ભારત અને ચીન વચ્ચે આગામી મહિને પુણેમાં સંયુક્ત લશ્કરી કવાયત

Published: 23rd October, 2014 06:14 IST

લદ્દાખ સરહદે બન્ને દેશનાં લશ્કરો વચ્ચે તંગદિલી સર્જાયાના કેટલાંક સપ્તાહો બાદ જ ભારત અને ચીન આવતા મહિને પુણેમાં સંયુક્ત લશ્કરી કવાયત હાથ ધરે એવી સંભાવના છે.

આ કવાયતમાં અલગતાવાદવિરોધી અને આતંકવાદવિરોધી કામગીરી પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. આ હૅન્ડ ઇન હૅન્ડ કવાયતનો હેતુ ઉપયોગી અનુભવની આપ-લે કરવાનો, સહકાર વધારવાનો અને બન્ને દેશનાં લશ્કરો વચ્ચે મૈત્રીપૂર્ણ વાતાવરણને પ્રોત્સાહિત કરવાનો છે. પુણેમાં યોજાનારી કવાયતની તારીખ નક્કી થઈ નથી, પણ એ આવતા મહિનાની મધ્યમાં યોજાવાની સંભાવના છે.

આવી સૌપ્રથમ કવાયત ડિસેમ્બર-૨૦૦૭માં કુન્મિંગમાં યોજવામાં આવી હતી, જ્યારે બીજી ડિસેમ્બર-૨૦૦૮માં બેલગામ ખાતે યોજવામાં આવી હતી. પાંચ વર્ષના અંતરાલ પછી ચીનના ચેંગડુ વિસ્તારમાં ગયા વર્ષે આ કવાયત યોજવામાં આવી હતી.

બન્ને દેશનાં મિલિટરી હેડક્વૉર્ટર્સ વચ્ચે હૉટલાઇન

બન્ને દેશનાં લશ્કરી વડા મથકો વચ્ચે હૉટલાઇન્સનું નિર્માણ કરીને તથા નવી બૉર્ડર મીટિંગ પોસ્ટ્સ સ્થાપીને લશ્કરી સહકાર વધારવા ભારત અને ચીન સહમત થયાં છે. ચીનના વિદેશ વિભાગના એક પ્રવક્તાએ જણાવ્યું હતું કે ગયા સપ્તાહમાં નવી દિલ્હીમાં યોજાયેલી ઇન્ડો-ચાઇના બૉર્ડર અર્ફેસની બેઠકમાં બન્ને દેશ સરહદી વિસ્તારમાં શાંતિ તથા સલામતી જાળવવા સહમત થયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK