સંકલ્પે શૂરા

Published: Dec 31, 2019, 15:35 IST | Ruchita Shah, Darshini Vashi | Mumbai

આમ તો દરેક દિવસ નવો છે પણ છતાંય બદલાયેલા કૅલેન્ડરના પહેલા દિવસથી જીવનમાં અપેક્ષિત બદલાવ લાવવાનો ઉત્સાહ અદકેરો હોય છે.

આમ તો દરેક દિવસ નવો છે પણ છતાંય બદલાયેલા કૅલેન્ડરના પહેલા દિવસથી જીવનમાં અપેક્ષિત બદલાવ લાવવાનો ઉત્સાહ અદકેરો હોય છે. મિડ-ડે કેટલાક એવા લોકોને શોધી લાવ્યું છે જેમણે આ જાન્યુઆરી મહિનામાં નવા વર્ષની શરૂઆત સાથે જ જીવનમાં એક બદલાવનો સંકલ્પ કર્યો હતો અને આજ સુધી એ સંકલ્પને વળગી રહ્યા છે. આવતી કાલથી ફરી એક વાર કૅલેન્ડર બદલાઈ રહ્યું છે અને નવા વર્ષનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે લઈ લો આ લોકો પાસેથી લેવાય એટલી પ્રેરણા

બાળકો સાથે રહીને હર્ષા મહેતાએ પોતાનો કયો સંકલ્પ પૂરો કર્યો?

મુલુંડમાં રહેતાં મેંદી આર્ટિસ્ટ હર્ષા મહેતાએ ૨૦૧૯માં વજન ઘટાડવાનો સંકલ્પ લીધો હતો. જોકે આ વર્ષે તેમણે ગયા વર્ષ કરતાં થોડી જુદી રીત ગોઠવી હતી. હર્ષા કહે છે, ‘દર વર્ષે હું કંઈક નવું કરવાનું નક્કી કરતી હોઉં છું. ૨૦૧૮માં સ્વિમિંગ શીખી હતી. ૨૦૧૯માં વેઇટ લૉસ ટાર્ગેટ હતો. જોકે રનિંગ, વૉકિંગ બધું કર્યા પછી પણ વેઇટમાં એક ટકાનો ફરક નહોતો પડતો એટલે મેં નવો રસ્તો અજમાવ્યો. મેં મારી સોસાયટીનાં બાળકો સાથે રમવાનું શરૂ કર્યું. બાળકોને જોઉં એટલે મને મારું નાનપણ યાદ આવે. જોકે મારા બાળપણમાં અને આજના બાળપણમાં મુખ્ય ફરક મને દેખાયો હોય તો એ હતો કે આજની જનરેશન રમતી નહોતી. એટલે મેં એક વાર બધાં જ બાળકોને આઇસક્રીમ ખાવા માટે મારા ઘરે ભેગાં કર્યાં. આઇસક્રીમ ખાધા પછી ચાલો આપણે રમીએ કહીને ગ્રાઉન્ડ પર ગયાં. શું કામ રમવું જોઈએ, શું રમવું જેવી વાતો બાળકો સાથે થતી. એ લોકોને મજા પડી ગઈ. હવે તો આખા બિલ્ડિંગમાં હર્ષાઆન્ટી રમવા ચાલોના નારાથી બાળકો હલ્લાબોલ મચાવી દેતાં હોય છે. હું પણ તેમની સાથે લગોરી, ખો-ખો જેવી જાતજાતની પરંપરાગત રમત રમવા માંડી. બાળકોને મજા પડવા માંડી અને હું પણ એકદમ ફ્રેશ થઈ જતી. મારા માટે તો આ સમય સૌથી મોટો સ્ટ્રેસબસ્ટર ટાઇમ થઈ ગયો. અને એની સાથે મારું વજન પણ ઘટવાનું શરૂ થયું. આ વર્ષે મારું પાંચ કિલો વજન કોઈ પણ જાતની ડાયટ કે એક્સ્ટ્રા મહેનત કર્યા વિના માત્ર બાળકો સાથે રમવામાં ઘટી ગયું છે અને ચહેરા પર ગ્લો વધ્યો એ જુદું. એ રીતે બાળકો સાથે સમય પસાર કરવાનું મારું રેઝોલ્યુશન મને ફળ્યું છે.’

બે કોર્સ, ચાર સ્કિલ શીખવાનો અને વીસ બુક વાંચવાનો નિર્ધાર પૂરો કર્યો

પ્રોફેશનથી સાઇકોલૉજિસ્ટ જૈની સાવલા છેલ્લાં કેટલાંક વર્ષોથી રેઝોલ્યુશનને પૂર્ણ કરવામાં સફળ થઈ રહ્યાં હોવાનો દાવો કરે છે એ બાબતે તે કહે છે, ‘મેં વર્ષ ૨૦૧૯ માટે થોડું મુશ્કેલ અને લાંબુંચોડું રેઝોલ્યુશન લઈ લીધું હતું છતાં હું એને પૂર્ણ કરવા માટે મક્કમ હતી. મેં નક્કી કરેલું કે ૨૦૧૯માં હું બે કોર્સ, ચાર નવી સ્કિલ શીખીશ અને ૨૦ બુક વાંચીશ. જોકે મારા આ નિર્ધાર વિશે લોકોને જાણ થઈ ત્યારે તેમને આ રેઝોલ્યુશન કઠણ લાગ્યું, પરંતુ તેઓ મારા નેચરને લઈને માહિતગાર હતા એટલે તેમને ખબર હતી કે હું એ પાર પાડીશ અને ખરેખર હું પૂર્ણ કરી શકી. એના કરતાં પણ વધુ ઉત્સાહની વાત એ છે કે મેં જે બાબત માટે રેઝોલ્યુશન નહોતું લીધું એ કાર્ય કરવામાં પણ હું સફળ રહી હતી. મારે અમુક રકમનું સેવિંગ કરવું હતું તેમ જ શૉપિંગ ખર્ચ પર પણ કાપ મૂકવો હતો એ માટે મેં એક ટાર્ગેટ રાખ્યો હતો અને એમાં મને સફળતા મળી હતી.’ 

તે આગળ કહે છે, ‘મારું માનવું છે કે તમે કોઈ પણ કાર્ય પૂરું કરવા માટે મક્કમ રહો અને અડી રહો તો એમાં તમને સફળતા મળે જ છે. દર વર્ષે જેમ હું મારા કરેલા નિર્ધારને પૂર્ણ કરવામાં સફળ રહું છું તેમ મારા ઉત્સાહમાં પણ વધારો થાય છે એટલું જ નહીં, પરંતુ વધુ ને વધુ કઠણ રેઝોલ્યુશન લેવાની પ્રેરણા પણ મળે છે. ગયા વર્ષની વાત કરું તો મેં ૨૦૧૮ માટે નિર્ધાર લીધો હતો કે હું આખા વર્ષમાં માત્ર ૨૦ જોડી જ કપડાં વાપરીશ. જોકે સ્ત્રી માટે આવું રેઝોલ્યુશન સૌથી અઘરું હોય છે, પરંતુ મેં એ લીધું. મને એમાં સફળતા પણ મળી. રેઝોલ્યુશન થઈ શકે એ માટે મેં મારા મોબાઇલ, ઈ-મેઇલ તેમ જ કૅલેન્ડરમાં એક રિમાઇન્ડર સેટ કરીને રાખ્યું હતું જે મને રોજ યાદ અપાવે કે મારે આજે શું કરવાનું છે. મારી રૂમમાં લૅપટૉપ સાઇઝનું એક બ્લૅકબોર્ડ રાખ્યું છે જેમાં રોજનું લખતી જાઉં છું તેમ જ હું મારા ગોલ્સને વીકલી બેઝિસ પર પૂરા કરવાની ટ્રાય કરું જેથી છેલ્લે પ્રૉબ્લેમ ન આવે. આ રીતે હું ૩૬૫ દિવસની અંદર મારા ગોલ્સ-કમ-રેઝોલ્યુશન પૂરાં કરું છું.’

ઇનસે ના હો પાયા

યોગ પ્રત્યે મને પહેલાંથી થોડી રુચિ છે જ, પરંતુ થોડાં વર્ષ પૂર્વે મને પગમાં ફ્રૅક્ચર થયું હતું જેને લીધે ત્યારે થોડા મહિના શરીરનું બહુ હલનચલન કરી શકતી નહોતી. ફ્રૅક્ચર સારું થઈ ગયા બાદ શરીરને યોગ્ય કાર્યશીલ અને ફરી દોડતું કરવા મેં યોગાભ્યાસ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હું એમ ન કરી શકતાં મેં રેઝોલ્યુશન લઈ લીધું હતું કે આગામી વર્ષે હું યોગાભ્યાસ કરીશ. પરંતુ ઘણાં વર્ષ થઈ ગયાં હોવા છતાં હું એ નિર્ધાર પૂરો કરી શકી નથી. મારા રેઝોલ્યુશનને પૂરું કરવા માટે મેં યોગ ક્લાસ પણ જૉઇન કર્યા હતા. યુટ્યુબ પર યોગના વિડિયો ડાઉનલોડ કર્યા હતા અને રોજ સવારે યોગ કરવા માટે જલદી ઊઠવાનું અલાર્મ પણ મૂકતી હતી, પરંતુ રોજ સવાર થાય અને મને યોગ નહીં કરવાનું કોઈ ને કોઈ બહાનું મળી જતું હતું. આમ આખું વર્ષ નીકળી જતું હતું.

-રુચિ મોદી કક્કડ

ડિલિવરી પછી સ્વાભાવિક રીતે અન્ય મહિલાઓની જેમ મારું વજન પણ વધી ગયું હતું. મારી છોકરી થોડી મોટી થઈ ત્યારથી મેં વજન ઉતારવા પર ફોકસ કર્યું હતું. દર વર્ષે ડિસેમ્બર મહિનામાં નિર્ધાર કરું કે આવતા વર્ષે હું ૧૫ કિલો વજન ઉતારીશ. રોજ એક્સરસાઇઝ કરીશ. ખાવા પર કન્ટ્રોલ કરીશ. પરંતુ શરૂ-શરૂમાં નિયમોનું પાલન થાય અને પછી જૈસે થે વેસે સ્થિતિ પર પાછા આવી જવાય છે. એવું નથી કે મેં કરેલા નિર્ધારને પૂરા કરવા માટે કોઈ પ્રયત્નો નથી કર્યા. હું મારા નિર્ધારને પૂરો કરી શકું એટલા માટે હું દર વર્ષે એક ડાયરી પણ બનાવું છું જેમાં મારે વજન ઉતારવા માટે શું ખાવું, શું ન ખાવું, કેટલી અને કઈ એક્સરસાઇઝ કરવી વગેરે-વગેરે લખી રાખું છું જેને હું વર્ષભર ફૉલો કરી શકું, પરંતુ આખું વર્ષ એને ફૉલો નથી કરી શકતી. છેલ્લાં ત્રણ વર્ષથી મારા રેઝોલ્યુશનને પૂરું કરી શકતી નથી. આગામી વર્ષ માટે પણ મેં ફરી વખત વેઇટલૉસ કરવાનો નિર્ધાર જ લીધો છે. જોઈએ હવે સફળ થવાશે કે નહીં.

- કાજલ વિસરિયા

સાઇકોલૉજિસ્ટ તરલ પારેખે પોતાના એક નહીં પણ પાંચ સંકલ્પ પૂરા કર્યા આ વર્ષે

દાદરમાં રહેતી સાઇકોલૉજિસ્ટ તરલ પારેખનો દરેક વર્ષ અનેક નવા અનુભવોનું ભાથું બની રહે એવો ટાર્ગેટ હોય છે. તરલ કહે છે, ‘દર વર્ષે એક નવી સ્પોર્ટ્સ ઍક્ટિવિટી શીખવાનો મારો ટાર્ગેટ હોય છે. ૨૦૧૯ની પહેલી જાન્યુઆરીએ મેં નક્કી કરેલું કે આ વર્ષે રાઇફલ શૂટિંગ શીખીશ, જે મેં શીખી લીધું. ગયા વર્ષે હું રૉક ક્લાઇમ્બિંગ અને બોલ્ડરિંગ શીખી, જેના માટે ખાસ હૈદરાબાદ ગઈ હતી. હવે ૨૦૨૦માં ગુલમર્ગ જઈને સ્કીઇંગ શીખવાનો પ્લાન છે. મેં નક્કી કર્યું છે કે દર વર્ષે ફિટનેસ માટે, હૉબી માટે, પ્રોફેશનલ ફ્રન્ટ પર અને સોશ્યલ ફ્રન્ટ પર એક ગોલ બનાવવો. જેમ કે દર વર્ષે એક નવો મિત્ર બનાવવો અને તેની સાથે રિયલમાં સંપર્કમાં રહેવાનું. બાર મહિનામાં કમ સે કમ બાર વાર તેને મળ્યા હોવા જોઈએ. ૨૦૧૯માં ઇટલીની પામેલા નામની મારી મિત્ર બની છે અને એકબીજા સાથે આઇડિયા શૅરિંગ વગેરે થાય છે. દર વર્ષે આ જ રીતે એક સોલો ટ્રિપ પર ઊપડી જવાનું. એ ટ્રિપ નૅશનલ કે ઇન્ટરનૅશનલ કોઈ પણ હોઈ શકે. ૨૦૧૯માં હું ટર્કી જઈ આવી. એકલા જવાનું હોય ત્યારે તમે ખૂબ વધારે જવાબદાર બની જતા હો છો. હું કહીશ કે પ્રત્યેક સોલો ટ્રિપ બાદ હું થોડીક વધુ મૅચ્યોર વ્યક્તિ બની છું. આ વર્ષનું ત્રીજું રેઝોલ્યુશન મારી ઑફિસ શિફ્ટ કરીને મારી ઇચ્છા મુજબ એને મોડિફાય કરવી એ ટાસ્ક પણ પૂરો થયો. છેલ્લે મેં ઍનિમલ લવર હોવાને નાતે નક્કી કર્યું હતું કે એમના વેલ્ફેર માટે કંઈક કરવું, જે પણ થઈ ગયું છે. પ્રભાદેવીના લગભગ ૪૦ ઍનિમલ લવર્સે મળીને એક ગ્રુપ બનાવ્યું છે જેના કોઈ નામ કે પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. બસ, માત્ર ઍનિમલ માટે બધાને કંઈક કરવું છે એ કૉમન ગોલ છે. ફિટનેસ ફ્રન્ટ પર મેં જિમ જવાનું નક્કી કર્યું હતું. ટ્રેકિંગ બહુ કરતી હોવાથી મને ઘૂંટણમાં દુખાવો શરૂ થયો હોવાને કારણે ફિટનેસની બધી જ પ્રવૃત્તિ મેં બંધ કરી દીધી હતી. ૨૦૧૯માં મેં જિમમાં જવાનું શરૂ કરવાનું નક્કી કરેલું, જે પણ હવે શરૂ થઈ ગયું છે.’

ન્યુ યર રેઝોલ્યુશન વિશેનો પોતાનો અનુભવ શૅર કરતાં તરલ કહે છે, ‘ન્યુ યર રેઝોલ્યુશન આપણા ફ્યુચર વિશે ક્લૅરિટી આપે છે. મારે ૨૦૧૯માં આટલું તો કરવું જ છે એવું નક્કી કર્યું હોય તો જ હું એને લગતી ઍક્શનની દિશામાં આગળ વધું. ઍટ લીસ્ટ માઇન્ડને ક્લૅરિટી મળે એ માટે પણ બધાએ સંકલ્પ લેવા જોઈએ. એને પૂરા કરવાના પ્રયત્ન કરવા જોઈએ. જો એ પૂરા થાય તો ઠીક અને ન થાય તો પણ તમને ખબર તો પડીને કે શું કરવા યોગ્ય છે?’

વર્ષોથી લેવાઈ રહેલો સંકલ્પ આ વર્ષે તો પાળી જ દેખાડ્યો આ ભાઈએ

ટ્રાન્સપોર્ટેશનનો બિઝનેસ કરતા કશ્યપ ઠક્કર છેલ્લાં ઘણાંય વર્ષોથી વેઇટલૉસ માટે આમ કરીશ અને તેમ કરીશ એવું નક્કી કરતા આવ્યા છે, પરંતુ તેઓ ક્યારેય પાળી નથી શક્યા. કશ્યપભાઈ કહે છે, ‘ગયા વર્ષે તો મેં મક્કમ નિર્ધાર કરી લીધો હતો કે આ વર્ષે તો હું પૂરી નિષ્ઠાથી ડાયટને ફૉલો કરીશ અને વીસથી પચીસ કિલો વજન ઘટાડીશ. પહેલી જાન્યુઆરી, ૨૦૧૯ના લીધેલા નિર્ણયને આજ દિવસ સુધી હું વળગી રહ્યો છું એના માટે મને મારી જાત પર પ્રાઉડ છે. છેલ્લાં ઘણાંય વર્ષોથી ક્રેવિંગને કારણે હું મારું રેઝોલ્યુશન તોડી દેતો. અઠવાડિયું કે પંદર દિવસ માંડ મેં ડાયટ ફૉલો કરી હશે. પણ આ વર્ષ મારા માટે યાદગાર છે અને રહેશે. ૧૧૨ કિલોમાંથી ૯૦ કિલો પર પહોંચવું એ મોટી બાબત છે. જેમ-જેમ ઉંમર વધે એમ આપણે હેલ્થ માટે ગંભીર બનીએ છીએ. જોકે મોટા ભાગે લોકો પોતાની હેલ્થ બગડ્યા પછી જ ગંભીરતા લાવતા હોય છે. જે પામ્યું છે એને કન્ટિન્યુ રાખીશ અને આવનારા સમયમાં હજી દસથી બાર કિલો વજન ઘટાડવાનો ટાર્ગેટ છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK