Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > હવાનું પ્રદૂષણ ઘટાડવા વૈશ્વિક વિકલ્પોમાંથી ભારતે શું શીખવા જેવું છે?

હવાનું પ્રદૂષણ ઘટાડવા વૈશ્વિક વિકલ્પોમાંથી ભારતે શું શીખવા જેવું છે?

03 November, 2019 01:25 PM IST | મુંબઈ
રુચિતા શાહ

હવાનું પ્રદૂષણ ઘટાડવા વૈશ્વિક વિકલ્પોમાંથી ભારતે શું શીખવા જેવું છે?

પ્રદૂષણ નાથવાના ઉપાય કરવા જરૂરી

પ્રદૂષણ નાથવાના ઉપાય કરવા જરૂરી


હવાના પ્રદૂષણ પર નિયંત્રણ લાવવા ચીનની જેમ સુરતમાં ઍર પ્યૉરિફાયર ટાવર લગાડવાની તજવીજ શરૂ થઈ ગઈ છે. ૫૦૦ મીટરના પરિઘ પર દસ મીટર પહોળો અને ૨૪ મીટર ઊંચો ટાવર હશે. જેમાં ૨૫ હોર્સ પાવરના મશીન લગાવવામાં આવશે અને ૩૦ હજાર ક્યુબિક મીટરના એરિયાની હવાને સાફ કરવાનું કામ એ કરશે અને લગભગ એક લાખ કરતાં વધુ લોકોને શુદ્ધ હવા મળી શકશે. લગભગ દોઢ કરોડના ખર્ચે બનનારા આ ટાવર માટે ચીનથી નિષ્ણાતો બોલાવવાની તૈયારી પણ થઈ ગઈ છે. સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાં હવાનાં રજકણો (પર્ટિક્યુલેટ મેટર)ની માત્રા ૧૬૦થી વધુ આંકવામાં આવી છે જે ૬૦થી નીચે હોવી જોઈએ. સુરત જેવી જ અને ક્યાંક તેનાથી પણ બદતર હાલત અમદાવાદ, મુંબઈ અને અત્યારે અૅર પૉલ્યુશનમાં સૌથી મોખરે રહેલા દિલ્હીમાં છે. સુરત જ નહીં પણ હવે આવા કીમિયાઓ દેશભરમાં અજમાવવા પડશે. એ સિવાય ચાલશે જ નહીં. આજે અૅર પૉલ્યુશન આખા વિશ્વ સામે યક્ષ પ્રશ્ન બની ચૂક્યો છે. વર્લ્ડ હેલ્થ ઑર્ગનાઇઝેશન કહે છે કે વાયુ પ્રદૂષણ વિશ્વનું સૌથી મોટું એન્વાયર્નમેન્ટલ હેલ્થ રિસ્ક છે અને દર વર્ષે લગભગ ૭૦ લાખ લોકોનાં મૃત્યુ પાછળ તે જવાબદાર છે ત્યારે માત્ર ઓડ-ઇવન કે પ્રદૂષણ ઓછું કરોના નારાઓ લગાવવાથી કામ નહીં થાય. નવું વિચારવું પડશે, નવું અપનાવવું પડશે. આજે વિશ્વમાં ઍર પૉલ્યુશનને કન્ટ્રોલમાં રાખવા માટે કેવા નવા
નક્કર-કીમિયાઓ અપનાવવાનું શરૂ થઈ ગયું છે એના પર નજર નાખીએ.
જંગલવાળું શહેર
જેટલી ગ્રીનરી વધારે એટલી હવા શુદ્ધ આ હકીકત નાનાં બાળકોને પણ ખબર છે. જોકે શહેરીકરણની લાયમાં જંગલોને આપણે ખતમ કરી નાખ્યા. ગ્રીનરી ઘટી ગઈ. જોકે હવે આ ગ્રીનરીને પાછી લાવવા માટે વર્ટિકલ ગાર્ડન્સનો કૉન્સેપ્ટ ખૂબ પૉપ્યુલર થયો છે. એવી કંપનીઓ આવી ગઈ છે જે તમને નાનકડી જગ્યામાં પણ ગાઢ જંગલો જેવી ઇફેક્ટ આપી શકે છે. છ ગાડી રાખી શકો એટલી જગ્યામાં ૩૦૦ જેટલાં ઝાડ વાવી શકાય એવા પર્યાયો ઉપલબ્ધ છે.
દીવાલો, બિલ્ડિંગ અને છાપરું ધુમાડો ખાય છે
૨૦૧૪માં કેલિફોર્નિયા યુનિવર્સિટીના રિસર્ચરોએ એવા પ્રકારની દીવાલો અને છાપરાંની ટાઇલ્સ વિકસાવી છે જે પ્રદૂષણને હરે છે. જ્યારે ઊંચા ઉષ્ણતામાને કોઈ પણ ખનિજ તેલને બાળવામાં આવે ત્યારે તે નાઇટ્રોજન ઑક્સાઇડ નામનું કેમિકલ પ્રોડ્યુસ કરે છે. સૂર્યના પ્રકાશમાં આ નાઇટ્રોજન ઑક્સાઇડનું રાસાયણિક ક્રિયા દ્વારા ધુમાડામાં રૂપાંતરણ થાય છે, પરંતુ નાઇટ્રોજન ઑક્સાઇડ જો ટિટેનિયમ ડાયોક્સાઇડ સાથે ભળે અને એમાં થનારી રાસાયણિક પ્રક્રિયામાંથી જે બાયપ્રોડક્ટ મળે છે એ તદ્દન હાર્મલેસ છે. દીવાલો અને ઘરની સિલિંગની ટાઇલ્સમાં ટિટેનિયમ ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પ્રદૂષણને ૮૮ ટકા સુધી ઘટાડી શકાય છે. કલરમાં પણ જો આ કેમિકલ ભેળવવામાં આવે તો પણ તે ઍર પૉલ્યુશનને કન્ટ્રોલમાં રાખી શકે છે. મેક્સિકોમાં આ પ્રયોગ શરૂ પણ થઈ ગયો છે. મેક્સિકોની સરકારે હૉસ્પિટલની દીવાલો પર ટિટેનિયમ ડાયોક્સાઇડના રંગોનું કોટિંગ કરવાનું શરૂ પણ કરી દીધું છે. આ જ કૉન્સેપ્ટ પર કામ કરતી બિલ્ડિંગો બનવાની પણ શરૂ થઈ છે.
આ વૅક્યુમ ક્લીનર હવાને પણ શુદ્ધ કરે છે
વૅક્યુમ ક્લીનર માત્ર ઘરના કચરાને સાફ નથી કરતું પણ જો ધારવામાં આવે તો એ હવાની શુદ્ધિનું કામ પણ કરી શકે છે. નેધરલૅન્ડ્સમાં રોટર ડૅમ કરીને એક પાર્ક આવેલો છે. તેની ખાસિયત એ છે કે અહીં ૨૩ ફુટ ઊંચી એક બિલ્ડિંગ જેવું સ્ટ્રક્ચર છે જેનું કામ છે હવાને ક્લીન કરવાનું. આ વૅક્યુમક્લીન પ્રદૂષિત હવાને ગ્રહણ કરી લે છે અને તેના બદલામાં પૉઝિટિવલી ચાર્જ્ડ પાર્ટિકલ્સ હવામાનમાં છોડે છે અને જેમ લોખંડ મૅગ્નેટ તરફ આકર્ષાય છે એમ જ પૉઝિટિવલી ચાર્જ્ડ પાર્ટિકલ્સ ચેમ્બરના ઇલૅક્ટ્રોડ્સ તરફ આકર્ષાય છે જેનું કેમિકલ રિઍક્શન વાતાવરણમાં શુદ્ધ હવા ફેંકે છે. આ ઍર પ્યોર કરતાં વૅક્યુમક્લીનરથી હવાના પ્રદૂષણમાં ૬૦ ટકાનો ઘટાડો નોંધાયો હતો.
હવાના પ્રદૂષણ પર વૉચ રાખશે કબૂતરો
કબૂતરોનો જાસૂસ તરીકે અને પ્રેમનો સંદેશો લઈ જનારા વાહકો તરીકે ઉપયોગ થયો હોય એ તમારા ધ્યાનમાં હશે, પરંતુ કબૂતર હવે ઍર ક્વૉલિટી પર નજર રાખી શકે એવી વ્યવસ્થાઓ પણ વિશ્વના ફલક પર થઈ ચૂકી છે. લંડનમાં આવું જ એક પિજન સ્ક્વૉડ બનાવાયું છે જેના પર અૅર સેન્સર લગાવવામાં આવેલું હોય. ફાસ્ટેસ્ટ ઊડી શકનારા કબૂતરો શહેરનું એક ચક્કર લગાવે ત્યારે જે-તે જગ્યાની અૅર ક્વૉલિટી અૅર સેન્સરમાં રજિસ્ટર થઈ ગઈ હોય. આ કાર્ય માટે કબૂતરોના ખાસ બૅક-પૅક બનાવાયા છે જેના પર સેન્સર હોલ્ડ કરવામાં આવે.
હવાના પ્રદૂષણમાંથી બનાવી શાહી
હવાનાં પ્રદૂષણમાં રહેલા કેટલાક પર્ટિક્યુલેટ પાર્ટિકલ્સ લઈને એમાંથી શાહી બનાવી છે. કાલ ઇન્ક નામની ટેક્નૉલૉજી દ્વારા હવાનાં હાનિકારક તત્ત્વો ખેંચી લેવામાં ૯૯ ટકા સફળતા મળે છે એવો દાવો આ ટેક્નૉલૉજીના ડેવલપરો કરી રહ્યા છે. ડીઝલ જનરેટર, કાર ટેઇલ પાઇપ્સ અને ઑઇલ પ્લાન્ટની ચીમનીમાં ફિટ કરી શકાય એવા ડિવાઇસ હોય છે. હવાના પર્ટિક્યુલેટ મેટરને વિશેષ યુનિટમાં સ્ટોર કરીને તેને અનેક આર્ટ પ્રોજેક્ટમાં ઉપયોગમાં લેવાય છે. ૨૫ કલાકના કાર ડ્રાઇવિંગમાં ૧.૫ લિટર ઇન્ક બની શકે છે.
આખેઆખું ટાવર ઍર-પ્યૉરિફાયર
સુરતમાં જેને બનાવવાના છે એ ઍર-પ્યૉરિફાયર બિલ્ડિંગ આવનારા સમયમાં બહુ મોટી ઇન થિંગ બનવાનું છે. ઘરના એક ખૂણામાં પડ્યું રહેતું નાનકડું ઍર-પ્યૉરિફાયર માત્ર ઘરને સાફ કરે છે પરંતુ એની સામે ૩૦ ફુટની ઊંચાઈ ધરાવતું મસમોટું ટાવર જેવું ઍર-પ્યૉરિફાયર આખા એરિયાને સાફ કરે તો કેવું. ચીનના બીજિંગમાં આ પ્રકારનું ઍર-પ્યૉરિફાયર ઓલરેડી ઇન્સ્ટોલ થઈ ચૂક્યું છે.
હવા શુદ્ધ કરતાં કપડાં
હવાને શુદ્ધ કરવાની દિશામાં ઉપયોગી સાબિત થઈ રહેલા ટિટેનિયમ ડાયોક્સાઇડને ટાઇલ્સ અને પૅઇન્ટ કલરમાં વાપર્યા પછી હવે કપડામાં પણ તેનો ઉપયોગ કેમ કરીને થઈ શકે એવા પ્રયોગો સંશોધકોએ શરૂ કરી દીધા છે અને ઘણાને તેમાં પણ સફળતા મળી છે. લંડનની એક બ્રૅન્ડે લૉન્ડ્રી ડિટર્જન્ટ બનાવ્યા છે જેમાં આ કેમિકલ છે જેના પ્રયોગ પછી કપડાની હવાને શુદ્ધ કરવાની ક્ષમતા તૈયાર થાય છે. જે તમને હરતા-ફરતા ઍર પ્યોરિફાઇંગ મશીન જેવા બનાવી દેશે.
હવા શુદ્ધ કરતું કરોળિયાનું જાળું
ઓક્સફર્ડ યુનિવર્સિટીના રિસર્ચરોએ એવું જાળું તૈયાર કર્યું છે જે હવામાં રહેલા સૂક્ષ્મકણોને પકડી શકે. જાળામાં નાના પ્રમાણમાં ઇલેક્ટ્રિકલ ચાર્જ હોય છે જેને કારણે હવાના આ પાર્ટિકલ્સને પકડવાનું કામ સરળ બનાવે છે. વૈજ્ઞાનિકો વિવિધ ફૅક્ટરીઓની ચીમની પર તેનો પ્રયોગ કરવાની દિશામાં સક્રિય છે.
સ્ટ્રીટ લાઇટમાં મપાશે હવાના પ્રદૂષણનું સ્તર
હવાના પ્રદૂષણથી બચવાનો શ્રેષ્ઠ રસ્તો છે તેનું પ્રમાણ ક્યાં વધારે છે એના પર નજર રહે. ક્યારે પ્રદૂષણ વધારે હોય છે, ક્યારે ઓછું હોય છે એ જો ધ્યાનમાં રહે તો ઉપયુક્ત પગલાં લઈ શકાય. હવાના પ્રદૂષણ પર વૉચ રાખવાનું કામ હવે રસ્તા પરની સ્ટ્રીટ લાઇટ કરશે. સ્વીડનના રિસર્ચરોએ એવા ઝીણા ઝીણા સેન્સર શોધ્યા છે જે સ્ટ્રીટ લાઇટ પર બેસાડી શકાય અને એ હવાના પ્રદૂષણનો ડેટા સાચવી શકે. આ જ કામ ડ્રોન દ્વારા પણ કરવામાં આવી રહ્યું છે.
ગલી-મહોલ્લાનું ફર્નિચર પણ પ્રદૂષણ શોષશે
યુરોપીય દેશોમાં કેટલાક વિશેષ પ્રકારનાં ફર્નિચરો મુકાવાના શરૂ થઈ ગયાં છે જેમાં ચાર-પાંચ મીટરના બોર્ડ અટેચ કરવામાં આવ્યા હોય અને આ બોર્ડ પર કેટલીક વિશિષ્ટ શેવાળ ઉગાડવામાં આવી છે. ગ્રીન સિટી સૉલ્યુશનમાં અત્યારે આ કૉન્સેપ્ટ ઇન થિંગ ગણાય છે. આ શેવાળની ખાસિયત એ છે કે તે વધુને વધુ કાર્બન ડાયોક્સાઇડ શોષીને ઑક્સિજન આપવાની ક્ષમતા ધરાવે છે. વર્ટિકલ ગાર્ડનમાં ઉપયોગમાં લેવાતી આ ખાસ શેવાળ ૨૭૫ વૃક્ષો જે કામ કરે છે એ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. વરસાદનાં પાણી પર તે સર્વાઇવ થઈ શકે એટલી સરસ સિસ્ટમ ગોઠવાઈ છે. સાથે જ ઍર પૉલ્યુશન માપી શકતા સેન્સર પણ ત્યાં છે.
મોટા ફુવારા કરશે હવાને ક્લીન
પાણીનો છંટકાવ કરો એટલે હવામાં રહેલાં રજકણો આપમેળે પાણીના સંપર્કમાં આવીને જમીન પર બેસી જાય. જોકે ચીનના કેટલાક સંશોધકોએ હવાના પ્રદૂષણ પર કન્ટ્રોલ રાખવા માટે કેટલાક વિશેષ પ્રકારના જાયન્ટ ફુવારા વિકસાવ્યા છે. જેને ઊંચા ટાવરો પરથી ઑપરેટ કરી શકાય. ખાસ કરીને જે જગ્યાએ ખૂબ પ્રદૂષણ રહેતું હોય ત્યાં આ ફુવારાનો પ્રયોગ શ્રેષ્ઠ પરિણામ આપે છે એવું તેમણે પોતાના અભ્યાસમાં નોંધ્યું છે.
ઍર ફિલ્ટર કરતી બસ
યુકેની ટ્રાન્સપોર્ટ કંપનીએ એક નવી બસ લૉન્ચ કરી છે જેમાં છાપરા પર ફિલ્ટર ફિટ કરવામાં આવ્યું છે. આ ફિલ્ટર હવાના હાનિકારક રજકણોને શોષી લઈને પાછળ શુદ્ધ હવા બહાર ફેંકે છે. યુકેમાં આવી બસનો વપરાશ વધે એવા પ્રયત્નો થઈ રહ્યા છે. કારણ કે હરતી-ફરતી બસને કારણે વધુ લોકો સુધી શુદ્ધ હવાનો બેનિફિટ પહોંચી શકે છે.
હવા શુદ્ધ કરતી બાઇક
ફોટોસિન્થેસિસ ટેક્નૉલૉજીના ઉપયોગ દ્વારા બૅન્ગકૉકની એક કંપનીએ ખાસ બાઇક તૈયાર કરી છે જે પણ પ્રદૂષણયુક્ત હવાને શોષવાનું કામ કરે છે. જેમ જેમ તમે પેડલ ફેરવો એમ હવાના શુદ્ધીકરણનું કામ ચાલુ થઈ જાય. સાઇકલ દ્વારા જ ઑક્સિજન જનરેટ થયા પછી પાણી અને ઇલેક્ટ્રિક પાવર વચ્ચે રિઍક્શન થાય. ઍર ફિલ્ટર સાઇકલના હેન્ડલબાર પાસે ઇન્સ્ટોલ કરાયું છે જે હવાના હાનિકારક રજકણોને શોષીને તાજી હવાનું ઉત્સર્જન કરે છે.
એવાં પેવમેન્ટ જે ધુમાડો ખાઈ શકે
ડચ વૈજ્ઞાનિકોએ ડેવલપ કરેલા પેવમેન્ટ્સ ધુમાડાને લગભગ ૪૫ ટકા સુધી ઘટાડી શકે છે. અગેઇન, અહીં પણ એ જ વર્લ્ડ ફેમસ કેમિકલનો ઉપયોગ થયો છે ટિટેનિયમ ઑક્સાઇડ, જે હાનિકારક નાઇટ્રોજન ઑક્સાઇડને હવામાંથી બહાર ફેંકે છે.


Whatsapp-channel Whatsapp-channel

03 November, 2019 01:25 PM IST | મુંબઈ | રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK