Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > કાંદાવાડીમાં કાંદાની નહીં, કંકોતરીની બજાર

કાંદાવાડીમાં કાંદાની નહીં, કંકોતરીની બજાર

16 May, 2020 02:12 PM IST | Mumbai Desk
Deepak Mehta | deepakbmehta@gmail.com

કાંદાવાડીમાં કાંદાની નહીં, કંકોતરીની બજાર

કાંદાવાડી

કાંદાવાડી


કેળેવાડીમાં સંસ્કૃત નાટક જોઈને મોડી રાતે બહાર નીકળેલા એટલે ઘરે જઈ, આરામ કરી પાછા તાજામાજા થઈ નીકળી પડીએ લટાર મારવા. હા, પેલી જાદુઈ મોજડી પહેરવાનું ભૂલતા નહીં. કેળેવાડીની સામેની બાજુએ એટલે કે રસ્તાની જમણી બાજુ દેખાય કાંદાવાડી. નામનાં પાટિયાં પર હવે લખાય છે ‘ખાડિલકર રોડ’, પણ આજેય લોકો તો એને કાંદાવાડી જ કહે છે. એક જમાનામાં ત્યાં કાંદા ઊગતા હશે પણ આજે તો આ આખા રસ્તા પર કંકોતરી, કાર્ડ, કવર, કાગળની દુકાનો ફૂટી નીકળી છે. આ સામગ્રી માટેની મુંબઈની આ મોટામાં મોટી બજાર. આ રસ્તો છે પણ ઘણો લાંબો. એનો એક છેડો ગિરગામ રોડ પર તો બીજો છેક સી. પી. ટૅન્ક પર. પણ મુંબઈના ઇતિહાસમાં આ રસ્તો મહત્ત્વનું સ્થાન ધરાવે છે. બે કારણે. લોકમાન્ય ટિળકના સાર્વજનિક ગણેશોત્સવની શરૂઆત પુણેમાં થઈ, પણ એ પછી મુંબઈમાં ૧૯૦૧માં કેશવજી નાઈક ચાલમાં એની શરૂઆત થઈ હતી. આ ચાલ આ કાંદાવાડીમાં જ આવેલી છે. આજે પણ અહીં અસલનાં સાદાઈ, ભક્તિભાવ અને ઉત્સાહથી દસ દિવસ માટે ગણેશોત્સવ ઊજવાય છે. 

પણ આ રસ્તા સાથે જેમનું નામ જોડાયું છે તે ખાડિલકર હતા કોણ? તેમનું પૂરું નામ કૃષ્ણાજી પ્રભાકર ખાડિલકર. ૧૮૭૨ના નવેમ્બરની ૨૩મીએ જન્મ, અવસાન ૧૯૪૮ના ઑગસ્ટની ૨૬મી તારીખે. પુણેની ફર્ગ્યુસન અને ડેક્કન કૉલેજમાં અભ્યાસ કરી તત્ત્વજ્ઞાન સાથે બી. એ. પછી મુંબઈમાં અભ્યાસ કરી એલ.એલ.બી. થયા. એક પુસ્તકના અવલોકન નિમિત્તે લોકમાન્ય ટિળક સાથે પરિચય. પોતાના કેસરી દૈનિકમાં જોડાવા ટિળકે આમંત્રણ આપ્યું અને ૧૮૯૭માં જોડાયા. ૧૯૦૮માં ટિળકને જેલની સજા થઈ ત્યારે ખાડિલકરે ‘કેસરી’ના તંત્રી તરીકે કામ કર્યું. ૧૯૧૮માં ટિળક વિલાયત ગયા ત્યારે ફરી ‘કેસરી’ના તંત્રી બન્યા. પણ ૧૯૨૦માં ટિળકનું અવસાન થયા પછી ખાડિલકરનો ‘કેસરી’ સાથેનો સંબંધ પૂરો થયો એટલું જ નહીં, ટિળકની રાજકીય વિચારણાથી તેઓ દૂર થતા ગયા અને ગાંધીજીના પ્રભાવ નીચે આવ્યા. ૧૯૨૧થી મુંબઈના ‘લોકમાન્ય’ દૈનિકના તંત્રી બન્યા. પછી ૧૯૨૩ના માર્ચની સાતમી તારીખે પોતાનું નવું દૈનિક ‘નવાકાળ’ આ કાંદાવાડીમાંથી જ શરૂ કર્યું. એક અગ્રલેખને કારણે ૧૯૨૯ના ફેબ્રુઆરીની ૯ તારીખે બ્રિટિશ સરકારે રાજદ્રોહનો કેસ કર્યો. ૨૭ માર્ચે ખાડિલકરને એક વરસની કેદ અને બે હજારના દંડની સજા થઈ. જેલમાં જતી વખતે જ ખાડિલકરે તંત્રીપદ છોડવાનું નક્કી કરી લીધું હતું. અને એ પ્રમાણે એ જ વરસના માર્ચથી તેમના મોટા દીકરા યશવંત ઉર્ફે અપ્પાસાહેબ ખાડિલકર તંત્રી બન્યા.
પણ અગ્રણી પત્રકાર એ કૃષ્ણાજી ખાડિલકરની એક ઓળખાણ. બીજી ઓળખાણ એ નાટ્યાચાર્ય ખાડિલકર. તેમણે ૧૫ જેટલાં નાટકો – જેમાંનાં ઘણાં સંગીત નાટકો હતાં – લખ્યાં જે મરાઠી રંગભૂમિ પર અત્યંત સફળતાથી ભજવાયાં. તેમણે ઘણાં નાટકોમાં પૌરાણિક પાત્રો અને પ્રસંગોનું આલેખન કર્યું છે, પણ એ એવી રીતે કે અંગ્રેજ સરકારના દમન, અત્યાચાર વગેરેનું સૂચન તથા એનો પ્રતિકાર કરવાની પ્રેરણા એમાંથી મળી રહે. પરિણામે ૧૯૧૦માં અંગ્રેજ સરકારે તેમનું ‘કીચકવધ’ નાટક જપ્ત કર્યું અને એ ભજવવા પર પ્રતિબંધ મૂક્યો. સંગીત માનાપમાન, સંગીત વિદ્યાહરણ, સંગીત સ્વયંવર, સંગીત દ્રૌપદી, સંગીત ત્રિદંડી સંન્યાસ, સંગીત મેનકા, સંગીત સાવિત્રી એ તેમનાં મુખ્ય નાટકો. એમાંનાં સંગીત માનાપમાન જેવાં કેટલાંક નાટકો આજ સુધી ભજવાતાં રહ્યાં છે. મરાઠી નાટક અને રંગભૂમિના ઇતિહાસમાં ખાડિલકરનું સ્થાન અનન્ય ગણાય છે.
થોડે દૂર જતાં રસ્તાની ડાબી બાજુએ એક નવાઈભરી ચીજ આજે પણ જોવા મળે. એક ગલીના મુખ આગળ, મુખની બન્ને બાજુ ગાયના મોઢાની શિલ્પાકૃતિ જોવા મળશે. મુંબઈના બીજા કોઈ રસ્તા કે ગલીના મુખ આગળ આ રીતે ગાય કે બીજા કોઈ પ્રાણીની મુખાકૃતિ જોવા નહીં મળે. અને આ ગલીનું નામ પણ છે ગાયવાડી. કહે છે કે અહીં અગાઉ ગૌશાળા હતી એટલે નામ પડ્યું ગાયવાડી. ખેતરો અને વાડીઓ હોય ત્યાં
ઢોર-ઢાંખર પણ હોય જ. અને બીજાં ઢોર કરતાં આપણી પરંપરામાં ગાય વધુ પવિત્ર મનાય. એટલે જ્યાં ગૌશાળા હોય એ ગલીનું નામ ગાયવાડી પડે તો એ સ્વાભાવિક ગણાય.
પણ આ ગાયવાડીનો ગાઢ સંબંધ ગુજરાતી છાપકામના વિકાસ સાથે છે એ વાતની આજે ભાગ્યે જ કોઈને ખબર હશે. આપણે ત્યાં કમ્પ્યુટર આવ્યાં અને છાપકામને એની મદદ મળી. અત્યારે આપના હાથમાં જે છાપું છે એ અને બીજાં બધાં જ છાપાં કમ્પ્યુટર પર જ તૈયાર થાય છે અને પછી છપાય છે. એટલે તો બધા પત્રકારો ઘરે બેસીને કામ કરીને છાપું તૈયાર કરી શકે છે અને છાપું આપના ઘર સુધી પહોંચી શકે છે. પણ કમ્પ્યુટર આવ્યાં એ પહેલાં મૂવેબલ ટાઇપનો, બીબાંનો જમાનો હતો. એક-એક અક્ષર, અરે એક-એક કાનો-માતરના ટાઇપ હાથ વડે ભેગા કરી, ગોઠવી, છાપવા માટેનું મૅટર તૈયાર કરવું પડતું. એટલે મેટલ ફૉન્ટ – ધાતુનાં બીબાં, મૂવેબલ ટાઇપ એ છાપકામ માટેનું અનિવાર્ય સાધન હતું. આ ટાઇપ રોજ બંધાય અને રોજ છોડાય, રોજ એની મદદથી છાપકામ થાય એટલે ટાઇપ થોડા-થોડા ઘસાતા જાય, ક્યારેક તૂટી પણ જાય. એટલે વરસે-બે વરસે દરેક છાપખાનાએ જૂના ટાઇપ કાઢીને નવા વસાવવા પડે. આ કામ કરે ટાઇપ ફાઉન્ડ્રી. ત્યાં જૂના ટાઇપ ઓગાળીને એમાંથી નવા ટાઇપ બને, નવી ધાતુ પણ ઉમેરાય જ. આ ટાઇપ પાડવાનું કામ ખૂબ કુનેહ, જાણકારી, મહેનત માગી લે. પણ પોતાના વગર છાપખાનાં ચાલી શકવાનાં નથી એ જાણતા હોવાથી ઘણી ટાઇપ ફાઉન્ડ્રીના માલિકો માથાભારે થઈ જતા. મોંમાગ્યા ભાવ લે, નવો માલ આપવામાં વાર લગાડે. એટલે એક છાપખાનાવાળાને થયું કે આપણી પોતાની જ ટાઇપ ફાઉન્ડ્રી કરી હોય તો કોઈની સાડીબારી નહીં. તેમનું નામ ઇચ્છારામ સૂર્યરામ દેસાઈ. મૂળ સુરતના વતની. સૂર્યરામ અને પ્રાણકુંવરને ત્યાં સુરતની દેસાઈ પોળમાં ૧૮૫૩ના ઑગસ્ટની ૧૦ તારીખે ઇચ્છારામનો જન્મ. પિતા સૂર્યરામે અંગ્રેજ સરકારના લશ્કરમાં સાત રૂપિયાના પગારે સિપાઈ તરીકેની નોકરીથી કારકિર્દી શરૂ કરેલી. પહેલા અફઘાન યુદ્ધમાં લડવા કાબુલ ગયેલા. લડાઈમાં પંદર-સોળ ઘા સામી છાતીએ ઝીલીને પાછા આવેલા. માસિક ૪૬ રૂપિયાના પેન્શન સાથે નિવૃત્ત થયેલા.
શરૂઆતનો અભ્યાસ ગામઠી નિશાળમાં કર્યા પછી ૧૮૬૬માં સુરતની અંગ્રેજી સ્કૂલમાં ઇચ્છારામ દાખલ થયા, પણ ભૂમિતિનો ભારે કંટાળો એટલે ક્લાસ બંક કરીને બાલાજીના મંદિરમાં
કથા-વાર્તા સાંભળવા ચાલ્યા જાય. તેર વર્ષની ઉંમરે લગ્ન. ભણવામાં મન ચોંટતું નહોતું. તબિયત પણ નરમગરમ રહેતી. એટલે મેટ્રિક થતાં પહેલાં જ અભ્યાસ છોડ્યો. પણ વાંચવા-લખવાનો જબરો શોખ. છાપેલાં પુસ્તકો ઉપરાંત હસ્તપ્રતો વાંચતાં પણ શીખી ગયેલા. ક્યારેક પુસ્તક ખરીદવાના પૈસા ન હોય તો આખેઆખા પુસ્તકની નકલ હાથે લખીને કરી લેતા! પણ પુસ્તકો વાંચવાથી કાંઈ રોજ રોટલાભેગા ન થવાય. એમાં વળી એક વાર માએ ઠપકો આપ્યો: ‘રામને રળવું નહીં ને સીતાને દળવું નહીં.’ બસ. સુરતના ‘દેશીમિત્ર’ છાપખાનામાં જઈ કમ્પોઝ કરવાનું કામ શીખ્યા. પણ નોકરીનાં ફાંફાં. એમાં વળી મા સાથે ઝઘડો થયો. બેકાર જમાઈને મહિને પચાસ રૂપિયા આપવાનું સસરાએ શરૂ કર્યું અને રહેવા માટે પોતાનું એક મકાન આપ્યું. ૧૮૮૦ની એક સવારે ઇચ્છારામના બાળપણના દોસ્ત મગનલાલ ઠાકોરદાસ મોદી (સુરતની એમ.ટી.બી. કૉલેજ શરૂ કરવા માટે બે લાખ રૂપિયાનું દાન આપનાર રૂના મોટા વેપારી. આજનાં આપણાં જાણીતાં કવયિત્રી પન્ના નાયકના દાદા) ખાસ ઇચ્છારામને મળવા મુંબઈથી સુરત આવ્યા. એ વખતે ઇચ્છારામ કાનના દુખાવા અને તાવથી પીડાતા હતા. પણ એની દરકાર કર્યા વગર મગનલાલે કહ્યું: ‘આમ સસરાનું ખાઈને ક્યાં સુધી પડ્યો રહીશ? ચાલ મારી સાથે મુંબઈ. અહીં બેકારીમાં સબડવા કરતાં તો મુંબઈમાં મરવું સારું.’ અને મગનલાલ લગભગ પરાણે ઇચ્છારામને મુંબઈ લઈ ગયા. તાવ તો રસ્તામાં જ ઊતરી ગયો. કાનનો દુખાવો પણ ઘટી ગયો. હકીકતમાં મગનલાલને સુરત મોકલ્યા હતા એક જાણીતા વેપારી અને જાહેર જીવનના અગ્રણી સર મંગળદાસ નથ્થુભાઈએ. તેઓ નવું અઠવાડિક કાઢવા માગતા હતા અને એના અધિપતિ (તંત્રી) તરીકે ઇચ્છારામની ભલામણ થઈ હતી. આ વાત જાણતાં જ ઇચ્છારામ તો રાજીના રેડ. મુંબઈમાં કવિ નર્મદને મળ્યા, મણિલાલ નભુભાઈને મળ્યા, રતિરામ દુર્ગારામ દવેને મળ્યા, બીજા કેટલાક અગ્રણીઓને મળ્યા. સૌનો સહકાર મળ્યો. નવા અઠવાડિક માટે કવિ નર્મદે નામ સૂચવ્યું ગુજરાતી અને ૧૮૮૦ના જૂનની છઠ્ઠી તારીખે ‘ગુજરાતી સાપ્તાહિક’નો પહેલો અંક બહાર પડ્યો. પછી વખત જતાં આ સાપ્તાહિક છાપવા માટે એલ્ફિન્સ્ટન સર્કલ (આજનું હૉર્નિમેન સર્કલ) પાસે ‘ગુજરાતી પ્રિન્ટિંગ પ્રેસ’ શરૂ કર્યું. ફરી થોડાં વરસ પછી ઇચ્છારામને પોતાની ટાઇપ ફાઉન્ડ્રી શરૂ કરવાનો વિચાર આવ્યો, જે મગનલાલ મોદી સુરતથી મુંબઈ લઈ આવ્યા હતા તેમને વાત કરી. ટાઇપ ફાઉન્ડ્રીના એક અનુભવી કાલિદાસ પૂંજારામ પારેખને સાથે લીધા અને ઈ.સ. ૧૯૦૦ના ઑક્ટોબરની ત્રીજી તારીખે દશેરાના દિવસે આ જ ગાયવાડી ખાતે એ ત્રણેએ ગુજરાતી ટાઇપ ફાઉન્ડ્રી શરૂ કરી. ‘ગુજરાતી’ છાપવા અંગેની અગવડ તો દૂર થઈ જ, પણ ધંધાની એક નવી દિશા ઊઘડી. વખત જતાં દેવનાગરી, અંગ્રેજી, ગુરુમુખી અને બીજી ભાષાના ટાઇપ પણ બનાવીને વેચ્યા. જે જમાનામાં આપણા દેશના ભલભલા ઉદ્યોગપતિઓએ બૅકવર્ડ ઇન્ટિગ્રેશનનું નામ પણ નહોતું સાંભળ્યું એ જમાનામાં ઇચ્છારામે એ કરી બતાવ્યું. પોતે લેખક અને પત્રકાર એટલે સામયિક શરૂ કર્યું. એ છાપવા માટે પ્રેસ શરૂ કર્યું. એને ટાઇપ પૂરા પાડવા માટે ટાઇપ ફાઉન્ડ્રી શરૂ કરી.
તો આ ગાયવાડી સાથે મરાઠી માણૂસનું એક લાડકું અને એટલું જ ચર્ચાસ્પદ નામ જોડાયેલું છે: આચાર્ય અત્રે. મોટા ગજાના નાટકકાર, પત્રકાર, અઠંગ વક્તા. લખે ત્યારે કલમ અને બોલે ત્યારે જીભ લાવારસમાં બોળીને જ આગળ વધે. આ ગાયવાડીમાં પહેલાં એક નાનું મેદાન હતું. ત્યાં આચાર્ય અત્રેએ કેટલાંયે આગઝરતાં ભાષણ કરેલાં. ૧૮૯૮ના ઑગસ્ટની ૧૩મી તારીખે આચાર્ય અત્રેનો જન્મ. મરાઠી રંગભૂમિને ધબકતી રાખવામાં તેમનો મોટો ફાળો. સાષ્ટાંગ નમસ્કાર, લગ્નાચી બેડી, ઉદ્યાચે સંસાર, ઘરા બાહેર, તેમનાં જાણીતાં નાટકો. પણ મરાઠી રંગભૂમિ પર ઇતિહાસ સર્જ્યો એ તો તેમના નાટક ‘તો મી નવ્હેચ’ નાટકે. લગ્નની બેડી ઉપરાંત તેમનાં બીજાં કેટલાંક નાટકોનાં અનુવાદ-રૂપાંતર ગુજરાતીમાં પણ ભજવાયેલાં, પણ ઉપેન્દ્ર ત્રિવેદીની મુખ્ય ભૂમિકા સાથે ‘અભિનયસમ્રાટ’ નામથી ભજવાયેલા ‘તો મી નવ્હેચ’ નાટકે ગુજરાતી રંગભૂમિ પર પણ ઇતિહાસ સર્જેલો. સંયુક્ત મહારાષ્ટ્ર માટેની ચળવળને લોકો સુધી પહોંચાડવામાં તેમનાં ભાષણોનો મોટો ફાળો. ૧૯૬૯ના જૂનની ૧૩મી તારીખે તેમનું અવસાન થયું. આચાર્ય અત્રેની તડ ને ફડ બોલવાની રીતનો એક નાનકડો કિસ્સો: એક વાર અત્રે એક નાટક જોવા ગયા. નાટકની ભજવણી તદ્દન કંગાળ હતી. નાટક પૂરું થયા પછી દિગ્દર્શકે પૂછ્યું: ‘આપને સૌથી સારું કામ કોનું લાગ્યું?’ આચાર્ય અત્રેએ સણસણતો જવાબ આપ્યો: ‘પ્રૉમ્પ્ટરનું.’ અત્યારે હવે આ લખનારને પણ વિન્ગમાંથી પ્રૉમ્પ્ટરનો અવાજ સંભળાય છે: ‘બહુ થયું, હવે આજનો ખેલ ખતમ.’ એટલે હવે પછીનો ખેલ આવતા શનિવારે.


Whatsapp-channel Whatsapp-channel

16 May, 2020 02:12 PM IST | Mumbai Desk | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK