આ બધા ‘જો’ અને ‘તો’ની વચ્ચે

Published: Apr 19, 2020, 19:22 IST | Dr Dinkar Joshi | Mumbai

વધુ મુસીબત તો ત્યારે પેદા થાય છે જ્યારે આ ખૂટેલા ધૈર્યમાં મઝહબ નામનું એક કોરોના જેવું જ ભયાનક પ્રાણી ઘૂસી જાય છે

માનવઇતિહાસનો એક એવો તબક્કો આપણે જીવી રહ્યા છીએ કે એને સૌભાગ્ય કહેવું કે દુર્ભાગ્ય એ જ સમજી શકાતું નથી. `કાલોહયમ નિરવધિ વિપુલા ચ પૃથ્વી’ એવું સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભવભૂતિએ કહ્યું છે એ સાર્થક થઈ રહ્યું હોય એમ લાગે છે. અનંત કાળનો એક એવો તબક્કો આપણે જીવી રહ્યા છીએ કે એની મુલવણી કરવી અઘરી છે. છેલ્લા બેએક મહિનાથી કોરોના નામનો એક અભૂતપૂર્વ મહાકાળનો ખંડ આપણે જોઈ રહ્યા છીએ. આ કાળખંડ ઓસરી ગયા પછી જે સમય પસાર થશે એ દિવસોમાં જેમણે આજનો સમય જોયો હશે, જેઓ બચ્યા હશે તેઓ ભારે મૂલ્યવાન ગણાશે.

મહામૃત્યુ માથા પર ઝળૂંબી રહ્યું હોય એ ક્ષણને સૌભાગ્ય સાથે શી રીતે સાંકળી શકાય એવો પ્રશ્ન સહજ છે. આવો કાળખંડ કોને અને ક્યારે મળે એ મહાપ્રશ્ન છે. આપણા સામર્થ્યને નિકષના પથ્થર પર ઘસીને એનાં કૅરેટ નાણી જોવાની આ પળ છે એમ નથી લાગતું? અસ્તિત્વ ઓગાળી નાખે એવી પળો વારંવાર નથી મળતી. આપણી શક્તિ, મર્યાદા, ઊંચાઈ, નીચાઈ આ બધું આપણે આવી પળે જોઈ શકીએ છીએ. જાતમાંથી જાતને બહાર કાઢીને જાતને જોવાની આ અનેરી ક્ષણ છે. આપણે એકલા રહેવાનું ભૂલી ગયા છીએ. ખરું કહીએ તો પરિવાર સાથે રહેવાનું પણ ભુલાઈ ગયું છે. કે.જી. (હવે એને આપણે બાલમંદિર નથી કહેતા)માં ધકેલી દીધેલા બાળકથી માંડીને સમય પસાર કરવા શિવમંદિરના ઓટલે જઈને બેસનારા વૃદ્ધજન સુધી સૌને પરિવાર સાથે રહેવાનો સમય બચ્યો નહોતો. લૉકડાઉને આ અપૂર્વ અવસર આપ્યો છે. આને સૌભાગ્ય ન કહેવાય? પૂરો દોઢ મહિનો (૬ અઠવાડિયાં) એક જ છાપરા હેઠળ ચોવીસ કલાક જીવ્યા પછી પરિવાર જીવનની નવેસરથી ઓળખાણ થાય એવુંય બને.

અહીં માત્ર એકલા જ નથી રહેવાનું, સાથે પણ રહેવાનું છે, જે વધારે અઘરું છે. જેને આપણે કમ્ફર્ટ ઝોન કહીએ છીએ એ વિસ્તારમાં રહેવું કદાચ આ કાળમાં સંભવિત ન પણ બને. સમાજ જે રીતે વહેંચાયેલો છે એમાં એક ભાગ આ કમ્ફર્ટવિહોણો છે. આ ભાગને પણ તમારા ભર્યા ભાણામાંથી બે વાનગી જતી કરીને કશુંક આપવાનો આ અવસર છે. આપણું માપ આવા સમયે જ નીકળવાનું. બધું છે ત્યારે તો આપણે બરાબર છીએ, પણ આ બધામાંથી કશુંક નથી. કશુંક ઓછું ઉપલબ્ધ છે ત્યારે આપણે ક્યાં અને કેમ છીએ એનું માપ આવો કોરોના-કાળ આપે છે. આવો ગાળો વીત્યા પછી આને આપણે Blessings in disguise પણ કહી શકીએ.

દુનિયાના ૨૦૦માંથી ૧૯૩ જેટલા દેશોમાં આ હાહાકાર વ્યાપેલો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે ૧૦ લાખ જેટલા માણસો આ કહેવાતા રોગની ઝપટમાં આવી ગયા છે. લાખ-સવા લાખ જેટલા કાળનો કોળિયો બની ગયા છે. આ વંચાઈ રહ્યું હશે ત્યારે આ આંકડો ક્યાં પહોંચ્યો હશે એનું અનુમાન કોઈ કરી શકે એમ નથી. અમેરિકા જેવો સૌથી સમૃદ્ધ અને જગત જમાદાર દેશ રોગી કે મૃત્યુ માટેની પથારી કે કબરની પૂરતી વ્યવસ્થા કરી શકતો નથી એવી લીલા સર્જાઈ છે.

આનાથી સાવ સામા છેડે આપણે જે વ્યવસ્થા વચ્ચેથી પસાર થઈ રહ્યા છીએ એના પર નજર ફેરવીએ. કોરોનાનું હોવું એ દુર્ભાગ્ય છે, પણ એના હોવાના સમયે નરેન્દ્ર મોદી જેવા વડા પ્રધાન હોવા એ કંઈ ઓછું સદ્ભાગ્ય ન કહેવાય. જે રીતે વર્તમાન સરકાર આખા દેશની રાજ્ય સરકારો અને જિલ્લા પંચાયતોને પણ સાથે લઈને ઝડપભેર કામકાજ ગોઠવતી જાય છે એને વૈશ્વિક સ્તરે મૂલવતાં બીજે ક્યાંય નથી ગોઠવાયું એવું કહ્યા વિના ચાલે એવું નથી (કહેવું તો ન જોઈએ છતાં કહેવાનું મન રોકાતું નથી. ધારી લો કે આ કટોકટીના તબક્કે નરેન્દ્ર મોદી સિવાય અન્ય કોઈ એટલે કે મનમોહન સિંહ કે રાહુલ ગાંધી વડા પ્રધાન હોત. ઘડીભર કલ્પના કરી જોજો) કે આ કોરોના-કાળમાં અત્યારે, એટલે કે આ લખાઈ રહ્યું છે એ પળે આપણે ઊભા છીએ ત્યાં ઊભા હોત ખરા?

વડા પ્રધાન તેમના સાથીઓ, સરકારી અધિકારીઓ, દેશભરના ડૉક્ટરો અને તબીબી સહાયકો, પ્રસાર માધ્યમો, પોલીસ તંત્રો આ બધાની કામગીરી આપણું માથું નમાવી દે એવી છે. સવાલ એ થાય છે કે એક પ્રજા તરીકે આપણી કામગીરી એને વળતો વહેવાર કરે એવી રહી છે? ડૉક્ટરો પર પથ્થરમારો, નર્સો સાથે અશ્લીલ વર્તન, પોલીસો પર હુમલા, લૉકડાઉનના સમયે પણ એ જ વિસ્તારોમાં ટોળાબંધ મહાલવા નીકળવું આ બધું આપણા માટે શું કહે છે? કોરોના સામે લડી રહેલાં આપણા સૈન્ય અને સાધનોએ જો આ બધાનો સામનો કરવો પડ્યો ન હોત તો આપણી વર્તમાન સ્થિતિ વધુ સારી હોત એમ કહેવાનો ઇનકાર કોણ કરી શકે? તબ્લિગી જમાત કે દેશ સાથે ગદ્દારી કરી રહેલા ‘સ્લીપર સેલ’ જે ૧૯૪૬-’૪૭માં કરી રહ્યા હતા એ જ વર્તન ૨૦૨૦માં કરી રહ્યા છે એની પણ નોંધ લેવી જોઈએ. ઇતિહાસનો આ પદાર્થપાઠ નજર સામે રાખીને ભવિષ્યના સોગઠા ગોઠવવા જોઈએ. બીજા વિશ્વયુદ્ધના સમયગાળામાં પૂરાં પાંચ વર્ષ સુધી જર્મન બૉમ્બરોએ લંડન પર સતત રોજેરોજ બૉમ્બમારો કર્યો હતો. બ્રિટિશ પ્રજાએ આ બૉમ્બમારો રોજની સહજ પ્રવૃત્તિની જેમ સ્વીકારી લીધો હતો. આ દૃષ્ટાંત યાદ રાખવા જેવું છે.

અમેરિકાના ભૂતલમાં ભંડારાયેલી માયા સંસ્કૃતિથી માંડીને નાઇલ, વૉલ્ગા કે સિંધુ અને ગંગા-જમુના નદીઓના કાંઠે ટોચે પહોંચેલી અને સમયાંતરે નામશેષ થઈ ગયેલી સંસ્કૃતિઓના ઇતિહાસનાં પૃષ્ઠો ફેરવીએ છીએ ત્યારે આ કોરોનાની ભયાનકતા હળવી થઈ જાય છે. જૈન પરંપરામાં સંસ્કૃતિઓના આ ઉત્થાન અને પતનને વિશેષ શબ્દોથી ઓળખવામાં આવી છે. ઉત્સર્પિણી એટલે સંસ્કૃતિનો ઉત્થાનકાળ અને અવસર્પિણી એટલે સંસ્કૃતિનો પતનકાળ. જે રીતે માણસના વ્યક્તિગત જીવનમાં ‘દસકાઓ’ બદલાતા રહે છે એ જ રીતે માનવઇતિહાસના ગાળાઓમાં પણ પરિવર્તન આવતાં રહે છે. આ પરિવર્તનની પળ એ માણસના સંસ્કૃતિઘડતરની વડાઈ કે લડાઈ! સંસ્કૃતિ એટલે માત્ર માનવઇતિહાસનું ઉત્થાન જ નહીં, પતન પણ ખરું!

૨૦૨૦ના જે સમયગાળા વચ્ચે આપણે જીવી રહ્યા છીએ એ ગાળાને ૨૧૨૦ કે ૨૨૨૦ની સાલમાં જીવતા માણસો જ્યારે ધરતીના પેટાળમાંથી સંદૂક ખોલશે ત્યારે તેને શું જાણવા મળશે? ૨૦૨૦ને જૈન પરિભાષામાં ઉત્સર્પિણી કહેશે કે અવસર્પિણી કહેશે? આવતી કાલ પર આપણે આજે નજર માંડવી અઘરી છે.

આજે ૨૦૨૦માં અડધી કરતાંય વધુ પૃથ્વી લૉકડાઉન હેઠળ છે. આ લૉકડાઉન શબ્દ કોઈક શબ્દકોશના પારિભાષિક શબ્દ તરીકે શૈક્ષણિક મૂલ્ય ધરાવતો હતો. આજે એ સામાન્ય બોલચાલનો વહેવારિક શબ્દ બની ગયો છે. લૉકડાઉનને મોટા ભાગે તો લોકો હોંશે-હોંશે સાથ આપે છે, પણ આ સાથ ૧૦૦ ટકા સંભવિત પણ નથી. વાંદરા ભરેલું જહાજ એક કાંઠેથી બીજે કાંઠે જતું હોય ત્યારે બધા વાંદરા પાસેથી એકસરખી શિસ્તની અપેક્ષા રાખી શકાતી નથી. એક વાંદરો સુધ્ધાં - હાથ, પગ બાંધેલા હોય ત્યારે પણ મોઢામાં સળી લઈને વહાણને ડુબાડી શકે છે.

લાખો માણસો ઘરબારથી વિખૂટા પડીને બેહાલ ક્યાંક અટવાયેલા છે. તેમના બેટંક ભોજનની પણ પાકી ગોઠવણ રાજ્ય સરકારો અને સાથીદાતાઓ મળીને કરી શકતા નથી. યુરોપે બે યુદ્ધો દરમ્યાન આ યાતનાઓ વેઠી છે. આપણે એ મહામારી વિશે સાંભળ્યું છે, વાંચ્યું છે, જોયું છે. એમાંથી ક્યારેય પસાર નથી થયા. દેશના વિભાજનની ક્ષણે આવી અમાનવીય પળો આપણી વચ્ચે હતી, પણ એ દેશના અમુક વિસ્તારમાં જ ફેલાયેલી હતી. આજે આવા માણસો આ યાતના વચ્ચે જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે તેમનું ધૈર્ય ખૂટે જ એ સ્વાભાવિક છે. વધુ મુસીબત તો ત્યારે પેદા થાય છે જ્યારે આ ખૂટેલા ધૈર્યમાં મઝહબ નામનું એક કોરોના જેવું જ ભયાનક પ્રાણી ઘૂસી જાય છે. બાંદરા રેલવે-સ્ટેશન પર જે ભીડ ભેગી થઈ અને લૉકડાઉનની ઐસીતૈસી કરીને જે દૃશ્યો સર્જાયાં એ રાજ્ય સરકારની વહીવટી નિષ્ફળતા કહો કે કેન્દ્ર સરકારની ગણતરીની? એવો પ્રશ્ન પેદા થાય.

આ બધા વચ્ચે વેટિકનના પોપે તેમના ખ્રિસ્તી અનુયાયીઓને ઈસ્ટરના તહેવારોની ઉજવણી માટે જે સંદેશ આપ્યો છે એ પણ ઘડીક જોવા જેવો છે. પોપે વિશ્વકલ્યાણની વાત નથી કરી, પોપે કોરોનાથી દુનિયામાં જે ભય અને અવ્યવસ્થા વ્યાપી છે એની વાત નથી કરી. પોપે યુરોપના અને માત્ર યુરોપના દેશોને એકજૂથ થઈને આ પળે ઊભા રહેવાની વાત કરી છે. આમાં પોપની નજર સામે લોકકલ્યાણ યુરોપના દેશોનું છે. યુરોપના દેશો એટલે ખ્રિસ્તી પ્રજા એવો અર્થ તારવવા માટે લાંબી બુદ્ધિની જરૂર નથી. ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મહામારીમાંથી ઊગરવા વૈશ્વિક સાથ-સહકારની વાત કરી છે એ યાદ કરવાની જરૂર છે ખરી? અત્યારે તો આ બધા ‘જો’ અને ‘તો’ની વચ્ચે આપણે આકાશમાં આંખ માંડીએ.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK