Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ભારત મારો દેશ છે? અને બધા ભારતીયો મારાં ભાઈબહેન છે?

ભારત મારો દેશ છે? અને બધા ભારતીયો મારાં ભાઈબહેન છે?

26 January, 2020 05:27 PM IST | Mumbai Desk
dinkar joshi

ભારત મારો દેશ છે? અને બધા ભારતીયો મારાં ભાઈબહેન છે?

ભારત મારો દેશ છે? અને બધા ભારતીયો મારાં ભાઈબહેન છે?


‘ભારત મારો દેશ છે. બધા ભારતીયો મારાં ભાઈબહેન છે.

હું મારા દેશને ચાહું છું અને એના સમૃદ્ધ અને વૈવિધ્યપૂર્ણ વારસાનો મને ગર્વ છે. હું સદાય એને લાયક બનવા પ્રયત્ન કરીશ.
હું મારાં માતાપિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ અને દરેક જણ સાથે સભ્યતાથી વર્તીશ.
હું મારા દેશ અને દેશબાંધવો પ્રત્યે વફાદારી રાખવાની પ્રતિજ્ઞા લઉં છું. તેમનાં કલ્યાણ અને સ્મૃદ્ધિમાં જ મારું સુખ સમાયેલું છે.’
૧૮થી ૬૦ વરસના વયજૂથમાં આપણા દેશની વસ્તી ૬૫ કરોડની છે. આ ૬૫ કરોડ લોકોમાં જેમણે અક્ષરજ્ઞાન લીધું છે એવા ૫૦ કરોડ લોકો હશે એવો અંદાજ બાંધી શકાય. આ ૫૦ કરોડ લોકોએ પ્રાથમિક શાળાના પહેલા ધોરણથી માંડીને ૧૦મા ધોરણ સુધી અભ્યાસ કર્યો હોય તો લગભગ બે હજાર વાર ઉપરનાં વાક્યો રોજ સવારે કડકડાટ બોલ્યાં હશે. ઉપરનો પ્રતિજ્ઞા પત્ર સ્કૂલના પાઠ્યપુસ્તકમાં પહેલા પૃષ્ઠ પર જ છાપવામાં આવે છે. સ્કૂલનો વર્ગ શરૂ થાય એ પહેલાં જ આ પ્રતિજ્ઞા પત્ર તમામ વિદ્યાર્થીઓએ વાંચવો ફરજિયાત છે. વરસના ૩૬૫ દિવસ પૈકી શૈક્ષણિક દિવસો ૨૦૦ જેટલા હોય એવું અનુમાની લઈએ તો દસ વરસના શિક્ષણકાળ દરમિયાન એક વિદ્યાર્થી આ પ્રતિજ્ઞા પત્ર બે હજાર વાર બોલે. બે હજાર વાર આ પ્રતિજ્ઞા પત્ર બોલેલી લગભગ ત્રણ પેઢી દેશના નાગરિકો તરીકે સ્થાન પામી છે. ઉપરની પ્રતિજ્ઞા આ ત્રણ પેઢી પૈકી કેટલાને આજે યાદ હશે એ આપણે જાણતા નથી.
પણ આ જાણવા જેવી વાત છે. આ પ્રતિજ્ઞા પત્ર બોલાવતી વખતે કેટલા શિક્ષકોએ વિદ્યાર્થીઓને સમજણ આપી હશે એ આપણે જાણતા નથી. શિક્ષકોએ સમજણ આપી હશે તો કેટલા વિદ્યાર્થીઓ એ સમજ્યા હશે એ પણ આપણે જાણતા નથી. બે હજાર વાર આ પ્રતિજ્ઞા કડકડાટ બોલી ગયેલી આ ત્રણ પેઢીઓ પૈકી કેટલા જણ આજે આ પ્રતિજ્ઞાનો ભાવાર્થ અમલમાં મૂકી રહ્યા હશે એનું અનુમાન તારવી શકાય એમ નથી.
પણ આ અનુમાન તારવવા માટે બહુ પરિશ્રમ કરવો પડે એમ નથી. કોઈ પણ એક દિવસનું દૈનિક અખબાર હાથમાં લઈ લો. આ અખબારનાં માત્ર મથાળાં વાંચી લો. આ મથાળાંને પેલી પ્રતિજ્ઞા સાથે સરખાવી જુઓ. જેમણે બે હજાર વાર આ પ્રતિજ્ઞા લીધી છે તેમણે આ પ્રતિજ્ઞાના શબ્દોને કેટલી હદે સાર્થક કર્યા છે એનો અંદાજ આવી જશે.
બેલગામનો સમાવેશ મહારાષ્ટ્રમાં થાય કે કર્ણાટકમાં એ મુદ્દે ૫૦ વરસ પછી પણ પુરુષાતન શમ્યું નથી. ચૂંટણી, સર્વોચ્ચ અદાલત, લવાદ આ બધા માર્ગો અપનાવ્યા પછી પણ ‘ભારત મારો દેશ છે’ એ વાત આપણે સમજી કે સમજાવી શક્યા નથી. કાવેરી નદીનાં પાણી કયા રાજ્યને કેટલાં મળે એ મુદ્દે નદી કાંઠે તામિલનાડુ અને કર્ણાટકે લશ્કરો ઉતારવાનાં જ બાકી રાખ્યાં છે. આસામમાં બંગાળીઓને કે મહારાષ્ટ્રમાં ઉત્તર ભારતીયોને પ્રવેશ કરતા રોકવા માટે સેનાઓની રચના કરવામાં આવે છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સરકારી હિસાબે અને જોખમે વરસો સુધી ‘ભણ્યા કરતા વિદ્યાર્થીઓ’ હમે ચાહિએ આઝાદી એવા નારા ગજાવે ત્યારે એ પ્રશ્ન થાય છે કે તેમને કઈ આઝાદી જોઈએ છે?
૭૦ વરસ પછી પણ હજી દેશને રાષ્ટ્રભાષા નથી મળી. બે હજાર વરસ સુધી પગ મૂકવા જેટલી સ્વતંત્ર ભૂમિ જેમની પાસે નહોતી એ યહૂદીઓએ ૧૯૪૯માં ઇઝરાયલ મેળવ્યું અને માતૃભાષા હિબ્રૂને રાષ્ટ્રભાષા બનાવી દીધી. આ હિબ્રૂ બે હજાર વરસ સુધી દુનિયાભરમાં આશ્રયની શોધ કરતી ભટકતી હતી. આ હિબ્રૂને યહૂદીઓએ એનું મૂળ સ્થાન કોઈ પણ જાતના વિરોધ વિના આપી દીધું. આજે ઇઝરાયલમાં તમામ નાગરિકો હિબ્રૂ ભાષા બોલે છે, સાંભળે છે અને લખે પણ છે. આપણી હિન્દી હજી રાષ્ટ્રભાષા બની નથી અને માત્ર રાજભાષા તરીકે પોતાનું મોં સંતાડી રહી છે.
અહીં થોડીક વાર આપણે સંસ્કૃતને યાદ કરી લઈએ. સંસ્કૃત ગિર્વાણ ગિરા કહેવાય છે. ગિર્વાણ ગિરા એટલે દેવોની ભાષા. આ દેવોની ભાષા એટલે આપણા પૂર્વજોની ભાષા. આ પૂર્વજોની ભાષાને હવે આજે આપણે મૃત ભાષા કહીએ છીએ. પૂર્વજોની ભાષા જો મૃત થશે તો પછી આપણે કેવી રીતે જીવંત રહી શકીશું? હિન્દી સામે રાજકીય કારણોસર કેટલાંક રાજ્યોને અને રાજ્યોથીયે અધિક રાજકારણીઓને વિરોધ હોય એ સમજી શકાય એવું છે. આ સંજોગોમાં સંસ્કૃતને હિબ્રૂની જેમ જ રાષ્ટ્રભાષાનો દરજ્જો ન આપી શકાય?
એવું નથી કે દેશમાં બધું વેરવિખેર થઈ ગયું છે. ૧૯૬૨, ૧૯૬૫ અને ૧૯૭૧ ચીન અને પાકિસ્તાન સાથેના યુદ્ધ વખતે કન્યાકુમારીથી કાશ્મીર અને દ્વારકાથી જગન્નાથપુરી સુધી દેશ એક હતો. આ એકત્વમાં ક્યાંક છીંડાં જરૂર હતાં અને આ છીંડાંને પૂરવા માટે દેશે ક્યાંક બેવડી લડત પણ કરવી પડી હતી, પણ એકંદરે એકજુટ થઈને લડ્યો હતો.
આતંકવાદ અમાનવીય છે એનો સ્વીકાર આખી દુનિયાએ કર્યો છે અને છતાં આતંકવાદે આખી દુનિયાનો ભરડો લીધો છે. ભારત ફરતો પણ આતંકવાદનો ગાળિયો કસાયેલો છે. ભારતનો આતંકવાદ દુનિયાના આતંકવાદથી એક રીતે જુદો પડે છે. દુનિયાભરના દેશો જ્યાં આતંકવાદ પ્રસરેલો છે ત્યાં સરકાર અને પ્રજા એકસાથે આતંકવાદનો વિરોધ કરે છે. ભારતમાં પરિસ્થિતિ સહેજ જુદી છે. સરકાર આતંકવાદ સામે લડે છે, પૂરી તાકાતથી લડે છે; પણ પ્રજા સો ટકા આ લડાઈમાં સરકાર સાથે નથી. આપણા દેશમાં એક સ્લીપર સેલ છે. આ સ્લીપર સેલ આતંકવાદ સાથે છે એ ભારે જોખમી વાત છે, પણ આ જોખમ વચ્ચેથી આતંકવાદ સામે લડ્યા વિના સરકારને ચાલવાનું નથી. સરકારની આ લડાઈમાં માત્ર સ્લીપર સેલ જ અવરોધક નથી, દુનિયાના કોઈ દેશમાં આતંકવાદ સામેની લડાઈમાં સેક્યુલરિઝમ નામે અવરોધો નડતા નથી. હિન્દુસ્તાનમાં આ કહેવાતો સેક્યુલરિઝમ પણ આતંકવાદ સાથે હાથ મેળવે ત્યારે લડાઈ કપરી થઈ જાય.
આપણા દેશમાં આતંકવાદી કસબને પણ માનવીય અધિકાર મળે છે. નિર્ભયા પર અમાનવીય બળાત્કાર કરનારા રાક્ષસોને પણ માનવી માનવામાં આવે છે. રાક્ષસ અને મનુષ્ય આ બે ભિન્ન પ્રજાતિઓ છે અને આ ભિન્નતાને કારણે તેમની સાથેનો વહેવાર પણ એકસરખો ન હોય એ આપણી સુપ્રીમ કોર્ટ સુધ્ધાં ભૂલી જાય છે. પરિણામે અપરાધ સિદ્ધ થાય, સજા અપાઈ ચૂકે એ પછી પણ વરસો સુધી એનો અમલ થઈ શકતો નથી. પ્રજાસત્તાક પર્વની આ ૭૦મી વરસગાંઠ નિમિત્તે આપણું શાસકીય તો ઠીક પણ કાયદાકીય માળખું પોતાનું આત્મનિરીક્ષણ કરે તો સારી વાત છે.
શાસકીય માળખા તરીકે આપણે લોકશાહી પ્રણાલિકા સ્વીકારી છે. લોકશાહીની સૌથી મજબૂત કડી પ્રજાકીય શાસન છે અને સૌથી નબળી કડી પણ પ્રજાકીય શાસન જ છે. અહીં દરેક માણસ સરખો છે એવી એક ભ્રામક માન્યતા સ્વીકારવામાં આવી છે. દરેક માણસ ક્યારેય સરખો હોઈ શકે નહીં. લોકશાહીમાં આ નબળી કડીનો બળુકા અને જોરુકા માણસો ગેરલાભ લે છે. પરિણામે આ જોરુકા જણ લોકશાહીને પોતાના પેટમાં પધરાવી દે છે. નબળા માણસો બે ટંક રોટલાના પણ અધિકારી થતા નથી. મતાધિકારના નામે જે લૂંટફાટ અને બદમાશી થાય છે એ આપણાં બાળકોએ દસ વરસ સુધી ઉપરની જે મોંપાઠનું રટણ કર્યું હોય છે એને નિરર્થક કરી નાખે છે.
પ્રજાસત્તાક પર્વની આજે ૭૦મી વરસગાંઠ છે. આજે ધ્વજવંદન કરીએ – ‘ઝંડા ઊંચા રહે હમારા’નું ગાન કરીએ પણ એટલાથી પર્વની સમાપ્તિ ન કરીએ, થોડીક વિચારણા પણ કરીએ.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2020 05:27 PM IST | Mumbai Desk | dinkar joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK