ભારત-પાકિસ્તાન વચ્ચે પરમાણુ યુદ્ધ થશે તો 10 કરોડ લોકોનાં મોત થશે

Published: Oct 04, 2019, 11:38 IST | વૉશિંગ્ટન

અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીએ એક સંશોધનમાં દાવો કર્યો કે...૨૦૨૫ સુધીમાં ભારત અને પાકિસ્તાન પાસે ૪૦૦થી ૫૦૦ પરમાણુ હથિયાર હશે : કાશ્મીરના મુદ્દે સરહદે ઘર્ષણ ચાલુ રહેશે તો એ યુદ્ધમાં ફેરવાઈ જશે

ઈમરાન ખાન
ઈમરાન ખાન

કાશ્મીરના મુદ્દે પાકિસ્તાન એકથી વધુ વખત પરમાણુ યુદ્ધની ધમકી આપી ચૂક્યું છે. હવે અમેરિકાની એક યુનિવર્સિટીએ પોતાના સંશોધનમાં દાવો કર્યો છે કે બન્ને દેશો વચ્ચે જો પરમાણુ યુદ્ધ થશે તો ૧૦ કરોડ લોકો મોતને ભેટશે.

અમેરિકાની રટગર્સ યુનિવર્સિટીએ પોતાના એક સંશોધનમાં આ દાવો કર્યો છે. રિપોર્ટ પ્રમાણે જમ્મુ-કાશ્મીરના મુદ્દાને લઈને પાકિસ્તાનમાં બેઠેલા આતંકવાદીઓ ભારત પર વધુ હુમલા કરી શકે છે, જેનું નિશાન ભારતની સંસદ પણ બની શકે છે. ૨૦૨૫ સુધીમાં કાશ્મીર મુદ્દે બન્ને દેશો વચ્ચેનો ગજગ્રાહ ચરમસીમાએ હશે.

આતંકવાદી હુમલાનો જવાબ આપવા માટે ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી કરશે. આ કાર્યવાહી પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં પણ થઈ શકે છે. એ પછી બન્ને દેશો વચ્ચે સૌથી મોટું યુદ્ધ ફાટી નીકળી શકે છે.

રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન પાસે હાલમાં ૧૫૦ પરમાણુ હથિયાર છે. ૨૦૨૫ સુધીમાં આ સંખ્યા વધીને ૨૦૦ સુધી પહોંચી શકે છે. બન્ને દેશો પાસે કુલ ૪૦૦થી ૫૦૦ પરમાણુ શસ્ત્રો હશે. જો યુદ્ધ પરમાણુ યુદ્ધમાં ફેરવાશે તો બન્ને પક્ષે ૧૦ કરોડ લોકો મોતને ભેટશે.

આ રિપોર્ટ લખનાર ઍલન રોબોક કહે છે કે કાશ્મીર મુદ્દે બન્ને દેશો વચ્ચે સરહદ પર ઘર્ષણ ચાલુ જ છે અને એ યુદ્ધમાં ફેરવાઈ શકે એવી સંભાવના છે. બીજા વિશ્વયુદ્ધમાં ૮ કરોડ લોકો મોતને ભેટ્યા હતા, પણ આ યુદ્ધ થયું તો મોતને ભેટનારા લોકોની સંખ્યા ૧૦ કરોડથી વધુ હશે. દુનિયાના મોટા દેશોએ આ બાબતે ધ્યાન આપવાની જરૂર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK