Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં ચાર તો અમદાવાદમાં બે મળી કુલ છનાં મોત

છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં ચાર તો અમદાવાદમાં બે મળી કુલ છનાં મોત

22 November, 2019 12:29 PM IST | Surat and Ahmedabad
Tejash Modi

છેલ્લા ત્રણ દિવસમાં સુરતમાં ચાર તો અમદાવાદમાં બે મળી કુલ છનાં મોત

સુરત

સુરત


રાજ્યભરમાં એસટી, સિટી બસ અને બીઆરટીએસના ડ્રાઇવરો બેફામ બન્યા હોય એવું લાગી રહ્યું છે. સુરતમાં બીઆરટીએસ બસે ત્રણ વ્યક્તિઓનો ભોગ લીધા બાદ અમદાવાદમાં બીઆરટીએસે બે સગા ભાઈઓના જીવ લીધા છે. ખાસ વાત એ છે કે આ અકસ્માતમાં બાઇકરે હેલ્મેટ પણ પહેરી હતી. બંને અકસ્માતમાં મૃતકોના પરિવારજનોએ વળતર અને ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવા માટેની ના પાડી દીધી હતી.



ગુજરાતમાં છેલ્લા બે દિવસથી અકસ્માતની વણઝાર વણથંભી રહેતાં નાગરિકોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. સુરત અને અમદાવાદમાં સરકારી બસોની અડફેટે આવતાં બે દિવસમાં કુલ છ જણનાં મોત થયાં હતાં. સુરતવાસીઓની સેવા-સુવિધા માટે શરૂ કરવામાં આવેલી સિટી બસના ડ્રાઈવરની બેદરકારીનું આ પરિણામ હોવાનો મૃતકના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. પ્રથમ બનાવમાં સુરતના ડિંડોલી બ્રિજ પર બસની અડફેટે આવતાં પિતા-પુત્ર અને ભત્રીજાનાં મોત નીપજ્યાં હતા, જ્યારે અન્ય એક અકસ્માતમાં બુધવારે પાંડેસરા ખાતે એક બાઈકસવાર બસની અડફેટે આવતાં તેનું મોત થયું હતું. અમદાવાદમાં પણ બીઆરટીએસની બસ બે સગા ભાઈઓનાં મોતનું કારણ બની હતી. નોંધવું ઘટે કે અકસ્માત થયો ત્યારે બાઈકસવારે હેલ્મેટ પહેરી હતી. આના પરથી સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં સરકારી બસો યમદૂત બનીને આવી છે.

સુરતમાં છેલ્લા બે દિવસમાં બે બાળકો સહિત ચાર લોકોનાં મોત થયાં છે જેમાં મંગળવારે ડિંડોલી બ્રિજ પર સિટી બસની અડફેટે પિતા-પુત્ર અને ભત્રીજાનાં મોત નીપજ્યાં હતાં. બુધવારે સવારે પાંડેસરા ખાતે પણ સિટી બસે એક બાઇકરને અડફેટે લીધો હતો, જેનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું. ડિંડોલીની ઘટનામાં પોસ્ટમૉર્ટમ અર્થે ખસેડાયેલા મૃતદેહોને પરિવાર દ્વારા સ્વીકારવામાં ઇનકાર કરવામાં આવ્યો હતો. વળતર સહિતની માગ સાથે પરિવારજનોએ સ્મિમેર હૉસ્પિટલમાં વિરોધ નોંધાવ્યો હતો. જોકે તંત્ર દ્વારા સહાયની માગની બાંયધરી મળતાં પરિવારજનોએ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો.

આ પણ જુઓ : રખડતાં શ્વાનોને ખવડાવવા માટે 9 વર્ષનો બાળક વેચે છે પેઈન્ટિંગ

મંગળવારે સવારે સુરતના નવાગામ-ડિંડોલીને જોડતા રેલવે ફ્લાયઓવર બ્રિજ પર ઉધનાથી ડિંડોલી તરફ જતી સિટી બસના ડ્રાઇવરે સામેથી આવતી બાઇકને ટક્કર મારી હતી, જેથી બાઇક પર બેસેલાં ત્રણ બાળક અને યુવક જમીન પર પટકાયાં હતાં. આ ઘટનામાં પિતા યશવંત પોનીકર, પુત્ર ભાવેશ અને ભત્રીજા ભૂપેન્દ્રનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં, જ્યારે એક બાળક સહિત બે ઈજાગ્રસ્ત છે. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી ડ્રાઇવર રોશન ધર્મરાજ ધરીજનની ધરપકડ કરી હતી.

મંગળવારે બનેલી અકસ્માતની ઘટનાના લોહીના ડાઘા હજી સુકાયા નહોતા ત્યાં ફરી બુધવારે સવારે ઉધના વિસ્તારમાં આવેલા દક્ષેશ્વર મંદિર સામે બીઆરટીએસના ડ્રાઈવરે બાઇકચાલકને સિટી બસે અડફેટે લીધો હતો. અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

ભેસ્તાન આવાસમાં રહેતો મોજમીલ અમજદ શેખ એક દિવસ અગાઉ જ લૂમ્સના ખાતામાં કામ પર લાગ્યો હતો. આજે નોકરીનો બીજો દિવસ હતો, મોજમીલ બીઆરટીએસ રૂટ પાસેથી બાઇક લઈને જતો હતો ત્યારે ઉધનામાં આવેલા દક્ષેશ્વર મંદિર નજક પહોંચતા બીઆરટીએસ રૂટમાં પૂરપાટ ઝડપે આવેલી સિટી બસે અડફેટે લીધો હતો, જેના કારણે તે જમીન પર પટકાયો હતો. માથા અને છાતીનાં ભાગે તેને ગંભીર ઈજા થઈ હતી. તેને સારવાર આર્થે સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં થયેલા મોતની જાણ થતાં પોલીસ પણ સિવિલ હૉસ્પિટલ પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી.

અમદાવાદ ખાતે બનેલા અકસ્માતની મળતી માહિતી મુજબ શહેરના પાંજરાપોળ નજીક બીઆરટીએસ બસે બે બાઈકસવારને અડફેટે લીધા છે. ગોઝારા અકસ્માતમાં ભોગ બનનારનું નામ જયેશ હીરાભાઈ અને નયન હીરાભાઈ છે. મૂળ વેરાવળના બે સગા ભાઈઓમાંથી નયનને તલાલા એચડીએફસી બૅન્કમાં નોકરી મળી હતી, જેની ટ્રેઇનિંગ લેવા માટે અમદાવાદ આવ્યો હતો. ત્યારે નયનનો મોટો ભાઈ જયેશ તેને મૂકવા માટે જતો હતો.

આ પણ જુઓ : રાજકોટના ડૉ. હિરેન ઘેલાણીએ મેળવી આ સિદ્ધી, મળવા જઈ રહ્યું છે મોટું સન્માન

આ બન્ને યુવકો પાંજરાપોળ પાસેથી પસાર થઈ રહ્યા હતા. એ દરમ્યાન પુરપાટ આવી રહેલી બસે બાઇકને અડફેટે લીધી હતી, જેમાં બન્ને યુવકો બાઇક પરથી પટકાયા હતા. હેલ્મેટ પહેરેલી હોવા છતાં બસનું ટાયર યુવકના માથા પર ફરી વળ્યું હતું અને ઘટનાસ્થળે જ બન્ને યુવકનાં મૃત્યુ થયાં હતાં. ઘટનાને પગલે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને બસ પર પથ્થરમારો કર્યો હતો. મરનારાના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે. બે યુવાન પુત્રોનાં મોત થતાં પરિવારમાં આક્રંદ છવાયો છે. જોકે અકસ્માત સર્જી બસ મૂકી બસચાલક ફરાર થઈ ગયો હતો. અકસ્માત બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. અને વળતર તેમ જ ન્યાય આપવા માગ કરી હતી. (સાથે જી.એન.એસ.)


Whatsapp-channel Whatsapp-channel

22 November, 2019 12:29 PM IST | Surat and Ahmedabad | Tejash Modi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK