૧૯૮૦માં મારું પહેલું આલબમ, ૧૯૮૧માં ખઝાનાનો શુભારંભ

Published: 14th October, 2020 15:14 IST | Pankaj Udhas | Mumbai

૧૯૮૦ના દસકામાં મ્યુઝિકનું સ્તર નીચું આવવા માંડ્યું. એ સમયે લક્ષ્‍મીકાંત-પ્યારેલાલનાં ગીતો ખૂબ જ સુંદર અને તેમનું સંગીત ખૂબ પ્રખ્યાત થયું.

પંકજ ઉધાસ
પંકજ ઉધાસ


પહેલા ફેસ્ટિવલમાં હું જ સૌથી નવો, હજી તો ગઝલના ક્ષેત્રમાં પા પા પગલી કરતો હોઉં એવું જ માનો તમે, કારણ કે એવા ધુરંધર ગઝલગાયકો એ પ્રોગ્રામમાં પોતાની ગઝલ રજૂ કરવાના હતા

૧૯૮૦ના દસકામાં મ્યુઝિકનું સ્તર નીચું આવવા માંડ્યું. એ સમયે લક્ષ્‍મીકાંત-પ્યારેલાલનાં ગીતો ખૂબ જ સુંદર અને તેમનું સંગીત ખૂબ પ્રખ્યાત થયું. કલ્યાણજી-આણંદજીનું નામ પણ એટલું જ માનભેર લેવાય, પણ આ બન્ને જોડી સિવાય થોડું સંગીતનું સ્તર નીચું આવ્યું હતું. મદનમોહનના સમયમાં જેવાં સુરીલાં ગીતો બનતાં, જે કર્ણપ્રિય સંગીત બનતું એવું મ્યુઝિક અને એવાં ગીતોની સરખામણીમાં ’૮૦ના દસકામાં સુરીલાં ગીતો ઓછાં બનતાં, જેને લીધે એવું બન્યું કે સંગીતના શોખીનો સારા શબ્દોની પોએટ્રી કે સારી ગાયકી કે પછી કહો કે સારું સંગીત સાંભળી નહોતા શકતા અને એટલે લોકોમાં સારાં ગીતોની એક પ્રકારની તરસ-પ્યાસ હતી. એ પ્યાસને તૃપ્ત કરવાનું કામ ગઝલે કર્યું. ગઝલના સ્વરૂપમાં લોકોને એ સંતોષ મળ્યો જેને માટે તેઓ સૌ બેચેન હતા. ગઝલ થકી સારું સંગીત, સારા શબ્દો, સારી ગાયકી લોકોને મળી. પરિણામ એ આવ્યું કે ’૮૦ના દસકામાં લોકભોગ્ય ગઝલ આવી કે ૬થી ૧૨ મહિનામાં એને માઉથ-ટુ-માઉથ એવી પબ્લિસિટી મળી કે ગઝલ સાંભળનારો વર્ગ ખૂબ વધવા માંડ્યો. લોકો ગઝલનાં આલબમ ખરીદતા થયા. એ સમયે રેકૉર્ડનો જમાનો હતો. લોકો રેકૉર્ડ ખરીદતાં. કૅસેટ નવી-નવી પણ આવી ગઈ હતી. ગઝલની કૅસેટ લોકો હોશભેર ખરીદતા. એક અને બે કૅસેટનાં આલબમ આવતાં. લોકો આલબમ પણ ખુશી-ખુશી ખરીદતા. તમને ગઝલના ક્રેઝની વાત કરું હું. સારામાં સારી કૅસેટનાં કવર બનાવવાની પણ રીતસરની હોડ ચાલતી. મોટી એજન્સી એ કવરનું ડિઝાઇનિંગ કરતી અને એની પાછળ પણ ખૂબ પૈસા ખર્ચવામાં આવતા. આનું કારણ હતું, લોકોનો ગઝલ માટેનો ક્રેઝ. કૅસેટના રેપરમાં બધી ગઝલો આખેઆખી છાપવી એ પ્રથા પણ આ ક્રેઝ વચ્ચે જ શરૂ થઈ હતી.
હું કહીશ કે લોકો ગઝલમય બની ગયા હતા. ગઝલના પ્રોગ્રામ થતા. શરૂઆત એની ઑડિટોરિયમથી થઈ, પણ એ પછી પણ ઑડિયન્સ વધતાં ઓપનૅરમાં પ્રોગ્રામ શરૂ થયા. ખૂબ લોકો ગઝલ સાંભળવા આવતા અને ક્ષમતા હોય એ લોકો ગઝલના આ લાઇવ કાર્યક્રમ માણવા જતા. આ તબક્કો આવવામાં વધારે સમય નહોતો લાગ્યો. ગઝલ પૉપ્યુલર થયા પછી દોઢ-બે વર્ષમાં તો એ પ્રસિદ્ધિની સીડી પર ઉપર ને ઉપર ચડવા લાગી. એક તબક્કો એવો આવી ગયો કે ગઝલ સફળતાના શિખર પર એકદમ ટોચ પર પહોંચી ગઈ, એ શિખર પર જે શિખર પર પહેલાં ફિલ્મ-સંગીત હતું, પણ ફિલ્મ-સંગીતને પાછળ રાખીને ગઝલ આગળ નીકળી ગઈ અને ૧૯૮૪-’૮પના વર્ષ દરમ્યાન તો એવી પરિસ્થિતિ આવી ગઈ જેમાં ફિલ્મ-મ્યુઝિક કરતાં પણ ગઝલનાં આલબમનું વેચાણ વધવા લાગ્યું. અનેક રેકૉર્ડ બન્યા અને અનેક ગઝલ-સિંગર્સ એ તબક્કાને રૂબરૂ માણી શક્યા. ગઝલ નવી ઊંચાઈઓ પામતી ગઈ અને એ ઊંચાઈ પર પહોંચી કે ફિલ્મ-સંગીતમાં પણ ગઝલના સમાવેશ વિશે રીતસર વિચારણા થવા માંડી. અનેક ફિલ્મો એવી બની જેમાં ગઝલને એક પાત્રની જેમ ટ્રીટ કરવામાં આવી હોય તો અનેક ફિલ્મો એવી બની જેમાં ગઝલને કોઈ પણ રીતે દાખલ કરવામાં આવી. હું કહીશ કે એ ફિલ્મ-સંગીતને સાચવી લેવાનો પ્રયાસ હતો, જે જરૂરી પણ હતો.
એ આખો તબક્કો જ એવો હતો કે ગઝલ ટૉપ સુધી પહોંચી અને ફિલ્મ-સંગીતને એણે ક્યાંય પાછળ છોડી દીધું. ૧૯૮૪-’૮પના એ તબક્કામાં ગઝલગાયકીની ધૂમ મચી હતી. એ ફિનોમિનન, એ સચ્ચાઈ અને એ સંજોગો કે પછી કહો કે વાતાવરણ જોઈને આપણે જે મ્યુઝિક-કંપનીઓની વાત કરી એ બે પૈકીની ‘મ્યુઝિક ઇન્ડિયા’ કંપનીએ કંઈક નવું કરવાનું વિચાર્યું. આ ‘મ્યુઝિક ઇન્ડિયા’ કંપનીએ સમયને ધ્યાનમાં રાખીને સરસ માર્કેટિંગ સ્ટ્રૅટેજી વાપરી હતી, એણે ગઝલગાયકોને સાઇડ પર કરી લીધા હતા. પહેલાંના સમયમાં બધા ગઝલગાયકો છૂટા હતા. કોઈ એચએમવી સાથે કામ કરતું તો કોઈ બીજા સાથે તો ત્રીજું કોઈ નવી આવેલી ‘મ્યુઝિક ઇન્ડિયા’ સાથે કામ કરતું અને પોતાનાં આલબમ એ લેબલ નીચે રિલીઝ કરતા, પણ સમયને પારખી ગયેલી ‘મ્યુઝિક ઇન્ડિયા’એ ગઝલની માગણી વધવા માંડી એટલે વધુમાં વધુ ગઝલગાયકોને પોતાની સાથે કરી લીધા હતા. તલત અઝીઝ પહેલાં એચએમવી સાથે હતા, તો રાજેન્દ્ર મહેતાએ પણ એચએમવી સાથે કામ કર્યું હતું, પણ ‘મ્યુઝિક ઇન્ડિયા’એ એ બધા સિંગર્સને પણ પોતાના છત્ર નીચે લઈ લીધા અને ગઝલગાયકોની મોટી ફોજ બનાવી લીધી.
કંઈક નવું કરવાના વિચાર સાથે ‘મ્યુઝિક ઇન્ડિયા’એ મીટિંગો શરૂ કરી અને એ મીટિંગો દરમ્યાન એણે એવું નક્કી કર્યું કે આપણે એક એવો ફેસ્ટિવલ કરીએ જ્યાં ગઝલ અને માત્ર ગઝલગાયકી જ હોય અને ગઝલશોખીનો જ એ માણે. એ સમયે ગઝલના શોખીનોની સંખ્યા વધી ગઈ હતી અને એ સૌ સામે પણ આવી ગયા હતા. મેં તમને આગળ કહ્યું એમ, ગઝલોના પ્રોગ્રામ થતા, લાઇવ શો થતા, જેમાં ઑડિયન્સ આવતું એટલે ગઝલ માટે ફેસ્ટિવલ થાય તો એને રિસ્પૉન્સ સારો મળે એવી શક્યતા ચોક્કસ હતી. ‘મ્યુઝિક ઇન્ડિયા’એ તૈયારીઓ શરૂ કરી અને પેપર-પ્લાનને હકીકતમાં આગળ વધારવાનું ચાલુ કર્યું. નક્કી થયું કે એક કાર્યક્રમ આપણે કરીએ છીએ જેમાં માત્ર ગઝલ ઊજવવામાં આવશે.
૧૯૮૧ની ૧પ ઑગસ્ટ.
મને હજી પણ યાદ છે તારીખ.
મને હજી પણ યાદ છે મારા પિતા કેશુભાઈ ઉધાસ દુર્ભાગ્યવશ બીમાર હતા. તેમને કૅન્સર હતું અને તેમની તબિયત નાજુક હતી. તેમને ભાટિયા હૉસ્પિટલમાં ઍડમિટ કરવામાં આવ્યા હતા અને એ જ સમયે ‘ખઝાના’નું આયોજન થયું હતું. ત્રણ દિવસનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મને એમાં ગાવાનું આમંત્રણ મળ્યું હતું. લાઇનઅપ બહુ લાંબું હતું અને એ નામ જુઓ તો તમે પણ ગદ્ગદ થઈ જાઓ એવાં નામ હતાં. સિનિયર્સનો રીતસરનો જમાવડો હતો, નામ વાંચીને જ સાચે એવું લાગે કે આ ફેસ્ટિવલ છે અને ફેસ્ટિવલમાં જ આ લેવલના સ્ટાર આવ્યા હોય.


ગઝલગાયક રાજેન્દ્ર મહેતા, અહમદ હુસેન-મહમદ હુસેન, ફિલ્મ-મ્યુઝિકમાં પછી મોટું નામ બનાવનારાં અનુરાધા પૌડવાલ, તલત અઝીઝ, ભૂપિન્દર-મિતાલી, અનુપ જલોટા, ચંદનદાસ અને આ જ પ્રકારના લગભગ વીસથી પચીસ સિંગર પહેલાં ‘ખઝાના’માં ભાગ લેવાના હતા. પ્રખ્યાત કવિ હસન કમાલ પણ શોમાં સામેલ હતા. તેમને શોનું સંચાલન સોંપવામાં આવ્યું હતું. હસન કમાલ એટલું મોટું નામ કે તેમના નામથી મુશાયરા ભરાઈ જતા. ઉર્દૂ ભાષા પર તેમનું જબરદસ્ત પ્રભુત્વ અને દરેક ગઝલ પહેલાં તેમનું સંચાલન. એ સંચાલનમાં આવતી શાયરી, શેરો અને હળવાશ સાથે થતી રજૂઆત. લોકોને ખૂબ મજા આવે. એવું કહેવાતું કે હસન કમાલ જ્યાં હાજર હોય ત્યાં ગઝલનુમા વાતાવરણ બની જાય.
૧પ ઑગસ્ટ પહેલો દિવસ હતો આ ફેસ્ટિવલનો અને ૧પ પછી ૧૬મી અને ૧૭મી ઑગસ્ટ એમ ત્રણ દિવસ ‘ખઝાના’ ફેસ્ટિવલ હતો. કાર્યક્રમની શરૂઆત થાય એ પહેલાં હું મારી વાઇફ ફરીદા સાથે ભાટિયા હૉસ્પિટલ ગયો અને મેં પિતાજીના આશીર્વાદ લીધા. માનો કે તેમણે મને એ સમયે મૂક આશીર્વાદ આપ્યા અને કહ્યું કે જા દીકરા, ખૂબ સુંદર ગાજે. પહેલો ‘ખઝાના’ મુંબઈની તાજ હોટેલમાં હતો. હૉસ્પિટલથી નીકળીને હું સીધો તાજ પર આવ્યો. મને યાદ છે એ સમયે મેં ફિયાટ કાર લીધી હતી અને હું એ કાર જાતે ચલાવીને હોટેલ પહોંચ્યો હતો.
હોટેલ પહોંચીને હું સીધો ડ્રેસિંગરૂમમાં ગયો. ભૂપિન્દર સિંહનો હું બહુ મોટો ફૅન, તેમની ખૂબબધી ગઝલો મેં સાંભળી હતી તો તેમનાં ફિલ્મનાં ગીતો પણ મને બહુ ગમે. ડ્રેસિંગરૂમમાં ભૂપિન્દર સિંહ હતા. તેમની સાથે વાતો કરી, આનંદથી તેમને માણ્યા. એવું નક્કી થયું કે બધા કલાકારોમાં પંકજ ઉધાસ નવા કલાકાર છે એટલે આપણે શરૂઆત તેમનાથી કરીએ. વાત સાચી હતી, જે ધુરંધરો ત્યાં હતા એ બધાની સરખામણીએ હું નવો હતો, મારી શરૂઆત હતી. મારું પહેલું આલબમ ૧૯૮૦માં હજી આવ્યું હતું અને આ વાત છે ૧૯૮૧ની. ગઝલના ક્ષેત્રમાં મારી પા પા પગલી જ કહેવાય. મને એવું કહેવામાં આવ્યું કે તમે પહેલાં પ્રોગ્રામ આપશો, આપણે તમારાથી શરૂઆત કરવાની છે.
મેં તૈયારીઓ શરૂ કરી પછી શું થયું એના વિશે અને ‘ખઝાના’ની આગળની વાતો વિશે આપણે વાત કરીશું આવતા બુધવારે...

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK