દીવાર અને હાજી મસ્તાન, આજ... ખુશ તો બહોત હોંગે તુમ

Published: Feb 15, 2020, 13:25 IST | Raj Goswami | Mumbai

બ્લૉકબસ્ટર- ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

અન્ડરવર્લ્ડ પર ફિલ્મો બનાવવાનું ચલણ મૂળતો હૉલીવુડનું છે. માફિયા શબ્દ ઇટાલિયન ‘માફિયુસી’ પરથી આવે છે, જેનો અર્થ થાય છે ‘શેરદિલ’. ગુજરાતીમાં એને ‘ભડનો દીકરો’ કહેવાય. હૉલીવુડમાં ‘ગુડફેલાસ’, ‘ધ બિગ હિટ’, ‘ગૉડફાધર’, ‘સ્કારફેસ’, ‘વન્સ અપૉન અ ટાઇમ ઇન અમેરિકા’ અને ‘કસીનો’ જેવી માફિયા ફિલ્મો બની છે અને જેની અનેક વિદેશી સિનેમાઓમાં નકલ પણ થઈ છે. ભારતમાં સંગઠિત અપરાધની શરૂઆત થઈ ૧૯૪૦થી અને એના ત્રણ ‘સ્થાપકો’ હતા; હાજી મસ્તાન, વરદરાજન મુદાલિયાર અને કરીમ લાલા. આ બધા સ્મગલરો અને ગૅન્ગસ્ટરો હતા. ૮૦ના દાયકામાં દાઉદ ઇબ્રાહિમનો ઉદય થયો અને તે ખરા અર્થમાં ‘માફિયા’ બન્યો. ‘દીવાર’ (૧૯૭૫) માફિયા ફિલ્મ નહોતી, પરંતુ એ પહેલી હિન્દી ફિલ્મ હતી જેના હીરોની પ્રેરણા અસલી ગૅન્ગ લીડર હાજી મસ્તાન પરથી લેવામાં આવી હતી.

હૉલીવુડમાં ‘ગૉડફાધર’ (૧૯૭૨) આવી નહોતી ત્યાં સુધી હાજી મસ્તાન ગૅન્ગસ્ટર તરીકે ઓળખાતો હતો, પણ મારીઓ પુઝોનો ડૉન કોરિલિયન જે રીતે આખી દુનિયામાં પ્રચલિત થઈ ગયો એ પછી દરેક ગૅન્ગસ્ટર પોતાને ડૉન અથવા ગૉડફાધર તરીકે ઓળખાવાનું પસંદ કરતો હતો. પત્રકાર વીર સંઘવીએ એક વાર હાજી મસ્તાનને ‘દીવાર’માં સલીમ-જાવેદે લખેલા તેના ચરિત્ર અંગે પૂછ્યું હતું ત્યારે તેણે કહ્યું હતું, ‘સાલે કો કુછ પતા હી નહીં હૈ.’ મારી દુનિયા ગૉડફાધર જેવી છે એવું મસ્તાને સંઘવીને કહ્યું હતું. પાછળથી ચંદ્ર બારોટે અમિતાભ સાથે ‘ડૉન’નામથી જ ફિલ્મ બનાવી હતી.

‘દીવાર’ ૧૯૬૧માં આવેલી દિલીપકુમારની ‘ગંગા-જમુના’ (જેમાં દિલીપકુમાર ડાકુ બની જાય છે અને તેનો ભાઈ નસીર ખાન પોલીસ-ઑફિસર) અને ૧૯૫૭માં આવેલી મેહબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’ (જેમાં એક આદર્શ મા તેના અપરાધી દીકરાને ગોળીએ દે છે)નું શહેરી સ્વરૂપ હતું. ‘દીવાર’માં બે ભાઈઓ અને મા-દીકરાના આ બન્ને ઍન્ગલ હતા અને એમાં હાજી મસ્તાનનું ચરિત્ર ઉમેરવામાં આવ્યું, જે તેના ગોદી કામદાર તરીકેના દિવસો સુધી મર્યાદિત હતું.

‘રિટન બાય સલીમ-જાવેદ’ નામના પુસ્તકમાં સલીમ ખાન કહે છે, ‘મસ્તાને જ આ ફિલ્મને તેની જીવન-વાર્તા હોવાનો દાવો કરીને પોતાનો મહિમા વધાર્યો હતો.’

અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે વિજયનું પાત્ર આંશિક રીતે હાજી મસ્તાન આધારિત હતું. ‘મેં એક વાર મહાલક્ષ્મી રેસકોર્સ પર હાજી મસ્તાનને જોયો હતો.’ અમિતાભે કહ્યું હતું, ‘તે એકદમ સ્થિર અને સીધી રીતે ટગરટગર જોતો હતો અને મને એ બહુ દિલચસ્પ લાગ્યું હતું. તેની આંખો કાયમ ભીની રહેતી હતી.’

૧૯૨૬માં તામિલનાડુના રામનાથપુરમ નજીકના પનાઈફૂલમ ગામમાં જન્મેલો મસ્તાન હૈદર મિર્ઝા ૧૭ વર્ષની વયે મુંબઈ આવ્યો હતો અને ગોદી કામદાર તરીકે મજૂરી શરૂ કરી હતી. એ વખતે સમુદ્ર મારફત સ્મગલિંગ થતું હતું અને ધીમે-ધીમે હાજીને એની ‘નીતિ-રીતિ’ આવડી ગઈ અને ટ્રાન્ઝિસ્ટર તથા ઘડિયાળોની દાણચોરી શરૂ કરી હતી. માઝગાવ ગોદી પર ત્યારે પઠાણ ગૅન્ગ ગોદી કામદારો પાસેથી ખંડણી ઉઘરાવતી હતી. હાજીએ તેમનો ત્રાસ ઓછો કરવા દસ જણની ટોળકી બનાવીને પઠાણોને મારી-મારીને લોથ કરી નાખ્યા હતા. ‘દીવાર’માં એ કામ વિજય એકલા હાથે કરે છે.

‘ઝંજીર’ (૧૯૭૨)માં ‘વિજય’ના તેવર જોયા પછી સલીમ-જાવેદે અમિતાભને ધ્યાનમાં રાખીને ‘દીવાર’નો રોલ લખ્યો હતો. ચોપડાને જયારે આ સ્ક્રિપ્ટની ખબર પડી ત્યારે તેમણે રાજેશ ખન્ના સાથે આ ફિલ્મ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો (ચોપડાની ડિરેક્ટર તરીકેની પહેલી ફિલ્મ રાજેશ ખન્નાની ‘દાગ’ હતી), પણ સલીમ-જાવેદે અમિતાભનો આગ્રહ રાખ્યો હતો. ‘દીવાર’ના નિર્માતા ગુલશન રાયે ખન્નાને સાઇન પણ કરી નાખ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં ખન્ના કહે છે, ‘સલીમ-જાવેદ સાથે મારે મતભેદો હતા. તેમને અમિતાભને લઈને જ ફિલ્મ કરવી હતી એટલે યશ ચોપડાને સ્ક્રિપ્ટ ન આપી. ‘દીવાર’નાં બે રીલ જોઈને જ મેં કહેલું, વાહ! ક્યા બાત હૈ!’ હાજી મસ્તાનનો મત પણ એવો જ હતો. મસ્તાને ‘દીવાર’ની કહાની સાંભળીને વરિષ્ઠ પત્રકાર અલી પીટર જૉનને ત્યારે કહેલું, ‘મસ્તાન કા રોલ કરને કે વાસ્તે સહી ઍક્ટર ચુના હૈ ઇન લોગોંને. યુસુફભાઈ કે બાદ અગર કોઈ બઢિયા એક્ટર ઇસ દેશ મેં હુઆ હૈ, તો વોહ હૈ અમિતાભ બચ્ચન. વો ઝરૂર મેરે કિરદાર મેં જાન ડાલેગા.’

અમિતાભના ભાઈ તરીકે પહેલાં શત્રુઘ્ન સિંહાનો વિચાર થયો હતો, પણ જાવેદ અખ્તરે શશી કપૂરને એવું કહીને સેકન્ડરી રોલ માટે મનાવ્યા હતા કે તમારે ભાગે એક અમર સંવાદ છે : મેરે પાસ માં હૈ. શશીએ એક લાઇન માટે થઈને અમિતાભથી ઊતરતો રોલ સ્વીકાર્યો હતો.

‘દીવાર’ જૅકપૉટ સાબિત થઈ. જાવેદ અખ્તર અમિતાભને ‘દીવાર’ની સ્ક્રિપ્ટ સંભળાવતા હતા, ત્યારે થોડાં દૃશ્ય પછી વચ્ચે-વચ્ચે બોલે, ‘યે આપકે ૧૫ હફ્તે હો ગએ... યે આપકે ૨૫ હફ્તે હો ગયે.’ અને સ્ક્રિપ્ટ પૂરી કરીને કહ્યું કે ‘યે આપકે ૧૦૦ હફ્તે હો ગએ.’ ‘દીવાર’ પૂરા ભારતનાં સિનેમા થિયેટરોમાં ૧૦૦ સપ્તાહથી વધુ સમય સુધી ‘હાઉસફુલ’ના પાટિયા સાથે ચાલી. ૭૦ અને ૮૦ના દાયકામાં માત્ર ૧૩ ફિલ્મો બની હતી જેનો ભારતની દરેક ટેરિટરીમાં ૧ કરોડનો વકરો થયો હોય. ‘દીવાર’ એમાંથી એક હતી. આ ફિલ્મે હિન્દી ફિલ્મોના હીરોની શકલ બદલી નાખી અને અમિતાભના ઍન્ગ્રી યંગ મૅનની ઍન્ટિ-એસ્ટાબ્લિશમેન્ટ અને ઍન્ટિ-હીરોની ઇમેજને સખત રીતે દર્શકોની ચેતનામાં જડી દીધી.

જાવેદ અખ્તર કહે છે, ‘અમિતજીએ ‘ઝંજીર’માં ઍન્ગ્રી યંગ મૅનનો રોલ કર્યો હતો પણ એના પર સિક્કો વાગ્યો ‘દીવાર’થી. આપણે ‘મધર ઇન્ડિયા’ અને ‘ગંગા-જમુના’માં ઍન્ગ્રી યંગ મૅન (સુનીલ દત્ત અને દિલીપકુમાર)ને જોયો હતો પણ એ બહુ મોળો હતો; કારણ કે એ ફિલ્મોમાં રોમૅન્સ હતો, તમાશો હતો અને ગીતો હતાં. અમિતજીના આવવાથી ઍન્ગ્રી યંગ મૅનને પાંખો આવી, કારણ કે એમાં મોળપણ નહોતું. એની અસર લોકો પર આજેય છે. એ વખતે દેશના લોકોમાં અસંતોષ અને આક્રોશ હતો અને તેમને કોઈ રખેવાળની તલાશ હતી.’

‘દીવાર’માં વિજયના પિતા (સત્યેન કપ્પુ)ના અંતિમ સંસ્કારના દૃશ્યમાં અમિતાભે જ યશ ચોપડાને સૂચન કર્યું હતું કે અગ્નિદાહ આપતી વખતે તે તેના ડાબા હાથમાં અગ્નિ પકડે, જેથી શર્ટની સ્લીવ્ઝ ખેંચાઈને ઉપર ચડે અને દર્શકો હાથ પરનું ટૅટૂ ‘મેરા બાપ ચોર હૈ’ વાંચી શકે. એ અત્યંત પ્રતીકાત્મક દૃશ્ય હતું અને પાવરફુલ સાબિત થયું. ‘દીવાર’ના વિજયમાં અન્યાયનો એટલો ગુસ્સો હતો કે માત્ર એક જ ફાઇટ સીન હોવા છતાં આખી ફિલ્મ ઍક્શન ફિલ્મ કહેવાય છે. એમાં બધી હિંસા વિજયના વિચારો અને લાગણીઓમાં હતી.

‘દીવાર’માં ઘણાં યાદગાર દૃશ્યો અને સંવાદો છે, પણ એમાં મંદિરનું જે દૃશ્ય છે એ અમિતાભ માટે સૌથી અઘરું દૃશ્ય હતું. વિજય નાસ્તિક છે અને હંમેશાં મંદિરનાં પગથિયાં પર બેઠો રહે છે પણ તે નાસ્તિક નથી, બિનસાંપ્રદાયિક છે અને તેની મા અને ભાઈ દર્શન કરવા જાય એનો તેનો વાંધો નથી. અમિતાભે જાવેદ ખાનને કહ્યું હતું કે હું આ સીન નહીં કરી શકું. યશ ચોપડાએ તૈયારી કરવા જોઈએ એટલો સમય લેવા સૂચન કર્યું હતું. અમિતાભ સવારે ૧૧ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી સેટ પર રહ્યો હતો અને વચ્ચે-વચ્ચે મેકઅપ રૂમમાં જઈને અરીસા સામે એનું રિહર્સલ કર્યું હતું. અમિતાભ કહે છે, ‘અમારે સવારે સીન શૂટ કરવાનો હતો, પણ છેક રાત પડે એ કર્યો. બહુ જટિલ સીન હતો. વિજયને ઈશ્વરમાં આસ્થા નથી અને માની બીમારીના કારણે મંદિર જવાની ફરજ પડે છે. મને સમજ પડતી નહોતી કે કેવી રીતે આ સીન કરું. જાવેદસા’બે થોડાક સંકેતો આપ્યા હતા, કારણ કે તેમનેય ખબર નહોતી કે મરતો માણસ શું બોલે.’

આખો દિવસ રાહ જોયા પછી રાતે અમિતાભે એક જ ટેકમાં દસ મિનિટની એ એકોક્તિ કરી હતી. હિન્દી સિનેમાના ઇતિહાસમાં એ દૃશ્ય યાદગાર સબિત થયું. ભારતની ભક્તિ પરંપરાનું સૌથી સશક્ત દૃશ્ય છે જેમાં માત્ર ‘ભક્ત અને ભગવાન’ જ છે; વચ્ચે કોઈ એજન્ટ, કોઈ પૂજારી, કોઈ પુરોહિત કે કોઈ ગુરુ નથી. ઈશ્વર સાથે ‘નાસ્તિક’ વિજયનું એ ડાયરેક્ટ ડાયલિંગ હતું: 

‘આજ... ખુશ તો બહોત હોંગે તુમ. જો આજ તક તુમ્હારે મંદિર કી સીડીયાં નહીં ચઢા, જિસને આજ તક તુમ્હારે સામને સર નહીં ઝુકાયા, જિસને આજ તક કભી તુમ્હારે સામને હાથ નહીં જોડા... વો આજ તુમ્હારે સામને હાથ ફૈલાયે ખડા હૈ.’

મેં એક વાર મહાલક્ષ્મી રેસકોર્સ પર હાજી મસ્તાનને જોયો હતો. તે એકદમ સ્થિર અને ટગરટગર જોતો હતો,  એ મને બહુ દિલચસ્પ લાગ્યું હતું. તેની આંખો કાયમ ભીની રહેતી હતી

- અમિતાભ બચ્ચન

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK