બૉર્ડર પરની પરિસ્થિતિને નહીં ગૂંચવવા ભારતને ચીનની વૉર્નિંગ

Published: 16th October, 2014 05:45 IST

અરુણાચલમાં મૅક્મોહન રેખાની સમાંતરે રસ્તો બાંધવાની નવી દિલ્હીની યોજનાથી બીજિંગ ભડક્યું


અરુણાચલ પ્રદેશમાં મૅક્મોહન રેખાની સમાંતરે એક રોડ-નેટવર્કનું નિર્માણ કરવાની ભારતની યોજનાનો ચીને ગઈ કાલે આકરો પ્રતિભાવ આપ્યો હતો. સીમાવિવાદના ફાઇનલ સેટલમેન્ટ પહેલાં પરિસ્થિતિ ગૂંચવાય એવું કોઈ પણ પગલું ભારત નહીં ભરે એવી આશા ચીને વ્યક્ત કરી હતી.

ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા હૉન્ગ લીએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે ‘કેટલીક બાબતોની ચકાસણી કરવાની હજી બાકી છે. ભારત અને ચીન વચ્ચેનો સીમાવિવાદ અંગ્રેજોની દેન છે. આ વિવાદ ઉકેલવાની દિશામાં યોગ્ય રીતે કામ થવું જોઈએ.’

અરુણાચલ પ્રદેશના તવાંગના માગો-થિંગ્બથી ચાંગલેંગ જિલ્લાના વિજયનગર વચ્ચે આંતરરાષ્ટ્રીય સરહદની સમાંતરે એક રોડ-નેટવર્કના નિર્માણની યોજના સરકારે બનાવી હોવાનું નિવેદન કેન્દ્રના ગૃહખાતાના રાજ્યકક્ષાના પ્રધાન કિરેન રિજિજુએ તાજેતરમાં કર્યું હતું. એના અનુસંધાનમાં ચીને ઉપરોક્ત પ્રતિભાવ આપ્યો હતો.

સીમાવિવાદનો ઉલ્લેખ કરતાં હૉન્ગે એમ પણ કહ્યું હતું કે ‘ચીન-ભારત સીમાના પૂર્વીય હિસ્સા બાબતે વિવાદ ચાલી રહ્યો છે. એનું ફાઇનલ સેટલમેન્ટ થાય એ પહેલાં ભારત પરિસ્થિતિ વણસે એવું કોઈ પણ પગલું નહીં ભરે એવી અમને આશા છે.’

ચીન દ્વારા તિબેટમાં મોટા પાયે રોડ, રેલવે અને ઍર નેટવર્ક વિકસાવવામાં આવ્યું છે એનાથી ભારત ચિંતિત છે. પર્વતીય હિમાલય વિસ્તારમાં લશ્કરી દળો તથા શસ્ત્રોની હેરાફેરીમાં આ નેટવર્ક મહત્વની ભૂમિકા ભજવી શકે છે. ચીને તિબેટમાં પાંચ ઍરર્પોટ્સનું નિર્માણ કર્યું છે. વિશાળ હાઇવેઝ ઉપરાંત ચીનનું રેલવે-નેટવર્ક તો છેક સિક્કિમની બૉર્ડર સુધી વિસ્તરી ગયું છે.

અરુણાચલ પ્રદેશની બૉર્ડર નજીક આવેલા ન્યીંગ્ચી સુધી નવા રેલવે-નેટવર્કના નિર્માણની યોજના ચીન જાહેર કરી ચૂક્યું છે.

લદ્દાખમાં ઘૂસણખોરીનો મુદ્દો આજની મંત્રણામાં છવાશે

ભારત અને ચીન વચ્ચે સીમાવિવાદના ઉકેલ માટે આજે નવી દિલ્હીમાં યોજાનારી બેઠકમાં ચીની લશ્કર દ્વારા લદ્દાખમાં ગયા મહિને ત્રણ સપ્તાહ સુધી અડિંગો જમાવવાની ઘટના છવાયેલી રહેશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીની રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે ગયા મહિને યોજાયેલી મંત્રણામાં પણ મોદીએ આ બાબતે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

શું છે બૉર્ડર ડિસ્પ્યુટ?

અરુણાચલ પ્રદેશમાંના ૨૦૦૦ કિલોમીટરના વિસ્તાર પર ચીન માલિકીનો દાવો કરી રહ્યું છે, જ્યારે સીમાના પશ્ચિમી ભાગનો આશરે ૪૦૦૦ કિલોમીટર વિસ્તાર વિવાદનો હિસ્સો હોવાનો આગ્રહ ભારતનો છે. આ માટે બન્ને દેશો વચ્ચે મંત્રણાના ૧૭ રાઉન્ડ યોજાઈ ચૂક્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ વચ્ચે તાજેતરની ભારતયાત્રામાં પણ આ મુદ્દો ચર્ચાયો હતો.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK