ભાઈ-બહેનોમાં નાનાં હોઈએ એ સારું કે મોટાં થવામાં મજા છે?

Published: 3rd August, 2020 12:23 IST | Darshini Vashi | Mumbai

દુનિયાનો સૌથી મીઠો સંબંધ એટલે ભાઈ-બહેનનો સંબંધ.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

દુનિયાનો સૌથી મીઠો સંબંધ એટલે ભાઈ-બહેનનો સંબંધ. જોકે આ રિલેશનમાં ઉંમર બહુ મોટો ભાગ ભજવતી હોય છે. તમે સાંભળ્યું હશે કે ભાઈ નાનો હોય તો ભરપૂર લાડ પણ મેળવે અને બહેન મા બનીને તેને સાચવી લે અને ક્યારેક દમદાટી પણ કરે, તો બીજી બાજુ ભાઈ મોટો હોય તો હંમેશાં બહેનની સ્વતંત્રતાને ઓવરપ્રોટેક્ટિવ થઈને કન્ટ્રોલમાં રાખે. આ વખતે રક્ષાબંધન નિમિત્તે અમે ભાઈ-બહેનની જોડીમાં આ નાનાં-મોટાંની વાત સાથે જોડાયેલી તેમની યાદો વિશે જાણ્યું ત્યારે રિયલ લાઇફ અનુભવોની કેટલીક મીઠડી વાતો સામે આવી, જે પ્રસ્તુત છે આપની સમક્ષ...

બહેન નાની હોય ત્યારે...

નાના હો એટલે છટકબારી પણ ઘણી મળી રહે

મારા ચાર મોટા ભાઈ છે, હું સૌથી નાની છું અને લાડકી પણ એટલી જ છું. મને નાનપણથી ગણપતિ બહુ ગમતા. અમારા પાડોશમાં દર વર્ષે ગણપતિ આવતા અને હું કોઈ ગણપતિ મિસ કરતી નહોતી. એક દિવસ મારે તેમના ગણપતિના વિસર્જનમાં જવું હતું, પરંતુ સ્કૂલ ચાલુ હતી અને સ્કૂલમાંથી હાફ-ડેમાં આવવું હતું, પરંતુ વાલીની ચિઠ્ઠી વગર ઘરે જવા મળે નહીં અને આવી બાબતમાં મમ્મી-પપ્પા સ્કૂલમાં રજા પડાવે નહીં એટલે મારો મોટો ભાઈ પ્રિન્સિપાલ પાસે ગયો અને તેમની પાસેથી મારી સ્કૂલમાં હાફ-ડે લેવાની મંજૂરી મેળવી લીધી અને મને ગણપતિવિસર્જન એન્જૉય કરવા મળ્યા હતા. જોકે આ વસ્તુ ઘરે ખબર પડતાં મારા કરતાં મારા ભાઈને વધારે ઠપકો મળ્યો હતો, કેમ કે તે મોટો હતો. આમ હું તો નાની છું એમાં ખૂબ ખુશ છું. નાના હો એટલે તમને ઘણીબધી છટકબારી મળી રહે છે.
- અંજના ગાલા-હાઉસવાઇફ, મલાડ

નાના લોકો જ વધારે જિદ્દી હોય છે એવી છાપ કોણે પાડી હશે એ આજ સુધી સમજાયું નથી
દરેકના ઘરની જેમ અમારા ઘરે પણ રિમોટને લઈને ભાઈ-બહેન વચ્ચે ખૂબ ઝઘડા થતા. ઘણી વાર તો એટલા ઝઘડા થતા કે એમાં મમ્મી-પપ્પાએ દરમ્યાનગીરી કરવી પડતી અને એકાદ જણે માર ખાવાનો વારો આવતો, પરંતુ બધાના ઘરમાં મોટા લોકોને માર પડતો, મારા ઘરે ઊંધું હતું. હું સૌથી નાની હોવા છતાં મને જ વધુ માર ખાવો પડતો હતો, કેમ કે નાના છોકરાઓ ખોટી જીદ કરે છે અને મોટા લોકોનું સાંભળતા નથી એવી ઇમ્પ્રેશન હતી છતાં મને જો પૂછવામાં આવે કે તને નાના હોવાનું ગમે છે. તો હું કહીશ કે હા, મને ગમે છે, કેમ કે તમે નાના હો તો તમારા પર ઘર ચલાવવાની કે પછી મહત્ત્વના નિર્ણય લેવાની કોઈ જવાબદારી રહેતી નથી.
- ધારા શાહ-હાઉસવાઇફ, બોરીવલી

ભાઈ મોટો હોય ત્યારે...

ભૂલ બે જણથી થાય, પણ વઢ મોટાને જ પડે

ચાર ભાઈ પછી અમારા ઘરમાં બહેન અંજનાનો જન્મ થયો હતો એટલે તે અમારા બધાની ખૂબ લાડકી. તે કહે એ અમારે માનવું જ પડતું. તેને ગણપતિવિસર્જનમાં જવું હતું એટલે હું તેને વાલી તરીકે સ્કૂલમાં લેવા ગયો, પરંતુ પેરન્ટ્સથી છુપાવ્યું હતું અને મારે પછીથી તેને લીધે પેરન્ટ્સના બે શબ્દો સાંભળવા પણ પડ્યા હતા. આવું ઘણી વાર થતું હતું. ભૂલ બે જણથી થાય, પણ ઠપકો મોટાને જ પડે. મોટા
ઉંમરમાં ગમે એટલા નાના હોય પણ તેઓ હંમેશાં મોટા જ રહે છે, જ્યારે નાનાની ગમે એટલી ઉંમર થઈ જાય તો પણ તેઓ નાના જ રહે છે.
- અલ્પેશ છેડા-બિઝનેસમૅન, ચીરાબજાર

મોટા સમજદાર હોય એ માન્યતાનો મેં ભરપૂર લાભ લીધો છે

મારી નાની બહેન ધારા પહેલાંથી થોડી જિદ્દી અને પોતાનું ધારેલું કરવું જોઈએ, પરંતુ તેના સ્વભાવને લીધે મમ્મી-પપ્પાની નજરમાં તે જ આવી જતી હતી. નાનપણમાં સૌથી વધારે ઝઘડા અમારા રિમોટને લઈને થતા. જેમાં પેરન્ટ્સનું સાંભળવાનો વારો તેનો જ આવતો. મોટા લોકો સમજદાર હોય છે એવી ઇમ્પ્રેશન હોય છે જેનો લાભ ઘણો મળી ચૂક્યો છે એટલે મોટા હોવું મારા માટે તો આશીર્વાદ સમાન છે.
- પારસ ડગલી-ડાયમન્ડના વેપારી, મલાડ

ભાઈ નાનો હોય ત્યારે...

રક્ષાકવચ મળતું હોય તો નાનાઓને તોફાન કરવાની મજા આવે

બપોરના સમયે ટીવી ચાલુ કરવાની સજા મળશે એની ખબર હોવા છતાં ટીવી ચાલુ કર્યું એ પણ હાઈ વૉલ્યુમમાં અને પછી શું? પપ્પાનો પિત્તો ગયો, એ તો સારું થયું મારી મોટી બહેન દર્શનાએ બાજી સંભાળી લીધી નહીંતર મારું આવી જ બન્યું હોત. તેણે મારા વતી વઢ તો ખાધી અને હું ડરીને ઘરની બહાર બે કલાક છુપાઈને બેસી રહ્યો હતો અને ત્યાંથી પણ તે જ મને ઘરે લઈને આવી. આમ નાના હોવું મને ગમે છે, કેમ કે તમારી પાસે હંમેશાં મોટાં ભાઈ-બહેનનું એક રક્ષાકવચ હોય છે જે તમને આવીબધી પરિસ્થિતિમાંથી બચાવે છે.
- ધર્મેશ દેસાઈ-શૅરબ્રોકર, મલાડ

ગુસ્સામાં જાણીજોઈને મોટીને તીખી સેવપૂરી ખવડાવી

એક તો હું બહારથી થાકીને આવ્યો હતો, એટલામાં મારા પપ્પાએ સેવપૂરી લઈ આવવાનું કીધું એટલે મને કંટાળો આવતો હતો. હું જાણીજોઈને વધારે ચટણી નખાવીને સેવપૂરી લઈ આવ્યો હતો. જોકે ત્યારે તો મેં મારી ભૂલ કબૂલી નહોતી, પરંતુ પછી મેં કહી દીધું હતું. બહુ વઢ પણ પડી હતી, પરંતુ કિસ્સો મજેદાર થયો હતો. નાના હોવાનો સૌથી મોટો ગેરફાયદો કે મોટાની બધી વાત માનવી પડે.
- કેતન તન્ના-વેપારી, કાંદિવલી

એક તો છોકરી અને એમાં પાછી મોટી એટલે ફર્સ્ટ પ્રેફરન્સ તેને જ મળતો

મને નાનપણથી સાઇકલ ચલાવવાનો ખૂબ શોખ, પણ ઘરમાં પ્રથમ વખત સાઇકલ ખરીદવામાં આવી તો તે મારી બહેન માટે ખરીદવામાં આવી હતી. ત્યારે હું બહુ મોટો નહોતો એટલે મને ગુસ્સો આવ્યો હતો કે જો મને વધારે સાઇકલ ગમે છે છતાં મારી મોટી બહેન કવિતા માટે પહેલાં સાઇકલ આવી. મેં જ્યારે આ બાબત માટે પૂછ્યું ત્યારે એમ કહેવામાં આવ્યું કે કવિતા મોટી છે એટલે તેને પહેલાં. બસ ત્યારે મારા મનમાં બેસી ગયું કે આપણે મોટા હોઈએ એ જ સારું, પરંતુ મોટો થયા પછી ખબર પડી કે મોટા રહીને તમામ જવાબદારીનો બોજ ખભે ઉપાડવા કરતાં આપણે નાના જ સાર.
- અમિત ભટ્ટ-ટીચર, દહિસર

બહેન મોટી હોય ત્યારે...

ઉંમરમાં મોટા એટલે બગડેલી બાજી સંભાળવી જ પડે

અમે સ્કૂલમાં હતાં ત્યારની વાત છે. રવિવારે મારા પપ્પાની રજા હોય એટલે બપોરે તેમને સૂવા જોઈતું. અમને કડક સૂચના હતી કે આ સમયે ઘરમાં ટીવી ચાલુ ન કરવું, પરંતુ એક દિવસ મારા નાના ભાઈ અલ્પેશે બપોરે આવીને ટીવી ચાલુ કરી દીધું અને એ પણ ફુલ વૉલ્યુમમાં. પછી શું? મારા પપ્પા તો ઊંઘમાંથી ઊઠી ગયા અને સીધા મારવા દોડ્યા. મેં મારા ભાઈના હાથમાંથી રિમોટ લઈ લીધું કે તેને માર ન પડે અને થયું પણ એવું જ, તેને માર ન પડ્યો, પરંતુ મને વઢ પડી કે તું મોટી છે. તને ખબર નથી પડતી. તારો ભાઈ તો નાનો છે. આમ તમે મોટા હો તો તમારે એક તરફ નાનાં ભાઈ-બહેનને બચાવવાં પણ પડે છે અને બીજી બાજુ વડીલોની વઢ પણ ખાવી પડે છે. એના કરતાં આપણે નાના હોઈએ એ જ સારું.
દર્શના વેંગુર્લેકર શાહ-વર્કિંગ પ્રોફેશનલ, જોગેશ્વરી

મોટા હોઈએ તો ધાર્યું કરવા મળે આપણને
હું નાની હતી ત્યારે મને એક દિવસ સેવપૂરી ખાવાનું મન થયું એટલે હું બહાર લેવા જતી હતી, પરંતુ સાંજ થઈ ગઈ હોવાથી પપ્પાએ મને લેવા જવાની ના પાડી અને મારા ભાઈને કીધું કે તું લઈ આવ. તેને કીધું હતું કે મને તીખી સેવપૂરી નથી ભાવતી તો પણ તે તીખી લઈને આવ્યો અને પછી પપ્પાની ખૂબ વઢ ખાધી. જુઓ મોટા હોવાનો સૌથી મોટો ફાયદો એ કે તમને જોઈતી વસ્તુ તરત નાના લોકો પાસેથી મળી જાય અને સાથે માન પણ મળે અને કૅર પણ મળે.
-ખ્યાતિ રુઘાણી-જ્વેલરી ડિઝાઇનર, કાંદિવલી

સાઇકલ મને પહેલાં મળી એ અમિતને ગમ્યું નહીં
મને બરોબર યાદ છે કે મને પહેલાં સાઇકલ મળી હતી ત્યારે મારા ભાઈ અમિતને ગમ્યું નહોતું. એક તો તે નાનો હતો અને બીજું એ કે પેરન્ટ્સ હંમેશાં એમ જ કહેતા કે કવિતા તો થોડા વખતમાં સાસરે જતી રહેશે એટલે પહેલાં તેના જ શોખ પૂરા કરીએ. આ વાતને લઈને તે મને ખૂબ ચીડવતો, પરંતુ મેં તેની ફરિયાદ ક્યારેય પેરન્ટ્સને કરી નહોતી, કેમ કે તે નાનો છે એટલે તેને સમજ નહીં પડે એવો જ જવાબ મને સામે મળવાનો હતો એની મને ખબર હતી એટલે ક્યારેક વિચાર આવી જાય કે આપણે નાના હોઈએ તો આપણને કોઈ જલદીથી વઢવા ન આવે.
- કવિતા દવે, હાઉસવાઈફ, કાંદિવલી

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK