ઘરઆંગણે શસ્ત્રોનું ઉત્પાદન કરવાનો ભારત સરકારનો નિર્ણય ઘણો સમજદારીપૂર્વકનો છે

Published: 30th November, 2014 05:39 IST

ચીન ગંજાવર લશ્કરી ખર્ચ કરીને ભારતને ભયભીત રાખે છે. ચીનથી ભયભીત ભારત રશિયા અને અમેરિકા પાસેથી ગજાબહાર રૂપિયા ખર્ચીને શસ્ત્રો ખરીદે છે અને પાકિસ્તાનને ભયભીત રાખે છે. ભારતથી ભયભીત પાકિસ્તાન ચીન અને અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદે છે. અંતિમ ફાયદો શસ્ત્ર ઉત્પાદક દેશોને થાય છે અને જ્યાં અશાંતિ છે એવા ભયભીત દેશોએ ગરીબને અપાતી રાહત છીનવીને લશ્કર પાછળ ખર્ચ કરવો પડે છે
મંતવ્ય-સ્થાન - રમેશ ઓઝા

જે બાબત સંવેદનશીલ હોય એમાં કૌભાંડ પણ મોટાં હોય. કારણ એવું છે કે સંવેદનશીલ બાબતે પ્રશ્નો પૂછવાની મનાઈ હોય છે. વિવેક કે ડરના માર્યા લોકો પ્રશ્ન પૂછતા નથી એટલે કૌભાંડ કરનારાઓને મોકળું મેદાન મળે છે. ધર્મ એક આવો પ્રદેશ છે જેમાં કૌભાંડીઓ પકડાય નહીં ત્યાં સુધી લીલા કરતા રહે છે. આવો બીજો પ્રદેશ સંરક્ષણનો છે. દેશના હિતનો સવાલ છે એટલે પ્રશ્નો પુછાય નહીં અને શંકા કરાય નહીં. જો વધારે ખણખોદ કરે તો દેશદ્રોહી તરીકે ખપાવી શકાય અને ઠીક લાગે તો જેલમાં પણ મોકલી શકાય. બાપુઓ ભગવામાં કે સફેદ વસ્ત્રોમાં લીલા કરે છે તો લશ્કરી અધિકારીઓ લશ્કરી વરદીમાં લીલા કરે છે. ભગવાધારી પવિત્ર હોય એ જરૂરી નથી અને વરદીધારી દેશને સમર્પિત હોય એ જરૂરી નથી.

વીસમી સદીમાં રાસ્પુતિનથી રામપાલ સુધી ધર્મના નામે ધતિંગ કરનારા પેદા થયા છે તો વીસમી સદીએ બબ્બે વિશ્વયુદ્ધ અને શસ્ત્રોનો ગંજાવર વેપાર પણ આપ્યાં છે. વીસમી સદી અનીતિ, છેતરપિંડી અને હિંસાથી ગ્રસ્ત હતી જેનો વારસો આપણે એકવીસમી સદીમાં જાળવી રાખ્યો છે. જીવનના અંતે મોક્ષ અને જીવન દરમ્યાન દુશ્મન સામે વિજય આ બે વિષય એવા છે જેમાં સ્થાપિત હિતો ધરાવનારાઓએ માણસને વચન આપવા સિવાય અને ઉશ્કેરવા સિવાય કંઈ કરવાનું હોતું નથી. બન્ને ધંધામાં ભય સ્થાયી તત્વ છે; મુત્યુ પછીનો ભય અને હયાતીમાં ફરી દુશ્મનનો ભય. કાઠમંડુમાં સાર્ક દેશોની અઢારમી શિખર પરિષદની નિષ્ફળતા એમ સૂચવે છે કે કેટલાક દાયકા સુધી હજી આપણે શસ્ત્રસજ્જ રહેવું પડશે, સાથે સંપીને જીવતાં હજી આપણે શીખવાનું બાકી છે.

દુનિયામાં આજે શસ્ત્રોનો ધંધો તમારી કલ્પના બહારનો છે. અબજની નહીં, ખર્વ-નિખર્વની આ ધંધામાં પાણ છે. સ્ટૉકહોમ ઇન્ટરનૅશનલ પીસ રીસર્ચ ઇન્સ્ટિટ્યૂટના છેલ્લા-છેલ્લા અહેવાલ મુજબ ૨૦૧૩માં વિશ્વદેશોએ ૧૭૪૭ અબજ ડૉલર્સ (રૂપિયામાં દસ હજાર અબજ કરતાં વધુ) સંરક્ષણ પાછળ ખર્ચ્યા હતા. સંરક્ષણ પાછળ સૌથી વધુ ખર્ચ કરનારો દેશ અમેરિકા છે. બીજા ક્રમે ચીન આવે છે અને ત્રીજો ક્રમ રશિયાનો છે. ભારતનો આઠમો છે અને પાકિસ્તાનનો ૨૬મો છે. ચીન ૧૮૮ અબજ ડૉલર્સ સંરક્ષણ પાછળ ખર્ચે છે જે ભારતના ૪૭.૪ અબજ ડૉલર્સ કરતાં ચાર ગણો વધુ છે. પાકિસ્તાન સાત અબજ ડૉલર્સ સંરક્ષણ પાછળ ખર્ચે છે, જે ભારત કરતાં ક્યાંય પાછળ છે. કુલ રાષ્ટ્રીય ઉત્પાદનમાં ચીનના, ભારતના અને પાકિસ્તાનના લશ્કરી ખર્ચનું પ્રમાણ અનુક્રમે બે ટકા, અઢી ટકા અને ૨.૭ ટકા છે. લાંબા પાછળ ટૂંકો જાય, મરે નહીં પણ માંદો થાય એ કહેવત તમે સાંભળી હશે. ભારત અને પાકિસ્તાનની હાલત આવી છે.

હવે રમત સમજવાની કોશિશ કરો. જે દેશો સૌથી વધુ લશ્કરી ખર્ચ કરે છે એનો મૂળ ઉદ્દેશ શસ્ત્રોનો વેપાર કરવાનો હોય છે. એમાં બેવડો ફાયદો છે. એક તો દુશ્મન દેશને ડારામાં રાખી શકાય અને એનાથી વધુ શસ્ત્રો વેચીને કમાઈ કરી શકાય. શરત માત્ર એટલી છે કે જગતમાં શાંતિ ન સ્થપાવી જોઈએ. આખરે દસ હજાર અબજ રૂપિયાનો વેપાર છે, નાનોસૂનો નથી. ચીન ગંજાવર લશ્કરી ખર્ચ કરીને ભારતને ભયભીત રાખે છે. ચીનથી ભયભીત ભારત રશિયા અને અમેરિકા પાસેથી ગજા બહાર રૂપિયા ખર્ચીને શસ્ત્રો ખરીદે છે અને પાકિસ્તાનને ભયભીત રાખે છે. ભારતથી ભયભીત પાકિસ્તાન ચીન અને અમેરિકા પાસેથી શસ્ત્રો ખરીદે છે. અંતિમ ફાયદો શસ્ત્ર ઉત્પાદક દેશોને થાય છે અને જ્યાં અશાંતિ છે એવા ભયભીત દેશોએ ગરીબને અપાતી રાહત છીનવીને લશ્કર પાછળ ખર્ચ કરવો પડે છે.

આ રમતમાં હમણાં કહ્યું એમ શરત માત્ર એટલી છે કે લડતા દેશો વચ્ચે સુલેહ ન થવી જોઈએ. એટલે તો સાર્કની બેઠકના અઠવાડિયા પહેલાં ચીને પાકિસ્તાન સાથે શસ્ત્રસોદો કરીને અને બીજી સહાયની જાહેરાતો કરીને પાકિસ્તાનનો આત્મવિશ્વાસ વધારી આપ્યો હતો. ભારત સામે કૂણા પડવાની જરૂર નથી, અમે તમારી સાથે છીએ એમ ચીનાઓ નવાઝ શરીફ નેપાલ જાય એ પહેલાં કહી આવ્યા હતા. ભારત આ વિષચક્રમાં ફસાયેલું છે. ચીન ભારતને ડરાવીને અને પાકિસ્તાનને ઉશ્કેરીને શસ્ત્રોનો ધંધો કરે છે. ચીનના ચાર ગણા ગંજાવર લશ્કરી ખર્ચ સામે ભારત મુકાબલો કરી શકે એમ નથી અને ભારતે ચીનથી સાવધાન રહેવું જરૂરી છે. ચીનથી સાવધાન રહેવું હોય તો અબજો રૂપિયા ખર્ચીને શસ્ત્રો ખરીદવાં પડે.

આ એવું એવું વમળ છે જેનો વિશ્વના શસ્ત્ર સોદાગરો, શસ્ત્રોના દલાલો અને સર્વોચ્ચ સ્થાને બિરાજમાન લશ્કરી અધિકારીઓ લાભ લે છે. દેશના સંરક્ષણનો સવાલ છે એટલે પ્રશ્નો પૂછવાની અને શંકા કરવાની મનાઈ છે. લશ્કર અને સંરક્ષણ પવિત્ર ગાય છે એટલે એની સામે આંગળી ચીધવી એ પાપ છે, રાષ્ટ્રદ્રોહ છે. છેલ્લાં વર્ષોમાં દરેક વર્ષે એકાદ શસ્ત્રસોદાનું લશ્કરી કૌભાંડ બહાર આવે છે. આ એવું વમળ છે જેમાંથી નજીકના ભવિષ્યમાં બહાર નીકળી શકાય એમ નથી એ ભારતને સમજાઈ ગયું છે એટલે હવે ભારત સરકારે ચીનનો માર્ગ અપનાવવાનો નિર્ણય લીધો છે. ભારત અત્યારે જેટલો લશ્કરી ખર્ચ કરી રહ્યું છે એના કરતાં ભલે હજી વધુ ખર્ચ કરવો પડે, પણ શસ્ત્રો ખરીદવાની જગ્યાએ બનાવવાનો નિર્ણય લેવાયો છે. મનોહર પર્રિકરને ખાસ આ ઉદ્દેશ માટે ગોવાથી કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાન તરીકે બોલાવવામાં આવ્યા છે. ભવિષ્યમાં ભારત પણ શસ્ત્રોનો વ્યાપાર કરી શકે છે. વમળમાં ફસાઈને ખુવાર થતું રહેવું એના કરતાં વમળમાંથી બહાર નીકળવાનું જોખમ ઉઠાવવું જોઈએ. આનું શું પરિણામ આવે છે એ ભવિષ્ય કહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK