Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ઈન્ટરનેશનલ સમાચાર > આર્ટિકલ્સ > હુડહુડની અસર છેક નેપાલ સુધી : હિમતોફાનમાં ૩ ભારતીયોનાં મોત

હુડહુડની અસર છેક નેપાલ સુધી : હિમતોફાનમાં ૩ ભારતીયોનાં મોત

17 October, 2014 06:27 AM IST |

હુડહુડની અસર છેક નેપાલ સુધી : હિમતોફાનમાં ૩ ભારતીયોનાં મોત

 હુડહુડની અસર છેક નેપાલ સુધી : હિમતોફાનમાં ૩ ભારતીયોનાં મોત



નેપાલની હિમાલયન માઉન્ટન રેન્જમાં આવેલા સૌથી ખરાબ બરફનાં તોફાનો પૈકીના એકમાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા ગઈ કાલે ૩૦ની થઈ હતી અને એમાં કમસે કમ ત્રણ ભારતીયોનો સમાવેશ છે.



ટ્રેકિંગ એજન્સિસ અસોસિએશન ઑફ નેપાલના ખજાનચી ગોપાલબાબુ શ્રેષ્ઠાએ જણાવ્યું હતું કે ગઈ કાલે બચાવકાર્ય ફરી શરૂ કરવામાં આવ્યું એના પગલે મનાંગ જિલ્લાના થોરાંગ પાસ નજીકથી બે કૅનેડિયન તથા બે ભારતીય ટ્રેકર્સના મૃતદેહો ગઈ કાલે મળી આવ્યા હતા. બુધવારે પણ આ ગામમાંથી એક ભારતીય પર્વતારોહકનો મૃતદેહ મળ્યો હતો.



મસ્તાંગ જિલ્લામાંથી પાંચ વધુ ડેડ-બૉડી મળી આવવાની સાથે આ દુર્ઘટનાનો મૃત્યુઆંક ૩૦ થયો હોવાનું સત્તાવાર વતુર્ળોએ જણાવ્યું હતું. બુધવાર સુધીમાં આ વિસ્તારમાંથી કુલ ૨૧ મૃતદેહ મળી આવ્યા હતા. મૃત્યુ પામેલાઓમાં નવ નેપાલી, ત્રણ પોલૅન્ડવાસી, ત્રણ ઇઝરાયલી, છ કૅનેડિયન, ત્રણ ભારતીયો અને એક વિયેટનામી નાગરિકનો સમાવેશ છે.


અધિકારીઓએ જણાવ્યું હતું કે ‘ભારે હિમવર્ષાને કારણે માઉન્ટન રેન્જમાં છેલ્લા બે દિવસથી ફસાઈ ગયેલા ૧૩૦ અન્ય ટ્રેકર્સને મનાંગ જિલ્લાના તિલિચો એરિયામાંથી સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા. નેપાલ આર્મી અને નેપાલ પોલીસના અધિકારીઓની તેમ જ સ્થાનિક ટ્રેકિંગ ગાઇડ્સની મદદ વડે હાથ ધરવામાં આવેલી બચાવકામગીરીમાં ચાર હેલિકોપ્ટરોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.’

મનાંગ અને મસ્તાંગ જિલ્લાઓ વચ્ચેની સરહદ પર થોરાંગ પાસ એરિયામાં ૫૪૧૬ મીટરની ઊંચાઈ પર બુધવારે બરફનું જોરદાર તોફાન આવ્યું હતું. દક્ષિણ ભારતમાં તાજેતરમાં ત્રાટકેલા હુડહુડ ચક્રવાતને લીધે અહીં અચાનક ભારે હિમવર્ષા થઈ હતી. કરાના તોફાન સાથેનો ભારે વરસાદ છેલ્લા કેટલાક દિવસથી નેપાલના મધ્ય તથા પશ્ચિમી વિસ્તારને ધમરોળી રહ્યો છે. આ વિસ્તારમાં ચારથી પાંચ મીટર સ્નોફૉલ થયો છે. શ્રેષ્ઠાએ કહ્યું હતું કે નેપાલના પર્વતીય વિસ્તારમાં વિદેશી ટ્રેકર્સને નડેલો આ સૌથી ખરાબ અકસ્માત છે.

Whatsapp-channel Whatsapp-channel

17 October, 2014 06:27 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK