પાવાગઢની ૧૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડેલા યુવાન માટે મોબાઇલ બન્યો તારણહાર

Published: 3rd September, 2012 05:02 IST

પગ લપસતાં પડ્યો, પણ ઝાડ પર લટકી ગયા પછી મૃત્યુને હાથતાળી આપી : ફાયર-બ્રિગેડની મદદથી ૨૦ કલાક પછી હેમખેમ બહાર કાઢ્યો

pavagadh valleyઅમદાવાદ: યાત્રાધામ પાવાગઢમાં મહાકાળી માનાં દર્શન કરવા ગયેલા કાલોલના ભરત ભટ્ટી નામના ૨૮ વર્ષના યુવાન માટે મોબાઇલ ફોને તારણહારની ભૂમિકા ભજવી હતી. શનિવારે સાંજે પાવાગઢના પહાડ પરથી નીચે ઊતરવી વખતે પગ લપસતાં તે ૧૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો હતો. સદ્નસીબે ઝાડનો સહારો મળી જતાં અને મોબાઇલથી મિત્ર અને પરિવારનો સંપર્ક સાધતાં વડોદરા ફાયર-બ્રિગેડની મદદ મળી રહેતાં આખરે ૨૦ કલાકની ભારે જહેમત બાદ યુવાને મૃત્યુને હાથતાળી આપી હતી અને રેસ્ક્યુ ઑપરેશન કરી તેને હેમખેમ બહાર કાઢીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડ્યો હતો.

રામ રાખે તેને કોણ ચાખે કહેવત ગુજરાતના કાલોલના યુવાન માટે અક્ષરશ: સાચી પડી હતી. વડોદરા ફાયર-બ્રિગેડે આ યુવાનને બચાવી લેવા માટે આદરેલું રેસ્ક્યુ ઑપરેશન સફળ રહેતાં ફાયર-જવાનો સહિત સ્થાનિક તંત્રે પણ રાહતનો દમ લીધો હતો. વડોદરા ફાયર-બ્રિગેડના ચીફ ફાયર-ઑફિસર હિતેશ તાપરિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલોલ પાસેના કાલોલનો યુવાન ભરત ભટ્ટી પાવાગઢમાં શનિવારે મહાકાળી માનાં દર્શન કરવા ગયો હતો અને ત્યાંથી પાછો ફરતી વખતે પગ લપસતાં તે ૧૫૦૦ ફૂટ ઊંડી ખીણમાં પડ્યો હતો, પરંતુ એક ઝાડ તેના હાથમાં પકડાઈ ગયું હતું. આ યુવાને તેની પાસે રહેલા મોબાઇલથી મિત્રનો સંપર્ક કરીને મદદ માગી હતી. આ બાબતે અમને કૉલ આવતાં અમારી ટીમ પાવાગઢ પહોંચી હતી. શનિવારે રાત્રે બે વાગ્યે લોકેશન જોયું, પણ ત્યાં જવામાં સફળતા ન મળી, સવાર પડતાં બહુ જ ધુમ્મસ હતું અને બીજી તરફ તે યુવાનના અવાજના પડઘા પડતા હતા, પરંતુ તે દેખાતો નહોતો. તેનું લોકેશન શોધીને બે કર્મચારીઓ સ્ટ્રેચર સાથે તેને ઉપર લાવ્યા હતા. ૨૦ કલાકની જહેમત બાદ તેને જીવતો બહાર કાઢ્યો હતો.’

હિતેશ તાપરિયાએ દાવો કરતાં કહ્યું કે પાવાગઢમાં આવી આ પ્રથમ ઘટના બની છે જેમાં જીવતો માણસ ખીણમાંથી બહાર નીકળ્યો હોય.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK