Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > માતૃભાષાની માહિસ્મતી

માતૃભાષાની માહિસ્મતી

30 August, 2020 07:55 PM IST | Mumbai
Hiten Aanandpara

માતૃભાષાની માહિસ્મતી

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


‘બાહુબલી’માં જે માહિસ્મતી નગરી ઊભી કરવામાં આવી છે એની ભવ્યતાને માતૃભાષા સાથે જોડવી ગમશે. ભાષા વિશે વાત કરવાનો ઉપક્રમ કરવાનું કારણ છે પસાર થયેલી ૨૪ ઑગસ્ટ. નર્મદાશંકર લાલશંકર દવે એટલે કે નર્મદનો આ જન્મદિન વિશ્વ ગુજરાતી દિવસ તરીકે ઊજવવામાં આવે છે. તાજેતરમાં જાહેર થયેલી નવી શિક્ષણનીતિમાં પાંચમા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરવામાં આવી છે. એ અમલમાં મુકાય તો લાખો બાળકો કક્કો શીખશે. સાહિત્યની વાત જવા દઈએ પણ વંચાતી-લખાતી-બોલાતી ભાષાને પીઠબળ મળશે. જૈમિન પાઠક પથિક કહે છે એમ, સરકારનો વિચાર વાસ્તવિકતામાં પરિણમે એવી આશા રાખીએ...
નજર ભીતર કરું, તો ખુદનો સાક્ષાત્કાર થઈ જાયે
અધૂરો રહી ગયો છે, એ પૂરો વ્યવહાર થઈ જાયે
હકીકતની પરિભાષા લખી શકશો તમે ક્યારે?
વિચારો ને સ્વપનમાં જિંદગી તો પાર થઈ જાયે
આપણે ત્યાં શાસ્ત્રમાં શબ્દને બ્રહ્મ કહ્યો છે. એ શબ્દ જો મા પાસેથી મળ્યો હોય તો બ્રહ્મત્વમાં મમત્વનો ઉમેરો થાય. છેલ્લી વસ્તીગણતરી પ્રમાણે મુંબઈમાં૧ લા૪ખની આસપાસ ગુજરાતીઓ છે. મહારાષ્ટ્રમાં વિખેરાયેલા ગુજરાતીઓ ઉમેરીએ તો આંકડો ગુજરાતીઓની વસ્તી ૨૩ લાખની આસપાસ થાય. નોટબુકમાંથી ન જોઈતું પાનું ફાડીએ એમ છેલ્લા અઢી દાયકામાં ગુજરાતી વિષય કોર્સના કૌંશમાંથી બહાર ફેંકાઈ ગયો છે. અનેક ગુજરાતી શાળાઓએ ટકવા માટે અંગ્રેજી આન્ટીના શરણે જવું પડ્યું છે. આર્થિક સમીકરણો આવે ત્યારે આદર્શ ટકાવવા અઘરા પડે. ભાષાપ્રેમીઓની પીડા જિજ્ઞેશ વાળાની પંક્તિઓમાં વાંચી શકાશે...
નથી ચહેરા પર હું આવવા દેતો હસી લઈને
છે કાયમ ભીતરે પીડા તને હું કેમ સમજાવું?
તું ભાષા જાણતી ના હોય તો એ દોષ તારો છે
હજી ટહુકા કરે પીડા તને હું કેમ સમજાવું?
ભાષા શીખીને કરીઅરમાં શું કાંદા કાઢવાના એવી દલીલો ઉપસ્થિત થાય છે. માતૃભાષાની મહત્તા કરતા ગાંધીજીની વાતો કરતાં રૂપિયામાં નોટસ્થ થયેલા ગાંધીજી ચાર ચાસણી ચડી જાય. મલયાલી, મરાઠી કે બંગાળી જેવું ભાષાભિમાન આપણી પાસે નથી એ ફરાળી ચેવડો ખાતાં-ખાતાં સ્વીકારવું પડે. ઉપરાંત આ સ્વીકારમાં શરમનો ભાવ મિસિંગ લાગે તો પણ ચલાવી લેવું પડે. ગાયત્રી ભટ્ટ કહે છે એમ, થોડામાં ઘણું સમજી લેવાનું...
વાતને વાચા મળે તો પણ ઘણું
ભાવને ભાષા મળે તો પણ ઘણું
શોધ મા, ટહુકા નગરમાં શોધ મા
એક બે પીંછાં મળે તો પણ ઘણું
વ્યવહારમાં જે ભાષા કામ લાગે એ શીખી લેવી પડે. ઓમાનમાં રહેતા આપણા ગુજરાતીઓ ત્યાં બોલાતી અરેબિક ભાષા બોલે છે. મહારાષ્ટ્રમાં રહીને ગુજરાતીઓ મરાઠી બોલે છે. ગુજરાતમાં આવતા બિહાર કે અન્ય રાજ્યના અધિકારીઓ ગુજરાતી બોલતાં શીખી જાય છે. ચીનમાં ધંધો કરતા ભારતીય વેપારીઓ કામચલાઉ ત્યાંની ભાષા સમજતા થઈ જાય છે. જે-તે સ્થળે જરૂરિયાત પ્રમાણે ભાષા ખપમાં લેવી પડે. અતિરિક્ત ભાષા શીખવાની વાત જુદી છે, વાત મૂળમાં પેઠેલા શૂળની છે. પ્રવીણ શાહ કહે છે એમ, વાત સમજાવવી સહેલી નથી...
કોઈ કહે એ માનવું અઘરું પડે
મન વગરનું ચાહવું અઘરું પડે
અટપટા અક્ષર અને ભાષા જુદી
જીવતરને વાંચવું અઘરું પડે
શાળાએ ગયેલો બાળક કમસે કમ નરસિંહ મહેતા, નર્મદ, કાકાસાહેબ કાલેલકર, મરીઝ જેવા સર્જકોને જાણે તોય ઘણું. પરેશ રાવલને તો તે આપોઆપ જાણી જશે. ભાષાની સાથે સંસ્કૃતિ પણ મરતી હોય છે. મરીઝ ભાષાની લાક્ષણિકતા બયાં કરે છે...
ઘર બેઠાં જે લખીએ છીએ, સંભળાય છે સૌને
જે જે મુશાયરા છે, એ શાખા અમારી છે
કડવા અનુભવોનું કથન હો મીઠાશથી
એ બોલચાલ અમારી, એ ભાષા અમારી છે
‘ગર્વ સે કહો હમ હિન્દુ હૈ’ કહેવામાંય ઘણા લોકોને કચવાટ થાય છે ત્યારે ગર્વથી ‘અમે ગુજરાતી છીએ’ એવું કહેવામાં કચવાટ થઈ શકે છે. તેમના મનમાં દ્વેષ નથી હોતો, પણ બદલાતી દુનિયા સાથેના મેળ સાધવામાં ભાષા નડતરરૂપ થાય એવો ભય વળગેલો હોય છે. પુસ્તકોને હાથીની અંબાડી પર બિરાજમાન કરી એનું સરઘસ નીકળ્યાનો કિસ્સો આપણે વાંચ્યો છે. એની નેનોતમ આવૃત્તિરૂપે કક્કો લખેલા કૅલેન્ડરને ઘરમંદિરમાં બિરાજમાન કરી એની આરતી થાય તોય ઘણું. પ્રેમને કોઈ ભાષા નથી હોતી, પણ ભાષા પ્રત્યે પ્રેમ જરૂરી છે. મીરા આસિફ પાસેથી સમજીએ...
અજબ છે પ્રેમની ભાષા, તમે સમજો તો સમજાવું
મુલાયમ હૂંફ આપીને, પ્રણયનું ગીત સંભળાવું
સભામાં કોણ આવે છે નવી સોગાત લઈને આજે
કહો તો ફૂલ પથરાવું, કહો તો દીપ પ્રગટાવું
ભાષા જે-તે પ્રકારોમાં પ્રવેશે પછી નવા-નવા સાજ-શણગાર સજતી હોય છે. વાર્તામાં, નિબંધમાં, નવલકથામાં, ગીતમાં, પદમાં, પ્રવચનમાં, ગઝલમાં કે અન્ય કોઈ સ્વરૂપમાં ભાષા નવાં-નવાં ક્લેવર ધારણ કરે છે. સંજુ વાળાની દૃષ્ટિએ ગઝલની બાની જોઈએ...
રૂપ-અરૂપા હે શતરૂપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું જ છલકતા અમિયલ કૃપા ભવ્ય ગઝલ ગુજરાતી
તું કેદારો, તું મંજીરા, તું જ ચદરિયા ઝીની
રે ભજનોની નિત્ય અનુપા ભવ્ય ગઝલ ગુજરાતી
પાંચ ધોરણ સુધીનું પ્રસ્તાવિત પંચામૃત શાળામંદિરમાં પ્રસાદ તરીકે ક્યારે પહોંચે એની રાહ જોઈએ. એકાદ-બે વર્ષમાં આપણી ભાષાદેવીને સમર્પિત સમૂહઆરતીમાં જોડાવાની તક મળે તો સૌ વાચકોને લૉકડાઉન પછી છડેચોક જલેબી-ગાંઠિયાનો આગોતરો જલસો મુબારક. શિક્ષક પ્રણવ પંડ્યાની પંક્તિઓ આજે સમજાશે તો આવતી કાલમાં થોડું તેજ ઉમેરાશે...
ભરું ઘૂંટડા ખોળે ખેલી
મારી મા છે મારી ભાષા
એમ શબ્દને ભજો પ્રણવજી
જૈસી ભક્તિ કરે રૈદાસા
ક્યા બાત હૈ
મારા જીવનનનાં બે પાસાં
મારી મા ને મારી ભાષા!

પરભાષાને જે ધાવે છે
એ બચ્ચાંઓ સદૈવ પ્યાસાં!



પહેલા ખોળાની ગઝલ છે
તું હરખથી વહેંચ પતાસાં!


ગામ ગઝલનું દૂર ઘણેરું
પહોંચ્યો, લાગ્યાં વરસો ખાસ્સાં!

બેની વચ્ચે બે પેઢી છે
એક વૈજયંતી, એક બિપાશા!


હું હવે ટેવાઈ ગયો છું
મોત ના મોકલ મને તું જાસા!

વેન્ટિલેટર પર ભલે હો
એ અમર છે, જીવશે આશા!
- રિષભ મહેતા

Whatsapp-channel Whatsapp-channel

30 August, 2020 07:55 PM IST | Mumbai | Hiten Aanandpara

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK