તમારા બાળકનો IQ ઊંચો છે તો સારું, પણ તમારા બાળકનો EQ ઊંચો છે તો બહુ સારું

Published: 11th November, 2014 05:52 IST

બાળકને સતત ભણવા માટે પ્રેશર કરનારા પેરન્ટ્સે આ બાબત પર ધ્યાન આપવાની ખૂબ જરૂર છે. આજે નૅશનલ એજ્યુકેશન ડે છે ત્યારે જાણીએ એક સફળ અને સુખી વ્યક્તિ બનાવવા માટે તમારા બાળકને ઇમોશનલી ઇન્ટેલિજન્ટ બનાવવું કેટલું જરૂરી છે અને એમાં પેરન્ટ્સ તરીકેની તમારી ભૂમિકા શું હોવી જોઈએ
સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

૧૫ વર્ષનો કાંદિવલીમાં રહેતો મનન ભણવા બેઠો એ દિવસથી ક્લાસમાં ફસ્ર્ટ જ આવે. ૯૫ ટકાથી નીચે ક્યારેય તેના માર્ક નથી આવ્યા. બોર્ડમાં પણ તે સ્કૂલમાં ટૉપ પર હતો. આટલો ભણવામાં હોશિયાર હોવા છતાં તેનું કૉન્ફિડન્સ લેવલ એકદમ ઓછું. ક્યાંય એકલો આવ-જા ન કરી શકે. કોઈની સાથે ખૂલીને વાત ન કરે. શરૂઆતમાં તેની આ પર્સનાલિટી બધાને નૉર્મલ લાગતી હતી. તેનો સ્વભાવ જ શાંત છે એમ સમજીને મમ્મી તેને બધામાં હેલ્પ કરતી, પરંતુ પછી એની અસર એવી થઈ કે તે બધી જ બાબતમાં માતા પર નિર્ભર થઈ ગયો. કોઈ ફ્રેન્ડ્સ ન બનાવી શક્યો. ઈવન એકલા બસમાં ટ્રાવેલ કરવું હોય કે જાતે કૉલેજ જવું હોય ત્યારે તેને તેની મમ્મી સાથે જોઈતી જ. પોતાની રીતે કોઈ નિર્ણય તે નહોતો લઈ શકતો. થોડી ખણખોદ કરી ત્યારે ખબર પડી કે તે નાનો હતો ત્યારથી તેના અતિવ્યસ્ત પિતાએ તેની સાથે જ્યારે પણ વાત કરી ત્યારે તેના ભણવા વિશે જ વાત કરી હતી. મમ્મીએ પણ તેના ભણવા પર જ બધું ફોકસ કર્યું હતું. એટલે મનનના મનમાં એક વાત ઠસી ગઈ હતી કે ભણવું એ જ એક મહત્વની બાબત છે એટલે તેણે પણ બધું ધ્યાન અભ્યાસમાં કેન્દ્રિત કર્યું હતું. એ સિવાય બીજી કોઈ બાબતમાં તેને રસ નહોતો. બીજી કોઈ બાબતમાં તે ઇન્વૉલ્વ પણ નહોતો થતો, જેની અસર તેની પર્સનાલિટી પર પડી હતી. IQ લેવલ અતિશય હોવા છતાં મનન અત્યારે એક ડિસ્ટર્બ પર્સનાલિટી ધરાવે છે.

આવી જ પણ થોડીક જુદી પર્સનાલિટીમાંથી પસાર થઈ રહી હતી વિધિ. તેની માતા તેને આખો દિવસ ભણવા માટે કહ્યા કરતી હતી. ડાન્સ અને ક્રાફ્ટમાં વિધિ અતિશય સ્માર્ટ હતી. તેનું મગજ ક્રીએટિવ હતું, પરંતુ તેની મમ્મીનો આગ્રહ હતો કે તું ભણવામાં હોશિયાર હો. ઍવરેજ કરતાં ઓછા માર્ક આવતા હોવાને કારણે વિધિને ઘરમાંથી પેરન્ટ્સ તરફથી સતત એક પ્રેશર સહન કરવું પડતું હતું. ધીમે-ધીમે તેની પર્સનાલિટી બદલાવા લાગી. ઇરિટેટિવ ચાઇલ્ડ બનતી ગઈ હતી. એક સમયે મમ્મીની વાતને ઇગ્નૉર કરનારી છોકરી મા પર હાથ ઉપાડવા લાગી હતી. હવે તેનામાં રહેલી ક્રીએટિવિટી પણ ઇરિટેશનમાં કન્વર્ટ થઈ ગઈ હતી. પહેલાં ભણવાના નામે ઇરિટેટ થતી છોકરી હવે દરેક નાની-નાની વાત પર ઇરિટેટ થવા લાગી, દુખી રહેવા માંડી. જે માતા તેને ભણવામાં હોશિયાર બનાવવા માગતી હતી, પણ તે હોશિયાર ન થઈ. જેમાં તેની માસ્ટરી હતી એમાં પણ તે ડાઉન થતી ગઈ.

એક સર્વે પ્રમાણે વિશ્વભરમાં ટૉપ પર પહોંચેલા મોટા ભાગના લોકો ભણવામાં હોશિયાર નહોતા, પરંતુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ બહુ સ્ટ્રૉન્ગ હતા. આપણે ત્યાં મોટા ભાગે પેરન્ટ્સ પોતાનું બાળક ભણવામાં હોશિયાર હોય એવો આગ્રહ રાખતા હોય છે, પરંતુ ઇમોશનલ ઇન્ટેલિજન્સ વિશે ક્યારેય કેમ કોઈ વિચારતું નથી. શું છે આ ઇમોશનલ ક્વોશન્ટ કે ઇમોશનલ ઇન્ટેલિજન્સ? શા માટે બાળકના સાર્વત્રિક ગ્રોથ માટે એ જરૂરી છે અને એમાં પેરન્ટ્સનો રોલ શું હોઈ શકે એ વિશે જાણીએ.

EQ અથવા ઇમોશનલ ઇન્ટેલિજન્સ એટલે?

ઇમોશનને મૅનેજ કરવા અને ઇમોશનને એક્સપ્રેસ કરવાની કળા એટલે ઇમોશનલ ઇન્ટેલિજન્સ એમ જણાવીને ૩૬ વર્ષથી ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ તરીકે પ્રૅક્ટિસ કરતા ડૉ. ગિરીશ પટેલ કહે છે, ‘સાડાત્રણ વર્ષની ઉંમર સુધી બાળકને માત્ર ને માત્ર માતાનો પ્રેમ જોઈતો હોય છે. બે વર્ષે પ્લેગ્રુપમાં મૂકવાની વાતને એટલે જ હું યોગ્ય નથી ગણાવતો. બાળકને તેની લાગણીઓને વ્યક્ત કરતાં આવડે અને લાગણીઓને યોગ્ય દિશા આપતાં પણ આવડે એ બાબત મા-બાપ પર નિર્ભર કરે છે. બાળક કોઈ ડિમાન્ડ કરે અને તરત તેને એ અપાવી દો અથવા કોઈ પણ જાતની ચર્ચા કર્યા વિના તેની બધી ઇચ્છાઓ પૂરી કરતા જાઓ તો બાળકને એની પણ આદત પડી જશે. બાળકને પોતાની રીતે ગ્રો થવા દેવાનો અવકાશ સાથે જ બાળક જ્યાં અટકે ત્યાંથી જાતે રસ્તો કાઢવાની આવડત મા-બાપે કેળવવાવી પડતી હોય છે. આજકાલનાં બાળકોમાં ધીરજનો ગુણ ડેવલપ કરવાની જરૂર છે. એ પણ તેના ઇમોશનલ ઇન્ટેલિજન્સનો એક હિસ્સો છે. બાળકમાં કૉન્ફિડન્સ, વિલપાવર ડેવલપ કરવામાં જેમ મા-બાપની ભૂમિકા છે એમ જ બાળકમાં હારને ગ્રેસફુલી સ્વીકારવાની વૃત્તિ, કોઈક વસ્તુ મેળવવામાં વિલંબ થાય તો રાહ જોવાની વૃત્તિ જેવી બાબતો પણ પેરન્ટ્સે ડેવલપ કરવાની હોય છે.’

શા માટે જરૂરી

ઇમોશનલ ઇન્ટેલિજન્સની જરૂરિયાત શા માટે છે એનું નક્કર કારણ આપતાં સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘બાળક ભણવામાં ખૂબ હોશિયાર હશે, પરંતુ પોતાના નિર્ણયો લેવામાં તે કમજોર હશે અથવા પોતે અંદરથી વાતવાતમાં ગભરાઈ જતું હશે, અંદરથી તૂટી ગયું હશે તો તે કઈ રીતે પોતાની લાઇફને આગળ વધારશે. માત્ર ભણીને મોટો માણસ ક્યારેય કોઈ બાળક નથી બન્યો કે બની શકતો. ભણવાની સાથે કેટલીક બાબતો વૅલ્યુ ઍડિશન તરીકે કામ કરતી હોય છે. ત્મ્નું લેવલ ૧૦૦ ઉપર હોય અને ઇમોશનલી કોઈ પરિસ્થિતિને હૅન્ડલ કરવાની ક્ષમતા તેણે ન કેળવી હોય તો તે પોતાના ક્ષેત્રમાં ખાસ કંઈ નહીં ઉકાળી શકે. સાહસ, હિંમત, ડેડિકેશન જેવી ક્વૉલિટી આપણે ડેવલપ કરવાની હોય છે બાળકમાં. આ બધું છે ઇમોશનલ ઇન્ટેલિજન્સ. અત્યારના કૉમ્પિટિટિવ વર્લ્ડમાં ડિપ્રેશનને અને સ્ટ્રેસને દૂર રાખવા લોકોને હૅન્ડલ કરવાની કળા આવડવી જરૂરી છે.’

મા-બાપ તરીકે તમારે શું કરવું?

કમ્યુનિકેશન. બાળક સાથે વાતચીત કરો, માત્ર ભણવાની જ નહીં, બધી જ બાબતોની જે તેને ગમે છે, જેનાથી તે પ્રભાવિત છે, જેમાં તેને રસ પડતો હોય એવી વાતોની ચર્ચા કરો.

સમય આપો. તમારા બાળક સાથે ફૉર્મલ વાચતીત કરવાને બદલે ક્યારેક અમસ્તા જ તેની સાથે બહાર બીચ પર વૉક માટે નીકળી જાઓ. ટ્રેકિંગ માટે કે મૂવી જોવા માટે જાઓ.

સિક્યૉરિટી એટલે પણ ઇમોશનલ ઇન્ટેલિજન્સ. બાળકને તમારી સાથે સિક્યૉર ફીલ આપો. તે પોતાની જાતને તમારી સાથે ખૂબ સિક્યૉર ગણશે તો એનાથી તમારું અને તેનું બૉન્ડિંગ મજબૂત બનશે. ઇમોશનલી કૉન્ફિડન્સ, કરેજ ડેવલપ કરવા માટે આ જરૂરી હોય છે.

SQ વિશે પણ રહો સાબદા

આજકાલ ગૅજેટ્સ અને નેટવર્કિંગના વધતા જોરને પગલે બાળકો હ્યુમન ટચ અને હ્યુમન કૉન્ટૅક્ટથી પણ દૂર થઈ રહ્યાં છે એમ જણાવીને પેરન્ટ ચાઇલ્ડ સાઇકોલૉજિસ્ટ રાશિ આનંદ કહે છે, ‘સતત આઇપૅડ, ઇન્ટરનેટ અને બુક્સમાં જ રચ્યાપચ્યા રહેતા તમારા બાળકમાં IQ, EQની જેમ SQ સારો હોવો જરૂરી છે. સોશ્યલી લોકો સાથે હળવા-ભળવાથી લઈને ચાર જણની વચ્ચે આત્મવિશ્વાસ સાથે પોતાની વાત રજૂ કરી શકવાની ક્ષમતા પણ મા-બાપે જ નાનપણથી તેનામાં કેળવવી જોઈએ. તેને લોકો સાથે હળવાભળવા માટે પ્રેરિત કરવું જોઈએ તેમ જ ક્યારેય જો તે અટકે તો બૅક-અપ બનીને તેની પડખે રહેવું અને એ પછી તેને જ આગળ વધારતાં-વધારતાં તેનો કૉન્ફિડન્સ વધારવો એ પણ માતા-પિતાએ જ કરવાનું હોય છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK