મોંઘા કાંદાને કારણે મોંઘવારી આસમાને

Updated: Jan 14, 2020, 08:55 IST | મુંબઈ ડેસ્ક

કાંદા આમઆદમી સાથે સરકારનેય રડાવે છે...

ગયા મહિને ડિસેમ્બરમાં ડુંગળી, ટમેટાં સહિત ખાદ્ય તેલોના ઊંચા ભાવોને કારણે ફુગાવાએ છેલ્લાં ચાર વર્ષથી છૂટક ફુગાવાના રેકૉર્ડ તોડી નાખ્યા છે. ડિસેમ્બરમાં છૂટક ફુગાવો ૭.૩૫ ટકા હતો, જે નવેમ્બર મહિનાના ૫.૫૪ ટકા કરતાં વધારે છે અને એ રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના અંદાજ (બેથી છ ટકા) કરતાં વધારે પહોંચી ગયું છે. જોકે કોર સેક્ટરમાં ફુગાવોનો દર હજી પણ ૩.૭ ટકા છે જે ગયા વર્ષ કરતાં થોડો વધારે છે.

ઑક્ટોબરમાં છૂટક ફુગાવો ૪.૬૨ ટકા હતો, જ્યારે નવેમ્બરમાં એ વધીને ૫.૫૪ ટકા થયો હતો. છેલ્લા બે મહિનામાં ડુંગળીના ભાવ પણ ૫૦ રૂપિયાથી વધીને ૧૬૦ થઈ ગયા હતા. જોકે હવે કાંદાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, પરંતુ સામાન્ય લોકોને પણ સરેરાશ ૧૦૦ રૂપિયાના ઊંચા ભાવે કાંદા ખરીદવાની ફરજ પડી છે.
૨૦૧૯માં અન્યનના ભાવથી લોકોની સાથે સરકાર પણ પરેશાન હતી. એ પછી છેલ્લા ત્રિમાસિક ગાળામાં ટમેટાંના ભાવ પણ આસમાને પહોંચ્યા હતા જેનાથી રીટેલ ફુગાવો ત્રણ વર્ષમાં સૌથી વધુ રહ્યો હતો.
હકીકતમાં વરસાદ અને દુષ્કાળ તથા સપ્લાયમાં વિક્ષેપને કારણે, પાકની નિષ્ફળતાને કારણે બટાટા, ટમેટાં જેવાં રોજિંદા શાકભાજીના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સ્થિતિમાં ચોમાસા અને કેટલાક મર્યાદિત સમયગાળા સિવાય ટમેટાં દર વર્ષે ૮૦ રૂપિયામાં વેચાય છે.
ડિસેમ્બરમાં સપ્લાયની મર્યાદાને કારણે બટાટા પણ થોડા સમય માટે કિલોદીઠ ૩૦ રૂપિયાની સપાટીએ પહોંચ્યા હતા. નવેમ્બરમાં મોંઘાં શાકભાજીને કારણે રીટેલ ફુગાવો ૪ ટકાથી ઉપર ગયો હતો. સરકારે ટમેટાં, કાંદા, બટાટા એટલે કે ટૉપ શાકભાજીને ૨૦૧૮-’૧૯ના સામાન્ય બજેટમાં પ્રથમ અગ્રતા આપી હતી.
બજારનાં સૂત્રોનું માનવું છે કે સરકારે કાંદાના ભાવને કાબૂમાં લેવાના પ્રયત્નોમાં વિલંબ કર્યો હતો. સ્થાનિક બજારમાં ભાવ ઘટાડવા માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, જ્યારે વેચાણકર્તાઓ માટે સ્ટૉકનું પ્રમાણ ઘટાડીને એક ક્વૉર્ટર કરવામાં આવ્યું હતું. આ પગલાંઓની થોડી અસર થઈ, પરંતુ ડુંગળીના ભાવ હજી આકાશમાં છે. આ ફુગાવાની અસર આરબીઆઇના રેપો રેટ નિર્ધારણ પર પણ પડી અને ડિસેમ્બરમાં દર સ્થિર રાખ્યા હતા. રિઝર્વ બૅન્કે પણ કબૂલ્યું હતું કે ડુંગળીના ઊંચા ભાવોના દબાણ હેઠળ આ વખતે રેપો રેટ ઘટાડવામાં આવ્યો નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK