Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કલ હમારા હૈ

કલ હમારા હૈ

08 November, 2020 06:29 PM IST | Mumbai
Dinesh Savaliya & Rashmin Shah

કલ હમારા હૈ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આઇપીએલની આ ૧૩મી સીઝન ઘણાંખરાં કારણોસર યાદ રહેવાની છે, પણ એ કારણો પૈકીનું એક મહત્ત્વનું કારણ આ પ્લેયર્સ છે, જેની કોઈ ગણતરી કે ધારણા પણ નહોતી રાખવામાં આવી એવા કેટલાક યંગસ્ટર્સ છે જેમણે આઇપીએલની રોનકને અકબંધ રાખવાનું કામ બખૂબી નિભાવ્યું અને સાથોસાથ બોલ્યા વિના સૌકોઈને કહી દીધું: અમે છીએ ફ્યુચર ઇન્ડિયા

બે મૅચ અને બે દિવસ.



ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ૧૩મી સીઝન પૂરી થવાને આરે છે અને મંગળવારે ચૅમ્પિયન મુંબઈ સામે કોણ જંગે ચડશે એનો ફેંસલો આજે સાંજે એલિમિનેટ-ટૂના જંગ બાદ થઈ જશે. મુંબઈ સતત બીજા વર્ષે અને ટુર્નામેન્ટ શરૂ થયા પછી કુલ પાંચમી વાર ચૅમ્પિયન બને છે, હૈદરાબાદ બીજવાર કે પછી દિલ્હીના રૂપમાં આઇપીએલની ટ્રોફી કોઈ નવો ચૅમ્પિયન ઘરે લઈ જાય છે એની ખબર પણ બે દિવસમાં પડી જશે. અત્યાર સુધીની તમામ સીઝનમાં આઇપીએલની આ સીઝન ખૂબ સંઘર્ષપૂર્ણ અને રોમાંચક રહી છે. ટુર્નામેન્ટ શરૂ થાય એ પહેલાં એ વાતની અનિશ્ચિતતા હતી કે કોરોનાકાળમાં વર્લ્ડની બેસ્ટ એવી આ ક્રિકેટ-ઇવેન્ટ રમાશે કે નહીં અને રમાશે તો ક્યારે રમાશે? આના જવાબ જો હકારમાં મળે તો બીજા પ્રશ્નોનો ઢગલો આંખ સામે હતો. ક્યારે થશે, કેવી રીતે થશે, દેશમાં રમાશે કે વિદેશમાં અને વિદેશમાં રમાશે તો ક્યાં રમાશે, પ્રેક્ષકો સાથે હશે કે તેમના વિના? જો પ્રેક્ષકો વગર થશે તો એની અસર ચાહકો પર કે પછી મેદાનમાં રમી રહેલા ક્રિકેટરોના પર્ફોર્મન્સ પર કેવી પડશે?


અનેકાનેક સવાલો મનમાં હતા. ઑસ્ટ્રેલિયામાં રમાનારો ટી૨૦ વર્લ્ડ કપ કોરોનાને લીધે રદ થતાં ભારતીય ક્રિકેટ બોર્ડે તક ઝડપી અને યુએઈ ગવર્નમેન્ટ તૈયાર થઈ એટલે એના સહયોગમાં આઇપીએલનું આયોજન થયું. યુએઈ પહોંચ્યા પછી પણ ચેન્નઈ ટીમના કેટલાક પ્લેયર્સ અને સપોર્ટ-સ્ટાફનો રિપોર્ટ કોરોના-પૉઝિટિવ આવતાં ફરી મોટું વિઘ્ન આવ્યું તો એ સિવાય પણ બીજી અનેક મુસીબતો આવી, પણ અંતે મુંબઈ અને ચેન્નઈની મૅચ સાથે આઇપીએલની ધમાકેદાર શરૂઆત થઈ. ચાર-ચાર સુપર, ડબલ સુપરઓવર અને ભારે ઉતાર-ચડાવના રોમાંચ બાદ હવે આ સીઝન અંતિમ પડાવ પર આવી ગઈ છે.

અઢળક સંભાવના અને ભારેભાર અનિશ્ચિતતાઓ વચ્ચે પહેલી વાર ક્રિકેટના આ મહાસંગ્રામનું આયોજન થયું અને એ પણ ખેલાડીઓ ઑલમોસ્ટ ૬ મહિના લૉકડાઉનમાં હતા એ પછી. પ્રૅક્ટિસનો અભાવ પણ દેખાતો હતો તો સાથોસાથ ફિટનેસનો અભાવ પણ ઊડીને આંખે વળગતો હતો. ગાલના ગટ્ટા પણ દેખાવા માંડ્યા હતા તો સિક્સ પૅક પર નાઝ કરનારા પ્લેયર્સના શરીર પરથી ચાર પૅક ગાયબ થઈ ગયેલા પણ દેખાતા હતા અને એ પછી પણ કેટલાક પ્લેયર્સ એવા હતા જેણે સૌકોઈનાં મન અને દિલ જીતી લીધાં. પર્ફોર્મન્સ મેદાનમાં થતો હતો અને એનો ગડગડાટ ફૅન્સના મનમાં ચાલતો હતો. વિદેશની ધરતી પર રમી રહેલા યુવા ખેલાડીઓના પર્ફોર્મન્સ પર એક નજર નાખશો તો તમારા મોઢામાંથી પણ નીકળી જશે: સુભાનલ્લાહ...


આઇપીએલમાં ચમકારો બતાવનાર યુવા બ્રિગેડને ઓળખો

દેવદત્ત પડિક્કલ (રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર)

તમને જાણીને નવાઈ લાગશે કે દેવદત્તનાં મમ્મી-પપ્પા જ્યારે બીજા સંતાનનું પ્લાનિંગ કરતાં હતાં ત્યારે જ તેમણે નક્કી કરી રાખ્યું હતું કે જો દીકરો આવશે તો તેને ક્રિકેટર બનાવીશું. બન્યું પણ એવું જ, દેવદત્તનો જન્મ થયો અને આજે દેશભરમાં દેવદત્તની વાતો થઈ રહી છે. દેવદત્તે ૯ વર્ષની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. દીકરાને પ્રોપર ક્રિકેટ ટ્રેઇનિંગ મળી રહે એવા હેતુથી તેના પેરન્ટ્સ ૨૦૧૧માં કેરળથી બૅન્ગલોર આવી ગયો.

સ્કૂલ-કૉલેજ અને કર્ણાટક વતી રમનાર દેવદત્તે દરેક એજ-ગ્રુપની ટુર્નામેન્ટમાં ધમાલ મચાવી અને આઇપીએલ પહેલાંની તમામ ટુર્નામેન્ટ માટે તૈયારી કરી લીધી. એ-લિસ્ટ ક્રિકેટની શરૂઆત દેવદત્તે ૨૦૧૯માં કર્ણાટક વતી વિજય હઝારે ટ્રોફીથી કરી અને પહેલી જ ટુર્નામેન્ટમાં તેણે હાઇએસ્ટ રન બનાવ્યા. એ પછી દેવદત્ત ઇન્ડિયા-એ વતી પણ રમ્યો અને દેવધર ટ્રોફી પણ રમ્યો. બન્નેમાં પર્ફોર્મન્સ અવ્વલ દરજ્જાનો રહ્યા પછી દેવદત્તને આઇપીએલ ઑક્શનમાં બૅન્ગલોરે બેઝ પ્રાઇઝથી ખરીદ્યો અને પહેલી ચાર મૅચમાં ત્રણ હાફ સેન્ચુરી ફટકારીને તેણે એક નવો રેકૉર્ડ બનાવ્યો. દેવદત્તનાં મમ્મી-પપ્પા આજે દીકરાને વિરાટ કોહલી અને એબી ડિવિલયર્સ સાથે રમતો જોઈને પ્રાઉડ ફીલ કરે છે.

ટુર્નામેન્ટમાં યંગસ્ટર્સમાંથી સૌથી વધુ પ્રભાવિત કરવાનું કામ જો કોઈ કરી ગયું હોય તો એ છે રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરનો માત્ર ૨૦ વર્ષનો દેવદત્ત પડિક્કલ. પડિક્કલ મૂળ કેરળનો છે. આઇપીએલની પહેલી મૅચમાં હાફ સેન્ચુરી ફટકારીને તેણે પોતાનામાં કૂટી-કૂટીને ભરેલી ટૅલન્ટનો પરચો આપી દીધો હતો. ૧૪ મૅચમાં અત્યાર સુધીમાં દેવદત્તે પાંચ હાફ સેન્ચુરી કરી છે અને બૅન્ગલોર વતી ટુર્નામેન્ટમાં હાઇએસ્ટ ૪૭૩ રન પણ તેણે બનાવ્યા છે. વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સ જેવા સુપરસ્ટાર્સને પણ પડિક્કલે પાછળ રાખી દીધા છે. ક્રિકેટના માંધાતાઓએ તો ઑલરેડી દેવદત્તને ક્રિકેટનો ફ્યુચર સ્ટાર ઘોષિત કરી દીધો છે.

દેવદત્તે ટુર્નામેન્ટમાં ૫૧ ફોર મારી છે, જે સૂર્યકુમારની (૬૦), લોકેશ રાહુલની (૫૮) અને શિખર ધવનની (૫૮) પછીના ચોથા ક્રમની હાઇએસ્ટ બાઉન્ડરી  છે.

દેવદત્ત પડિક્કલનો પર્ફોર્મન્સ

મૅચઃ   ૧૫ 

રનઃ    ૪૭૩ 

હાફ સેન્ચુરીઃ પ     

ઍવરેજઃ ૩૧.૫૩    

હાઇએસ્ટઃ   ૭૪

ફોરઃ   ૫૧    

સિક્સરઃ ૮

રવિ બિશ્નોઈ (કિંગ્સ ઇલેવન પંજાબ)

આઇપીએલમાં અત્યારે સૌથી વધારે સંઘર્ષ કરીને જો કોઈ આગળ આવ્યો હોય તો એ છે રવિ બિશ્નોઈ. જોધપુરના લૂણી વિસ્તારના સાવ ખોબા જેવા બિરામી ગામના રવિના પપ્પા માંગીલાલ સરકારી શિક્ષક છે. રવિ ચૌદેક વર્ષનો હતો ત્યારે ૨૦૧૪માં રાજસ્થાન ક્રિકેટ અસોસિએશન પર ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે બૅન મૂકી દેતાં રવિને પોતાનાં સપનાંઓ તૂટતાં દેખાયાં હતાં, પણ એ પછી રવિએ જાતે મહેનત કરીને ઊભા થવાનું નક્કી કર્યું.

પોતાના વિસ્તારમાં ક્રિકેટરની સગવડનો અભાવ હોવાથી રવિએ તેના એક દોસ્ત અને બે કોચના સાથ લઈને સ્પોર્ટ્સ ક્રિકેટ ઍકૅડેમી શરૂ કરી. જ્યાં કડિયાકામથી લઈને મિસ્ત્રીકામ સુધ્ધાં બધું રવિ જાતે કરતો. પૈસા હતા નહીં કે તે કોઈને આ કામ માટે બોલાવી શકે. ભારોભાર સંઘર્ષ વેઠનારા રવિની ઍકૅડમી ઘરથી ૨૦ કિલોમીટર દૂર હતી એટલે તેના જ એક કોચે બર્થ-ડે પર સાઇકલ ગિફ્ટ આપી જેથી તે સમયસર પ્રૅક્ટિસ માટે આવી શકે.

રવિની ઇચ્છા હતી કે દેશ આઝાદ થયા પછી કોઈ રાજસ્થાની ક્રિકેટરે દેશમાં નામ રોશન નહોતું કર્યું. આ કામ આજે રવિએ કરી દેખાડ્યું છે.

અન્ડર-16ની ટ્રાયલની અવગણના બાદ અન્ડર-19 ટીમની ટ્રાયલ વખતે પણ તેની બે-બે વાર અવગણના કરવામાં આવી. રવિ હિંમત હારી ગયો, પણ કોચના કહેવાથી તેણે વધુ એક વાર ટ્રાય કરવાનું નક્કી કર્યું અને ૨૦૧૮માં રાજસ્થાનની અન્ડર-19 ટીમમાં તે સિલેક્ટ થયો. જાન્યુઆરી ૨૦૨૦માં રમાયેલા અન્ડર-19 વર્લ્ડ કપમાં રવિનું સિલેક્શન થયું અને જપાન સામેની મૅચમાં તેણે એક પણ રન આપ્યા વિના ચાર વિકેટ લઈને દેકારો બોલાવી દીધો. એ જ મૅચના ૮ ઓવરના પોતાના સ્પેલમાં રવિએ માત્ર પાંચ રન આપ્યા હતા. યાદ રહે કે વર્લ્ડ કપમાં તેણે સૌથી વધુ વિકેટ લીધી હતી.

રાજસ્થાન રૉયલ્સે રવિને નેટ બોલર તરીકે બોલાવ્યો હતો, પણ પ્રૅક્ટિસ દરમ્યાન તેનો પર્ફોર્મન્સ જોઈને ૨૦૧૯માં આઇપીએલની ૧૩મી સીઝન માટે ઑક્શનમાં તેને ખરીદવામાં આવ્યો અને એ પછી જગતઆખા સામે રવિ બિશ્નોઈનો પર્ફોર્મન્સ ખુલ્લો પડ્યો છે.

કિંગ્સ ઇલેવન પંજાબના આ પુત્તરે ટીમના કોચ અને લેજન્ડ અનિલ કુંબલેથી માંડીને ઇન્ટરનૅશનલ પ્લેયર્સ સુધ્ધાંની વાહવાહી કમાઈ લીધી છે. જોધપુરના આ ૨૦ વર્ષના લિટલ સ્ટાર રવિ બિશ્નોઈએ વર્ષના આરંભમાં રમાયેલા અન્ડર-૧૯ વર્લ્ડ કપમાં સૌથી વધુ ૧૭ વિકેટ લઈને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું અને પછી પંજાબ ટીમે ઑક્શનમાં બે કરોડમાં રવિને ટીમમાં લીધો. ટીમના વિશ્વાસને સાર્થક કરતા બિશ્નોઈએ ૧૪ મૅચમાં ૧ મેઇડન અને ૭.૩૭ની ઇકૉનૉમી રેટ સાથે ૧૨ વિકેટ લીધી છે. ઊગીને ઊભો થતો આ છોકરો લાઇફમાં પહેલી વાર ઇન્ટરનૅશનલ ધુરંધરો સામે રમતો હોવા છતાં તે ક્યાંય વિચલિત થયો નહીં એ જ દેખાડે છે કે ટીમ ઇન્ડિયાનું વર્તમાન જ નહીં, ભવિષ્ય પણ ઉજ્જ્વળ હાથોમાં છે.

રવિને લેંગ્થ ઍન્ડ લાઇન જાળવીને ટીમની સ્ટ્રૅટેજીને અમલમાં મૂકતો જોઈને આવતા સમયમાં તે કેવો મોટો તહેલકો મચાવી શકે છે એ જોવા માટે રાહ જોવા સિવાય છૂટકો નથી.

રવિ બિશ્નોઈનો પર્ફોર્મન્સ

મૅચઃ   ૧૪

ઓવરઃ ૫૧  

રનઃ ૩૭૬    

વિકેટઃ ૧૨   

બેસ્ટઃ ૩/૨૯

ઇકૉનૉમીઃ ૭.૩૭

ઋતુરાજ ગાયકવાડ (ચેન્નઈ સુપર કિંગ્સ)

૨૩ વર્ષનો ઋતુરાજ ગાયકવાડ પુણેનો છે. તે ક્રિકેટર અનાયાસ બન્યો છે એવું કહીએ તો ખોટું કશું નથી. ૨૦૦૩માં પુણેમાં રમાયેલી ન્યુ ઝીલૅન્ડ અને ઑસ્ટ્રેલિયાની મૅચ જોવા માટે તે ગયો અને ત્યાં તેણે ન્યુ ઝીલૅન્ડના બ્રેન્ડમ મૅક્‍લમને બોલરની ધુલાઈ કરતો જોઈને તેને ક્રિકેટર બનવાનું મન થયું અને ૧૧ વર્ષની ઉંમરે ઋતુરાજે પુણેમાં વેંગસરકર ઍકૅડેમી જૉઇન્ટ કરી. ટૅલન્ટના જોરે સમય જતાં ઋતુરાજ મહારાષ્ટ્રની અન્ડર-14 અને અન્ડર-16 ટીમમાં પણ સામેલ થયો. ૨૦૧૬-’૧૭ની સીઝનમાં ફર્સ્ટ ક્લાર્ ક્રિકેટની શરૂઆત મહારાષ્ટ્ર વતી રણજી ટ્રોફી રમીને ઋતુરાજે કરી અને ૨૦૧૮માં દેવધર ટ્રોફીમાં ઇન્ડિયા-બી ટીમમાં સામેલ થયો. ર૦૧૯માં ઇંગ્લૅન્ડની લાયન્સ ટીમ સામે બોર્ડ પ્રેસિડેન્ટ ઇલેવન વતી સેન્ચુરી મારી ઋતુરાજે શ્રીલંકા સામેની સિરીઝમાં ઇન્ડિયા-એ ટીમમાં પ્રવેશ કરી પોતાના આઇપીએલના દરવાજા પણ ખોલી નાખ્યા.

ઋતુરાજના પરિવારમાં સ્પોર્ટ્સને કોઈ જ મહત્ત્વ મળતું નથી. ગાયકવાડ ફૅમિલીનો આ પહેલો નબીરો છે જે ગ્રાઉન્ડમાં ઊતર્યો છે, બાકીના તમામ ફૅમિલી-મેમ્બર ઍકૅડેમિક સ્કૉલર છે. ઋતુરાજના પપ્પા ડિફેન્સ રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં ઑફિસર છે તો મમ્મી મ્યુનિસિપલ સ્કૂલમાં ટીચર છે. ઋતુરાજની એકધારી સફળતા જોઈને તે પહેલો એવો પ્લેયર બન્યો છે જેની સાથે માર્કેટિંગ કંપનીએ કૉન્ટ્રૅક્ટ કર્યો છે. એક પણ ઇન્ટરનૅશનલ મૅચ નહીં રમનારો ઋતુરાજ આજે ત્રણ કંપની સાથે કૉન્ટ્રૅક્ટથી જોડાયેલો છે.

કોરોના-પૉઝિટિવ સાથે યુએઈમાં શરૂઆત કરનાર ૨૩ વર્ષના મહારાષ્ટ્રિયન બૉય ઋતુરાજ ગાયકવાડે મૅન ઑફ ધ મૅચની હૅટ-ટ્રિકની કમાલ કરીને સીઝનનો અંત પણ પૉઝિટિવ કર્યો અને સાથોસાથ સૌકોઈને સંદેશો પણ આપ્યો કે કોવિડ સામે લડવા માટે આવું જ ઝનૂન કામ લાગશે. લેજન્ડ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નઈ સુપર કિંગ્સ વતી પહેલી ત્રણ મૅચમાં બે વાર મસમોટું મીંડું મુકાવીને નબળી શરૂઆત કરનાર ઋતુરાજને એ પછી પડતો મૂકવામાં આવ્યો, પણ પછી ચાન્સ મળતાં તેણે એ તકને બે હાથે ઝડપી લીધી અને ત્રણેત્રણ મૅચમાં હાફ સેન્ચુરી ફટકારીને કમાલનું કમબૅક કર્યું. આ ત્રણેય મૅચમાં મૅન ઑફ ઑફની ટ્રોફી મેળવીને કમાલ કરનાર ગાયકવાડ વીરેન્દર સેહવાગ અને વિરાટ કોહલી પછી ત્રીજો ભારતીય પ્લેયર બન્યો છે. ધોનીની પારખુ નજરમાંથી પાર પડેલા ગાયકવાડ માટે મહેન્દ્ર સિંહ ધોનીએ પણ કહેવું પડ્યું કે કોરેનાને લીધે એ પ્રૅક્ટિસ-સેશનમાં વધુ સામેલ ન થઈ શક્યો અને એને લીધે અમારી નજરમાં પણ પહેલાં નહોતો આવ્યો.

મહેન્દ્ર સિંહ ધોનીએ બીજી હાફ સેન્ચુરી વખતે કહ્યું કે યંગેસ્ટ પ્લેયર એવા ગાયકવાડને જોતાં કહેવાનું મન થાય છે કે આપણું ક્રિકેટ ફ્યુચર સેફ હાથોમાં છે.

ઋતુરાજ ગાયકવાડનો પર્ફોર્મન્સ

મૅચઃ   ૬ 

રનઃ    ૨૦૪

હાફ સેન્ચુરીઃ ૩

ઍવરેજઃ ૫૧

હાઇએસ્ટઃ ૭૨

ફોર: ૧૬

સિક્સરઃ ૬

પ્રિયમ ગર્ગ (સનરાઇઝર્સ હૈદરાબાદ)

૧૯ વર્ષના પ્રિયમ ગર્ગનો જન્મ ઉત્તર પ્રદેશના મેરઠ પાસે આવેલા પરીક્ષિતગઢનામના એક નાનકડા ગામમાં થયો છે. નાની ઉંમરે પ્રિયમે મા ગુમાવી દીધી હતી. પપ્પા ટ્રક-ડ્રાઇવર એટલે ઘરમાં આર્થિક તકલીફનો પાર નહોતો. જોકે તમામ તકલીફો વચ્ચે પણ માત્ર ૧૭ વર્ષની ઉંમરે પ્રિયમ ઉત્તર પ્રદેશની રણજી ટીમમાં સામેલ થઈ ગયો અને ત્રિપુરા સામેની મૅચમાં કરીઅરની પ્રથમ ડબલ સેન્ચુરી ફટકારીને બિગશૉટ્સની નજરમાં આવી ગયો.

તેનામાં લીડરશિપના ગુણ જોઈને તેને અન્ડર-19 વર્લ્ડ કપમાં કૅપ્ટન બનાવવામાં આવ્યો હતો, જેમાં ભારતીય ટીમ ફાઇનલમાં બંગલા દેશ સામે હારીને રનર-અપ રહી હતી. તમને જાણીને નવાઈ લાગશે પણ રણજી ટ્રોફીમાં પહોંચ્યા સુધી પ્રિયમ પાસે પોતાની ક્રિકેટ કિટ પણ નહોતી. માત્ર ૬ વર્ષની ઉંમરે જ કોચિંગ-કૅમ્પમાં જૉઇન થઈ ગયેલા પ્રિયમની જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રિયમના પપ્પા ડ્રાઇવરી ઉપરાંત સમય મળે ત્યારે ફૅક્ટરીમાં નાઇટ શિફ્ટમાં વૉચમૅનની ડ્યુટી પણ કરતા. આઇપીએલની જે મૅચમાં પ્રિયમ રમતો એ મૅચ માટે આજે તેમને ખાસ આમંત્રણ આપીને ઘરે ટીવી જોવા બોલાવવામાં આવતા.

દરેક મૅચ પહેલાં પ્રિયમ પોતાના પપ્પાને ફોન કરે છે. આ નિયમ છેક રણજી ટ્રોફીના સમયથી ચાલતો આવે છે.

અન્ડર-19 વર્લ્ડ કપમાં ભારતીય ટીમના કૅપ્ટન રહેલા પ્રિયમ ગર્ગને સનરાઇઝર્સ હૈદરાબાદે ઑક્શનમાં પોતાની ટીમમાં લીધો અને પ્રિયમે પોતાના પર મુકાયેલા વિશ્વાસને પાર પાડ્યો. જોકે એક હકીકત એ પણ છે કે અન્ડર-19 ટીમના પોતાના જ અન્ય સાથીઓ કાર્તિક ત્યાગી કે રવિ બિશ્નોઈ જેટલો પ્રભાવશાળી પર્ફોર્મન્સ પ્રિયમ નથી કરી શક્યો, પણ એ માટે વાજબી કારણ પણ છે, પ્રિયમને મર્યાદિત તકો જ મળી હતી. સનરાઇર્ઝસના સૉલિડ ડેવિડ વૉર્નર, જૉની બેરસ્ટો, મનીષ પાન્ડે, વૃદ્ધિમાન સહા અને કેન વિલિયમસન પછી પ્રિયમના હિસ્સામાં છેલ્લી ઓવરો ભાગ્યે જ આવતી, પણ પ્રિયમે તેને જે તક મળી અને જેવી તક મળી એનો ભરપૂર ફાયદો લીધો. ચેન્નઈ સામે ટૉપ ઑર્ડર ફેલ ગયા પછી પ્રિયમની ૫૧ રનની શાનદાર ઇનિંગે ટીમની જીતમાં મહત્ત્વનો રોલ ભજવ્યો હતો.

પ્રિયમ ફ્યુચર છે, એક એવું ફ્યુચર જેના હાથમાં બૉલ જ નહીં, બૅટ પણ સોંપી શકાય એમ છે.

પ્રિયમ ગર્ગનો પર્ફોર્મન્સ

મૅચઃ ૧૩

રનઃ  ૧૧૬

હાફ સેન્ચુરીઃ ૧

ઍવરેજઃ ૧૪.૫૦

હાઇએસ્ટઃ ૭૨

ફોરઃ ૯

સિક્સરઃ ૨

કાર્તિક ત્યાગી (રાજસ્થાન રૉયલ્સ)

માત્ર ૧૯ વર્ષના કાર્તિકના પિતા બાસ્કેટબૉલ પ્લેયર હતા. તેમને દેશ વતી રમવું હતું, પણ આર્થિક સંકડામણને કારણે તેઓ આગળ ન વધી શક્યા અને નાછૂટકે ખેતીકામમાં લાગવું પડ્યું. જોકે તેમણે દીકરાને સ્પોર્ટ્સમૅન બનાવવાનું મનોમન નક્કી કર્યું હતું અને એ સપનું હવે સાકાર પણ થયું છે. દીકરાને વધારે દૂર જવું ન પડે એ માટે કાર્તિકના પપ્પાએ ખેતરમાં જ ટર્ફ વિકેટ બનાવી આપી હતી.

આર્થિક સંકડામણ વચ્ચે કાર્તિકે કોઈ જાતની ડિમાન્ડ ક્યારેય કરી નહોતી, પણ તેણે માગવું પડે એવી નોબત આવે એવું કહેવામાં પણ કશું ખોટું નથી. ઑસ્ટ્રેલિયાની આગામી સિરીઝમાં પાંચ નેટ બોલરો ટીમ સાથે જવાના છે અને એમાં કાર્તિકનો સમાવેશ થયો છે.

આઇપીએલમાં ૧૪૦ પ્લસની સ્પીડથી કાર્તિકે દરેકને પ્રભાવિત કર્યા છે તો વિરાટ કોહલીથી માંડીને જૉની બેરસ્ટો, શેન વૉટ્સન, શ્રેયસ ઐયર, શિમરન હૅટમાયર અને ડિકૉક જેવા બૅટ્સમેનોની વિકેટ લઈને સૌની બોલતી પણ બંધ કરી દીધી છે.

રાજસ્થાન રૉયલ્સ માટે રમતા આ ૧૯ વર્ષના પેસબોલર કાર્તિક ત્યાગીની સ્પીડ અને સચોટ લાઇન ઍન્ડ લેંગ્થ એવી અસરકાર રહી કે હૉસ્પિટલમાં ઍડ્મિટ થયેલા કપિલ દેવે પણ ત્યાંથી કહેવું પડ્યું કે આ રાજસ્થાન એક્સપ્રેસે દેશનું નામ રોશન કરવું પડશે. મૂળ ઉત્તર પ્રદેશના આ લવરમૂછિયાને રાજસ્થાને ૧૦ મૅચમાં મેદાનમાં ઉતાર્યો અને એમાં તેણે ૩૮.૧ ઓવરમાં ૩૬૭ રન આપીને ૯ વિકેટ લીધી.

કાર્તિક ત્યાગીએ અન્ડર-19 વર્લ્ડ કપમાં પણ પ્રભાવશાળી પર્ફોર્મન્સ કરતાં માત્ર ૬ મૅચમાં ૧૧ વિકેટ લઈને ધમાલ મચાવી હતી. રાજસ્થાનને આ પ્લેયર ઑક્શનમાં માત્ર ૨૦ લાખ રૂપિયામાં મળ્યો અને રાજસ્થાનનું ઇન્વેસ્ટમેન્ટ કાર્તિકે પહેલી જ સીઝનમાં વસૂલ કરી દીધું.

કાર્તિક ત્યાગીનો પર્ફોર્મન્સ

મૅચઃ   ૧૦

ઓવરઃ ૩૮.૧

રનઃ ૩૬૭

વિકેટઃ ૯

બેસ્ટઃ ૨/૩૬

ઇકૉનૉમીઃ ૯.૬૧

ગાજ્યા મેધ જોઈએ એવા વરસ્યા નહીં

યશસ્વી જયસ્વાલ (રાજસ્થાન રૉયલ્સ)

ઊંચી અપેક્ષા સાથે સીઝનમાં પ્રવેશ કરનાર અમુક ખેલાડીઓએ ચાહકોને ભારે નિરાશ પણ કર્યા છે. આ લિસ્ટમાં જો ભારતીય ખેલાડીની વાત કરીએ તો અન્ડર-19 વર્લ્ડ કપમાં પ્લેયર ઑફ ધ સિરીઝ બનેલા ૧૮ વર્ષના યશસ્વી જયસ્વાલનું નામ સૌથી પહેલું આવે. યશસ્વી પાસેથી બહુ મોટી અપેક્ષા હતી અને એ અપેક્ષા વચ્ચે જ રાજસ્થાને યશસ્વી માટે ઑક્શનમાં બોલી છેક ૨.૪૦ કરોડ રૂપિયા સુધી ખેંચી હતી, પણ પ્રથમ ગ્રાસે મક્ષિકા. યશસ્વી પહેલી મૅચમાં સુપરફ્લૉપ ગયો. એ પછી પણ રાજસ્થાન રૉયલ્સે તેને બે ચાન્સ આપ્યા, પણ એમાં પણ યશસ્વીનો ફિયાસ્કો થયો અને તે ૩ મૅચમાં ફક્ત ૪૦ રન જ બનાવી શક્યો. હાર્ડ લક યશસ્વી.

ગ્લેન મૅક્સવેલ (કિંગ્સ ઇલેવન પંજાબ)

આઇપીએલ પહેલાં ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં શાનદાર પર્ફોર્મન્સ કરનારા ગ્લેન મૅક્સવેલ પાસેથી ચાહકોને ઘણી અપેક્ષા હતી, તો પંજાબ ટીમને ભારોભાર ખાતરી હતી કે ગ્લેન કશું કરશે, પણ ના, એવું કંઈ બન્યું નહીં અને મિસ્ટર ગ્લેન ૧૩ મૅચમાં ૧૫.૪૨ની સાવ કંગાળ ઍવરેજથી માત્ર ૧૦૮ રન જ બનાવી શક્યો. ગ્લેને બોલિંગ ફીલ્ડમાં પણ નબળો દેખાવ કર્યો અને માત્ર ૩ વિકેટ લીધી હતી. યાદ રહે, પંજાબે ગ્લેનને પોણાઅગિયાર કરોડ રૂપિયા આપીને ઑક્શનમાં પોતાના કબજામાં કર્યો હતો.

આન્દ્રે રસેલ (કલકત્તા નાઇટ રાઇડર્સ)

૨૦૧૯ની સીઝનનો સુપરસ્ટાર આ વખતે ઈજા અને કોઈ વાર બીજા જ કારણસર સાવ જ ખોવાયેલો રહ્યો. રસેલે ૧૦ મૅચમાં માત્ર ૧૧૭ રન બનાવ્યા અને ફક્ત ૬ વિકેટ જ લીધી. જરા કલ્પના કરો, આન્દ્રેનો આ સીઝનનો હાઇએસ્ટ સ્કોર છે, ૨૫ રન. સો સેડ.

ડેવિડ મિલર (રાજસ્થાન રૉયલ્સ)

પંજાબમાંથી રાજસ્થાન આવી ગયેલા ડેવિડ મિલરને આઇપીએલની તેરમી સીઝનમાં માત્ર એક જ મૅચ રમવા મળી અને એમાં પણ ભાઈ ખાતું ખોલાવ્યા વિના નાક મૂંડાવીને પૅવિલિયનભેગા થઈ ગયા હતા. સ્ટીવ સ્મિથ, જોશ બટલર, જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સની ચોકડીની લીધે મિલરને આ સીઝનમાં ટીમમાં પ્રવેશ મેળવવો મુશ્કેલ થઈ ગયો હતો, જે એક ચાન્સ મળ્યો હતો એમાં જો તેણે ઉકાળી લીધું હોત તો વાત જુદી હતી.

શાનદાર પર્ફોર્મન્સ સાથે ટીમ ઇન્ડિયામાં જોડાવાની પ્રબળ દાવેદારી નોંધાવી છે આ ક્રિકેટરોએ

ઈશાન કિશન

(મુંબઈ ઇન્ડિયન્સ)

મૅચઃ ૧૩ 

રનઃ ૪૮૩    

હાફ સેન્ચુરીઃ ૪     

ઍવરેજઃ ૫૩.૬૬    

હાઇએસ્ટઃ ૯૯      

ફોરઃ ૩૩     

સિક્સરઃ ૨૯

મુંબઈ ઇન્ડિયન્સને મંગળવારે છઠ્ઠી ફાઇનલ રમવાનો જશ જો ટીમના સિનિયર પ્લેયર્સને આપવામાં આવે તો તેમની સાથોસાથ વિકેટકીપર-બૅટ્સમૅન ઈશાન કિશનને પણ આપવો પડે. લેફ્ટ હૅન્ડેડ લિટર માસ્ટરે ૧૩ મૅચમાં ૪ હાફ સેન્ચુરી સાથે મુંબઈ ઇન્ડિયન્સ વતી હાઇએસ્ટ ૪૮૩ રન બનાવ્યા છે. બૅન્ગલોર સામેની તેની ૯૯ રનની ઇનિંગ્સે તો લોકોનાં દિલ જીતી લીધાં હતાં અને મુંબઈકર તો તેના પર ઓવારી ગયા. રોહિત શર્માની ગેરહાજરીમાં લગભગ દરેકેદરેક મૅચમાં ક્લિન્ટન ડિકૉક સાથે મળીને ઈશાને ટીમને મજબૂત શરૂઆત આપી હતી અને સ્ટ્રૉન્ગ પાયો ખોદી આપ્યો હતો.

૨૨ વર્ષના ઈશાન કિશનના આ પર્ફોર્મન્સે તેને સિલેક્ટરોના રડાર પર મૂકી દીધો છે, જેને લીધે વિકેટકીપર-બૅટ્સમૅન મહેન્દ્ર સિંહ ધોનીના અનુગામીઓના દાવેદારોમાં ઈશાનનું નામ સામેલ થયું છે.

ટી. નટરાજન

(સનરાઇઝર્સ હૈદરાબાદ)

મૅચઃ ૧૫

ઓવરઃ ૫૮.૫       

રનઃ ૪૭૨    

વિકેટઃ ૧૬   

બેસ્ટઃ ૨/૨૪

ઇકૉનૉમીઃ ૮.૦૨

આઇપીએલની તેરમી સીઝન શરૂ થઈ એ પહેલાં ભાગ્યે જ કોઈ સનરાઇઝર્સ હૈદરાબાદના ૨૯ વર્ષના ટી. નટરાજનને ઓળખતું હશે, પણ સીઝન પૂરી થતા સુધીમાં નટરાજન યૉર્કર-સ્પેશ્યલિસ્ટ તરીકે ભલભલા ધુરંધર બૅટ્સમેનો માટે માથાનો દુખાવો બની ગયો છે. સીઝનમાં તેણે ઇન્ટરનૅશનલ મૅચ રમી ચૂકેલા જસપ્રીત બુમરાહ કરતાં પણ વધારે યૉર્કર ફેંક્યા અને એની નોંધ સૌકોઈએ લીધી તો ૧૫ મૅચમાં ૧૩૦ ડૉટ બૉલના આંકડાએ સિલેક્ટરોનું ધ્યાન પણ તેની તરફ ખેચ્યું.

ભુવનેશ્વરકુમારની લગીરેય ખોટ નટરાજને સાલવા નથી દીધી તો ડેથ ઓવરમાં તો નટરાજને હૈદરાબાદના એક પણ પ્લેયરને ભુવનેશ્વકુમાર યાદ પણ નથી આવવા દીધો. ડેથ ઓવરમાં નટરાજનનો ઇકૉનૉમી રેટ બુમરાહ, જોફ્રા આર્ચર અને પૅટ કમિન્સ કરતાં પણ વધારે ઉમદા અને આકર્ષક રહ્યો છે.

રાહુલ ચાહર

(મુંબઈ ઇન્ડિયન્સ)

મૅચઃ ૧૫

ઓવરઃ ૫૩ 

રનઃ ૪૩૩    

વિકેટઃ ૧૫   

બેસ્ટઃ ૨/૧૮          

ઇકૉનૉમીઃ ૮.૧૬

મુંબઈ ઇન્ડિયન્સ જેવી મજબૂત ટીમની તમામ મૅચ રમવા મળે એ જ બતાવે કે ‘ભાઈ મેં કુછ તો દમ હૈ.’ ૨૧ વર્ષના સ્પિનર રાહુલ ચાહરને આ વાત લાગુ પડે છે.

મુંબઈ ટીમનો અભિન્ન અંગ બનીને ૧૫ મૅચમાં ૮.૧૬ની ઇકૉનૉમી સાથે કુલ ૧૫ વિકેટ રાહુલે લીધી. જ્યારે જરૂર પડી ત્યારે મુંબઈના કૅપ્ટને રાહુલને અજમાવ્યો અને દરેક વખતે કૅપ્ટનના વિશ્વાસને રાહુલે સાર્થક કરી બતાવ્યો. રાહુલની ગૂગલીઓની તો તારીફ થાય જ છે, પણ એ ઉપરાંત તેની ફીલ્ડિંગે પણ વાહવાહી મેળવી છે. ટીમ ઇન્ડિયામાં યુઝવેન્દ્ર ચહલના સાથી તરીકે તે ઉપયોગી થઈ શકે એમાં કોઈ મીનમેખ નથી. ગયા વર્ષે રાહુલને પહેલી વાર વેસ્ટ ઇન્ડીઝ સામેની સિરીઝમાં ટીમ ઇન્ડિયા વતી રમવાનો મોકો મળ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ સામેની એકમાત્ર ટી૨૦ મૅચમાં રાહુલે ૨૭ રન આપીને ૧ વિકેટ લીધી હતી. નૉટ બૅડ અને એ પણ ટી૨૦માં.

સૂર્યકુમાર યાદવ

(મુંબઈ ઇન્ડિયન્સ)

મૅચઃ ૧૫ 

રનઃ ૪૬૧     

હાફ સેન્ચુરીઃ ૪     

ઍવરેજઃ ૪૧.૯૦    

હાઇએસ્ટઃ ૭૯*    

ફોરઃ ૬૦

સિક્સરઃ ૧૦

મુંબઈ માટે આ વખતે ફરી એક વાર મજબૂત પિલર બનીને ચમકી ગયેલા સૂર્યકુમાર યાદવે ૧૫ મૅચમાં ચાર હાફ સેન્ચુરી સાથે ૪૬૧ રન બનાવ્યા છે, જેમાં ૧૦ સિક્સર અને ૬૦ ફોરનો સમાવેશ છે. છેલ્લી ત્રણ સીઝનથી એકધારો શાનદાર પર્ફોર્મન્સ છતાં ટીમ ઇન્ડિયામાં ચાન્સ ન મળતાં સૂર્યકુમારને તો નિરાશા થઈ છે, પણ અઢળક એવા પ્લેયર્સ પણ છે જેને સિલેક્ટર્સના આ પ્રકારના વર્તનથી નવાઈ લાગી છે. સૂર્યકુમારે ગુરુવારે દિલ્હી સામે મેદાનમાં ઊતરીને એક નવો રેકૉર્ડ પણ બનાવ્યો. એક પણ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા વિના એકધારા ૧૦૦ આઇપીએલ મૅચ રમનાર તે પ્રથમ ક્રિકેટર બન્યો.

ગુરુવારે સૂર્યકુમારની ૧૦૦મી મૅચમાં તેણે પોતાના ટોટલ રનનો આંકડો પણ ૨૦૦૦ને પાર કર્યો હતો અને એ રેકૉર્ડ બનાવ્યો કે એક પણ ઇન્ટરનૅશનલ મૅચ રમ્યા વિના જેણે આઇપીએલમાં ૨૦૦૦ રન બનાવ્યા હોય. જોકે હવે ઇન્ટરનૅશનલ મેચથી સૂર્યકુમાર વધારે દૂર રહે એવી શક્યતા નહીંવત્ છે. આ સીઝનના તેના મૅચ્યોર પર્ફોર્મન્સ પછી હવે સિલેક્ટરો તેની અવગણના નહીં કરી શકે એ લગભગ કન્ફર્મ છે.

વરુણ ચક્રવર્તી

(કલકત્તા નાઇટ રાઇડર્સ)

મૅચઃ ૧૩

ઓવરઃ ૫૨ 

રનઃ ૩૫૬    

વિકેટઃ ૧૭   

બેસ્ટઃ ૫/૨૦

ઇકૉનૉમીઃ ૬.૮૪

મિસ્ટરી બોલર તરીકે તોતિંગ પ્રાઇઝ સાથે આઇપીએલમાં દાખલ થનારો વરુણ ચક્રવર્તી અગાઉની સીઝનમાં કોઈ ખાસ કમાલ નહોતો કરી શક્યો, પણ આ સીઝનમાં તેણે અપેક્ષાઓના ભાર વિના શાનદાર પર્ફોર્મન્સ આપીને ટીમ ઇન્ડિયામાં એન્ટ્રી મેળવી લીધી છે.

કલકત્તા નાઇટ રાઇડર્સ વતી રમતા વરુણે ૧૩ મૅચમાં ૬.૮૪ની અફલાતૂન ઇકૉનૉમી સાથે ૧૭ વિકેટ લીધી. ચાર કરોડ રૂપિયાની લાગતમાં ઘરમાં આવેલા વરુણે શાહરુખની ટીમના સ્ટાર સ્પિનરો સુનીલ નારાયણ અને કુલદીપ યાદવને પણ ઝાંખા પાડી દીધા. એક ઇનિંગ્સમાં સૌથી બેસ્ટ સીઝનનો પર્ફોર્મન્સ વરુણના નામે છે, જે તેણે દિલ્હી સામે ૨૦ રનમાં પાંચ વિકેટ સાથે નોંધાવ્યો. આ પર્ફોર્મન્સને કારણે જ ઑસ્ટ્રેલિયા સામેની આગામી ટી૨૦ સિરીઝમાં ટીમ ઇન્ડિયામાં વરુણનો સમાવેશ કરવા સિલેક્ટરો મજબૂર થયા. બહુ જૂજ લોકો જાણે છે કે વરુણ પોતે એક આર્કિટેક્ટ છે અને તેણે પોતાની ક્રિકેટ-ગેમને છેક કૉલેજ પિરિયડ શરૂ થયા પછી સિરિયસલી લેવાનું શરૂ કર્યું હતું.

રાહુલ તેવટિયા

(રાજસ્થાન રૉયલ્સ)

મૅચઃ ૧૪      

રનઃ ૨૫૫    

ફોરઃ ૧૩      

સિક્સરઃ ૧૭

વિકેટઃ ૧૦   

ઇકૉનૉમીઃ ૭.૦૮

રાજસ્થાન રૉયલ્સ વતી રમતા રાહુલ તેવટિયાએ પંજાબ સામે એક મૅચમાં એક જ ઓવરમાં પાંચ સિક્સર ફટકારીને સ્ટાર ઑફ ધ સીઝન બની ગયો એવું કહીએ તો જરા પણ અતિશયોક્તિ નહીં કહેવાય. ૧૪ મૅચમાં ૨૫૫ રન અને ૧૦ વિકેટ આમ બોલિંગ અને બૅટિંગ ફીલ્ડમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ સાથે રાજસ્થાનનો અભિન્ન અંગ બની ગયેલા રાહુલે બે વાર એકલા હાથે ટીમને મુસીબતમાંથી ઉગારીને જીતનો સ્વાદ ચખાડ્યો છે.

ટીમ ઇન્ડિયા માટે સ્પિનર-ઑલરાઉન્ડરના સ્થાન માટે રાહુલ તેવટિયા બેસ્ટ ઑપ્શન બનવાને સક્ષમ છે.

અર્શદીપ સિંહ

(કિંગ્સ ઇલેવન પંજાબ)

મૅચઃ ૮

ઓવરઃ ૨૪.૫        

રનઃ ૨૧૮     

વિકેટઃ ૯     

બેસ્ટઃ ૨/૧૫

ઇકૉનૉમીઃ ૮.૯૭

૨૧ વર્ષનો અર્શદીપ સિંહ આ સીઝનનો છૂપો રુસ્તમ સાબિત થયો છે. પ્રીતિ ઝિન્ટાનો ફેવરિટ બની ગયેલા અર્શદીપ માટે પ્રીતિ સતત ટ્વીટ પણ કરતી રહેતી. પંજાબ વતી ૮ મૅચમાં તેણે ૯ વિકેટ સાથે અસરકારક બોલિંગ કરીને ટીમને કટોકટી વખતે ઉપયોગી થઈ પડવાની પોતાની ક્ષમતાનું આ પરિણામ હતું. અંતિમ મૅચોમાં કિંગ્સ ઇલેવન જે પર્ફોર્મન્સ દેખાડી શક્યું એમાં અર્શદીપનો ફાળો દોથો ભરીને છે એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં કહેવાય.

શુભમન ગિલ

(કલકત્તા નાઇટ રાઇડર્સ)

મૅચઃ ૧૪ 

રનઃ ૪૪૦    

હાફ સેન્ચુરીઃ ૩     

ઍવરેજઃ ૩૩.૮૪    

હાઇએસ્ટઃ ૭૦      

ફોરઃ ૪૪     

સિક્સરઃ ૯

કલકત્તા વતી આઇપીએલની ત્રીજી સીઝન રમતા શુભમન ગિલે આ સીઝનની ૧૪ મૅચમાં ૩૩.૮૪ રનની ઍવરેજ સાથે ૩ હાફ સેન્ચુરી કરી અને ટીમ વતી હાઇએસ્ટ ૪૪૦ રન બનાવ્યા. ઇન્ટરનૅશનલ મૅચની વાત કરીએ તો શુભમન ભારતીય ટીમ વતી બે વન-ડે રમી ચૂક્યો છે, પણ એમાં ખાસ પ્રભાવશાળી રહ્યો નથી, પણ હવે સમય જતાં એ વધારે પાક બન્યો છે અને તેનું આ પાકટપણું કહે છે કે ટેસ્ટ કે વન-ડેમાં શુભમન ટીમ ઇન્ડિયા માટે એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે. સિલેક્ટરો પણ છાના ખૂણે એવું કહેતા થઈ ગયા છે.

ઇન્તહા હો ગઈ ઇન્તઝાર કી

દુનિયાભરની ટી૨૦ લીગમાં ધૂમ મચાવતા અમુક ધુરંધરોને આઇપીએલની આ સીઝનમાં ફક્ત ડગઆઉટમાં જ બેસી રહેવાનો વારો આવ્યો હતો. ઇન ફૅક્ટ, ગયા વર્ષે પર્પલ કૅપ જીતીને બેસ્ટ બોલર બન્યા પછી પણ ટીમમાં માંડ થોડાક મોકા મળ્યા. એ પ્લેયર્સ કોણ-કોણ હતા?

ક્રિસ લીન

મિચેલ મૅક્‍કલેન

સંદીપ લમિચ્ચને

ઇમરાન તાહિર

Whatsapp-channel Whatsapp-channel

08 November, 2020 06:29 PM IST | Mumbai | Dinesh Savaliya & Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK