સેવાભાવી માર્ક ઝકરબર્ગને દરવાજેથી હટાવીને ટ્રાઇએ ઇન્ટરનેટ-યુઝર્સને બંધુઆ ગ્રાહક બનવાથી મુક્તિ આપી

Feb 13, 2016, 07:00 IST

ફેસબુક ને બીજી ટેલિકૉમ કંપનીઓની તાકાત એટલીબધી છે કે વિશ્વના મોટા  ભાગના દેશો માર્ક ઝકરબર્ગના પગમાં પડી ગયા છે. ફેસબુકની માર્કેટ-વૅલ્યુ જગતના ૧૪૪ દેશોના કુલ ઉત્પાદન (GDP) કરતાં વધુ છે. આજે જગતમાં એક અબજ જેટલી વેબસાઇટ છે અને સાડાત્રણ અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે જેમાં ૪૦ કરોડ ભારતીયો છે

સેવાભાવી માર્ક ઝકરબર્ગને દરવાજેથી હટાવીને ટ્રાઇએ ઇન્ટરનેટ-યુઝર્સને બંધુઆ ગ્રાહક બનવાથી મુક્તિ આપીકારણ-તારણ - રમેશ ઓઝા

ટેલિકૉમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (TRAI-ટ્રાઇ)એ નેટ ન્યુટ્રાલિટીનો સિદ્ધાંત અપનાવીને બતાવી આપ્યું છે કે ભારતમાં હજી કેટલીક સંસ્થાઓ એવી છે જે મજબૂત કરોડરજ્જુ ધરાવે છે. ટ્રાઇનો નિર્ણય આખા જગતના ઇન્ટરનેટ-યુઝર્સને આઝાદી આપનારો છે. અહીં નીતિની જગ્યાએ સિદ્ધાંત શબ્દ એટલા માટે વાપર્યો છે કે ફેસબુકના સ્થાપક અને માલિક માર્ક ઝકરબર્ગે તેમની ફ્રી બેઝિકની માગણીને સિદ્ધાંતનું સ્વરૂપ આપ્યું હતું જે વાસ્તવમાં ચાલાકી હતી.

ફેસબુક અને બીજી ટેલિકૉમ કંપનીઓની તાકાત એટલીબધી છે કે વિશ્વના મોટા ભાગના દેશો માર્ક ઝકરબર્ગના પગમાં પડી ગયા છે. ફેસબુકની માર્કેટ-વૅલ્યુ જગતના ૧૪૪ દેશોના કુલ ઉત્પાદન (GDP) કરતાં વધુ છે. આજે જગતમાં એક અબજ જેટલી વેબસાઇટ છે અને સાડાત્રણ અબજ લોકો ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે જેમાં ૪૦ કરોડ ભારતીયો છે. ખાસ મહત્વની વાત એ છે કે ગયા વર્ષે ભારતમાં ઇન્ટરનેટ-યુઝર્સની સંખ્યામાં આગલા વર્ષની તુલનાએ ૪૯ ટકાનો વધારો થયો હતો. આ દરે આવતાં ૧૦ વર્ષમાં ભારત ક્યાં હશે એની કલ્પના કરવી મુશ્કેલ નથી.

આ સ્થિતિમાં માર્ક ઝકરબર્ગ ફેસબુકને ગેટકીપર તરીકે સ્થાપિત કરવા માગે છે. મોટા ભાગના દેશોમાં તો તેમને ગેટકીપર તરીકે પ્રવેશ મળી ગયો છે. માર્કના મહાન સિદ્ધાંતને ફગાવી દેનારા માંડ દોઢ-બે ડઝન દેશો છે જેમાં ભારત એક છે. આને માટે ટ્રાઇને અને ટ્રાઇના પડખે ઊભા રહેલા કેન્દ્રના ટેલિકૉમ ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદને અભિનંદન આપવાં જોઈએ. ભારતમાં ગેટકીપર તરીકે પ્રવેશ મેળવવા ફેસબુકે ૪૦૦ કરોડ રૂપિયા ઍડ્વર્ટાઇઝમેન્ટ પાછળ ખચ્ર્યા હતા. ગયા વર્ષના અંતમાં તેઓ વડા પ્રધાનને અમેરિકામાં મળ્યા હતા. એ પછી ગયા મહિને તેઓ ભારત આવ્યા હતા અને ભારતીય અખબારોમાં ફ્રી બેઝિક શા માટે એની વકીલાત કરતા સાઇન્ડ આર્ટિકલ્સ લખ્યા હતા. ગેટકીપરનું સ્થાન કેટલું મહત્વનું છે એનો આના પરથી ખ્યાલ આવે છે. ગેટકીપર હરીફની એન્ટ્રી અટકાવી શકે છે, જેમ ટેલિવિઝન પર ડિશ ટીવીવાળા (ટાટા સ્કાય, ડિશ ટીવી, ઇન કેબલનેટ વગેરે)ઓ ગેટકીપર તરીકે કામ કરીને ચૅનલોના પ્રસારણને ધારે તો અટકાવી શકે છે.

નેટ ન્યુટ્રાલિટી શું છે એ પહેલાં ફ્રી બેઝિક શું છે એ સમજી લઈએ. એ પછી નેટ ન્યુટ્રાલિટી આપોઆપ સમજાઈ જશે. માર્ક ઝકરબર્ગની દલીલ એવી હતી કે જે લોકો ઇન્ટરનેટના વિશ્વમાં પ્રવેશ ઇચ્છતા હોય તેમને મફતમાં કોઈ પણ પ્રકારની શરત વિના પ્રવેશ આપવો જોઈએ. જેમ કે કોઈને શિર્ડીના સાંઈબાબાનાં દર્શન શિર્ડી જઈને કરવાં હોય તો શિર્ડી સુધી પહોંચવાનું કોઈ પણ પ્રકારનું ભાડું કોઈ પાસેથી લેવામાં ન આવે, પછી એ રાજા હોય કે રંક. અહીં સુધી તો જાણે ઠીક છે, પરંતુ એ પછી સવાલ આવે છે સાંઈબાબાનાં દર્શન કરવાનો. માર્ક ઝકરબર્ગ કહે છે કે એ પછી આગળની યાત્રા ગજવાની તાકાત પર નિર્ભર કરે છે. હજારની પાવતી, પાંચસોની પાવતી, બસોની પાવતી ફડાવીને સાંઈબાબાનાં દર્શન થઈ શકે છે. હવે કોઈ એમ કહે કે મારે એક પણ રૂપિયો ખર્ચવો નથી અને ભલે લાંબી લાઇનમાં ઊભા રહેવું પડે, પણ મફતમાં સાંઈબાબાનાં દર્શન કરવાં છે તો? માર્ક ઝકરબર્ગ કહે છે કે એ શક્ય નથી. અમે તમને પુણ્યભૂમિ શિર્ડી સુધી મફત અમારા ખર્ચે લઈ આવ્યા એ ઓછું છે? તમારે રહેવું હોય એટલો સમય શિર્ડીમાં રહી શકો છો, પુણ્યભૂમિમાં જેકોઈ મફત સુવિધા ઉપલબ્ધ હોય (સુલભ શૌચાલય, સદાવ્રત વગેરે)નો ઉપયોગ તમે કરી શકો છો, પણ સાવ મફતમાં તો અમે તમને અહીંથી આગળ લઈ જઈને બાબાનાં દર્શન કેવી રીતે કરાવીએ?

દલીલ આકર્ષક છે, પરંતુ એ વેપારીની દલીલ છે, સમાજસેવકની નથી. માત્ર દેખાવ સમાજસેવાનો છે. શિર્ડી પહોંચવા સુધી તમે શ્રદ્ધાળુ યાત્રી છો અને ફેસબુક સાંઈબાબા મિત્ર મંડળ જેવી ભાવિકોની સેવા કરનારી સંસ્થા છે, પરંતુ જેવા તમે શિર્ડી પહોંચી જાઓ કે તરત તમે ભાવિકમાંથી ગ્રાહક બની જવાના. અહીં શિર્ડીનું ઉદાહરણ એટલા માટે આપ્યું કે ધર્મના ધંધામાં પણ ભાવિકોને આ જ રીતે ભોળવવામાં અને ભેરવવામાં આવે છે. જો આજના યુગનું ઉદાહરણ આપવું હોય તો મૉલમાં કરાતા વિન્ડો-શૉપિંગનું આપી શકાય. મૉલમાં મફત પ્રવેશ મળે છે અને તમે ધરાઓ ત્યાં સુધી મફતમાં વિન્ડો-શૉપિંગ કરી શકો છો. મૉલમાં કરોડોની કિંમતના શોરૂમ ધરાવનારી કંપનીઓને ખાતરી છે કે એક વાર વિન્ડો શૉપિંગ કરનાર માણસ આજે નહીં તો કાલે કોઈ ને કોઈ જગ્યાએ ઍક્ચ્યુઅલ શૉપિંગ કરવાનો જ છે. રેબનનાં ગૉગલ્સ મૉલમાંથી ખરીદે કે લાલબાગની નાનકડી દુકાનેથી, રેબનને શો ફરક પડે છે? ઍર-કન્ડિશન્ડ મૉલમાં આખો દિવસ વિતાવી શકો છો, ધરાઈને વિન્ડો-શૉપિંગ કરી શકો છે, પણ એ પછીની યાત્રા ગજવાની તાકાત પર નિર્ભર રહે છે.

ટ્રાઇએ કહી દીધું છે કે આ રમત નહીં ચાલે. તમે શું આપવાના છો એનું પૅકેજ સ્પક્ટ કરો અને બીજા પણ જો કોઈ ઑફર કરવા માગતા હોય તો તેઓ પણ કરી શકે છે. ભાણે બેસાડવાની જરૂર નથી, કેટલા રૂપિયામાં શું પીરસવાના છો એ યાત્રા પહેલાં જ સ્પક્ટ કરી દો અને એ તક બીજાને પણ મળી શકે છે. સબૈ ભૂમિ ગોપાલ કી. જેને જેટલા રૂપિયામાં સાંઈબાબાનાં દર્શન કરાવવાં હોય એ કરાવી શકે છે. દરેકનાં સુવિધાના આધારે સસ્તાં-મોંઘાં પૅકેજ હોઈ શકે છે, પરંતુ ફ્રી બેઝિકની સેવાના નામે ભાવિકને બંધુઆ ગ્રાહક (કૅપ્ટિવ પોટેન્શિયલ કસ્ટમર) બનાવવાની રમત નહીં ચાલે. આ શકવર્તી નિર્ણય છે અને ટ્રાઇએ ભારતની પ્રજા પર ઉપકાર કર્યો છે. ઉપકાર એટલા માટે કે આ જ ટ્રાઇ મોબાઇલ ઑપરેટરોના ઇશારે નંબર ર્પોટેબિલિટી લાગુ કરવામાં ઠાગાઠૈયા કરતી હતી. ટ્રાઇમાં ભ્રક્ટાચાર ઓછો નથી, પરંતુ એના નવા અધ્યક્ષ આર. એસ. શર્મા જુદી માટીના છે. આ ઉપરાંત નેટિઝન ઍક્ટિવિઝમ પણ ભારતમાં વિકસ્યું છે જેણે માર્ક ઝકરબર્ગ અને તેના સમર્થકોને જડબાતોડ દલીલો દ્વારા ઉઘાડા પાડ્યા હતા. આ સ્થિતિમાં કંઈક અંશે ટ્રાઇ માટે નેટ ન્યુટ્રાલિટીની વિરુદ્ધ નિર્ણય લેવો એટલો આસાન પણ નહોતો.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK