નાલાસોપારામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું બુદ્ધિસ્ટ હેરિટેજ ને કલ્ચરલ સેન્ટર બનાવવામાં આવશે
Published: 22nd December, 2011 07:25 IST
વસઈ-વિરાર મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે નાલાસોપારા-વેસ્ટમાં આંતરરાષ્ટ્રીય સ્તરનું બુદ્ધિસ્ટ હેરિટેજ અને કલ્ચરલ સેન્ટર બનાવવાનું નક્કી કર્યું છે અને એ માટે નાગરિકો પાસેથી સૂચનો તેમ જ વાંધાઓ મંગાવ્યાં છે.
તાજેતરમાં નાલાસોપારા-ઈસ્ટમાં શુર્પારક ગ્રાઉન્ડમાં થાઇલૅન્ડ દ્વારા ભેટમાં આપવામાં આવેલી બુદ્ધ પ્રતિમાના અનાવરણ પ્રસંગે નાલાસોપારા આવેલા રાજ્યના ચીફ સેક્રેટરી રત્નાકર ગાયકવાડે પણ આ બાબતે પૂરો સહયોગ આપવાનું જણાવ્યું હતું. અહીંના સોપારા ગામમાં ઈ. સ. ૧૮૮૨માં સમ્રાટ અશોકનાં પુત્રી બોધિવૃક્ષની ડાળી સાથે પધાર્યા હતાં. અહીં રોકાણ કર્યા બાદ તેમણે બુદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા પ્રયાણ કર્યું હતું. એ સમયે બનાવવામાં આવેલા સ્તૂપ અત્યંત ખરાબ હાલતમાં છે. જોકે અત્યારે આર્કિયોલૉજી ડિપાર્ટમેન્ટ એની જાળવણી માટે કાર્ય કરી રહ્યું છે. સાથે સ્તૂપની આજુબાજુ બીજા નાના સ્તૂપની શોધ માટે પણ ઉત્ખનન કરી રહ્યું છે. રાજ્યના ચીફ સેક્રેટરી રત્નાકર ગાયકવાડ ખુદ આ કામ પર ધ્યાન રાખી રહ્યા છે.
અત્યારે એમએમઆરડીએ (મુંબઈ મેટ્રોપોલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી) અને વસઈ-વિરાર મહાનગરપાલિકા હેરિટેજ સ્થાપત્યને ઇન્ટરનૅશનલ સેન્ટર બનાવવા પ્રયત્નશીલ છે. સરકાર અને મહાનગરપાલિકાની સ્તૂપની આજુબાજુના પ્લૉટ પર સેન્ટર બનાવવાની યોજના હતી, પરંતુ એને આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ નકારી દેતાં જણાવ્યું કે સ્તૂપની આજુબાજુનો ૩૦૦ મીટરનો વિસ્તાર પ્રતિબંધિત હોવાથી ત્યાં કોઈ પણ પ્રકારનું બાંધકામ થઈ શકે નહીં. એટલે મહાનગરપાલિકા અને રાજ્ય સરકારે સ્તૂપની બે કિલોમીટરના અંતરે આવેલાં કરમાલે અને બોલિંજ ગામોમાં ૧,૪૩,૬૫૮.૪૦ ચોરસ મીટર જમીન બુદ્ધિસ્ટ હેટિરેજ ઍન્ડ કલ્ચરલ સેન્ટરના નામે આરક્ષિત કરવામાં આવી છે જ્યાં હેરિટેજ સેન્ટર બનાવવામાં આવશે. સરકારે એના હસ્તકના પ્લૉટ પાલિકાને સોંપી દીધા છે અને બાકીની જમીનનું સંપાદન ખાનગી માલિકો પાસે કરવા જણાવવાની સાથે લોકોના વાંધાવચકા પણ મગાવવા જણાવ્યું છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK