રાજકોટની એક જ બેઠક પર ઊભેલા વેવાઈઓમાંથી એક જીત્યા, બીજા હાર્યા

Published: 21st December, 2012 03:38 IST

કૉન્ગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુની જીત પછી તેમના હરીફ બીજેપીના ઉમેદવાર કશ્યપ શુક્લએ મોઢું મીઠું કરાવ્યુંસામાન્ય રીતે સંબંધોમાં પણ રાજકારણ રમાતું હોય છે, પણ ગુજરાતના રાજકારણના જંગમાં એક સંબંધ એવો પણ હતો જેણે રાજકારણ વચ્ચે પણ સામાજિક મર્યાદાઓને સન્માન આપ્યું હતું. રાજકોટ (ઈસ્ટ) બેઠક પરથી ઇલેક્શનમાં ઝુકાવનારા બીજેપીના કશ્યપ શુક્લની બહેનના દીકરા સાથે કૉન્ગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુની બહેનની દીકરીનાં લગ્ન કરવામાં આવ્યાં છે. આ સંબંધોના દાવે ઇન્દ્રનીલ અને કશ્યપ એકબીજાના વેવાઈ થાય. ઇલેક્શન દરમ્યાન સામાન્ય રીતે એકમેક પ્રત્યે આક્ષેપબાજીઓ થતી રહે છે, પણ રાજકોટ (ઈસ્ટ) બેઠક એકમાત્ર બેઠક એવી હતી જ્યાં ઉમેદવારો સંપૂર્મા સ્વસ્થતા સાથે લાજ રાખીને લડાઈ લડ્યા હતા. ગઈ કાલ મતગણતરી પછી પણ આવું જ દૃશ્ય જોવા મળ્યું. ઇન્દ્રનીલ રાજ્યુગુરુને ૬૦,૮૭૭ મત મળ્યાં, જ્યારે કશ્યપ શુક્લને ૫૬,૬૦૫ મત મળ્યાં. આમ ૪૨૭૨ મતથી ઇન્દ્રનીલની જીત થઈ. આ જીત પછી કોઈ પક્ષના કાર્યકરોએ દેકારો નહોતો મચાવ્યો કે ગોકીરો નહોતો કર્યો. ઇન્દ્રનીલ રાજ્યગુરુએ કહ્યું હતું કે ‘બુધવારે રાત્રે અમે જમવા માટે બહાર ગયા ત્યારે જ નક્કી કર્યું હતું કે કોઈ જીતને ઊજવીને સામેવાળાની હારને નીચી નહીં દેખાડે. વેવાઈની હાર પર બીજો વેવાઈ નાચે એ આમ પણ અશોભનીય કહેવાય. આવી નાદાનીની અસર બાળકોના સંબંધો પર પડે જે અમને બન્નેને મંજૂર નહોતું અને એ અમે શાંતિ રાખીને જાળવ્યું.’

મજાની વાત એ છે કે જીતેલા વેવાઈએ સંયમ રાખ્યો તો હારેલા વેવાઈ કશ્યપ શુક્લે ખેલદિલી દેખાડીને પોતાના ખિસ્સામાંથી પાંચ હજાર રૂપિયા આપીને તરત પેંડા મગાવ્યા અને બધાને પોતે પેંડા ખવડાવ્યા. કશ્યપ શુક્લે કહ્યું હતું કે ‘હું જીત્યો હોત તો મારી બહેનનો દીકરો ગર્વથી કહેતો હોત કે મારા મામા વિધાનસભ્ય છે, હવે ઇન્દ્રનીલની બહેનની દીકરી ગર્વથી કહેશે કે મારા મામા વિધાનસભ્ય છે. મામા વિધાનસભ્ય બન્યા એ મહત્વનું છે, કોના મામા બન્યા એ મહત્વનું નથી.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK