Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > સપ્તાહના ખાસ > આર્ટિકલ્સ > જૈન દર્શનમાં પર્યાવરણનો મહિમા

જૈન દર્શનમાં પર્યાવરણનો મહિમા

10 November, 2019 11:29 AM IST | Mumbai
Chimanlal Kaladhar

જૈન દર્શનમાં પર્યાવરણનો મહિમા

જૈન દર્શનમાં પર્યાવરણનો મહિમા


જૈન દર્શનમાં પર્યાવરણનો ભારે મહિમા દર્શાવવામાં આવ્યો છે. જૈન દૃષ્ટિએ પર્યાવરણના ત્રણ વિભાગ પાડવામાં આવ્યા છે ઃ
(૧) જૈવિક પર્યાવરણ : જીવમાત્ર બ્રહ્મતુલ્ય છે એથી એનો વિનાશ કરવો જોઈએ નહીં. આ જ અહિંસાનું મૂળસૂત્ર છે અને એથી જ ‘અહિંસા પરમોધર્મ’ની ઉદ્ઘોષણા જૈન દર્શનનો સાર છે, પરંતુ વર્તમાન યુગમાં પોતાના ભૌતિક સુખ અને સમૃદ્ધિ માટે માનવી અતિશય ક્રૂર અને બેરહેમ બન્યો છે. હજારો કતલખાનાંઓમાં લાખો પશુઓ પ્રતિદિન કપાઈ રહ્યાં છે. વૈજ્ઞાનિક પરીક્ષણ માટે લાખો વાંદરા, દેડકા અને અન્ય જીવજંતુઓને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. કુદરતી પશુસંપત્તિના આવા ભયાનક વિનાશથી ન કલ્પી શકાય એવી હાનિ પહોંચી રહી છે. ભગવાન મહાવીરે અહિંસાની સૂક્ષ્મ વ્યાખ્યા આપતાં કહ્યું છે કે...
‘સવ્વે જીવા વિ ઇચ્છંતિ,
જીવિઉં ન મારિજિજ ઉં,
તમ્હા પાણિવહં ઘોરં,
નિગ્ગંથા વજજયંતી ણં.’
અર્થાત્ બધા જીવો જીવવા ઇચ્છે છે. કોઈ જીવ મરવા ઇચ્છતો નથી, એથી નિર્ગ્રંથો ભયંકર એવા પ્રાણીવધનો ત્યાગ કરે છે. વળી ભગવાન મહાવીરે અહિંસાની વધુ સ્પષ્ટતા કરતાં કહ્યું છે...
‘જાવન્તિ લોએ પાણા,
તસ્સા અદુવ થાવરા,
તે જાણમજાણં વા,
ન હણે નો વિ ઘાયએ.’
આ દુનિયામાં જેટલાં ત્રસ પ્રાણી છે અથવા જેટલાં સ્થાવર પ્રાણી છે, જાણતાં કે અજાણતાં તેમને કોઈને હ‍ણવા નહીં, એમ બીજા પાસે હણાવવા પણ નહીં.
માણસે પોતાનાં સુખ-સગવડ માટે બીજાના અસ્તિત્વને મિટાવી દેવાની ભાવનાને દૂર કરવી જોઈએ. આપણી પ્રાણીસૃષ્ટિ વનસ્પતિ જગત અને ખનિજ સંપત્તિ તરફ આપણે અત્યાર સુધી તદ્દન અવિવેકી જ રહ્યા છીએ. આપણે આપણા સ્વાર્થ અને લાલચમાં જગતના પર્યાવરણની આ મહત્ત્વની વસ્તુઓનો જાણ્યે-અજાણ્યે વિનાશ જ કરી રહ્યા છીએ. જગતની સર્વ જીવસૃષ્ટિના રક્ષણ વિના આપણે સુખી કેમ હોઈ શકીએ? સર્વ જીવોને અભયદાન એ જ ભગવાન મહાવીરનો મંગલ સંદેશ છે.
(૨) વનસ્પતિક પર્યાવરણ : આપણાં વૃક્ષો, છોડો, વનરાજી લીલીછમ રહે; ગામ, નગર, ધર્મસ્થળો, પર્વતો વગેરે વનસ્પતિની લીલીછમ હરિયાળી સર્વ જીવોને શાતા અને શાંતિ આપતાં રહે; એનાથી ઉત્પન્ન થતું પ્રસન્નતાનું અનોખું વાતાવરણ જ લોકોને જીવન જીવવાની સાચી શક્તિ પ્રદાન કરી શકે. જૈન સાહિત્યમાં વનસ્પતિ રક્ષાના અનેકાનેક પ્રેરણાત્મક ઉલ્લેખ મળે છે. ઉદાહરણ તરીકે આપણા તીર્થંકર પરમાત્માની દીક્ષા, કેવળજ્ઞાન વગેરે ઘટના મનોહર વૃક્ષની નીચે જ થાય છે. પ્રથમ તીર્થંકર શ્રી આદિનાથ ભગવાન અશોક વૃક્ષ નીચે દીક્ષા લે છે અને એ જ વૃક્ષ નીચે તેમને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. રાયણ વૃક્ષ નીચે તેઓ પ્રવચનની પીયૂષધારા અસ્ખલિત રીતે વહેવડાવે છે. શ્રી શાંતિનાથ ભગવાન નંદી વૃક્ષ નીચે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પાર્શ્વનાથ ભગવાન અશોક વૃક્ષ નીચે દીક્ષા લે છે અને કાદમ્બરી અટવીમાં કમલોથી શોભિત સરોવરના કિનારે ધ્યાન ધરે છે. ભગવાન મહાવીર અશોક વૃક્ષ નીચે દીક્ષા લે છે અને શાલ વૃક્ષ નીચે કેવળજ્ઞાન પામે છે. સારાંશ એ જ છે કે આપણે જો સુખી થવું હોય તો વનસ્પતિજગતને સુરક્ષા બક્ષવી જોઈએ. આ જગતમાં વૃક્ષો-વન-જંગલો કપાતાં અટકે, સરોવરનાં પાણી નિર્મળ રહે, નદીઓ પ્રદૂષિત ન બને, પર્વતો-વૃક્ષો વનરાજીથી આચ્છાદિત રહે અને તો જ આપણે સુરક્ષિત રહી શકીશું. અન્યથા પર્યાવરણના વિનાશ સાથે આપણો પણ વિનાશ થશે જ એમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. આજનું વિજ્ઞાન પણ વૃક્ષો- વનસ્પતિની રક્ષા અને જતન માટે લોકોને સાવધાન રહેવાનું સૂચવે છે. જો વનો અને વનસ્પતિઓનો આમ જ વિનાશ થતો રહેશે તો આ વિશ્વમાં શુદ્ધ હવા અને શુદ્ધ પાણીનો ભયંકર દુષ્કાળ જ પડવાનો છે. આજના વિજ્ઞાનની આ વાત લાખો-કરોડો વર્ષ પહેલાં આપણા તીર્થંકર પરમાત્મા કહી ચૂક્યા છે.
(૩) નૈતિક પર્યાવરણ : મનુષ્યજીવનની સુખની ચાવી તેના નીતિ-ન્યાયપૂર્ણ જીવન પર આધારિત છે. વંદિતા સૂત્રમાં એથી જ સ્પષ્ટ કહેવાયું છે કે કેવા પ્રકારની ન્યાયોચિત લક્ષ્મી ઉપાર્જન કરવી અને કેવી રીતે સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રીભાવના રાખવી. ‘દશવૈકાલિક સૂત્ર’માં અસત્ય, અનીતિ, હિંસા, છળકપટ વગેરેથી મેળવેલી વસ્તુઓનો નિષેધ કરતાં સ્પષ્ટ જણાવાયું છે કે...
‘ચિત્તમંતમ ચિત્તં વા, અપ્પં વા જઈ વા બહું,
દંત સોહણમિત્ત પિ, ઉગ્ગહંસિ અજાઇયા,
તં અપ્પણા ન ગિણ્હંતિ, ના વિ ગિણ્હાવએ વરં,
અન્નં વા ગિણ્હમાણં પિ, નાણુજાણંતિ સંજયા.’
વસ્તુ સજીવ હોય કે નિર્જીવ, થોડી હોય કે વધારે, બીજી વસ્તુઓની બાબતમાં તો શું, પરંતુ દાંત ખોતરવાની સળી જેવી તુચ્છ વસ્તુ પણ એના માલિકને પૂછ્યા વિના સંયમવાળા મનુષ્યો પોતે જાતે લેતા નથી. બીજા પાસે એવી અદત્ત વસ્તુને લેવરાવતા નથી. જો કોઈ એવું લેતો હોય તો તેને સંમતિ પણ આપતા નથી.
પર્યાવરણશુદ્ધિનો આધારસ્તંભ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ એ ચાર ભાવના પર રહ્યો છે અને એટલે જ કહેવાયું છે કે ‘મિત્તીમે સવ્વભુએસુ, વેરં મજઝ ન કેણઇ’ વિશ્વના સર્વ જીવો મારા મિત્ર છે અને કોઈની સાથે મારે વેર કે વિરોધ નથી. જૈન ધર્મમાં પર્યાવરણની શુદ્ધિ માટે ઉપરોક્ત ત્રણ પ્રકારમાં અહિંસા-જીવદયા વનસ્પતિક રક્ષા-જતન અને નીતિ-નિષ્ઠાને સ્પષ્ટ આવરી લેવાયાં છે. આ ત્રણેય પ્રકારો પ્રત્યેક જીવોએ અપનાવી લઈને પોતાના જીવનનું શ્રેય સાધવા આપણા તીર્થંકર પરમાત્માએ વારંવાર ઉપદેશ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

10 November, 2019 11:29 AM IST | Mumbai | Chimanlal Kaladhar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK