલંદ બનાવીને સરકાર તેમ જ ન્યાયતંત્ર સુધી પહોંચાડતા નથી?
આપણી માણસોની દુનિયામાં અપરાધની દુનિયા પણ ખાસ્સી મોટી છે, જૂની છે, ખુંખાર છે, અટપટી છે, ગૂંચવણભરેલી છે અને તેથી જ એમાં અનેક છટકબારીઓ છે. કરુણતા એ વાતની છે કે અમુક અપરાધમાં જેના પર અપરાધ થયો છે, જે અપરાધનો ભોગ બન્યો છે તે વ્યક્તિ અપરાધ કરનાર કરતાં વધુ ડરીને જીવે છે, જાણે અપરાધ તેણે પોતે કર્યો હોય એવા ભાવ યા ડર સાથે જીવવું પડે છે. સમાજ પણ તેને જ વધુ બદનામ કરે છે, નિંદા કરે છે. આ અપરાધની ઘટના એટલે બળાત્કારની ઘટના. આપણા દેશમાં બળાત્કારની ઘટના છેલ્લાં કેટલાંય વરસોથી વધી રહી છે એટલું જ નહીં, એની ક્રૂરતા પણ એટલી જ હદે વધી રહી છે. દિલ્હીના નિર્ભયા કેસને યાદ કરાવે એવો કેસ તાજેતરમાં ઉત્તર પ્રદેશના હાથરસ નામના ગામમાં બન્યો છે. આ કથિત બળાત્કાર કેસ હાલમાં ઉગ્ર ચર્ચામાં આવ્યો હતો. આ કેસમાં જેની ઉપર બળાત્કાર થયો હોવાનું કહેવાય છે એ યુવતીની સાથે ભયંકર ક્રૂરતા આચરાઈ હતી, તેની જીભ કાપી નખાઈ હતી. આ ઘટના માટે કથિત બળાત્કાર લખવાનું કારણ પણ એ છે કે આ ઘટના બાદ તેને પણ રાજકીય રંગ અપાયો હોવાની ચર્ચા હતી અને છે, જેમાં એવું બહાર આવ્યું હતું કે તે યુવતી પર બળાત્કાર થયો નહોતો બલકે તેના પરિવારના સભ્યો દ્વારા જ તેને ખતમ કરાઈ હતી , કારણ કે એ કોઈ યુવાનના પ્રેમમાં હતી અને એનો વિવાદ પરિવારમાં ચાલી રહયો હતો. આ મામલો વધુ ઉગ્ર બને એ પહેલાં તેને દફનાવી દેવાયો છે. રાજકીય સ્થાપિત હિતો આવા મામલામાં તરત સક્રિય થઈ જાય છે અને પોતાની ભાખરી શેકવા પીડિત પરિવારના ઘરે પહોંચી જાય છે, મોરચા કાઢે છે, તેમને સત્ય સાથે સબંધ હોતો નથી.
ખેર, આપણે આવી અનેક બળાત્કારની ઘટનાની, એ પછી તેમાં ચાલતા રાજકારણની અને ન્યાયતંત્રની ઢિલાશની વાત કરવી છે. સ્ત્રીની વેદના-પીડા, સામાજીક બાબતોને ધ્યાનમાં રાખ્યા વિના એના અપરાધીઓને કડકમાં કડક અને ઝડપથી સજા કરવાને બદલે ચાલતી રમતોની કરવી છે. શા માટે આપણે એક નાગરિક તરીકે, પ્રજા કે સમાજ તરીકે આવા નિષ્ઠુર થઈ ગયા છીએ ? જે આપણને સત્ય સુધી પહોંચવા દેતું નથી અથવા સત્યને જાણવાની ઇચ્છાથી પણ દૂર રાખે છે. તેમ જ સત્ય જાણ્યા બાદ પણ ચુપકીદી પાળતા રહીએ છીએ.
બળાત્કારીની ઉંમર શા માટે જોવાની?
આપણે નિર્ભયા કેસની વાતને યાદ કરીએ તો બળાત્કારીઓને બચાવવા માટે કેવા-કેવા લોકો આગળ આવી ગયા હતા? નિર્ભયાના પરિવારે ન્યાય માટે કેટલું અને કેવું ઝઝૂમવું પડયું હતું? આવા કેસોમાં અપરાધી બાલિક (પુખ્ત નથી) છે એમ કહી તેને ફાંસીની સજા ન કરવી જોઈએ એવી દલીલ થતી હોય છે, પરંતુ ઘણા કિસ્સામાં બળાત્કારનો ભોગ બનેલી કન્યા બાલિક હોય છે એ કેમ સવાલ ઉઠાવાતો નથી? ઘણી વાર તો બાલિક તો શું, યુવતી સાવ જ બાળકી-નાની વયની હોય છે. જેના ઉપર અપરાધ થયો હોય તેની ઉંમર નાની હોવાનું જોવાતું નથી તો પછી અપરાધીની ઉંમર શા માટે જોવાની? ઉંમર કરતાં તેનો અપરાધ જ જોવો જોઈએ.
મૂંગાં-બહેરાં બાળકો પણ ભોગ
તાજેતરમાં ‘કૌન બનેગા કરોડપતિ’ના રિયલિટી શોમાં કર્મવીર તરીકે એક યુગલ આવ્યું હતું, જેઓ મૂંગાં-બહેરાં બાળકોના ઉત્કર્ષ-કલ્યાણ માટે એક સંસ્થા ચલાવે છે. તેમણે આવી બાળકીઓ પર થતા શારીરિક અત્યાચાર, યૌન શોષણના કિસ્સા જાહેર મંચ પર કહ્યા હતા, જે બોલી શકતી નથી, જે સાંભળી શકતી નથી એવી બાળકીઓનું કઈ રીતે શારીરિક શોષણ થાય છે એ વાત સાંભળીને આપણને આઘાત ન લાગે તો આપણામાં સંવેદનશીલતા બચી છે કે કેમ એની તપાસ કરાવી લેવી જોઈએ અથવા સાઇકોલૉજિસ્ટ પાસે જઈને આપણી માનસિક સારવાર લેવી જોઈએ. આવા કિસ્સા સાંભળીને માનવી કેટલી હદ સુધી નીચે ઊતરી ગયો છે એની કલ્પના પણ ડરામણી અને ઘૃણાજનક લાગે છે.
આ લખાય છે ત્યારે ફિલ્મ ઉદ્યોગના એક જાણીતા કળાકારના દીકરા સામે એક સ્ત્રી સાથે સંબંધ રાખીને તેના પર બળાત્કાર કરાયો હોવાની ફરિયાદ બહાર આવી છે. ફિલ્મી કળાકારોના કિસ્સા ઉપરાંત વગદાર વર્ગના, સંપત્તિવાન વર્ગના, યુવાન સંતાનો તરફથી પણ લાચાર યુવતી-સ્ત્રીઓ પર બળાત્કારના કેસો બહાર આવતા રહે છે. કાસ્ટ કાઉચિંગ, નવોદિત હિરોઇનોના થતા શારીરિક શોષણના આરોપોએ હજી થોડો વખત પહેલાં જ ચકચાર જગાવી હતી. મી ટુના નામે આ ચકચાર-વિવાદ લાંબો ચાલ્યો અને હજી પણ આવા કિસ્સા બહાર આવતા રહે છે.
બળાત્કાર પર બળાત્કાર
બળાત્કારના કેસ અદાલતમાં ચાલે છે ત્યારે એમાં યુવતી અને તેના પરિવારની કેવી દશા થાય છે તેની ઝલક ‘દામિની’ નામની ફિલ્મમાં બહુ ગંભીરપણે બતાવાઈ હતી. આવા કેસમાં સ્ત્રીઓ સાથે અદાલતમાં કેવા સવાલ થાય છે, બચાવ પક્ષના વકીલો એ પીડિત સ્ત્રીને કેટલી ભયંકર કે વસમી પીડા આપે છે, જેને જોઈ-સાંભળી એ યુવતી પર ફરી જાહેરમાં બળાત્કાર થતો હોય એવું લાગે તેમ છતાં પણ આપણા તરફથી કોઈ સામૂહિક-શક્તિશાળી અવાજ ઊઠે છે ક્યાં? બચાવપક્ષના વકીલની ક્રૂરતા, નિષ્ઠુરતા, નીચતા અને કટુતા માનવતાની બધી સીમા તોડી નાખતી હોય છે. આપણે ત્યાં તો રોજના ધોરણે બળાત્કારના આંકડા છપાતા રહે છે, દિવસના -કલાકોના કેટલા બળાત્કાર થાય છે એવા સમાચાર વાંચીને આપણને શું થાય છે? સરકારને, સમાજને, ન્યાયતંત્રને શું થાય છે એ સવાલનો જવાબ કોઈની પાસે છે ખરો? આપણે કેવા ટેવાઈ ગયા છીએ કે મીડિયામાં ઊછળે નહીં તો આપણને બળાત્કારના કેસોની જાણ પણ ન થાય. જેમ ઘણાં કાળાં નાણાં બહાર નથી આવતાં એમ કેટલાય બળાત્કારના કેસો તો બહાર પણ નહીં આવતા હોય કે એની ફરિયાદ પણ નહીં નોંધાતી હોય. આઘાતજનક બાબત ત્યારે બને છે જ્યારે આવા કેસોમાં અપરાધીઓના માનવ અધિકાર માટે કહેવાતા માનવતાવાદીઓની ટોળકી બહાર આવી બૂમબરાડા પાડવા લાગે છે.
ન્યાયતંત્રની ઢીલાશ કે સમયની બલિહારી
વાત માત્ર બળાત્કારની નથી, કોઈ પણ ગંભીર અપરાધ, પછી એ આતંકવાદનો હોય, પ્રામાણિક માનવીની હત્યાનો હોય, સેલિબ્રિટીઝના કારનામાનો હોય, રાજકારણીના કૌભાંડ કે ગોટાળાનો હોય, કેમ જાણે ન્યાયતંત્રને સત્ય સુધી પહોંચતાં વરસો લાગી જાય છે અને એ સમયમાં એ કેસ ભુલાઈ જાય અથવા એ રાજકારણીનું મૃત્યુ પણ થઈ જાય અથવા કેસ ઢીલો પડી જાય એવી તરકીબ ઘડી કાઢવામાં આવે. કાનૂની છટકબારીઓનો ભરપૂર ઉપયોગ થાય અને અપરાધીઓ મોટે ભાગે છૂટી જાય, જ્યારે કે ઘણી વાર તો નિર્દોષ ફસાઈ જાય. ખરેખર તો આપણા દેશનાં કાનૂની માળખામાં ધરખમ પરિવર્તનની આવશ્યકતા છે. અદાલતોમાં કેસોના ઢગલા થતા જાય છે. બૉમ્બ બ્લાસ્ટથી લઈ સેલિબ્રિટીઝના શિકારના, અકસ્માતના, બળાત્કાર, આર્થિક કૌભાંડના કેટલાય કેસો વરસો પછી પણ ઉકેલ આપી શક્યા નથી. તાજામાં સુશાંત સિંહ રાજપૂત, રિયા ચક્રવર્તી, બૉલીવુડ અને ડ્રગ્સ, કંગના રનોટ સહિત ઘણા કિસ્સા ચર્ચામાં છે. સમય સાથે નવા-નવા કેસો બહાર આવે છે અને જૂના ભુલાતા જાય છે.
એકસો અપરાધી ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને સજા ન થવી જોઈએ એ પ્રથા કે નિયમ હવેના સમયમાં કેટલા વાજબી અને ન્યાયી રહ્યા છે? ખરેખર તો કડવી હકીકત એ બની રહી છે કે એક નિર્દોષને સજા ન થાય એની તકેદારી રાખવામાં ૧૦૦ અપરાધીઓ છટકી જાય છે. આ વિષયમાં સમગ્ર ન્યાયતંત્રએ અને સરકારે તેમ જ જનતાએ સક્રિય વિચારણા કરી ન્યાય માટે અવાજ ઉઠાવવાનો સમય પાકી ગયો છે.

એ લોકોને બળાત્કારનો વિચાર કરતા પણ ડર લાગવો જોઈએ



બળાત્કારના કેસમાં સીધા ઝડપાઈ ગયેલા આરોપીઓને શા માટે કોર્ટ સમય આપે છે? આવા કેસમાં બચાવ પક્ષના વકીલોનો સામુહિક વિરોધ કેમ થતો નથી? પીડિતાને અને તેના પરિવારને વધુ પીડા શા માટે આપવામાં આવે છે? શું ન્યાયાધીશોના ઘરમાં વહુ-દીકરીઓ નથી હોતી? વકીલોના પરિવારમાં વહુ-દીકરીઓ હોતા નથી? બળાત્કાર બાદ હત્યા કરાઈ હોય એ પછી પણ આરોપીને કયા હિસાબે બચાવની તક અપાય છે? આપણા દેશમાં પુરાવા સાથે ચેડાં થવાનું કેટલું સરળ છે એ જાહેર છે. બળાત્કારના કેસોમાં ખાસ અદાલત કેમ રચાતી નથી? ખરેખર તો બળાત્કારીઓને એવી સજા થવી જોઈએ કે અન્ય કોઈપણ વ્યકિત બળાત્કારનો વિચાર કરતા પણ ગભરાવો જોઈએ. 


(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

22 October, 2020 09:08 PM IST | Mumbai | Jayesh Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK