સ્ત્રીઓ શું માને છે આજના ઇન્ટરનૅશનલ મેન્સ ડે વિશે?

Published: 19th November, 2014 05:26 IST

આજે ઇન્ટરનૅશનલ મેન્સ ડે છે. વિશ્વના ૬૦ દેશોમાં એ ઊજવવામાં આવે છે, પરંતુ હજીયે બહુ ઓછા લોકોને આ વિશે ખબર છે ત્યારે કેટલીક મહિલાઓ પાસેથી જાણી લઈએ કે તેઓ શું માને છે પુરુષ-દિવસની ઉજવણી વિશે અને કેટલાક પુરુષો પાસેથી પણ જાણીએ કે કેટલી જરૂરી છે આ દિવસની ઉજવણી
સ્પેશ્યલ સ્ટોરી - રુચિતા શાહ

દર વર્ષે આઠમી માર્ચે વિમેન્સ ડેનું સેલિબ્રેશન કરવામાં આવે છે, પરંતુ કેટલાને ખબર છે કે ૧૯૯૯થી ૧૯ નવેમ્બરે એટલે કે આજના દિવસને ઇન્ટરનૅશનલ મેન્સ ડે તરીકે ઊજવવામાં આવે છે? યુનેસ્કો દ્વારા માન્યતા પામેલા આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ હતો કે પુરુષો અને છોકરાઓની હેલ્થ તરફ ધ્યાન આપવામાં આવે, જાતિભેદ દૂર થાય, સ્ત્રી-પુરુષ વચ્ચે સમાનતા સ્થપાય, પૉઝિટિવ ક્વૉલિટી સાથે પુરુષોને રોલ-મૉડલ બનવાની પ્રેરણા મળે તેમ જ સમાજને બહેતર બનાવવા માટે પુરુષોએ આપેલા યોગદાનને પણ એ દિવસે ઍપ્રીશિએટ કરવામાં આવે. દુનિયાના ૬૦ દેશોમાં આ દિવસ ઊજવાય છે, પરંતુ અફસોસ સાથે કહેવું પડશે કે હજી પણ આમલોકોમાં આ દિવસને લઈને કોઈ જાણકારી કે જાગૃતિ નથી. મોટા ભાગના પુરુષોને જ પોતાના આ સ્પેશ્યલ ડે વિશે ખબર નથી. શા માટે પુરુષોના દિવસને મહત્વ નથી આપવામાં આવતું? પુરુષને એક દિવસ પૂરતી પણ સ્પેશ્યલ ટ્રીટમેન્ટ મેળવવાનો હક નથી? જેમ મહિલા-દિવસને ઊજવવામાં પુરુષો પણ આગળ આવીને પોતાની ભૂમિકા ભજવે છે એમ મહિલાઓએ કંઈ કરવાની જરૂર નથી? કેટલીક મહિલાઓ પાસેથી જાણીએ તેમના અભિપ્રાય કે આ વિશિષ્ટ દિવસને તેઓ કેટલું મહત્વ આપે છે અને કઈ રીતે એની ઉજવણી થવી જોઈએ. સાથે જ કેટલાક પુરુષો પાસેથી જાણીએ કે આ દિવસને મહત્વ શા માટે મળવું જોઈએ.

પુરુષોનાં ક્લોધિંગ માટે આ દિવસે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ હોવાં જોઈએ : વૈભવી રોમિન ગાંધી

મને પણ અફસોસ છે કે શા માટે પુરુષ-દિનને મહત્વતા નથી મળી રહી એમ જણાવીને મીરા રોડમાં રહેતી વૈભવી ગાંધી કહે છે, ‘જેમ સમાજમાં મહિલાઓનું યોગદાન મહત્વનું છે એમ પુરુષોનું પણ અતિમહત્વનું જ છે. કોઈ પણ પરિવાર જેમ એક પત્ની, પુત્રી કે માતા વિના અધૂરો છે એમ પતિ, પિતા, પુત્ર કે ભાઈ ન હોય તો પણ ફૅમિલી કમ્પ્લીટ નથી થતી. હજી મારાં લગ્નને છ જ મહિના થયા છે. મારા હસબન્ડ તો મને જોઈને જ ખુશ થઈ જાય છે. હું તેમના માટે સ્પેશ્યલ છું. જોકે આજના આ દિવસે હું ડેફિનેટલી કંઈક તો સ્પેશ્યલ તેમના માટે કરીશ જ. મે બી તેમના માટે હું રેમન્ડ્સનાં કપડાં તેમને ગિફ્ટ આપીશ. તેમને ખુશી થાય એવી એક તો સરપ્રાઇઝ તેમને ચોક્કસ આપીશ.’

ઇક્વલિટીના જમાનામાં તેમને ઇક્વલ ઇમ્પોર્ટન્સ કેમ ન મળે : પ્રાચી હાર્દિક શાહ

એક વરસનું લગ્નજીવન ધરાવતી પ્રાચી ખૂબ જ સ્ટ્રેટ-ફૉર્વર્ડ રીતે કહે છે, ‘જેમ મહિલા-દિવસમાં દુનિયાભરનો ઢંઢેરો પીટવામાં આવે છે એમ પુરુષ-દિવસમાં કેમ નથી પીટવામાં આવતો? હજી સુધી લોકોએ એને એક્સ્પ્લોર જ નથી કર્યું. પુરુષ અને સ્ત્રી સમાન હોય તો આમાં પણ હોવા જ જોઈએને. સાચું કહું તો મને પણ નહોતી ખબર મેન્સ ડે વિશે. જોકે હવે ખબર પડી છે તો ૧૦૦ ટકા હું એને બેહતરીન રીતે સેલિબ્રેટ કરીશ. મારા હસબન્ડને પીત્ઝા ભાવે છે એટલે તેમના માટે રસોઈ ફિક્સ. ફાધર ઇન-લૉને તો વિશ કરીશ એમાં જ તેઓ ખુશ થઈ જશે. પપ્પાને મળવા જઈશ અને ડાયાબિટીઝ હોવા છતાં તેમના માટે તેમની ફેવરિટ કાજુકતરી લઈ જઈશ અને મારા ભાઈને એક જાતે બનાવેલો ટેક્સ્ટ-મેસેજ લખીને શુભેચ્છા આપીશ.’

પુરુષોના સપોર્ટ વિના સ્ત્રીઓ પણ કંઈ નથી : કવિતા પ્રમોદ શર્મા

ગોરેગામમાં રહેતી કવિતા શર્મા દૃઢપણે માને છે કે પુરુષો વિના બધું જ અધૂરું છે. તેઓ ઉમેરે છે, ‘સો ટકા પુરુષોને ઇક્વલ ઇમ્પોર્ટન્સ મળવું જોઈએ. તેમના સપોર્ટ વિના મહિલાઓ પણ કંઈ ન કરી શકે. બન્ને એકબીજાના પૂરક છે. તેમના દિવસની ઉજવણીમાં તેમની મહત્તા તેમને સમજાવવી જોઈએ. એવાં સંમેલન કે ગ્રુપ-સેલિબ્રેશન થવાં જોઈએ જેમાં પુરુષ તરીકે ભાઈ, પિતા, હસબન્ડ કે ફ્રેન્ડે મારી લાઇફમાં લાવેલી પૉઝિટિવિટી જેવા સબ્જેક્ટ્સ ચર્ચાવા જોઈએ. આજના દિવસે હું મારા ઘરમાં મારા મોટા ભાઈ સમાન જેઠ અને મારા હસબન્ડ માટે એક કેક લાવીને કેક-કટિંગ દ્વારા મેન્સ ડે ઊજવીશ, સાથે મારી દીકરીઓ પાસે પણ તેમના માટે સ્પેશ્યલ કાર્ડ બનાવડાવીશ.’

તેમને કેમ ભૂલી શકાય, આ વર્ષે હવે તેમની વાત છે : સ્નેહા મનીષ નંદુ

ગ્રાન્ટ રોડમાં રહેતી સ્નેહા નંદુનું માનવું છે કે પુરુષો પણ આપણા માટે કેટલું કરે છે, તેમને કેમ ભૂલી શકાય, તેમનો પણ હક છે એક દિવસ સ્પેશ્યલ ફીલ કરવાનો. આગળ તે કહે છે, ‘સ્ત્રીઓ થોડી બોલવામાં પાવરફુલ હોય છે. તેઓ પોતે પોતાની વાત કરી-કરીને પોતાનું મહત્વ મેળવી લે છે, પરંતુ પુરુષો તો હંમેશાં શાંત અને ચૂપચાપ રહેવાવાળા લોકો છે. પોતે બોલશે નહીં અને બીજા કોઈનું તેમના પર ધ્યાન જતું નથી એટલે તેમના સ્પેશ્યલ દિવસ ઊજવાતા નથી. જોકે હવે બહુ થયું. હું આ વખતે પહેલી વાર મારા હસબન્ડ માટે આ દિવસને ધ્યાનમાં રાખીને કંઈક સ્પેશ્યલ કરીશ. અફકોર્સ, તેમનું ભાવતું મેનુ તો હશે ઘરમાં, એ સિવાય પણ કંઈક સરપ્રાઇઝ તેમને મળશે.’

પુરુષોનો બળાપો

પુરુષપ્રધાન સમાજમાં પુરુષને પ્રાધાન્ય જ નહીં? : દિનેશ પી. દોશી

બોરીવલી (વેસ્ટ)માં રહેતા બૉલબેરિંગનું કામ કરતા અને પ્રવક્તા તરીકે સક્રિય દિનેશભાઈ પુરુષોના પ્રતિનિધિ બનીને પોતાની વેદના વ્યક્ત કરતાં કહે છે, ‘જે લોકો ચેસ રમતા હશે તેમને ખબર હશે કે એ ગેમમાં પણ રાજાને એક જ ડગલું આગળ વધવાની છૂટ હોય છે, પરંતુ ક્વીન જોઈએ એ રીતે આગળ વધી શકે છે. આજકાલ પુરુષોની દશા ચેસમાં રહેલા રાજા જેવી થઈ ગઈ છે. આપણો સમાજ પુરુષપ્રધાન છે એ ઇતિહાસની વાતો છે. આજકાલ તો કોઈ બાબતમાં પુરુષને પ્રાધાન્ય નથી મળી રહ્યું. જેમ માતા, પત્ની, બહેનના યોગદાનની વાતો થાય છે એમ ક્યારેક તો પિતા, પુત્ર, ભાઈ કે પતિએ આપેલા ભોગની ચર્ચા કરો. કમસે કમ આ એક દિવસ તો એ રીતે ઊજવી જ શકાયને?’

ક્યારેય ફરિયાદ ન કરે એટલે પુરુષોને મહત્વ જ નહીં : કેતન શાહ

બૅન્કમાં જૉબ કરતા માટુંગાનિવાસી કેતન શાહને પણ પુરુષોને થઈ રહેલા અન્યાય સામે ભારે નારાજગી છે. તેઓ કહે છે, ‘દિવસે-દિવસે પુરુષો બિચારા ને બિચારા થતા જાય છે. પોતે કરેલા સૅક્રિફાઇસની વાત ન કરે, કોઈ ફરિયાદ ન કરે, વધારે પડતો ચંચુપાત ન કરે એટલે શું અમને મહત્વ આપવાનું જ નહીં? યાર એક દિવસ છે અમારો તો અમને સ્પેશ્યલ ફીલ કરાવવામાં બધાને શું વાંધો છે. અમને ગમતી બાબતો, અમને મજા આવે એવી વાતો અમારી મરજી મુજબ જીવવાની તક આ એક દિવસે મળે એવું થાય તો ખરેખર અમારા માટે વરસનો આ એક દિવસ સફળ થઈ જાય.’

એક દિવસ આઝાદી મળે એ જ બેસ્ટ સેલિબ્રેશન : હાર્દિક શાહ

એક દિવસ ઍપ્રીશિએટ કરીને અમને સ્પેશ્યલ ફીલ કરાવો તો અમને પણ ગમેને એમ જણાવીને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ હાર્દિક શાહ કહે છે, ‘પુરુષો પણ સમાજમાં બરાબરીનો મહત્વનો રોલ ભજવે છે, પણ તેમના સૅક્રિફાઇસને ક્યારેય કોઈ ઍપ્રીશિએશન નથી મળતું. જોકે સાચું કહું તો એક દિવસ ઘરમાં શાંતિ મળે, પોતાની મરજી મુજબ જીવવા મળે, ફુલ ડે આરામ મળે અને કંઈ કરવાનું ન હોય એવું મળે તો અમારા માટે એ દિવસ દુનિયાનો શ્રેષ્ઠ ડે બની રહેશે. અમારે ડિસ્કાઉન્ટની કે એવી કોઈ ઑફરની જરૂર નથી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK