શું તમે ઇમોશનલી ફિટ છો?

Published: 27th December, 2012 07:04 IST

જિમમાં જઈને ગમે એટલી કસરત કરો, પણ જ્યાં સુધી તમે ઇમોશનલી ફિટ નહીં હો ત્યાં સુધી એનો ફાયદો નહીં થાયગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી

ટ્રેડમિલ-ફ્રેન્ડ્લી લોકો જેઓ પોતાની ફિટનેસ માટે, મસલ્સ બનાવવા માટે, વજન ઉતારવા માટે હજારો રૂપિયા ખર્ચે છે તેમને ઘણી વાર ખબર નથી હોતી કે જેટલી જરૂરિયાત શારીરિક ફિટનેસની છે તેટલી જ જરૂરિયાત ઇમોશનલ ફિટનેસની પણ છે. જેઓ વજન ઉતારવા માટે જિમમાં જાય છે તેઓ શરૂઆતમાં થોડા કિલો કે થોડા ઇંચનો ફરક અનુભવે છે, પણ વધારે ફાયદો થતો નથી ત્યારે દુખી થઈ જાય છે. તેઓ ફિટનેસના દરેક નિયમ બરાબર પાળે છે, ખાનપાનમાં પણ કાળજી રાખે છે છતાં વજન ઉતારી શકતા નથી તેનું કારણ શું?

આપણું આંતરમન

લેખિકા જેનિસ બર્જર તેમના પુસ્તક ‘ઇમોશનલ ફિટનેસ : ડિસ્કવરિંગ અવર નૅચરલ હિલિંગ પાવર’માં લખે છે, ‘તમે કેટલી પણ કસરત કરો તેનો ફાયદો ત્યાં સુધી નહીં થાય જ્યાં સુધી તમે તમારા આંતરમનની લાગણીઓ જેવી કે ઍન્ગ્ઝાયટી અને તમને તકલીફ આપતા ભાવવિશ્વમાં પ્રવેશતા ડરતા રહેશો. સમાજ નિરંતર આપણી લાગણીઓને અવગણીને આપણી વેદનાને પ્રોત્સાહિત કરે છે. આપણને પજવતા પ્રશ્નો વિષે આપણે વિચારતા નથી કે નથી એ વિષે બીજા સાથે ચર્ચા કરતા. આપણે એ પ્રશ્નોને મનમાં જ ધરબી દઈએ છીએ અને જીવનમાં આગળ વધતા રહીએ છીએ અને આ જ મુખ્ય કારણ છે કે ગમે તેટલો પરસેવો પાડવા છતાં વજનનો કાંટો વધારે વજન જ દર્શાવતો રહે છે.’

જ્યાં સુધી આપણે આંતરમનમાં થતા ફેરફાર નિહાળી નહીં શકીએ એ વિષે વિચારી નહીં શકીએ ત્યાં સુધી આપણે ફિટ રહી શકવાના નથી.

ચિંતા અપરંપાર છે

આપણે ત્યાં કહેવાય છે ‘ચિંતા ચિતા સમાન.’ ખરેખર ચિંતાથી માણસનું મન વ્યગ્ર થઈ જાય છે અને ચિંતાઓનો ક્યાં અંત છે? તમારા પ્રોજેક્ટની ડેડલાઇન આવી ગઈ છે, બૉસ તમારાથી ખુશ હોય તેમ લાગતું નથી, લગ્નની તૈયારી કરવાની છે, તમારાં બાળકો બળવાખોર થઈ ગયાં છે, નવું ઘર લેવાનું છે એને માટે લોનની વ્યવસ્થા કરવાની છે, તમારાં માતા-પિતાની તબિયત કથળતી જાય છે, તમારાં સાસરિયાં તકલીફ આપે છે, તમારો પ્રેમી બેવફા છે... વગેરે... વગેરે. ચિંતાઓનું લાંબું લિસ્ટ છે. વેદના અને ઍન્ગ્ઝાયટી તમારા પર હાવી થઈ જાય છે, પણ તમે તો આ પ્રશ્નોના ઉત્તર શોધવાની શરૂઆત કરતાં પણ ભયભીત થઈ જાઓ છો, કારણ કે તમારા મનને ભય છે કે આવા પ્રશ્નોના ઉત્તર જો નિરાશાજનક હશે તો? તમારી લાગણીઓને છાવરવાથી, તેને ઢાંકી દેવાથી ભવિષ્યમાં સો ટકા મુશ્કેલી સર્જાવાની છે. તેથી જ આપણે ફિટનેસની વ્યાખ્યાને બહોળા અર્થમાં લેવાની જરૂર છે. ફિટનેસ એટલે શારીરિક ફિટનેસ પ્લસ સ્ટ્રેસ સામે લડવાની તમારી માનસિક શક્તિ.

આ વિષે ફિટનેસ અવરનામનું જિમ ચલાવતા નીરવ સંઘવીનું કહેવું છે કે ઇમોશનલ ફિટનેસ એટલે રોજિંદી જિંદગીની જરૂરિયાતોને પહોંચી વળવા ઉપરાંત જીવનની ચડતી-પડતીને સહેલાઈથી પહોંચી વળવાની શક્તિ. શારીરિક શક્તિ ઉપરાંત માનવી પાસે થોડીક વધારે માનસિક શક્તિ હોવી જોઈએ જેને સહારે તે અચાનક, ઓચિંતી અને અનઅપેક્ષિત આવેલી પરિસ્થિતિમાં પણ ટકી શકે.

કેવી રીતે થઈ શકે?


માનસિક રીતે સ્ટ્રૉન્ગ હોવું, ઇમોશનલી ફિટ હોવું એ બોલવામાં કે કહેવામાં આપણને જેટલું સહેલું લાગે છે તેટલું સહેલું તો નથી જ. મુશ્કેલી આવે ત્યારે માણસ મૂંઝાઈ જાય છે. તેની બુદ્ધિ બહેર મારી જાય છે. શું કરવું તેની કોઈ સમજ પડતી નથી. ફક્ત અંધારું જ અંધારું દેખાય છે. તો શું કરવું જોઈએ એ વિષે વાત કરતાં નીરવ સંઘવી કહે છ, ‘તમારા મનની જે પણ લાગણીઓ હોય એને સ્વીકારો. તમારા મનના ઊંડામાં ઊંડા ભયનો સામનો કરો, મુશ્કેલીનો નિર્ભયતાથી સામનો કરો, પરિણામ વિષે નહીં વિચારવાનું, ફક્ત સામનો કરવાનો. જો તમે આમ નહીં કરો તો તમારી શક્તિ વિષે, તમારી સ્ટ્રેન્ગ્થ વિષે તમને ખ્યાલ જ નહીં આવે અને નબળાઈઓ સામે કઈ રીતે કામ લેવું તેનો પણ ખ્યાલ નહીં આવે. અરે, શારીરિક રીતે અતિશય ફિટ ઍથ્લેટ્સ પણ ડિપ્રેશન અને માનસિક બીમારીથી પીડાતા હોય છે. ઇમોશનલ સ્ટ્રેન્ગ્થ વિનાની શારીરિક ફિટનેસ ખાસ કામની નથી. તેથી મારા મંતવ્ય મુજબ જો ઇમોશનલ ફિટનેસની વ્યાખ્યા આપવી હોય તો એમ કહી શકાય કે આપણે જે અનુભવીએ છે અને જે વિચારીએ છે એને પસંદ કરવાની શક્તિ. પરદેશમાં તો ક્યાંક-ક્યાંક એવા જિમ ચાલે છે જ્યાં લોકો પોતાની ખુશીની લાગણીઓને બહાર લાવવા માટે વર્કઆઉટ કરે છે. યુએસમાં ઇમોશનલ ફિટનેસ ઍકૅડેમી ચાલે છે.’

કુદરતી શક્તિ

આપણી જાણીતી અને માનીતી બૉક્સર મૅરી કૉમે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘એક પ્લેયર હોવાને નાતે અમને હકારાત્મક ઇમોશન્સ પસંદ કરવાનું શીખવવામાં આવે છે. આટલાં વર્ષોમાં હું જે કંઈ શીખી છું તેના પરથી કહી શકું છું કે ઇમોશનલ ફિટનેસ એટલે સામથ્ર્ય અને ધૈર્ય.’

આ વાત ફક્ત સ્ર્પોટ્સપર્સન પૂરતી સીમિત નથી. આપણને બધાને આ વાત લાગુ પડે છે. જો આપણે એ વાત સ્વીકારીએ છીએ કે શારીરિક ઈજાને મટાડવાનો હિલિંગ પાવર આપણા શરીર પાસે છે તો આપણે એ વાત પણ સમજી લેવી જોઈએ કે આપણી પાસે ઇમોશનલ ડિસ્ટ્રેસને મટાડવા માટે પણ કુદરતી શક્તિ છે. આપણે એ માટે પ્રયત્ન કરતા ડરીએ છે. ઍથ્લેટ્સને તેમની ટ્રેઇનિંગ દરમ્યાન ઊંડી લાગણીઓ જેવી કે ડર, ક્રોધ, ગુનાહિત ભાવ, આશ્ચર્ય, ઉદાસી, ખુશી અને રસ વગેરે પર કન્ટ્રોલ કરતા શીખવવામાં આવે છે. સવારે ઊઠતાવેંત જ તમારી જાતને એક પ્રશ્ન પૂછો - શું તમે તમારા તીર અને કમાન સાથે જીવનસંગ્રામ લડવા તૈયાર છો? અને પછી પણ દિવસના અંતે તમારામાં શક્તિ બચે છે? જો જવાબ ના હોય તો આજથી જ ટ્રેઇનિંગની શરૂઆત કરો.

ઇમોશનલ જિમ

ઇમોશનલ જિમમાં તમારે કેવી ટ્રેઇનિંગ લેવાની છે - સવારમાં ૧૦ મિનિટ માનસિક જૉગિંગથી શરૂઆત કરો. વિચારોના ટોળાને તમારા મગજમાં જમા થવા દો. કોઈ વાતની ઉતાવળ ન કરો. હકારાત્મક લાગણીઓને માનસિક ચક્ષુ વડે નિહાળો. હસો, રિલૅક્સ થાઓ, મેડિટેશન કરો. રોજ પંદર મિનિટ ઊંડા શ્વાસોચ્છ્વાસ લો. તમારા મગજને ભૂતકાળના અણગમતા પ્રસંગમાં ઘસડાતું અટકાવો. ભૂતકાળને ભૂલી જાઓ અને ભવિષ્યની ચિંતા કરવાનું ટાળો. હા, દિવાસ્વપ્ન જોવાની છૂટ છે પણ સંયમિત સ્વપ્નો કે જે પૂર્ણ થવાની શક્યતા હોય. આત્મવિશ્વાસ વધારવા માટે કોઈક સર્જનાત્મક પ્રૉબ્લેમ સૉલ્વિંગ કસરતનો પ્રયોગ પણ કરી શકાય. દરરોજ તમારી પાસે જે છે તેની નોંધ લો અને તેની પ્રશંસા કરો અને તમારી આજુબાજુ રહેલા સૌંદર્યનું પાન કરો. હંમેશાં ઑપ્ટિમિસ્ટ રહો. તમે શું કરી શકો છો તેના પર ફોકસ કરો અને હકારાત્મક પરિણામની અપેક્ષા કરો.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK