Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માઇનસ 13

માઇનસ 13

20 September, 2020 05:32 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

માઇનસ 13

આ સીઝનમાં ચિયરલીડર્સનું ચિયરિંગ કે ઉત્સાહથી છલકતા પ્રેક્ષકો જોવા નહીં મળે

આ સીઝનમાં ચિયરલીડર્સનું ચિયરિંગ કે ઉત્સાહથી છલકતા પ્રેક્ષકો જોવા નહીં મળે


યુનાઇટેડ આરબ ઍમિરેટ્સ (યુએઈ)માં ગઈ કાલથી શરૂ થયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) સાથે ભલે બધા હકારાત્મક રીતે વર્તી રહ્યા હોય, પણ હકીકત એ છે કે આઇપીએલની આ તેરમી સીઝન પેલી પૉપ્યુલર હિન્દી કહેવતની યાદ અપાવે છે, ‘ઊંચી દુકાન, ફિક્કા પકવાન.’

હા, આઇપીએલની તેરમી સીઝન રમાવાની શરૂઆત થઈ ગઈ, પણ આ સીઝનમાં ગ્લૅમર અને અટ્રૅક્શનની સૌથી મોટી બાદબાકી થઈ ગઈ છે. કોવિડને કારણે એક તો સીઝન ઑલમોસ્ટ ચાર મહિના મોડી શરૂ. આ વર્ષે આઇપીએલ ભૂલવી પડે એવી પરિસ્થિતિ વચ્ચે આરબ એમિરેટ્સ દેવદૂત બનીને આવ્યું અને ઇન્ડિયન ક્રિકેટ બોર્ડના અબજોના નુકસાનમાં મામૂલી રાહત કરી આપવાનું કામ કર્યું. દુબઈ અને શારજાહ બિલકુલ કોરોના-ફ્રી થઈ ગયાં છે એ પુરવાર કરવા માટે આરબ એમિરેટ્સ કોઈ મોટી ઇવેન્ટની શોધમાં હતું અને એવામાં આઇપીએલ પર એનું ધ્યાન ગયું. તમને જાણીને નવાઈ લાગશે કે આઇપીએલની આ સીઝન પોતાને ત્યાં રમાય એ માટે એમિરેટ્સ ગવર્નમેન્ટે પોતે ૧૦૦ કરોડ રૂપિયાથી વધારે રકમ ખર્ચ કરવાની છે. આઇપીએલના યજમાન બનવા માટે દુબઈના કિંગ અને એમિરેટ્સના પ્રાઇમ મિનિસ્ટર શેખ મહમદ બિન રાશિદ અને શારજાહના સુલતાન બિન મોહમ્મદે તમામ પ્રકારના દરવાજા ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ માટે ખોલી નાખ્યા હતા. એક પણ સુવિધા એવી બાકી નથી રાખી જે આપવામાં કોઈ કસર રહી ગઈ હોય. પ્લેયર્સના અકોમોડેશનથી માંડીને તમામ પ્રકારની ગ્રાઉન્ડ સુવિધા આરબ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવી છે અને એ પણ બિલકુલ નિઃશુલ્ક અને એ પછી પણ અનેક અટ્રૅક્શન પર આરબ ગવર્નમેન્ટ દ્વારા કાપ મૂકવામાં આવ્યો.



કોરોના વાઇરસના હુમલા પછી જગતઆખામાં આ પહેલી એવી ઇવેન્ટ છે જે સતત બે મહિના ચાલવાની હોય. ઇન્ડિયન પ્રીમિયર લીગ અત્યારે બ્રૅન્ડિંગ માર્કેટમાં ૪૫૦૦ કરોડ રૂપિયાની બ્રૅન્ડ ગણવામાં આવે છે એવા સમયે જો કોરોના-સંક્રમણ આ ટુર્નામેન્ટમાં વિઘ્ન નાખે તો માત્ર ઇન્ડિયા જ નહીં, આરબ ગવર્નમેન્ટ અને આઇપીએલ સાથે સંકળાયેલા અન્ય દેશના ક્રિકેટરોની આબરૂના લીરેલીરા ઊડી જાય. એવું બને નહીં એ માટે આઇપીએલ સાથે જોડાયેલા અને આઇપીએલ જેને માટે પૉપ્યુલર થઈ હતી એવા ગ્લૅમરની ટુર્નામેન્ટમાંથી બાદબાકી કરવામાં આવી તો અમુકની બાદબાકી આપોઆપ જ થઈ ગઈ. આઇપીએલમાંથી કમી થઈ ગયેલાં આ અટ્રૅક્શનમાંથી મહત્ત્વનાં ગણાય એવાં ૧૩ ગ્લૅમર જોવા જેવાં છે. આ ૧૩માં સૌથી પહેલા નંબરે આવે છે ઑડિયન્સ.


૧. ખાલી હૈ સ્ટેડિયમ

આઇપીએલની તેરમી સીઝનમાં એક પણ ટિકિટ નહીં વેચાય અને એને લીધે સ્ટેડિયમ ખાલી રહેશે. હા, સ્ટેડિયમ ટોટલી ખાલી હશે. ટિકિટ રેવન્યુમાંથી આઇપીએલ ટીમના માલિકોને તો ૪૦ ટકા શૅર મળતો હતો, પણ આ વખતે ટિકિટ વેચાવાની ન હોવાથી ટીમના માલિકોએ પણ એ લૉસ સહન કરવી પડશે, તો સામા પક્ષે સ્ટેડિયમમાં ઑડિયન્સને કારણે જે કોઈ પ્રોડક્ટનું માર્કેટિંગ થતું એ માર્કેટિંગ પણ બંધ રાખવામાં આવશે. પહેલી વખત એવું બની રહ્યું છે કે વર્લ્ડની ટૉપ ૫૦ ઇવેન્ટ બ્રૅન્ડમાં આવતી એક ઇવેન્ટમાં બહારના કોઈને પ્રવેશ આપવામાં નહીં આવે. ઇન્ડિયન ક્રિકેટ બોર્ડે ઑડિયન્સને લાવવા માટે બહુ પ્રયાસ કર્યા હતા, પણ યુનાઇટેડ આરબ એમિરેટ્સ ગવર્નમેન્ટ રિસ્ક લેવા રાજી ન હોવાથી તેમણે છેલ્લે સુધી નનૈયો ભણ્યે રાખ્યો એટલે નાછૂટકે આઇપીએલની આ તેરમી સીઝન ઑડિયન્સ વિના રમાડવાનું નક્કી કરવામાં આવ્યું. તમારી જાણ ખાતર, આઇપીએલ દર વર્ષે ૨૦ લાખથી વધારે લોકો સ્ટેડિયમમાં જઈને જોતા હત, પણ આ વખતે ૨૦ પ્રેક્ષક પણ સ્ટેડિયમમાં જઈને મૅચ નહીં જુએ.


આઇપીએલમાંથી બાકાત થયેલું બીજા નંબરનું ગ્લૅમર છે ચિયર લીડર્સ.

૨. ઝુમકા ગિરા રે...

આઇપીએલ નિયમિત જોનારાઓને હવે ચિયર લીડર્સની આદત પડી ગઈ છે. દરેક બાઉન્ડરી કે વિકેટ પડે ત્યારે ઝૂમી ઊઠતી ધોળી કાયાની મહારાણીઓ પર કૅમેરા જતા અને એ ઠૂમકા ધીરેથી તમારા પગમાં પણ થરકાટ ઉમેરી દેતા, પણ આ વખતે ચિયર લીડર્સની બાદબાકી થઈ ગઈ છે. આઇપીએલ ગવર્નિંગ બૉડી દ્વારા દરેક ટીમને ૧૦ ચિયર લીડર્સની પરમિશન મળતી હતી, જેને લીધે આઇપીએલ દરમ્યાન ૧૦૦થી પણ વધારે ચિયર લીડર્સ મૅચમાં મુજરાનું વાતાવરણ ઊભું કરી દેતી. એક હકીકત એ પણ છે કે ચિયર લીડર્સ પરમિશન કરતાં વધારે રાખવામાં આવતી, જેથી ઇમર્જન્સી સમયે ચિયર લીડર્સની કોઈ કમી મહેસૂસ ન કરવી પડે. એક અંદાજ મુજબ આઇપીએલ દરમ્યાન ૨૫૦થી વધારે ચિયર લીડર્સને અપૉઇન્ટ કરવામાં આવતી. આઇપીએલમાં ભાગ લેનારી ચચિયર લીડર્સ મોટા ભાગે યુક્રેન, વિયેટનામ, ફિલિપીન્સ અને ઍન્ટવર્પથી લાવવામાં આવતી. બે મહિનાના આ ક્રિકેટ-ઉત્સવમાં ચિયર લીડર્સ એક મહત્ત્વનું અટ્રૅક્શન હતું, પણ આ વખતે કોરોનાના રિસ્ક વચ્ચે ચિયર લીડર્સની બાદબાકી કરી નાખવામાં આવી છે. તેરમી સીઝનની એક પણ મૅચમાં તમને ગ્રાઉન્ડ પર ખુશી-ખુશી ઊછળતી ચિયર લીડર્સ જોવા નથી મળવાની.

વાત કરીએ, આઇપીએલમાંથી બાકાત થયેલા ત્રીજા નંબરના ગ્લૅમર પ્લેયર્સ પર્ફોર્મન્સની.

૩. ક્યા કરું, કૈસે કરું...

ઑડિયન્સ વિનાના સ્ટેડિયમને કારણે પ્લેયર્સના પર્ફોર્મન્સ પર સીધી અસર થવાની છે. બે દિવસ પહેલાં ટીમ ઇન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલીએ પણ કબૂલ કર્યું કે ભારતીય ક્રિકેટર્સને ભરેલા સ્ટેડિયમ સાથે જ રમવાની આદત છે. એવા સમયે ખાલી સ્ટેડિયમ પ્લેયર્સના પર્ફોર્મન્સ પર નકારાત્મક અસર દેખાડી શકે છે. ‘સચિન... સચિન’ કે ‘ધોની... ધોની...’ની નારેબાજી વચ્ચે બૅટ્સમૅન કે બોલરના પર્ફોર્મન્સમાં એક નવી ચમક ઉમેરાતી હોય છે અને આપણા પ્લેયર્સને આ ચમકની આદત પડી ગઈ છે, જેનું એક કારણ એ પણ છે કે આઇપીએલ સાથે જોડાયેલા મોટા ભાગના સ્ટાર પ્લેયર્સે રણજી અને દુલીપ ટ્રોફી રમવાનું છોડી દીધું છે. નનૅશનલ ટુર્નામેન્ટ જોવા માટે ઑડિયન્સ જતું ન હોવાથી હવે ખાલી સ્ટેડિયમની તેમને આદત રહી નથી અને જે આદત નીકળી ગઈ છે એ આદતનો સામનો હવે આઇપીએલની તેરમી સીઝનમાં પ્લેયર્સ દુબઈ અને શારજાહના સ્ટેડિયમમાં કરવાનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આઇપીએલના પ્લેયર્સે પણ ડિમાન્ડ કરી હતી કે સ્ટેડિયમમાં ઑડિયન્સને આવવા દેવામાં આવે. આ ડિમાન્ડ દરેક ટીમે રાઇટિંગમાં ઇન્ડિયન ક્રિકેટ બોર્ડ અને દુબઈ-શારજાહ ગવર્નમેન્ટને કરી હતી, પણ એ માનવામાં ન આવતાં હવે પ્લેયર્સે ભેંકાર સ્ટેડિયમમાં રમવાનું છે, જેની સીધી અસર ‘એ’-લિસ્ટ પ્લેયર્સના પર્ફોર્મન્સ પર દેખાશે અને પર્ફોર્મન્સનું ગ્લૅમર કપાશે.

આઇપીએલમાંથી રદબાતલ થયેલા ચોથા ગ્લૅમરમાં આવે છે, હાઉસ-પાર્ટી.

૪. પાર્ટી અભી શુરૂ હુઇ હૈ...

ના, આ વર્ષે પાર્ટી શરૂ જ નહીં થાય, કારણ કે કોરોનાએ સોશ્યલ ડિસ્ટન્સનો આદેશ આપ્યો છે તો કોરોનાના વધી રહેલા કેસને કારણે લોકોને પણ ઘરમાં મેળાવડો કરવામાં બીક લાગી રહી છે. એક સમય હતો કે વીક-એન્ડમાં રમાતી મૅચ સાથે જોવા માટે રીતસર ઘરે જમાવડો કરવામાં આવતો. રીતસર પહેલેથી પ્લાનિંગ થતું અને ફ્રેન્ડ્સ-ફૅમિલી સાથે બેસીને આઇપીએલની મૅચ જોતા અને એ મૅચ સાથે પાર્ટી કરીને મજા માણતા, પણ આ વર્ષે રાબેતા મુજબ થતી એવી પાર્ટીઓ કરવામાં નહીં આવે. મુંબઈમાં લોકલ ટ્રેનો બંધ છે એટલે આમ પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું અઘરું બની ગયું છે, તો ગુજરાતનાં દરેક શહેરમાં કોરોનાના કેસ રાજાની કુંવરીની ઉંમરની જેમ ‘દિન દુની, રાત ચૌગુની’ રીતે વધી રહ્યા છે એટલે કોરોના-સંક્રમણની બીક સૌકોઈના મનમાં છે. નહીં થાય આઇપીએલની મૅચ સાથે જોવા માટે થતી પાર્ટીઓ. નહીં થાય આઇપીએલની મૅચ સાથે જોવા માટે થતા હતા એવા મેળવડાઓ. નક્કી છે અને એટલે જ સાથે બેસીને મજા કરવાનું જે અટ્રૅક્શન આઇપીએલને કારણે સોશ્યલ લાઇફમાં ઉમેરાયું હતું એની બાદબાકી આઇપીએલની તેરમી સીઝનમાંથી થઈ ગઈ છે.

નંબર પાંચ, આઇપીએલમાંથી બાકાત થયેલું અટ્રૅક્શન છે પ્લેયર્સની પાર્ટીઓ.

પ. રાત બાકી, બાત બાકી...

આઇપીએલની મૅચ પૂરી થયા પછી રાતે ૧૨ અને ૧ વાગ્યે પાર્ટી શરૂ થતી અને આ પાર્ટીને કારણે જ આઇપીએલ પૉપ્યુલર થઈ હતી. પ્લેયર્સ અને લોકલ વીઆઇપી વચ્ચે યોજાનારી પાર્ટીઓ વિવાદમાં પણ પુષ્કળ આવી છે, પણ એ વિવાદે પણ આઇપીએલને ગ્લૅમર આપવાનું કામ તો કર્યું જ હતું. જોકે આ વખતે એ પાર્ટી કે પછી પાર્ટીને કારણે જન્મનારા વિવાદની બાદબાકી થઈ ગઈ છે અને આ તેરમી સીઝનની મૅચ પૂરી થયા પછી પ્લેયર્સે સીધા પોતાની રૂમમાં જવાનું છે અને ગોદડું ઓઢીને પોઢી જવાનું છે. કોરોનાની બીકને કારણે ટીમના પ્લેયર્સને એક પણ અજાણ્યા શખસને મળવાનું નથી, તો કોરોનાના ભયને લીધે ટીમને મળવા માગનારાઓએ તેમની નજીક પણ આવવાનું નથી. પ્લેયર્સને ખબર છે કે જો ભૂલથી પણ તેમને કોવિડ આવ્યો તો એ આવવાનું કારણ જાણવા માટે આખો રૂટ ચેક કરવામાં આવશે અને એ રૂટ ચેક થશે ત્યારે પોતે કરેલી ભૂલ છાપરે ચડીને પોકારશે એટલે પ્લેયર પણ એવી ભૂલ કરવાના નથી એ પણ એટલું જ સાચું છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ આઇપીએલની ટીમને દુબઈ-શારજાહમાં જ્યાં પણ ઉતારવામાં આવી છે એ તમામ હોટેલોમાં ૪૦ ટકા સીસીટીવી કૅમેરા વધારી દેવામાં આવ્યા છે. આવી સિચુએશનમાં તમને આઇપીએલની પાર્ટીના કલરફુલ રસ ઝરતા ફોટો જોવા નથી મળવાના.

છઠ્ઠા નંબરે છે, પત્ની અને ફૅમિલીની બાદબાકી...

૬. તુ છૂપી હૈ કહાં...

તમારી જાણ ખાતર કે ટીમ પોતાની સાથે સ્ટેડિયમ પર ૧૭ પ્લેયરને અને ૧૨ સપોર્ટિંગ સ્ટાફ સાથે જ ગ્રાઉન્ડ પર જઈ શકશે. હા, આઇપીએલની તેરમી સીઝનમાં સ્ટેડિયમ પર વાઇફને લઈ નહીં જઈ શકાય એટલે તમને મિસિસ ધોની કે પછી ધોનીની દીકરી ઝિવા સ્ટેડિયમમાં જોવા નહીં મળે. તમને રોહિત શર્માની વાઇફ પણ જોવા નથી મળવાની અને આ સીઝનમાં તમને અનુષ્કા શર્મા-કોહલી પણ સ્ટેડિયમમાં જોવા નહીં મળે. પ્લેયર્સની ફૅમિલી ગ્રાઉન્ડ પર હોય એનું પણ એક અટ્રૅક્શન હતું અને લોકો રીતસર એની પણ વાતો કરતા. માત્ર પ્લેયર્સની ફૅમિલી જ નહીં, ટીમ ઓનરના ફૅમિલી-મેમ્બરને જોવાનો પણ એક જુદો જ આનંદ હતો. નીતાભાભી ગ્રાઉન્ડ પર આવે કે પછી પ્રીતિ ઝિન્ટા ગ્રાઉન્ડ પર આવે ત્યારે કૅમેરા સતત એ લોકો પર મંડરાયેલા રહેતા, પણ આ વર્ષે એવું નહીં થાય. કારણ કે ટીમ પોતાની સાથે ૧૭ પ્લેયર અને ૧૨ સપોર્ટિંગ સ્ટાફ સાથે જ ગ્રાઉન્ડ પર જઈ શકશે. સપોર્ટિંગ સ્ટાફે પણ પહેલેથી પોતાની જરૂરિયાત આપી દીધી હશે એટલે એમાં પણ ફેરફાર નહીં થાય. ટૂંકમાં, પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આ વખતે તમને ગ્રાઉન્ડ પર પ્લેયર્સનાં સગાંવહાલાં કે પછી ટીમના માલિકોના ફૅમિલી-મેમ્બર જોવા નથી મળવાના.

માત્ર આ જ નહીં, તમને ગ્લૅમરના ભાગરૂપે સેલિબ્રિટી પણ જોવા નહીં મળે. ગ્લૅમર હણી લેનારો આ મુદ્દો સાતમો છે.

૭. તારેં ઝમીં પર...

યસ, સ્ટાર્સ બધા જમીન પર છે. એણે પણ ઘરમાં બેસીને હૉટસ્ટાર પર કે સ્ટાર ગ્રુપની ચૅનલ પર જ આઇપીએલની મૅચ જોવાની છે. પહેલાં તો એવું થતું કે કરણ જોહર પણ મૅચ જોવા પહોંચતો અને રણવીર સિંહ પણ મૅચ જોવા જતો. દીપિકા પાદુકોણ પણ જતી અને રણબીર કપૂર પણ મૅચ જોવા જતો, પણ આ વખતે કોઈ ગ્લૅમર સ્ટેડિયમમાં જોવા નહીં મળે. માત્ર સ્ટાર્સની જ વાત નથી, મૅચ જોવા માટે આ વખતે પૉલિટિકલ સેલિબ્રિટીઓને પણ એન્ટ્રી નથી મળવાની અને મૅચ જોવા માટે ખુદ દુબઈ અને શારજાહના સુલતાન પણ મેદાનમાં નથી જવાના. કોવિડ, સાહેબ, કોવિડ. કોરોનાએ આઇપીએલની આ તેરમી સીઝન પર એવું તો ગ્રહણ લગાવ્યું છે કે તમને રીતસર ગલી-ક્રિકેટ ચાલતું હોય એવું લાગવાનું છે. ગલી-ક્રિકેટ પરથી બૉલબૉય યાદ આવ્યા. આ બૉલબૉયવાળો મુદ્દો બને છે આઠમો. પહેલાં તો બૉલબૉય પણ ન્યુઝમાં જગ્યા બનાવી લેતા, પણ આ વખતે બૉલબૉયને પણ સ્ટેડિયમમાં એન્ટ્રી નથી.

બૉલબૉય, ગ્લૅમર છીનવી લેનારો આઠમો પૉઇન્ટ છે.

૮. અપના બૉલ, અપની મહેનત

બૉલબૉય ગ્રાઉન્ડમાં નહીં હોય એટલે પ્લેયરે જાતે જ જઈને બૉલ લઈ આવવાનો. સ્ટેડિયમની બહાર બૉલ જાય તો પણ પ્લેયરે જ જવાનું અને સ્ટેડિયમમાં બૉલ ખોવાઈ જાય તો પણ પ્લેયરે જ બૉલ શોધવાનો. તમારી જાણ ખાતર, બૉલબૉય બૉલ લઈ આવે એ પછી તેણે બૉલ અમ્પાયરને આપવાનો છે. અમ્પાયર બૉલ સૅનિટાઇઝ કરશે અને એ પછી જ ગેમ આગળ ચાલશે. આ બધામાં સમય બગડવાનો છે અને એટલે જ આ વખતે આઇપીએલની તેરમી સીઝનમાં ગેમ અડધો કલાક વધારી દેવામાં આવી છે. બૉલબૉયની જ વાત કરીએ તો આઇપીએલની છેલ્લી ત્રણ સીઝન દરમ્યાન દર વખતે એકેક ઘટના એવી બની છે કે બૉલબૉય પોતે ન્યુઝ બની ગયા હોય અને તેમને સારો બ્રેક પણ મળ્યો હોય કે પછી ટીમે પણ તેની સરાહના કરી હોય, પણ આ વખતે ગ્રાઉન્ડ બૉલબૉય વિનાનું રહેવાનું છે. તમને યાદ અપાવવાની કે આ અગાઉ અર્જુન તેન્ડુલકર પણ બૉલબૉય રહી ચૂક્યો છે અને રોહન ગાવસકર પણ બૉલબૉયની જવાબદારી નિભાવી ચૂક્યો છે.

નવમા સ્થાને આવે છે ઉજવણી વિનાનો ઉત્સવ.

૯. કર ચલે, હમ ફિદા, જાન-ઓ-તન સાથિયોં...

હા, આ વખતે ઉત્સવ થશે, પણ એમાં ઉજવણી કરવાની મનાઈ કરવામાં આવી છે. દરેક મૅચ પછી થનારું સેલિબ્રેશન સાવ ફિક્કું હશે. પ્રાઇઝ મનીના ચેકથી માંડીને ટ્રોફી પણ એમ જ મૂકી રાખવામાં આવશે. નામની અનાઉન્સમેન્ટ થશે અને પ્લેયરે જઈને જાતે એ લઈ આવવાના રહેશે. જરા કલ્પના કરો કે કેવી વિચિત્ર અવસ્થા હશે એ કે તમારે તમારી જાતે તમે જીતેલી ટ્રોફી લઈ આવવાની હોય અને બધા દૂર ઊભા (એ પણ સોશ્યલ ડિસ્ટન્સ સાથે) તાળીઓ પાડતા હોય. સેરેમની એ કોઈ પણ ગેમનું શ્વસન છે. મૅચ જીતવાની મજાની ચરમસીમા એ આ સેરેમની છે, પણ આ ચરમસીમાની આઇપીએલની તેરમી સીઝનમાં બાદબાકી કરી નાખવામાં આવી છે. પ્લેયર્સ મોટા ભાગની સેરેમનીમાં બધું જાતેજાતે કરતા હશે, જેને લીધે ખુશીઓની પણ બાદબાકી થશે અને હૅપિનેસ પર ગ્રહણ લાગેલું રહેશે. આઇપીએલમાં રમાનારી એક પણ મૅચમાં સંયુક્ત સેલિબ્રેશન નહીં થાય, એક પણ મૅચના સેલિબ્રેશનમાં પ્લેયરને દાદ આપવાની પ્રક્રિયા પણ નહીં થાય, જેને લીધે ગળી ગયેલા કેળાની જેમ આનંદ અને ખુશી પણ લચી પડેલી અવસ્થામાં રહેશે અને રોબોટિક-વે સાથે આખી સેરેમની ચાલશે. કહો કે સેરેમનીને ગ્રહણ લાગેલું રહેશે.

આ જ ગ્રહણ તમને મેદાનમાં પણ જોવા મળશે. આ જ મુદ્દો છે ક્રમ-નંબર દસ.

૧૦. ઠંડા ઠંડા, કૂલ કૂલ...

કોઈની વિકેટ જાય ત્યારે જે રીતે આખી ટીમ એકઠી થતી અને વિકેટનું સેલિબ્રેશન કરતી એ આ વખતે જોવા નહીં મળે. એકબીજા પર કૂદતા કે પછી એકબીજાને માથે પડતા પ્લેયર્સની એ ખુશીઓ તમને આઇપીએલની આ સીઝનમાં જોવા નથી મળવાની. આવું કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે. હા, ઑફિશ્યલી મનાઈ છે. હવે વિકેટ પડે તો રાજીપાને કાબૂમાં રાખવાનો છે અને ક્રુસિયલ સંજોગોમાં મૅચ જીતી ગયા હો તો પણ એકબીજાને ભેટાભેટી નથી કરવાની. વધુમાં વધુ તમે હાઇફાઇ આપી શકો કે પછી એનાથી પણ આગળ જઈને તમે તમારા પ્લેયરને હગ કરી શકો. બસ, વાર્તા પૂરી અને ખુશી સમાપ્ત. કોવિડને કારણે પ્લેયર્સમાં પણ અંદરખાને ગભરામણ રહેશે એ હકીકત છે, પણ આ હકીકતને લીધે મૅચ જીતવાની કે પછી વિકેટ લેવાની જે ખુશી હતી એ ખુશીમાં અતિશય ઘટાડો થઈ જશે અને આ ઘટાડો પણ આઇપીએલનું ગ્લૅમર ઘટાડશે.

અગિયારમા નંબરે આવે છે ઓનરનું ટેન્શન.

૧૧. સો ગયા યે જહાં...

આઇપીએલ રમવા માટે બધા તૈયાર તો થઈ ગયા, પણ બધા ટીમ ઓનરને એક વાતની ચિંતા સતત સતાવે છે કે તેનો પ્લેયર કોવિડથી સંક્રમિત ન થાય. ખાસ કરીને, ટીમનો સ્ટાર પ્લેયર સંક્રમિત ન થાય જેથી ન તો ટીમના પર્ફોર્મન્સ પર અસર પડે કે ન તો આઇપીએલ ગવર્નિંગ બૉડી પર પણ એની કોઈ નકારાત્મક અસર ઊભી થાય. આ જ કારણે ટીમ ઓનર પણ પ્લેયરની આગળ-પાછળ કોઈ ને કોઈની નજર ગોઠવીને રાખે છે. આ નજરને લીધે પણ બનવાનું છે એવું કે આઇપીએલ સાથે જોડાયેલા પ્લેયર્સના બધા બીબાઢાળ ફોટોગ્રાફ્સ જ બહાર આવશે અને પાપારાઝી કંઈ નવું ઇન્ટરેસ્ટિંગ લાવી નહીં શકે. આઇપીએલની જો કોઈ મજા હતી તો એ કે ટીમ દરમ્યાન પ્લેયર પર ઇન્ટરનૅશનલ મૅચ જેવું પ્રેશર નહોતું રહેતું. પ્લેયર ખૂલીને આનંદ માણતા અને મોટા ભાગના પ્લેયર આઇપીએલને વેકેશન તરીકે લેતા. જોકે આ વર્ષે એવું નહીં થાય. આ વર્ષે આઇપીએલને માત્ર અને માત્ર ગેમ તરીકે જ જોવામાં આવશે, જેને લીધે એન્ટરટેઇનમેન્ટનું જે સત્ત્વ આ ટુર્નામેન્ટમાં હતું એની બાદબાકી થઈ ગઈ છે. આ બાદબાકીની સાથોસાથ જો બીજી કોઈ વાતની બાદબાકી થઈ હોય તો એ છે સટ્ટાબાજી.

બારમા નંબરે આવે છે સટ્ટાબાજીનું ગ્લૅમર.

૧૨.  એક, દો, તીન...

ડ્રીમ ઇલેવન ભલે આઇપીએલનું સ્પૉન્સર રહ્યું, પણ એના પર બેટિંગ કરનારો વર્ગ ૧૦૦-૨૦૦ અને ૫૦૦ રૂપિયાનું એન્ટરટેઇનમેન્ટ લેનારો છે. આઇપીએલ જેને માટે કુખ્યાત રહ્યું છે એ સટ્ટાબાજીને આ વખતે કોવિડ વચ્ચે ગ્રહણ લાગેલું રહેશે. એક તો બૂટલેગર પોતાનો ધંધો ફુલફ્લેજ્ડ ખોલી નથી શકવાનો, તો સાથોસાથ બુકીઓ પણ આ સીઝનમાં નાના વર્ગને ઇન્વૉલ્વ કરી શકવાના નથી. સટ્ટો રમાશે, પણ એ માત્ર અપર લેવલ પર જ રહેશે અને બેટિંગ માર્કેટનો થમ્બ રૂલ છે, જ્યાં સુધી એમાં નાનો વર્ગ ન ઉમેરાય ત્યાં સુધી બેટિંગની સાઇકલ પૂરી નથી થતી. તમારી જાણ ખાતર કે આઇપીએલ પર સરેરાશ દર વર્ષે ૨૦૦૦ કરોડ રૂપિયાનો સટ્ટો રમાતો હતો, પણ કોવિડને કારણે આવેલી મંદી અને હજી પણ લૉકડાઉન જેવી રહેલી પરિસ્થિતિ વચ્ચે આ વર્ષે આઇપીએલની તેરમી સીઝનમાં ૨૦થી ૨૫ ટકા જેટલું બેટિંગ ખેલાય એવી ગણતરી માંડવામાં આવે છે.

તેરમા સ્થાને આવે છે, ક્લોઝિંગ સેરેમનીમાંથી ખેંચી કાઢવામાં આવેલું સત્ત્વ.

૧૩.  ટાટા, બાયબાય...

મૅચમાં ઓપનિંગ સેરેમની નહોતી એ તો હવે બધાને ખબર છે અને બધાને એ પણ ખબર હશે કે ક્લોઝિંગ સેરેમની પણ આ વખતે થવાની નથી તો મૅચ પૂરી થયા પછી પણ કોઈ સેરેમની થશે નહીં. હા, નહીં થાય કોઈ સેરેમની અને આઇપીએલ હંમેશાં એની ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમની માટે જ પૉપ્યુલર રહ્યું છે. આ બન્ને સેરેમનીએ હંમેશાં ટીઆરપીના રેકૉર્ડ તોડ્યા છે. તમને જાણીને નવાઈ લાગશે કે ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીના દિવસે તમામ ચૅનલ આઇપીએલના બ્રૉડકાસ્ટર સામે સરેન્ડર કરીને બેસી જાય છે. ઓપનિંગ અને ક્લોઝિંગ સેરેમનીમાં પર્ફોર્મન્સ આપવું એ બૉલીવુડ-સ્ટાર માટે ઑસ્કર અવૉર્ડથી પણ મોટું સન્માન ગણાતું. રીતસર કનેક્શન લગાડવામાં આવતાં, ઓળખાણ લગાડવામાં આવતી અને સેરેમનીમાં પર્ફોર્મન્સ કરવા મળે એ માટે પ્રયાસ થતા. આ એ દિવસો છે જે દિવસોમાં ટીઆરપી મીટરમાં માત્ર આઇપીએલ જ બોલતું હોય છે, પણ તેરમી સીઝનમાં કોઈ જાતની સેરેમની થશે નહીં.

સેરેમની વિનાની આઇપીએલ જીવ વિનાના બાર્બી ડૉલનો અનુભવ કરાવે છે અને આ અનુભવ જ કહે છે કે આઇપીએલની આ તેરમી સીઝન ગ્લૅમર પર ગ્રહણ લઈને આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

20 September, 2020 05:32 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK