Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > બીડીબીમાં ૧૦ ટકા સ્ટાફથી કામ અશક્ય

બીડીબીમાં ૧૦ ટકા સ્ટાફથી કામ અશક્ય

07 June, 2020 09:22 AM IST | Mumbai Desk
Prakash Bambhrolia

બીડીબીમાં ૧૦ ટકા સ્ટાફથી કામ અશક્ય

તસવીર સૌજન્ય ફેસબુક

તસવીર સૌજન્ય ફેસબુક


મુંબઈમાં સોમવારથી ઑફિસ ખોલવાની મંજૂરી મળી જવાથી બાંદરા કુર્લા કૉમ્પ્લેકસમાં આવેલા ભારત ડાયમંડ બુર્સ (બીડીબી)માં હીરાના વ્યવસાયની ઑફિસો ૧૦ ટકા સ્ટાફ સાથે ખૂલી જશે. જો કે જ્યાં સમાન્ય સંજોગોમાં દરરોજ ૬૬ હજાર જેટલા લોકો કામ કરતા હોય ત્યાં માત્ર ૧૪ હજાર લોકોથી કામ કેવી રીતે થઈ શકશે એની ચિંતા સૌને થઈ રહી છે. બીડીબીની કમિટીએ જે કંપનીએ લૉકડાઉનના નિયમ પ્રમાણે નામ આપ્યા હશે એ લોકોને જ ઍન્ટ્રી આપવાનો નિર્ણય લીધો છે. બાકીના લોકોના ઍન્ટ્રી કાર્ડ બ્લૉક કરી દેવાયા હોવાથી તેઓ અંદર નહીં આવી શકે એવી વ્યવસ્થા કરાઈ હોવાનું જાણવા મળ્યું હતું.
બીડીબીમાં આવેલી સાત ઇમારતમાં અસંખ્ય નાની-મોટી ઑફિસો આવેલી છે. કીમતી હીરાના કામકાજ માટે દરેક નાની-મોટી ઑફિસમાં કૅબિન હોય છે, જેમાં જગ્યા પ્રમાણે કર્મચારીઓ નજીક નજીક બેસતા હોય છે, એટલે કોરોનાના આજના કાળમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરીને કામ કરવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. બીજું અત્યારે ટ્રેન કે બસ ચાલુ નથી એટલે બીકેસી સુધી જરૂરી કામ કરવા માગતા લોકો પણ પહોંચી નહીં શકે એટલે પણ સોમવારે ઑફિસ ખૂલ્યા બાદ પણ ખૂબ જ ઓછું કામ થવાની શક્યતા જોવાઈ રહી છે.
હીરાબજારના જાણકારોના મતે સોમવારથી બીડીબીમાં ઑફિસો ખૂલી જશે, પરંતુ ૧૦ ટકાના નિયમથી જેમાં સેંકડો-હજારો લોકો કામ કરે છે એવી કંપનીથી લઈને નાનકડી કૅબિનમાં કામકાજ કરતી કંપનીમાં કામ નહીં થઈ શકે. મોટા ભાગના લોકો ઑફિસો ખૂલી રહી છે એટલે માત્ર ખોલવા ખાતર ખોલે એવી શક્યતા વધારે છે.
બીડીબીના પ્રેસિડન્ટ અનુપ મહેતાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારની ગાઇડલાઇન્સ મુજબ અમે અહીં ઑફિસો શરૂ કરવા માટેના નિયમો બનાવ્યા છે. ૨૫૦ ચોરસ ફૂટથી લઈને બીડીબીમાં ૨૦ હજાર ચોરસ ફૂટની કુલ ૨૩૫૧ ઑફિસ છે. અમે ૨૫૦ ફૂટ સુધીની ઑફિસમાં ૨, ૨૫૦થી ૩૦૦ ફૂટની ઑફિસમાં ૩, ૩૦૦થી ૫૦૦ ફૂટની ઑફિસમાં ૫ એમ કરીને ૨૦ હજાર ફૂટની ઑફિસમાં વધુમાં વધુ ૬૪ લોકોને ઍન્ટ્રી આપવામાં આવશે. જો કે નાની કૅબિનમાં કામકાજ કરનારાઓ માટે કામ કરવું મુશ્કેલ બનશે, કારણ કે એમાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થઈ શકે. આશા છે કે દેશભરમાં જેમ પ્રાઇવેટ ઑફિસો ૩૩ ટકા સ્ટાફ સાથે શરૂ કરવાની મંજૂરી અપાઈ છે તેમ મુંબઈમાં ધીમે ધીમે ટકાવારી વધારાશે તો ધીમી ગતિએ પણ હીરાબજારનું કામ આગળ વધશે.’
બીડીબીમાં વિવિધ ડાયમંડ કંપનીઓમાં કામ કરવાની સાથે હીરાની દલાલી કરતા દરરોજ ૬૬,૪૨૦ લોકો જાય છે. ૧૦ ટકાના નિયમને ધ્યાનમાં રાખીને બીડીબીએ ૧૪,૦૧૨ લોકોના પાસ જ બનાવ્યા હોવાથી સોમવારે એમને જ ઍન્ટ્રી અપાશે.

એક મહિનો રફ હીરાની ઇમ્પોર્ટ ન કરવાનો નિર્ણય
કોરોનાના સંકટને ધ્યાનમાં રાખીને કામકાજ બંધ હોવાથી હીરાબજાર ટકી રહે એ માટે એક મહિના સુધી રફ હીરાની ખરીદી ન કરવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે. આ વિશે જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ્સ પ્રમોશન કાઉન્સિલના રિજનલ (ગુજરાત) ચૅરમૅન દિનેશ નાવડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારત ડાયમંડ બુર્સ, સુરત ડાયમંડ બુર્સ, સુરત ડાયમંડ અસોસિએશન અને જેમ્સ ઍન્ડ જ્વેલરી એક્સપોર્ટ્સ કાઉન્સિલે એક મહિના સુધી રફ હીરા ઇમ્પોર્ટ ન કરવાનો સ્વેચ્છાએ નિર્ણય લીધો છે. અત્યારે ભારતમાં દોઢથી બે મિલ્યન ડૉલરના રફ હીરા ભારતમાં છે અને અંદાજે પાંચ મિલ્યન ડૉલરના હીરા પૉલિશ થવાની પાઇપલાઇનમાં છે. જો રફની આયાત કરાય તો ભારતમાં ડાયમંડની માર્કેટ તૂટી જાય. આમ થાય તો હીરાબજાર ખતમ થઈ જાય. આથી જ્યાં સુધી રફ હીરાનું કામકાજ ન થાય અને તૈયાર હીરાની અત્યારે શરૂ થઈ ગયેલી હૉન્ગકૉન્ગ અને યુરોપની માર્કેટમાં એક્સપોર્ટ ન થાય ત્યાં સુધી નવી રફ ઇમ્પોર્ટ ન કરવાનું નક્કી કરાયું છે. બીજું સરકારે અત્યારે ૫૦ ટકાના નિયમથી કામકાજ શરૂ કરવાનું કહ્યું છે એટલે પ્રોડક્શન પણ ઓછું થશે.’



હરેકૃષ્ણ ડાયમંડ્સના સવજી ધોળકિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કારીગરો લૉકડાઉનને કારણે વતન જતા રહ્યા છે. સુરતમાં હીરાનાં કારખાનાં શરૂ થઈ રહ્યાં છે, પરંતુ સૌરાષ્ટ્ર કે બીજા સ્થળેથી જૂજ સુરત આવવાની બસો બંધ હોવાથી અત્યારે જે રફ હીરા છે એને પૉલિશ કરવામાં દિવાળી આવી જશે. આથી પણ રફની આયાત કરવાનો અત્યારે કોઈ અર્થ નથી.’


Whatsapp-channel Whatsapp-channel

07 June, 2020 09:22 AM IST | Mumbai Desk | Prakash Bambhrolia

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK