Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ચીનની વિસ્તારવાદી બીન

ચીનની વિસ્તારવાદી બીન

28 June, 2020 10:23 PM IST | Mumbai
Hiten Aanandpara

ચીનની વિસ્તારવાદી બીન

ફાઈલ તસવીર

ફાઈલ તસવીર


જાત સાથે જિંદગીનો જંગ છે

આપ પણ કહેશો ખરેખર રંગ છે



હા, તમન્નાઓ બહુ સારી જ છે


સબ સલામત, કિન્તુ સ્થિતિ તંગ છે

ડૉ. રમેશ ભટ્ટ રશ્મિની આ પંક્તિ અત્યારે ચીન સાથેની સરહદ પર વર્તાઈ રહી છે. છેલ્લા એકાદ મહિનામાં જેટલું નામ ભગવાનનું નહીં લેવાયું હોય એટલું નામ ગલવાનનું લેવાયું છે. લદાખની સરહદનો આ વિસ્તાર એટલોબધો ચર્ચાઈ ગયો કે લોકોની જીભે ચડી ગયો. ‘ગંગા જમના’ ફિલ્મનું લતાએ ગાયેલું ગીત તમને યાદ જ હશે. ‘ના માનું, ના માનું, ના માનું રે, દગાબાઝ તોરી બતિયાં ના માનું રે.’ ચીનને આ પંક્તિ તસોતસ લાગુ પડે છે. એની કોઈ વાત મનાય નહીં. કવિએ નનૈયો ત્રણ વાર દોહરાવ્યો છે. ચીનની બાબતમાં એ ૩૦ વાર દોહરાવો તોય ઓછો પડે. ચીબુ, મીંઢું ને રીઢું ચીન વિસ્તારવાદમાં માને છે. પચાવી પાડવામાં એની મહારત છે. યુગો યુગોથી ચીન પોતાની કોઈ ચૅનલનું નામ ‘આસ્થા’ કે ‘શ્રદ્ધા’ નહીં રાખે. રાખે તો મનાય પણ નહીં. પરશુરામ ચૌહાણ કહે છે એવી દ્વિધા ૮ વર્ષ સુધી રક્ષાપ્રધાન તરીકે નિરર્થક ફરજ બજાવનાર કૉન્ગ્રેસના એ. કે. ઍન્ટનીએ સંસદમાં વ્યક્ત કરી હતી...


કદી જીતી ગયો છું તો કદી હારી ગયો

સતત હું જાતની સાથે જ સ્પર્ધામાં રહ્યો

રહસ્યો તો રહ્યાં અકબંધ સરવાળે બધાં

જીવનભર હું કદી શ્રદ્ધા, તો શંકામાં રહ્યો

અનિર્ણાયકતા કૉન્ગ્રેસની ઉંમરલાયક આન્ટી છે. કૌભાંડમાં એ ૧૬ નહીં, પણ ૩૨ કળાએ ખીલી ઊઠી, પણ પર્ફોર્મન્સમાં ૩૩ ટકાએ પાસ થઈ કે નહીં એ ડિબેટનો વિષય છે. આકાશગંગાઓની પારથી કોઈ અલૌકિક પ્રતિભા સાથે આવેલા રાહુલ ગાંધી મંતવ્યોની જે પીપૂડી વગાડે છે એ જોઈને થાય કે કે.જી.નું બચ્ચું ગ્રૅજ્યુએશન સેરેમનીમાં કી નૉટ ઍડ્રેસ આપી રહ્યું છે. ભારતની પ્રજા ખરેખર સહનશીલ છે. દાયકાઓ વીત્યા છતાં કંઈ ન કરી શકનાર પક્ષ થોડા મહિનાઓમાં ચીનને હંફાવવાની અપેક્ષા રાખે એને હાસ્યાસ્પદ નહીં, કરુણ ગણી શકાય. ૨૦૦૮માં રાહુલ ગાંધીની મહાન સહી ધરાવતા એમઓયુ વિશે ચકચાર ચાલી છે. ચીની દૂતાવાસે રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં માતબર રકમનું ડોનેશન આપ્યાની વાત પણ બહાર આવી. આવા સંજોગોમાં પૂર્ણિમા ભટ્ટના શેર સ્પીડ પોસ્ટ કરવાનું મન થાય છે...

પાંપણો ખોલી લે, અંધારું બહુ સારું નહીં

સ્વપ્ન ખંખેરી લે, અંધારું બહુ સારું નહીં

કંઈ અસત્યો ચુપકીદી સાધી બેઠાં ભીતરે

આયનો ફોડી લે, અંધારું બહુ સારું નહીં

અંધારું વિસ્તરે એ પહેલાં ભારતીય લશ્કરે બહાદુરીથી પરિસ્થિતિને થાળે પાડી. સૅટેલાઇટ તસવીરોમાં ચીનની પીછેહઠ દેખાઈ રહી છે. જોકે એ ક્યાં સુધી સખણું રહેશે એ કહેવાય નહીં. હજી તો હાથ મિલાવી પીઠ ફેરવી હોય ત્યાં વાંસામાં વાર કરે એવી નફટાઈ એના નાકમાં છે. સરકારે ચીની કંપનીઓ સાથેના કૉન્ટ્રૅક્ટ રદ કરવાનું પગલું ભરીને મક્કમતા દર્શાવી. ભારતની પ્રજાએ પણ ચીન તરફનો આક્રોશ છડેચોક વ્યક્ત કર્યો. આ દેશદાઝ આપણી મૂડી છે. પ્રજાની તાકાત શું છે એની ખબર માત્ર સરકારને નહીં, દુશ્મનને પણ હોવી જોઈએ. દિનેશ દેસાઈ કહે છે એ ચાઇનીઝ ચંચુપાતને કરંડિયામાં પૂરવાનો વારો આવી ગયો છે... 

બચ્યું છે શું હવે, તારી જવાનીમાં?

નથી રસ કોઈને, જૂઠી કહાનીમાં

નથી આ મહેકવાનો શોભતો દાવો

રહે છલના બની તું, ફૂલદાનીમાં

ફૂલદાનીમાં ફૂલને બદલે બૉમ્બ મૂકી શકે એવી માનસિકતા ચીન અને પાકિસ્તાન બન્નેની છે. એમાં નબળું ને નાનકું નેપાલ પણ જોડાયું એ હકીકત તાજ્જુબ કરે છે. ચીનના ઇશારે એ વંકાયું છે એ દેખાય છે. ચીન ત્રિપાંખિયા વ્યૂહ દ્વારા પોતાની ધાક મજબૂત કરવા માગે છે. અમિતાભ બચ્ચન કે અક્ષયકુમાર એકસાથે ૧૦ જણ સામે લડે એમ ચીને ભારત ઉપરાંત અમેરિકા અને જપાન સામે પણ ઘૂરકિયાં આદર્યાં છે. શાયર સાહિલનો શેર માત્ર સમજાતો જ નથી, તાદૃશ દેખાઈ પણ રહ્યો છે...

જોઈને જખમોની કાળી કુંડળી

થઈ ગયા નવરંગ સાહિલ આપણે

તીરને છૂટી ગયે વર્ષો વીત્યાં

કાં હજી પણ તંગ સાહિલ આપણે

ચીનના અધિકારીઓ મંત્રણાઓમાં મીઠી-મીઠી વાતો કરે, પણ યંત્રણાઓ એવી શાતિર ગોઠવે કે સામેવાળો છક્કડ ખાઈ જાય. કિશોર મોદી કહે છે એ અક્ષરશઃ સાચું લાગશે...

મીઠડી વાતનો વલારો થાય

જણ ફરેબી સળંગ લાગે છે!

રોજ જુદી-જુદી કહાની હોય

કાંકરીની જલે છલંગ લાગે છે!

ભારતનું લશ્કર પ્રોફેશનલ ગણાય છે. સૈનિકો નીતિનિયમોનું પાલન કરીને સરહદની રક્ષા કરે છે. ભારતનું ગોત્ર શિવાજીનું છે, જ્યારે ચીનનું ગોત્ર અફઝલ ખાનનું છે. વાઘને મારીને ખાનારાઓની આંખમાં જ વાઘનખ છુપાયા હોય એમાં નવાઈ શી? માળખાકીય સવલતોના ટુકડા આપી એ દેશને પોતાના તાબામાં લે છે. પાકિસ્તાન અને નેપાલ સાથે આ જ મોડસ ઑપરેન્ડી ચીને અજમાવી. ચીનને સમજવા અને લડવાનું કામ કોઈ કે.જી.ના સ્ટુડન્ટનું નથી, તેને તો ચૉકલેટ આપી ચીન પટાવી લે. ભાવિન ગોપાણીના શેર ધ્યાનમાં રાખવા પડશે...

દિશાઓ ફેરવો કાં તો વિચારો ફેરવી નાખો

રહે જો દૃશ્ય એનું એ જ તો બારી નવી નાખો

અમે એવા કે અમને જિંદગી પણ છેતરી નાખે

તમે તો વાતમાં લઈ મોતને પણ ભોળવી નાખો

સૅટેલાઇટ નકશાઓના નિષ્ણાતોનાં મંતવ્યોને પણ ખોટા ઠેરવતા કંટાળાજનક કૉન્ગ્રેસી પ્રવક્તાઓ અને પક્ષાઘાત પામેલા સામ્યવાદી પ્રવક્તાઓને વિરેન મહેતાની પંક્તિઓ અર્પણ કરી નાગરિકી ભડાશ કાઢીએ...

આપણો કક્કો જ સાચો ક્યાં સુધી?

કાંખઘોડી સાથ નાચો ક્યાં સુધી?

બાથમાં લેવા ગગન ઊડી પતંગ

પહોંચશે માંજો આ કાચો ક્યાં સુધી?

ક્યા બાત હૈ

ફળિયું-ગલી-નિશાદ-થીજેલી પીળી પળો

ઓછપ-હવેલી-દ્વાર-અભાવોની સાંકળો

 

દિવસો-વિહંગ-નીલ ગગન પાંખ-ફડફડાટ

દિવસો-દીવાલ-બિંબ-નર્યાં ખાલી મૃગજળો

 

પીંછા-અજંપો-સાંજ-પ્રતીક્ષા-અવાક્ લય

ટહુકો-મરણ-હથેળી-રેખા સ્વપ્ન વાદળો

 

રૂમાલનાં પતંગિયાં-વરસાદનાં સ્મરણ

ફૂલોના પ્રેમપત્ર પર બાઝે ઝાકળો

 

રેતી-વમળ-વહાણ-કિનારાની સ્તબ્ધતા

લિખિતંગ અટકળોથી લખાયેલાં કાગળો

- અરુણ દેશાણી

Whatsapp-channel Whatsapp-channel

28 June, 2020 10:23 PM IST | Mumbai | Hiten Aanandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK