Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > આવી રહ્યો છે વિશ્વની સૌથી વધુ પ્રોફિટ કરતી કંપનીનો સૌથી મોટો IPO

આવી રહ્યો છે વિશ્વની સૌથી વધુ પ્રોફિટ કરતી કંપનીનો સૌથી મોટો IPO

17 November, 2019 11:54 AM IST | Mumbai
Sushma B Shah

આવી રહ્યો છે વિશ્વની સૌથી વધુ પ્રોફિટ કરતી કંપનીનો સૌથી મોટો IPO

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


અખાતના દેશ સાઉદી અરબ માટે એક નવા ઇતિહાસની શરૂઆત થઈ રહી છે. પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દેશને વધુ આધુનિક માળખાકીય સવલત આપવા માટે પોતાના સૌથી કીમતી ઘરેણાનો એક હિસ્સો ખાનગી રોકાણકારને આપવા જઈ રહ્યા છે. સાઉદી અરબ ખાનગીકરણ કરવા જઈ રહ્યું છે અને એ પણ કેવું...
વિશ્વમાં સૌથી વધુ નફો રળતી, સૌથી વધુ ક્રૂડ ઑઈલનું ઉત્પાદન કરતી અને સૌથી વધુ ક્રૂડના ભંડારો ધરાવતી અરામ્કોના કેટલાક શૅર હવેથી વ્યક્તિગત રોકાણકારોને આપવામાં આવી રહ્યા છે. એ પતે એટલે તરત જ સંસ્થાકીય રોકાણકારો માટે પણ શૅર બહાર પાડવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયાના અંતે અરબ સરકાર લગભગ ૩૦ અબજ ડૉલર એટલે કે ૨,૧૩,૦૦૦ કરોડ રૂપિયા ઊભા કરશે. વિશ્વના શૅરબજારના ઇતિહાસમાં કોઈ એક કંપનીએ ક્યારેય આટલી મોટી રકમનો પબ્લિક ઇશ્યુ કર્યો નથી! ભારતની બજારના પરિપ્રેક્ષ્યમાં વાત કરીએ તો છેલ્લાં ૩૦ વર્ષના પબ્લિક ઇશ્યુના ઇતિહાસમાં કોઈ પણ એક વર્ષમાં ભારતીય કંપનીઓએ આટલી મોટી માત્રામાં રકમ ક્યારેય એકત્ર કરી નથી!
એક સાથે આટલી મોટી માત્રામાં ફન્ડ એકત્ર કરવાનો વિક્રમ અત્યારે ચીનની અલીબાબા હોલ્ડિંગ્સ પાસે છે. આ કંપનીએ વર્ષ ૨૦૧૪માં ૨૫ અબજ ડૉલર અમેરિકન બજારમાં લિસ્ટિંગ વખતે ઊભા કર્યા હતા. અરામ્કોનો ઇશ્યુ આવી રહ્યો છે એ દિવસોમાં જ અલીબાબા પણ હૉન્ગકૉન્ગમાં લિસ્ટિંગ કરી રહી છે. આ કંપની વધુ ૧૩.૮ અબજ ડૉલર (૯૭,૯૮૦ કરોડ રૂપિયા) ઊભા કરી રહી છે જે વૈશ્વિક શૅરબજાર માટે ચાલુ વર્ષે સૌથી મોટો ઇશ્યુ હશે.
એવી ધારણા છે કે ઇશ્યુ પછી જ્યારે શૅરનું લિસ્ટિંગ થશે ત્યારે અરામ્કોનું બજારમૂલ્ય લગભગ ૧.૨થી ૧.૫ ટ્રીલ્યન ડૉલર થશે. ભારતીય ચલણમાં આ મૂલ્ય ૮૫,૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી ૧૦૬.૫૦ લાખ કરોડ રૂપિયા થાય છે. અહીં નોંધવું જોઈએ કે ભારતની આખી શૅરબજારનું મૂલ્ય અત્યારે ૧૫૨ લાખ કરોડ રૂપિયા છે. ટૂંકમાં દરેક રીતે અરામ્કો વૈશ્વિક શૅરબજારમાં ધૂમધડાકા સાથે આવી રહી છે. અત્યારે ભલે કંપનીનું લિસ્ટિંગ માત્ર રિયાધ સ્ટૉક એક્સચેન્જ ઉપર હોય પણ ભવિષ્યમાં કંપની વૈશ્વિક શૅરબજારમાં પણ કરશે અને એ સમયે રોકાણકારોનો વ્યાપ પણ વધી જશે.
ઘટી રહેલી ક્રૂડ ઑઈલની માગ કે પડકાર
અરામ્કો અત્યારે વિશ્વના ૧૦ ટકા જેટલા ક્રૂડ ઑઈલનું ઉત્પાદન અને તેનું પ્રોસેસિંગ કરી દુનિયાભરમાં વેચે છે. કંપની વિશ્વમાં સૌથી ઓછા ખર્ચે ક્રૂડ ઑઈલનું ઉત્પાદન કરી રહી છે. ક્રૂડ ઑઈલ અત્યારે વિશ્વનું સૌથી મહત્ત્વનું ઇંધણ છે, પણ માગ અને પુરવઠાની સમતુલામાં અત્યારે પુરવઠો વધી રહ્યો છે. માગ અત્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થા નબળી હોવાથી ઘટી રહી હોવા ઉપરાંત ક્રૂડ ઑઈલ સામેના વિકલ્પ વધી રહ્યા છે અને એટલે જ એવી પણ એક દલીલ છે કે જળવાયુ પરિવર્તનના કારણે જો વધુને વધુ દેશ અને વધુને વધુ લોકો પેટ્રોલ, ડીઝલને છોડી અન્ય ફ્યુઅલ તરફ વળે તો?
અરામ્કો માટે અત્યારે આ એક સૌથી મોટો પડકાર છે. વિશ્વ જ્યારે ક્રૂડના બદલે અન્ય વિકલ્પ તરફ આગળ વધી રહ્યું છે ત્યારે કંપનીનું લાંબાગાળાનું ભવિષ્ય શું?
અરામ્કોએ કેલૅન્ડર વર્ષ ૨૦૧૮માં ૧૧૧.૧ અબજ ડૉલરનો નફો રળ્યો હતો પણ વર્ષ ૨૦૧૯ના પ્રથમ નવ મહિનામાં નફો ૧૮ ટકા ઘટી ૬૮.૨ અબજ ડૉલર રહ્યો છે. અત્યારે વિશ્વની સૌથી મોટી લિસ્ટેડ ક્રૂડ ઑઈલ કંપની એક્ઝોન મોબિલનો નફો ૪૯ ટકા ઘટ્યો છે, કારણ... ક્રૂડ ઑઈલના ભાવ ઘટી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડનો ભાવ અત્યારે ૬૩ ડૉલર પ્રતિ બેરલ આસપાસ ચાલી રહ્યો છે. સપ્ટેમ્બર ૨૦૧૯માં તે ૮૨ ડૉલર હતો. ભાવ એટલા માટે ઘટી રહ્યા છે કે વિશ્વમાં ક્રૂડ ઑઈલની માગ કરતા પુરવઠો વધારે છે. ભાવ ટકી રહે એના માટે ઑપેક રાષ્ટ્રસમૂહ છેલ્લા એક વર્ષથી ઉત્પાદન ઘટાડી રહ્યું છે જેમાં સાઉદી અરબ પણ સામેલ છે. બીજી તરફ ઑપેક સિવાયના રાષ્ટ્રો – અમેરિકા, ઘાનામાં ઉત્પાદન વધી રહ્યું છે. આ સ્થિતિમાં વધુ ઉત્પાદન બજારમાં આવી રહ્યું છે અને એ પણ એવા સમયે કે જ્યારે વૈશ્વિક આર્થિક વિકાસનો દર ઘટી રહ્યો છે, હજી ઘટશે એવો અંદાજ છે.
અરામ્કોની કમાણી સતત ચાલતી રહે એના માટે ક્રૂડ ઑઈલના ભાવ વધવા જરૂરી છે. ભાવ ઊંચા રહે એ પણ જરૂરી છે. વિશ્વમાં રાજદ્વારી સંબંધોના આધારે ક્રૂડનો વ્યાપાર વધી રહ્યો છે ત્યારે ઑપેક કેટલી અને કેવી રીતે અરામ્કોને મદદ કરી શકે એ જોવાનું રહ્યું.
હા, એટલું ચોક્કસ છે કે દિગ્ગજ કંપની બંધ નથી થવાની. ક્રૂડ ઑઈલની માગ અચાનક શૂન્ય નથી થઈ જવાની એટલે નફામાં વળતર ચોક્કસ મળતું રહેશે, પણ અરામ્કો ઑઈલ અૅન્ડ ગૅસ ક્ષેત્રની એકમાત્ર કંપની નથી. બીજી અનેક કંપનીઓ લિસ્ટેડ છે અને તેમાં રોકાણકાર વળતર મેળવી રહ્યા છે. સંભવ છે એટલે જ કદાચ સાઉદી અરબ અત્યારે આ ભરણું માત્ર સ્થાનિક રોકાણકારો માટે જ લાવી રહ્યું છે. તેલ જોશે, તેલની ધાર જોશે (અને તેલના ભાવ જોશે) પછી તેનું ગ્લોબલ લિસ્ટિંગ કરવામાં આવશે.
રોકાણકારને વળતર આપવાનો બોજ
ફાઈનેન્સ મૅનેજમેન્ટ અને બિઝનેસના વિદ્યાર્થીઓને એવું જ્ઞાન આપવામાં આવે છે કે ઇક્વિટી (એટલે શૅર વેચી) થકી ઊભું કરવામાં આવેલું રોકાણ સૌથી સસ્તું હોય છે, કારણ કે એમાં કોઈ વ્યાજખર્ચ નથી હોતો અને ડિવિડન્ડ આપવું પણ ફરજિયાત નથી, પરંતુ બજાર એવું શીખવે છે કે રોકાણકાર માટે શૅર એક રોકાણ છે. એનો ઉદ્દેશ તેમાંથી વળતર મેળવવાનો હોય છે. વળતર કંપનીના શૅરના ભાવમાં વધારાથી કે અન્ય રીતે (ડિવિડન્ડ, બોનસ વગેરેથી) મળવું જ જોઈએ. આમાં પણ રોકાણકારનો પ્રાથમિક ઉદ્દેશ હંમેશાં શૅરનો ભાવ વધે એવો હોય છે.
શૅરના ભાવની વધઘટ કંપનીની નાણાકીય કામગીરી ઉપર થાય છે અને નાણાકીય કામગીરી માટે અર્થવ્યવસ્થામાં તેજી, લોકોની ખરીદશક્તિ વધવી, કંપની જેનું ઉત્પાદન કરે છે તેની માગ રહેવી, તેમાં કંપનીની નફાશક્તિ સતત વધવી વગેરે જેવા પરિબળને આધારિત છે.
રોકાણકારોનું હિત જાળવી રાખવા માટે અરામ્કોએ વર્ષ ૨૦૨૦થી ૨૦૨૪ સુધી કુલ ૭૫ અબજ ડૉલર કે પ્રતિ શૅર ૦.૦૯૩ ડૉલરનું ડિવિડન્ડ આપવાની ખાતરી પોતાની શૅર ઑફરમાં કરી છે. વધુમાં કંપનીએ ડિસેમ્બર સુધીમાં વચગાળાના ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે જેનો લાભ નવું રોકાણ કરનાર વ્યક્તિગત અને સંસ્થાકીય રોકાણકારને પણ મળશે. વચગાળાના ડિવિડન્ડની રકમ ૯.૫ અબજ ડૉલર રાખવામાં આવી છે. આ દર્શાવે છે કે કંપની રોકાણકારને ઇશ્યુમાં રોકાણ કરવા માટે વધુને વધુ આકર્ષણ આપી રહી છે. ભારતની શૅરબજારમાં લોકો લિસ્ટિંગ ગેઇન (શૅર લીસ્ટ થાય એટલે તરત જ ઊંચા ભાવે વેચવાની વૃત્તિ) માટે રોકાણ કરે છે. અરામ્કોમાં આવી સ્થિતિ સંભિવત રીતે જણાતી નથી એટલે ડિવિડન્ડનું આકર્ષણ ઊભું કરવામાં આવ્યું છે.

ભરણાંના સલાહકારોને ૪૫ કરોડ ડૉલરની ફી મળશે
સાઉદી અરામ્કો જેવી વિશ્વની સૌથી વધુ નફો રળતી, વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઑઈલ ઉત્પાદન કરતી કંપની માટે યોગ્ય ભાવે અને યોગ્ય મૂલ્યએ રોકાણકારો શોધવા પણ એક મોટો પડકાર છે. આ પડકાર માટે સાઉદી સરકારે વિશ્વના ટોચના મર્ચન્ટ બૅન્કર્સ, ઇન્વેસ્ટમેન્ટ બૅન્કર્સ અને સલાહકારોને કામ સોંપ્યું છે. આ વિશ્વનો સૌથી મોટો પબ્લિક ઇશ્યુ છે એટલે વૉલ સ્ટ્રીટની ટોચની કંપનીઓ જેવી કે ગોલ્ડમૅન સાક્સ, એચએસબીસી, ક્રેડિટ સ્યુઈસ અને અન્ય ૧૫ને કામ સોંપવામાં આવ્યું છે. વર્ષ ૨૦૧૪માં અને અત્યાર સુધીના વિશ્વના સૌથી મોટા પબ્લિક ઇશ્યુમાં ૨૫ અબજ ડૉલર એકત્ર કરનાર ચીનના અલીબાબા માટે બૅન્કર્સને ૩૦ કરોડ ડૉલરની ફી મળી હતી. એવું જાણવા મળ્યું છે કે અરામ્કોના ઇશ્યુ માટે લગભગ ૪૫ કરોડ ડૉલરની ફી ચૂકવવામાં આવી રહી છે. આ ફી જેટલી રકમ એકત્ર કરવામાં આવશે તેની એક ટકાથી દોઢ ટકા જેટલી હશે એવું સાઉદી સરકારના સૂત્રોએ જણાવ્યું હતું.



અરામ્કોમાં કોણ રોકાણ કરી શકે?
રવિવારથી જે પબ્લિક ઇશ્યુ ખૂલી રહ્યો છે તે માત્ર વ્યક્તિગત રોકાણકારો માટે છે. આ પછી તે સંસ્થાકીય રોકાણ માટે ખૂલશે.
જે વ્યક્તિ સાઉદી અરબની રાષ્ટ્રીયતા ધરાવતો હોય અથવા તો એવી વ્યક્તિ કે જે સાઉદી અરબનો રહેવાસી હોય તે જ આ પબ્લિક ઈસ્યુમાં રોકાણ કરી શકે છે. આ ઉપરાંત ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલના છ રાષ્ટ્રો (સાઉદી અરબ, કુવૈત, યુનાઈટેડ આરબ અમીરાત, કતાર, બહેરીન અને ઓમાન)ના નાગરિકો પણ તેમાં રોકાણ કરી શકે છે. આમાં રોકાણ કરનાર વ્યક્તિ માટે સાઉદી અરબ કે ગલ્ફ દેશોની માન્ય બૅન્કોમાં ખાતું હોવું પણ જરૂરી છે.



અલીબાબા પાછળ નથી
ચીનની દિગ્ગજ કંપની અલીબાબા હોલ્ડિંગ્સના નામે અત્યારે વિશ્વના સૌથી મોટા પબ્લિક ઇશ્યુનો વિક્રમ છે. કંપનીએ અમેરિકન બજારમાં વર્ષ ૨૦૧૪ના લિસ્ટિંગમાં ૨૫ અબજ ડૉલરની રકમ ઊભી કરી હતી. અત્યારે જ્યારે અરામ્કોના પબ્લિક ઇશ્યુની ચર્ચા ચાલી રહી છે ત્યારે અલીબાબા પણ પાછળ નથી.
જેક માએ સ્થાપેલી આ કંપની હૉન્ગકૉન્ગમાં લિસ્ટિંગ માટે કામ કરી રહી છે. પ્રસ્તાવિત રીતે કંપની તા.૨૦ નવેમ્બરના રોજ હૉન્ગકૉન્ગ શૅરબજારમાં રોકાણકારોને ૫૭ કરોડ નવા શૅર (જેમાં ૭.૫ કરોડ શૅર ગ્રીન શું વિકલ્પ – માગ વધારે હોય તો વધારે શૅર ઑફર કરી રકમ ઊભી કરવી) ફાળવી લગભગ ૧૩.૮ અબજ ડૉલર ઊભા કરવા જઈ રહી છે. કંપની હૉન્ગકૉન્ગમાં ૧૮૮ હૉન્ગકૉન્ગ ડૉલર (લગભગ ૨૪ ડૉલર)નો એક એવા શૅર આપી રહી છે. ચાલુ વર્ષે ઉબર દ્વારા આઠ અબજ ડૉલર એકત્ર કર્યા પછી આ વૈશ્વિક રોકાણકારો માટે સૌથી મોટો પબ્લિક ઇશ્યુ છે.


અરામ્કોના પબ્લિક ઇશ્યુની મહત્ત્વની વાતો
■ સાઉદી અરામ્કો વિશ્વની સૌથી મોટી ક્રૂડ ઑઈલ ઉત્પાદક કંપની છે અને અત્યારે તેની સંપૂર્ણ માલિકી સાઉદી સરકારની છે. ઇશ્યુમાં જે શૅર રોકાણકારોને ઑફર કરવામાં આવશે તે સરકારના હિસ્સાનો એક ભાગ છે.
■ વ્યક્તિગત રોકાણકારો માટે ઇશ્યુ તા.૧૭ નવેમ્બરના ખૂલશે અને તા.૨૮ નવેમ્બરે બંધ થશે.
■ ગત વર્ષે અરામ્કોએ ૧૧૧.૧ અબજ ડૉલરનો (૭,૮૮,૦૦૦ કરોડ રૂપિયા) નફો રળ્યો હતો. ચાલુ વર્ષે કંપનીનો નફો સપ્ટેમ્બર સુધીમાં ૧૮ ટકા ઘટી ૬૮.૨ અબજ ડૉલર રહ્યો છે.
■ વિશ્વની ૧૦ ટકા ક્રૂડ ઉત્પાદન ધરાવતી આ કંપનીના શૅર રિયાધ સ્ટૉક એક્સચેન્જમાં લીસ્ટ થશે.
■ સિટી બૅન્ક, ક્રેડિટ સુઈસ, એચએસબીસી, જેપી મોર્ગન જેવી કંપનીઓ આ ઇશ્યુની સલાહકાર છે.
■ કંપની વ્યક્તિગત રોકાણકારોને કુલ ૦.૫ ટકા શૅર ઑફર કરી રહી છે. સંસ્થાઓને કેટલા શૅર આપશે તે હજી નક્કી કરવામાં આવ્યું નથી.
■ રોકાણકારને કંપનીની કામગીરીના જોખમમાં એવું પણ લખવામાં આવ્યું છે કે કંપનીની કામગીરી ઉપર ત્રાસવાદી હુમલાથી અસર થઈ શકે છે. અહીં નોંધવું જોઈએ કે થોડા સમય પહેલા કંપની ઉપર ડ્રોન વડે હુમલો થયો હતો અને ઉત્પાદનક્ષમતા થોડા દિવસો બંધ થઈ ગઈ હતી.
■ કંપની સ્વીકારે છે કે જળવાયુ પરિવર્તનના કારણે ક્રૂડ ઑઈલની માગ ઉપર અસર પડી શકે છે.
■ કંપનીના પ્રોસ્પેક્ટસમાં કંપની આ જાહેર ભરણાં થકી કેટલી રકમ એકત્ર કરવામાં આવશે તેની વિગતો હજી જાહેર કરવામાં આવી નથી.
■ એવી ધારણા છે કે ઇશ્યુ પછી જ્યારે શૅરનું લિસ્ટિંગ થશે ત્યારે અરામ્કોનું બજારમૂલ્ય લગભગ ૧.૨ થી ૧.૫ ટ્રીલ્યન ડૉલર થશે. ભારતીય મૂલ્યમાં તે ૮૫,૨૦,૦૦૦ કરોડ રૂપિયાથી ૧૦૬.૫૦ લાખ કરોડ રૂપિયા થાય છે. અહી નોંધવું જોઈએ કે ભારતની આખી શૅરબજારનું મૂલ્ય અત્યારે ૧૫૨ લાખ કરોડ છે.
■ જો કંપનીનું મૂલ્ય ૧.૫ ટ્રીલ્યન ડૉલર આંકવામાં આવે અને તેનો બે ટકા હિસ્સો કંપની અત્યારે રોકાણકારોને આપે તો લગભગ ૩૦ અબજ ડૉલર કંપની ભરણાં થકી ઊભા કરશે જે વિશ્વના અત્યાર સુધીના કોઈ પણ પબ્લિક ઇશ્યુ કરતાં સૌથી વધુ હશે. છેલ્લે અલીબાબાએ ૨૦૧૪માં ૨૫ અબજ ડૉલરનો પબ્લિક ઇશ્યુ કર્યો હતો.


શું અરામ્કોમાં ભારતીય રોકાણ કરી શકે?
અરામ્કો પોતાના પ્રોસ્પેક્ટસમાં સ્પષ્ટ જણાવે છે કે ભારતીય નાગરિક માટે આ ભરણું નથી. કંપની માત્ર સ્થાનિક રોકાણકારો માટે પબ્લિક ઇશ્યુ લાવી રહી છે. ભારતની સરકાર, રિઝર્વ બૅન્ક, સેબી, સ્ટૉક એક્સચેન્જ કે ક્મ્પનીઝ એક્ટ હેઠળ અરામ્કોએ ભારતીય નાગરિકોને રોકાણની કોઈ દરખાસ્ત કરી નથી. એટલું જ નહીં કંપનીનું પ્રોસ્પેક્ટસ પણ ભારતમાં સબમિટ કરવામાં આવ્યું નથી કે નથી એની ભારતીય સત્તાએ તપાસ કરી, નથી મંજૂરી આપી.
એટલે હવે ભારતીય નાગરિક માટે અહીં બેઠા જો કોઈ બ્રોકર સાઉદી અરબના બ્રોકર સાથે જોડાણ ધરાવતો હોય અથવા તો કોઈ મ્યુચ્યુઅલ ફંડ સાઉદીના શૅર માર્કેટમાં રોકાણ કરતું હોય તો જ આ પબ્લિક ઇશ્યુમાં ભાગ લેવાનો વિકલ્પ છે. ભારતીય જો ગલ્ફ દેશોમાં રહેતા હશે અને માન્ય બૅન્કમાં ખાતું ધરાવતા હશે તો રોકાણ કરવાનો વિકલ્પ ખુલ્લો છે.
રિઝર્વ બૅન્કના નિયમ અનુસાર એપ્રિલથી માર્ચના ગાળાના નાણાકીય વર્ષમાં કોઈ પણ ભારતીય નાગરિક એક વર્ષમાં ૨.૫૦ લાખ ડૉલર (આજના દરે લગભગ ૧.૭૭ કરોડ રૂપિયા)ની રકમ વિદેશમાં મોકલી શકે છે. આ રકમનો ઉપયોગ શૅરની ખરીદી કે મિલકતની ખરીદી માટે થઈ શકે છે.
આ માટે વિદેશી બ્રોકર સાથે ભારતીય નાગરિકનું ખાતું હોવું જોઈએ. આવું ખાતું ખુલ્યા પછી એ વિદેશી બ્રોકર કે જેણે ભારતીય બ્રોકર સાથે જોડાણ હોય તેની સાથે ખાતું ખોલાવી લેવું પડે છે. મોટાભાગના સ્થાનિક બ્રોકર્સને અમેરિકન બ્રોકર સાથે કે યુરોપિયન બ્રોકર સાથે આવું જોડાણ છે, પણ અરામ્કોનો ઇશ્યુ માત્ર રિયાધ સ્ટૉક એક્સ્ચેન્જ ઉપર લીસ્ટ થઈ રહ્યો છે એટલે સાઉદી અરબ સાથે જોડાણ ધરાવતો બ્રોકર શોધવો પડે જે મુશ્કેલ છે.
અન્ય વિકલ્પ છે કોઈ મ્યુચ્યુઅલ ફન્ડ કે જે વિદેશમાં રોકાણ કરી શકે. આવા ફન્ડસ પણ મોટેભાગે અમેરિકન બજારમાં રોકાણ કરતા હોવાથી તેમના માટે આ શક્ય જણાતું નથી.

Whatsapp-channel Whatsapp-channel

17 November, 2019 11:54 AM IST | Mumbai | Sushma B Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK