Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ઇસ દિલ કો લગા કે ઠેસ, જાને વો કૌન સા દેસ કહાં તુમ ચલે ગએ

ઇસ દિલ કો લગા કે ઠેસ, જાને વો કૌન સા દેસ કહાં તુમ ચલે ગએ

14 February, 2020 06:28 PM IST | Mumbai Desk
Ruchita Shah | ruchita@mid-day.com

ઇસ દિલ કો લગા કે ઠેસ, જાને વો કૌન સા દેસ કહાં તુમ ચલે ગએ

ઇસ દિલ કો લગા કે ઠેસ, જાને વો કૌન સા દેસ  કહાં તુમ ચલે ગએ


પ્રેમની સુષ્ઠુ-સુષ્ઠુ વાતો કરવી સરળ છે, પણ પ્રેમની અનુભૂતિ ત્યારે વધુ તીવ્ર બને છે જ્યારે એકાએક પ્રિયપાત્રનો સાથ છૂટી ગયો હોય. પડછાયાની જેમ આખી ‌જિંદગી સાથે વિતાવવાનાં વચનો આપ્યાં હોય, જેના વિનાની જિંદગીની ક્યારેય કલ્પના પણ ન થઈ શકી હોય અને જીવનનું વર્તુળ જેની ઇર્દગિર્દ વીંટળાયેલું હોય એવી વ્યક્તિની આકસ્મિક વિદાય કેવો ખાલીપો સર્જી શકે છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. મોટા ભાગે આ જ એ સમય હોય છે જ્યારે પ્રેમની સાચી કિંમત, વ્યક્તિનું મૂલ્ય સમજાય છે. આજે વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે કેટલાક એવા લોકોને મળીએ જેમની પાસે હવે માત્ર પ્રિયજનની યાદો છે અને છતાં તેમના પ્રેમનો રંગ રોજબરોજ ઘાટો ને ઘાટો થઈ રહ્યો છે

ગાઢ લાગણીઓના તંતુથી જોડાયેલાઓને ઈશ્વર ક્યારેય જુદાઈનું દુઃખ ન આપે, કારણ કે એ દુઃખ સાથે જીવવું મૃત્યુથી વધારે પીડાદાયી હોય છે. આ વૅલેન્ટાઇન્સ ડે નિમિત્તે મિડ-ડેએ કેટલાક ખાસ લોકો સાથે વાતો કરી છે. પારાવાર પ્રેમથી સાથે જીવતાં જોડાંઓમાંથી એક જ્યારે સફરમાં અધવચ્ચે સાથ છોડીને અલવિદા કહીને નીકળી જાય ત્યારે તેના પ્રેમના આશરે જીવી રહેલી બીજી વ્યક્તિની શું હાલત થાય? પ્રિયજનની ગેરહાજરીમાં પણ તેમની વચ્ચેના પ્રેમનો સેતુ કેવો અકબંધ રહ્યો છે? પ્રિયજનની વિદાયથી આવેલી પીડાને પરિવર્તિત કરીને તેની હૂંફને તેમણે કેવી રીતે અકબંધ રાખી છે? એવા અનેક સવાલોના જવાબ તમને મળશે આ વાતચીતમાં. કાયમી વિરહ અને વિયોગ વચ્ચે નિખરેલા પ્રેમની વાતો વાંચો આગળ.



પત્નીની યાદમાં સોથી વધુ કવિતાઓ લખી છે આ બે સંતાનોના પિતાએ


‘૨૦૦૫થી ૨૦૧૭. અમારા જીવનનો આ ગોલ્ડન પિરિયડ.’ કાંદિવલીના મહાવીરનગરમાં રહેતા મિતેશ સરવૈયાના જીવનનું હવે એક જ લક્ષ્ય છે, પોતાની ૧૧ વર્ષની દીકરી અને ૬ વર્ષના દીકરાનું ધ્યાન રાખવું અને પત્ની સાથે જોયેલાં તમામ સપનાંઓ સંતાનો સાથે પૂરાં કરવાં. પોણાબે વર્ષ પહેલાં કોલન કૅન્સરને કારણે તેમની પત્ની એકતાએ દુનિયામાંથી વિદાય લીધી ત્યારથી મિતેશના જીવનમાં સૂનકાર વ્યાપી ગયો છે. મિતેશ કહે છે, ‘આમ તો અમારાં અરેન્જ્ડ મૅરેજ હતાં પણ અમારું બૉન્ડિંગ જોઈને કોઈ એ વાત સ્વીકારતું નહોતું. એક ક્ષણ માટે પણ ક્યારેય એકબીજાથી અલગ થવું પડશે એવો વિચાર નથી આવ્યો. ૨૦૧૭માં જ્યારે તેનું વજન ઘટવા લાગ્યું અને વૉમિટિંગ થવા માંડ્યું ત્યારે ડૉક્ટરોને દેખાડ્યું. પેટમાં કંઈક મામૂલી ગરબડ હશે એવું જ લાગ્યું. બે-ત્રણ ડૉક્ટરોને કન્સલ્ટ કર્યા. રિપોર્ટમાં મેજર કંઈ પકડાતું નહોતું. એક ડૉક્ટરની દવા માફક આવી, પણ એ દરમ્યાન તેના ગળામાં એક ગાંઠ દેખાઈ જેની તપાસ થતાં એ કૅન્સરની ગાંઠ છે એવું પકડાયું. ટ્રીટમેન્ટ શરૂ થઈ. ત્રીજા સ્ટેજમાં હતું એટલે ડૉક્ટરો પણ મુંઝાયા હતા. જોકે એક વર્ષના બાર રાઉન્ડના કીમોની પૉઝિટિવ અસર થઈ હોવાથી અમે ખુશ હતાં. ટ્રીટમેન્ટ અકબંધ રાખી, પણ બીજા જ મહિને ફરીથી સ્પ્રેડિંગ વધેલું દેખાયું. કીમોનો ડોઝ વધાર્યો, પણ એ તેની બૉડી ખમી ન શકી. બે કે ત્રણ રાઉન્ડના કીમો પછી તેણે સપ્ટેમ્બર, ૨૦૧૮માં દુનિયાને આખરી સલામ ભરી દીધી.’
મિતેશ અને એકતાએ મળીને બકેટ લિસ્ટ બનાવ્યું હતું અને સાથે મળીને શું કરીશું એ નક્કી કર્યું હતું. હવે મિતેશ એકલે હાથે એ બકેટ લિસ્ટ પૂરું કરવાની દિશામાં છે. તે કહે છે, ‘મારાં સંતાનો મારી જિંદગી છે. મારાં મમ્મી-પપ્પાનો ખૂબ સપોર્ટ છે. પોતાનો બિઝનેસ છે એટલે એમાં પણ થોડોક સમય આપું છું. એકતાને મિસ ખૂબ કરું છું. તેના ગયા પછી મેં લખવાનું શરૂ કર્યું છે. એકતા અને મિતેશ એમ બે નામને જોડીને ‘એકમિત’ના તખલ્લુસ સાથે હું લેખ, નાના-નાના ફકરાઓ અને કવિતાઓ લખું છું. મારી બધી જ લાગણીઓ એ શબ્દોમાં વ્યક્ત કરું છું. તેની સાથે જાણે વાતો કરું છું. બાર વર્ષના અમારા સહજીવનમાં ક્યારેય કોઈ મોટો ઝઘડો નથી થયો. ભરપૂર પ્રેમ અને લાગણીઓ સાથે જીવ્યાં છીએ. એ પ્રેમ તેની ગેરહાજરીમાં જરાય ઓછો નથી થયો.’

મારે તેમને છેલ્લી વાર પ્રેમથી ભેટવું હતું, કેટલી બધી વાતો કરવી હતી; પણ અચાનક, સાવ અચાનક જતા રહ્યા


‘પાંચ વર્ષનો અમારો પરિચય અને ૨૦૦૭માં અમારાં પ્રેમલગ્ન થયાં. એ પછી અમે એકબીજા માટે જ હતાં. ક્યારેય પાછાં વળીને જોયું નથી. આખું ઘર હાસ્યની કિલકારીઓથી ગુંજતું રહેતું. મીઠાં રિસામણાં-મનામણાં વચ્ચે આટલાં વર્ષો ક્યાંય વીતી ગયાં. જાણે તેમની સાથે મને જીવવા જ ન મળ્યું.’
મુલુંડમાં રહેતાં ભૂમિકા રશ્મિન શાહના આ શબ્દો છે. હૃદયરોગમાં અચાનક ૨૦૧૯ના માર્ચમાં તેમના પતિનું નિધન થયું છે. જોકે ભૂમિ માટે આ ઘટના હજી સ્વીકાર્ય નથી બની. તે કહે છે, ‘મારે તેની સાથે લગ્ન કરવાં હતાં, પરંતુ અમુક ભેદને કારણે પરિવાર સહમત નહોતો થતો. છેલ્લે નછૂટકે અમારે પરિવારની મરજી વિરુદ્ધ જવું પડ્યું. જોકે લગ્નના થોડાક જ સમયમાં પરિવારે અમારો સ્વીકાર કર્યો અને બધું જ જાણે ખૂબ સ્મૂધલી ચાલવા માંડ્યું. ધરતી પર સ્વર્ગ જેવી અનુભૂતિ થઈ રહી હોય એમ દિવસો પસાર થયા છે. મારા પરિવારનું પણ તેમણે દિલ જીતી લીધું હતું ને બધા જ ભેદભાવો શમી ગયા હતા.’
૨૦૦૮માં તેમને ત્યાં દીકરાનો જન્મ થયો અને તેમનું સહજીવન વધુ મધુર બન્યું. ભૂમિ કહે છે, ‘બાપ-દીકરાનું બૉન્ડિંગ જોરદાર હતું. જાણે એકબીજાના જિગરજાન મિત્ર હોય એમ તેમની વચ્ચે ધમાલમસ્તી થતી. મારા દીકરાને પણ તેના પિતાના ગયાનું ખૂબ દુઃખ થયું છે, પણ તે મારી સામે વ્યક્ત નથી કરતો. તેની સ્કૂલના ઍન્યુઅલ ડે, સ્પોર્ટ્સ ડે જેવા દિવસોમાં તેના ઊતરેલા ચહેરાને જોઈને મારું કાળજું કંપી જાય છે. જોકે ૧૨ જ વર્ષનો છે છતાં તે ખૂબ મૅચ્યોર થઈ ગયો છે. મને રડતાં જુએ તો મને સમજાવે છે કે મમ્મા, ડૅડી ગયા હવે. તમે નહીં રડો, હું છું તમારી સાથે. આવું તેની પાસેથી સાંભળું અને મારા ધબકારા વધી જાય છે. પ્રત્યેક ક્ષણ તે મને યાદ આવે છે. શરૂઆતના છ મહિના તો મને સતત ૩૧ માર્ચની સવાર જ યાદ આવ્યા કરતી હતી. આગલી રાતે અમે એક વાગ્યા સુધી કપિલ શર્માનો શો જોતાં હતાં. જાતજાતની વાતો કરી અને સૂતા પછી સવારે પોણાછ વાગ્યે તેમનો શ્વાસ હાંફવાનો અવાજ સાંભળીને હું જાગી. તેમનું માથું ખોળામાં લીધું અને ડૉક્ટરનો સંપર્ક કર્યો. અમે ડૉક્ટર સુધી પહોંચ્યાં ત્યારે તેમણે કહ્યું અડધો કલાક પહેલાં જ કેસ ખતમ થઈ ગયો હતો. મારા ખોળામાં જ તેમણે પ્રાણ છોડ્યા. હું સમજી જ ન શકી. મને ખબર જ ન પડી કે અચાનક આ શું થઈ ગયું. મને સમજાયું જ નહીં કે આમ કેવી રીતે તે ચાલ્યા ગયા.’
ભૂમિકાબહેનના પરિવારજનો, મિત્રો અને પાડોશીએ તેમના આ નબળા સમયમાં ખૂબ સપોર્ટ આપ્યો છે. તેઓ આર્થિક રીતે સ્ટેબલ થવા માટે મેંદી આર્ટિસ્ટ તરીકે સક્રિય છે. તેઓ કહે છે, ‘મને મેંદી આર્ટિસ્ટ તરીકે કામ કરવામાં તેમણે જ એન્કરેજ કરી હતી. હવે મારા દીકરા માટે મારે જીવવાનું છે અને એ એક જ બાબત છે જેને કારણે હું શક્ય હોય એટલી સ્વસ્થતા રાખવાના પ્રયત્ન કરું છું. હું મારા જીવન પરથી એટલું જ કહીશ કે જ્યારે સમય છે અને તમે તમારા પ્રિયજન સાથે છો એટલો સમય શ્રેષ્ઠ રીતે જીવી લો, કારણ કે ફરી પાછો એ સમય તમને મળશે કે નહીં એની કોઈ ખાતરી નથી. હું તેમને પ્રેમ કરતી હતી, કરું છું અને કરતી રહીશ. તે અત્યારે જ્યાં પણ હશે ત્યાં તેને મારા તરફથી હેપ્પી વૅલેન્ટાઇન્સ ડે.’

ડિસેમ્બરમાં અમારાં લગ્નના દિવસે વરસાદ પડતો જોઈને મેં તેમને કહેલું કે ઇન્દ્રદેવે આશીર્વાદ આપી દીધા છે, આપણી જોડી જામવાની; પણ એવું થયું નહીં
સમય સાથે બધું જ ભુલાઈ જતું હોય છે, પણ પ્રેમમાં એવું નથી. કેટલીક વાર પ્રેમ સમય સાથે વધુ ગાઢો રંગ પકડી લેતો હોય છે. કૃતિકા કૌશિક શુક્લનાં ૧૯૯૮ના ડિસેમ્બર મહિનામાં લગ્ન થયાં અને ૨૦૦૧માં રોડ-ઍક્સિડન્ટમાં તેમના પતિનું નિધન થયું. એ સમયે તેમનો દીકરો પૂરા બે વર્ષનો પણ નહોતો. મારવાડી કુટુંબમાં રહેતાં કૃતિકા માટે જાણે દુઃખનો પર્વત પડ્યો હતો અને આજે એ ઘટનાને લગભગ ૨૦ વર્ષ થવા આવ્યાં છતાં પતિ માટેની યાદો તેમનું જીવનબળ બની રહી છે. તેમણે ફરી અભ્યાસ શરૂ કર્યો. પ્રોફેસર તરીકે કામ કર્યું, યોગક્ષેત્રમાં આગળ વધ્યાં અને હવે પોતાની અલગ ઓળખ બનાવીને કાર્ય કરી રહ્યાં છે. કૃતિકાબહેન કહે છે, ‘અમારાં અરેન્જ્ડ મૅરેજ છે. જોકે તમે એને લવ-મૅરેજથી વિશેષ ગણી શકો, કારણ કે તેમણે મને પસંદ કરી પણ તેમના હેરકટને કારણે મેં પહેલાં ના પાડી હતી. પણ પછી હા પાડી. પછી ઘરમાં તેમની દાદીના નિધનને કારણે અમારાં લગ્નની તારીખ પાછી ઠેલાઈ. એ છ મહિનાના ગાળામાં અમારી વચ્ચે જાણે અફેર હોય એમ વાતો ચાલતી. અડધો દિવસ અમે ફોન પર વાતો કરતાં. લગ્ન પછી પણ ઘરની પરંપરાઓને મેં અનુસરી અને તેમણે મારી સ્થિતિને સમજીને મને ભરપૂર સાથ આપ્યો. મને યાદ છે કે એક વાર તેમણે કહેલું કે હું આખા દિવસનો થાકેલો ઘરે આવું અને એ સમયે તારો ચહેરો જો હસતો હોય તો મારો થાક ઊતરી જાય અને ચહેરો જો ઉદાસ હોય તો મારો થાક વધી જાય. એ દિવસથી તે ઘરે આવે ત્યારે મારા ચહેરા પર તેમને સ્માઇલ જ મળે. મારવાડી કુટુંબ હતું, ઘૂંઘટ પ્રથા હતી છતાં અમે ઘરમાં બધા વચ્ચે હોઈએ તો આંખોથી વાત કરી લેતાં. વૅલેન્ટાઇન્સ જેવો પણ દિવસ હોય એ મને તેમની સાથે રહેતાં ખબર પડેલી. તેમણે અમારા પહેલા વૅલેન્ટાઇન્સ ડેના દિવસે સોનાની વીંટી ગિફ્ટ કરી હતી. પણ સહેજ મોટી હતી અને તેમની ઇચ્છા હતી કે હું રિન્ગ ફિંગરમાં જ પહેરું, કારણ કે એની નસ સીધી હૃદય સુધી જાય છે. એમાં એક વાર કપડાં ધોતી વખતે એ રિન્ગ ખોવાઈ ગઈ. એ યાદ કરીને હું આજે પણ રડી પડું છું. ત્રણ વર્ષના અમારા સહજીવનમાં નવ મહિના હું મારાં મમ્મીના ઘરે પ્રેગ્નન્સી વખતે રહી. એ રીતે હાર્ડલી દોઢ વર્ષ અમે સાથે રહ્યાં, પણ આખા જીવન માટેની યાદો ભેગી કરી દીધી. જોકે એક અફસોસ છે કે નવેમ્બરમાં જે દિવસે અકસ્માત થયો ત્યારે તેઓ ઘરે બપોરે સાડાબાર વાગ્યે હેલ્મેટ લેવા આવ્યા હતા. હું એ સમયે ઉપવાસનું જમી રહી હતી એટલે ઊભી ન થઈ શકું એટલે મેં બેઠાં-બેઠાં જ સહેજ ઝૂકીને તેમને દરવાજા પર જોવાની કોશિશ કરી હતી પણ જોઈ ન શકી. શું કામ હું તેમને છેલ્લી વાર ન જોઈ શકી એનો અફસોસ છે.’
જ્યારે પતિનું નિધન થયું ત્યારે કૃતિકાબહેનની ઉંમર ૨૭ વર્ષની હતી. બે વર્ષના બાળકને મોટો કરવાની જવાબદારી હતી. તેમણે ભણવાનું શરૂ કર્યું. પગભર થવાની કોશિશ કરી અને એમાં પણ સફળ રહ્યાં. તેઓ કહે છે, ‘જો કૌશિક હોત તો તેમને મારું આ રીતે આગળ વધવું ખૂબ ગમ્યું હોત. તેઓ જાણે સતત મારી સાથે જ છે એ રીતે મેં વર્ષો પસાર કર્યાં છે. પણ મારા દીકરા માટે મારે જીવવાનું હતું. મને ક્યારેય જાતને ખતમ કરવાનો વિચાર નથી આવ્યો. આટલાં વર્ષો પછી પણ તેમની યાદોના સહારે હું એકલી પણ જીવું છું અને સમાજને કોઈક રીતે કંઈક આપવાના પ્રયત્નો કરું છું. મારી દૃષ્ટિએ દરેક મહિલાએ આ શીખવાનું છે. જીવનસાથીનો લૉસ કોઈ ભરપાઈ નહીં કરી શકે. એને કારણે જીવનમાં શૂન્યાવકાશ છવાશે, પણ તમારે એમાંથી બહાર આવવાનું છે. તમારે તેમના માટેના પ્રેમને કારણે બહાર આવવાનું છે. જીવન અટકે નહીં પણ જીવન તેમનાં સંભારણાંઓ સાથે વધુ સુંદર બને એવું બનાવવાના પ્રયત્નો કરવા જોઈએ. જીવનમાં કોઈ અન્ય પાત્ર આવે તો પણ એ સંભારણાંઓને આંચ ન આવે. બીજું, તમારા માધ્યમે એ પણ કહેવું છે કે આજે પણ આપણા સમાજની દયનીય માનસિકતા છે કે પતિ ગુજરી ગયો હોય એવી મહિલાઓને અપશુકનિયાળ મનાય છે. આજે આટલાં વર્ષે પણ મને કોઈ શુભ પ્રસંગે આમંત્રણ નથી અપાતું, કારણ કે મારા પતિ નથી. હું તો હવે જમાનાથી ટેવાઈ ગઈ છું પણ આ રવૈયો સ્ત્રી તરીકે મને ખૂબ ખરાબ લાગે છે. મારા જેવું અન્ય કોઈ મહિલાઓએ સહન ન કરવું પડે એવું હું ચોક્કસ ઇચ્છું છું. પુરુષો માટે એવો કોઈ નિયમ નથી તો મહિલાઓ માટે શું કામ? તમને અંદાજ નથી કે પ્રિય વ્યક્તિના લૉસ પછી ઇમોશનલ રીતે અને આર્થિક રીતે તેણે અનેક જંગ લડવાના છે એવા સમયે આ સોશ્યલ રિજેક્શન તેને વધુ પીડા આપવાનું કામ જ કરે છે.’

Whatsapp-channel Whatsapp-channel

14 February, 2020 06:28 PM IST | Mumbai Desk | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK