દેશને પૂરા સમયના સંરક્ષણપ્રધાનની જરૂર

Published: 10th October, 2014 05:57 IST

સરહદે લશ્કરી હુમલાઓ થઈ રહ્યા છે એનું કારણ એ છે કે અણુતાકાત મેળવ્યા પછી પાકિસ્તાનને આવા હુમલાઓ કરવાનું પોસાય એમ છે. પાકિસ્તાન જાણે છે કે સરહદ પરના યુદ્ધને ફુલફ્લેજ્ડ યુદ્ધમાં ફેરવવું ભારતને જરાય પોસાય એમ નથી. સ્થાનિક યુદ્ધ સ્થાનિક જ રહેવાનું હોય તો એમાં પરાજયનું જોખમ નથી. એક તો દુનિયાનું ધ્યાન જાય ને બીજું ભારત સરકાર નબળી સાબિત થાય
કારણ-તારણ - રમેશ ઓઝા

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને ખાતરી આપી છે કે જમ્મુની સરહદે જે છમકલાં થઈ રહ્યાં છે એનાથી ડરવાની જરૂર નથી, બહુ જલદી સ્થિતિ થાળે પડી જશે. સંરક્ષણપ્રધાન અરુણ જેટલીએ પાકિસ્તાનને ચેતવણી આપી છે કે જો પાકિસ્તાન ભારતની સરહદની અંદર પ્રવેશવાનું લશ્કરી સાહસ બંધ નહીં કરે તો ભારતીય સૈન્ય પાકિસ્તાનના સાહસને દુ:સાહસમાં ફેરવી નાખશે. ગૃહપ્રધાન રાજનાથ સિંહે પાકિસ્તાનને કહ્યું છે કે ભારતમાં રાજકીય સ્થિતિ બદલાઈ છે જેનું પાકિસ્તાને ધ્યાન રાખવું જોઈએ. ભારતના લશ્કરી પાંખોના વડાઓ અને બૉર્ડર સિક્યૉરિટી ફોર્સના વડા તેમ જ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર પોતપોતાની ભાષામાં કહી રહ્યા છે કે સરહદ પરની પરિસ્થિતિ ૧૯૭૧ની યાદ અપાવે એવી છે.

જમ્મુ અને કાશ્મીરમાં સરહદ પરની સ્થિતિ ૧૯૭૧ની તો નહીં, પણ ૧૯૯૯ના કારગિલ યુદ્ધની યાદ અપાવે એવી જરૂર છે. આમ તો ઘણા મહિનાઓથી અને હવે ઑક્ટોબર મહિનામાં સઘનપણે સરહદ પર હુમલા થઈ રહ્યા છે. હુમલાઓમાં ૨૦ જેટલા નાગરિકો માર્યા ગયા છે અને હુમલાઓની સઘનતાને કારણે સરહદ પરનાં ગામડાંઓમાં વસનારા વીસેક હજાર લોકોએ ડરના માર્યા અન્યત્ર સ્થળાંતર કરવું પડ્યું છે. ભારત પાકિસ્તાનની સરહદમાં જવાબી હુમલા કરી રહ્યું છે જેણે પાકિસ્તાનમાં પણ તીવ્ર પ્રતિક્રિયા પેદા કરી છે. તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા ઇમરાન ખાને પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફને અંગત એજન્ડા ધરાવનારા સ્વાર્થી અને ભીરુ નેતા તરીકે ઓળખાવ્યા છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ઝરદારી ભુત્તોએ નરેન્દ્ર મોદીને ટોણો મારતાં કહ્યું છે કે ગુજરાતના મુસલમાનો રાંક હતા, પાકિસ્તાન રાંક નથી અને તે બરાબરનો જવાબ આપશે. દરમ્યાન પાકિસ્તાન સરકારે પાકિસ્તાની મીડિયા પર સરહદ પરના હુમલાઓની તસવીર નહીં બતાવવાનો આદેશ આપ્યો છે.

સરહદ પરના હુમલાઓની અને નુકસાનની તસવીરો કે વિડિયો ફુટેજ નહીં બતાવવાનો પાકિસ્તાનની સરકારનો મીડિયાને આપવામાં આવેલો આદેશ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશની જનતાને આપેલા સધિયારા વચ્ચે સંબંધ છે. વડા પ્રધાને ફોડ પાડ્યા વિના ફોડ પાડ્યો છે કે બે-ત્રણ દિવસ જવા દો, પાકિસ્તાન એની મેળે કૂણું પડી જશે અને સરહદ પરના લશ્કરી હુમલાઓ બંધ થઈ જશે. મોટા ભાગે એવું જ બનશે જેમ વડા પ્રધાન કહે છે. આમ છતાં પાકિસ્તાનને જે જોઈતું હતું એ એણે મેળવી લીધું છે. આખા જગતની નજર અત્યારે દક્ષિણ એશિયા પર છે. યુનાઇટેડ નેશન્સ (UN)ના મહામંત્રી બાન કી મૂને ભારત અને પાકિસ્તાનને સંયમ જાળવવાની અને વાતચીત દ્વારા શાંતિમય માર્ગે સરહદી ઝઘડાને ઉકેલવાની સલાહ આપી છે. અમેરિકાના વિદેશપ્રધાન ભારત અને પાકિસ્તાનના સંપર્કમાં છે. કાશ્મીરના પ્રfને વિશ્વનું ધ્યાન ખેંચવામાં પાકિસ્તાન સફળ નીવડ્યું છે. પખવાડિયા પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે UNની સામાન્ય સભામાં કાશ્મીરનો પ્રfન ઉઠાવ્યો હતો ત્યારે વિશ્વના દેશોનું જેટલું ધ્યાન નહોતું ગયું એટલું અત્યારે ગયું છે.

સવાલ એ છે કે સરહદી હુમલાઓ વારંવાર શા માટે થઈ રહ્યા છે અને કોણ કરી રહ્યું છે? શું પાકિસ્તાન સરકાર સત્તાવાર મંજૂરી સાથે લશ્કરી હુમલાઓ કરી રહ્યું છે કે પછી સરકારની ઉપરવટ જઈને લશ્કર હુમલા કરી રહ્યું છે. પાકિસ્તાનમાં ભારત વિશેની નીતિ પાકિસ્તાનની સરકાર નથી નક્કી કરતી, પાકિસ્તાની લશ્કર નક્કી કરે છે એમ કહેવાય છે. ભારત પરત્વેની દુશ્મનીમાં પાકિસ્તાની લશ્કરના ઉચ્ચ અધિકારીઓનો સ્વાર્થ છે એ ઉઘાડું સત્ય છે. ૧૯૯૯નું આખેઆખું કારગિલ યુદ્ધ લશ્કરે સરકારની ઉપરવટ જઈને કર્યું હતું એની કબૂલાત ખુદ નવાઝ શરીફે અને યુદ્ધનું નેતૃત્વ કરનારા એ સમયના પાકિસ્તાની સૈન્યના વડા જનરલ મુશર્રફે કરી હતી. પાકિસ્તાનના લશ્કરી હુમલાઓમાં પાકિસ્તાનની સરકારની સંમતિ હોય એવી પણ શક્યતા છે. કાશ્મીરના પ્રfનનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં અને ભારતના આર્થિક વિકાસને અવરોધવામાં પાકિસ્તાનનો સ્વાર્થ છે.

સરહદે વારંવાર લશ્કરી હુમલાઓ થઈ રહ્યા છે એનું મુખ્ય કારણ એ છે કે અણુતાકાત મેળવ્યા પછી પાકિસ્તાનને આવા હુમલા કરવા પોસાય એમ છે. પાકિસ્તાન જાણે છે કે સરહદ પરના સ્થાનિક યુદ્ધને ફુલફ્લેજ્ડ યુદ્ધમાં ફેરવવું ભારતને પોસાય એમ નથી. સ્થાનિક યુદ્ધ સ્થાનિક જ રહેવાનું હોય તો એમાં પરાજયનું જોખમ નથી જે રીતે ૧૯૭૧ના પરંપરાગત અને સંપૂર્ણ (ફુલફ્લેજ્ડ) યુદ્ધમાં પાકિસ્તાનનો પરાજય થયો હતો. એક તો દુનિયાનું ધ્યાન જાય અને બીજું ભારત સરકાર નબળી સાબિત થાય. ભારતની મજબૂરીનો પાકિસ્તાન સરકાર અથવા પાકિસ્તાની લશ્કર લાભ ઉઠાવી રહ્યાં છે. આ મજબૂરીનો ભારત પાસે કોઈ ઉપાય નથી એ હકીકત છે. ભારત લશ્કરી રીતે પાકિસ્તાન સામે ગમેએટલી સરસાઈ ધરાવતું હોય, પાકિસ્તાનના અણુબૉમ્બ સામે ભારત લાચાર છે.

આ ઉપરાંત એક કારણ એવું આપવામાં આવે છે કે આવતા વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને ચૂંટણી પહેલાં છમકલાં કરીને ભારતમાં આતંકવાદીઓને ઘુસાડવા માગે છે. જમ્મુ અને કાશ્મીરમાં લોકતાંત્રિક વ્યવસ્થાને પાકિસ્તાન તોડી પાડવા માગે છે. ઉપરાઉપરી બે વાર જમ્મુ અને કાશ્મીરમાં મુક્ત અને ન્યાયી ચૂંટણી યોજાઈ હતી અને સરકાર બદલાઈ હતી. હવે ત્રીજી વાર લોકતંત્ર સફળ ન થાય એવી પાકિસ્તાનની રમત છે.

હુમલાઓ સલાફી ઇસ્લામિસ્ટોના ઇશારે લશ્કર કરતું હોય એવી પણ શક્યતા છે. ઇસ્લામિક સ્ટેટ ઑફ ઇરાક ઍન્ડ સિરિયા (ISIS) સિરિયા, ઇરાક, ઈરાનને કબજે કર્યા પછી દક્ષિણ એશિયામાં પ્રવેશવા માગે છે એવી જાહેરાત ISISએ કરી છે. કારણ ગમે તો હોય, સ્થિતિ ગંભીર છે અને ભારતે સાવધાન રહેવાની જરૂર છે. સાવધાની માટેની સૌથી પહેલી જરૂરિયાત પૂરા સમયના સંરક્ષણપ્રધાનની છે. અરુણ જેટલી નાણું અને સંરક્ષણ એમ બે મહત્વનાં ખાતાં સંભાળે છે અને પાછા બીમાર પણ છે. નરેન્દ્ર મોદીએ પહેલું કામ દેશને પૂરા સમયના સંરક્ષણપ્રધાન આપવાનું કરવું જોઈએ.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK